Friday, April 26, 2024
Homeમનોમથંનનવી શિક્ષણનીતિ ૨૦૨૦ અને શાળા શિક્ષણ

નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અને શાળા શિક્ષણ

પ્રથમ દૃષ્ટિ એ વ્યક્તિગત વિકાસનું માધ્યમ દૃશ્યમાન થતી શિક્ષણ વ્યવસ્થા એ ખરેખર તો સામાજિક માળખા અને સામાજિક સંવિધાનની રચનાનું પ્રાથમિક સાધન છે. આ સામજિક સંવિધાનનો મૂળભૂત આધાર જનમાનસની માન્યતા, માનસિકતા અને વૃત્તિ અને અભિગમનું પ્રતિબિંબ હોઈ છે. કોઈ પણ દેશની રાજકીય, સામજિક, આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય બાબતોને આવરી લઈને બનતી સામૂહિક જીવન-વ્યવસ્થા જે કાનૂની બંધારણ થકી ચલાવવામાં આવે છે તેની સફળતા મૂળભૂત રીતે ત્યાં વસતા સમુદાયોના સામજિક સમન્વય અને સહકાર ઉપર રહેલો છે. આ ત્યારે જ સફળતાપૂર્વક શક્ય બને છે જ્યારે ન્યાય અને સમાનતા આધારિત માનવમુલ્યોને સામન્ય જનની મનોવૃત્તિના કેન્દ્રસ્થાને પ્રસ્થાપિત કરી દેવામાં આવે. જે માટે તે મુજબની શિક્ષણ નીતિ અને તેના આધારે આખી શિક્ષણ વ્યવસ્થાને સ્વરૂપ આપવું અનિવાર્ય થઈ જાય છે.

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા NEP-૨૦૨૦ના નામથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશ સામે મૂકવામાં આવી છે. કોઈ પણ દેશની શિક્ષણ નીતિનો દસ્તાવેજ એ આજ સુધીની શૈક્ષણિક સફર અને તેમાંની સિદ્ધિઓ અને ઉણપો તથા ક્ષતિઓનો પરોક્ષ એકરાર હોઈ છે, વર્તમાન પરિસ્થિતિનું પ્રતિબિંબ હોઈ છે અને ભવિષ્યના સમાજ અને દેશ તથા વિશ્વ માટે એક મિલના પથ્થર કે માર્ગસૂચક તરીકે કામ કરે છે. લોકશાહીની સાચી વ્યાખ્યા અને વ્યાયવસ્થામાં દેશના ભવિષ્યના ઘડતરમાં સામન્યમાં સામન્ય વ્યક્તિના સુચનો અને મંતવ્યોને સ્થાન હોઈ છે જેથી દરેકને પોતાના સ્વપ્નોનું વિશ્વ ઘડવા માટેની પ્રેરણા અને ઉત્સાહ બાકી રહે. એટલે જ કદાચ વર્તમાન સરકારે શિક્ષણ નીતિ બનાવવાની પ્રક્રિયામાં સામન્ય માણસના અભિપ્રાયો મંગાવ્યા હશે. કહેવાય છે કે ૨૫૦૦૦૦ ગ્રામ પંચાયતોમાં થી ૨૦૦૦૦૦ અભિપ્રાયો આવ્યા હતા. એ ચર્ચાનો વિષય છે કે તેમાંથી કેટલા ઉપર ધ્યાન અપાયું હશે. આ એટલા માટે કહેવું પડે છે કે આજ સરકારે લોકશાહી પ્રક્રિયામાં પાયો ગણાય એવી સંસદસભાઓમાં આ શિક્ષણ નીતિની કોઈ ચર્ચા જ ના કરી. કદાચ લોકભાગીદારીનું અને લોકશાહીનું આ નવું કેન્દ્રીયકૃત સ્વરૂપ હોઈ શકે જ્યાં લોકપ્રતિનિધિઓની જરૂરત જ ના વર્તાય અને લોકો સીધા કેન્દ્ર સરકાર સાથે સીધો સંવાદ કરે. કદાચ સરકારની ભાવના એવી હોઈ શકે કે સારા દિવસો( અચ્છે દિન) એમ કાઈ જૂની પધ્ધતિઓ ને બદલ્યા વગર આવતા હશે વળી?

જેમને એમ લાગતું હોય કે આ પધ્ધતિ યોગ્ય નથી અને લોકશાહીની જુનવાણી પધ્ધતિ બાકી રહેવી જોઈએ તેમના માટે પણ હજુ છેલ્લા છેલ્લા દરવાજા ખુલ્લા છે. આ હજુ નીતિ છે કોઈ કાર્યક્રમ, કાયદો કે માળખું નથી જેથી તેના અમલીકરણ પહેલા પોતાનાથી બનતા પ્રયત્નો કરી લે જેથી ભવિષ્યના ભારતમાં ન્યાય, સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી બાકી રહે તેવી શિક્ષા નીતિ અને શિક્ષણ વ્યવસ્થાને કાયમ રાખી શકાય. નહીતો કદાચ એવું થાય કે આ શિક્ષણ નીતિ જેમની તેમ અમલમાં આવી જાય તો ભવિષ્યમાં લોકભાગીદારીની સાચી અવસ્થા કદાચ એ રીતે બાકી ના રહે જેવી ધારણા આપણે કરી ને બેઠા છીએ. કેમ કે તે પછી તૈયાર થતી શિક્ષણીક વ્યવસ્થા માં થી તૈયાર થતો સમાજ કદાચ સત્તા ના કેન્દ્રીય કરણમાં વધુ વિશ્વાસ ધરાવતો બની શકે છે . સમય આજે છે તેથી જાગૃત આજે થવું પાડશે જેથી ભવિષ્યને આશાસ્પદ રાખી શકાય. કેમકે કહેવાય છે કે આ શિક્ષણ નીતિના ઘડતરમાં નામ પૂરતું હોઈ તોયે ૭૫ સાંસદસભ્યોએ ભાગ લીધો ખરો. હા એ અલગ વાત છે કે કુલ સાંસદોની સંખ્યા ૮૦૦ની આસપાસ છે. પરંતુ કાલે એટલાંને પણ મોકો ના મળે.

નીતિ એ નકશો છે જેના આધારે તૈયાર થવા વાળું બંધારણીય માળખું એક ઈમારત છે. જો તમે ઈચ્છતા હોવ કે ઈમારત ખૂબ સુંદર બને, તેમાં હવા ઉજાસ હોઈ, મોકળાશ હોઈ, દરેક માટે યોગ્ય સહુલત અને અવકાશ હોઈ તો તે માટે નકશાનો અભ્યાસ કરવો અનિવાર્ય થઈ જાય છે અને નકશામાં જ કોઈ ભૂલ જણાય અથવા વધુ સારો બનાવી શકવાની શક્યતા જણાય તો તે માટે પ્રયત્ન કરવો જોઈએ. ઈમારત તૈયાર થઈ ગયા પછી તેમાં ફેરફાર કરવો કે તેમાં ખોટું થઈ ગયેલા માં સુધારો કરવો એ એક બહુ કઠિન અને મુશ્કેલ કામ છે. એટલે આજે આ શિક્ષણ નીતિનો વ્યવસ્થિત અભ્યાસ કરી દરેક સમુદાય અને વ્યક્તિગત રીતે સૌ પોતાની ભૂમિકા અદા કરે.

૩૪ વર્ષ પછી આ નવી શિક્ષણ નીતિ આપણી સમક્ષ ફરી પ્રસ્તુત કરવામાં આવી છે. આ પહેલા સ્વતંત્ર ભારત માં ૧૯૬૮માં અને ૧૯૮૬માં લાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૯૨માં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. ૧૯૬૮ પહેલા કોઈ નીતિ દસ્તાવેજ પ્રસ્તુત ના થયો હોઈ છતાં તે સમયમાં પણ શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામો થાય હતા. દેશના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના આઝાદ દ્વારા University Grant Commission (UGC) , All India Council for Technical Education ( AICTE) તથા IIT‌ અને અન્ય શિક્ષણ સંસ્થાનોની સ્થાપના એ તે સમયની સિદ્ધિઓમાંથી છે જેને ભારતને વિશ્વસ્તરે નામના મેળવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

મૂળભૂત રીતે આ શિક્ષણ નીતિના દસ્તાવેજમાં શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, શિક્ષણમાં અન્ય ધ્યાન આપવા જેવી બાબતો અને તેના અમલીકરણ જેવી બાબતો સામેલ છે. નવી શિક્ષણ નીતિ બનાવવા માટે ની પ્રથમ કમિટી ‘The Committee for Evolution of New Education Policy’ના નામ સાથે શ્રી T.S.R Subramaniyamના ચેરમેન પદે ઓક્ટોબર ૨૦૧૫માં નિયુક્ત થઈ હતી જેને ૭ મે ૨૦૧૬ના રોજ પોતાનો રીપોર્ટ પ્રસ્તુત કર્યો હતો પરંતુ કોઈક કારણસર તેનાથી લોકો સુધી તેની વિસ્તૃત જાણકારી પહોંચી નહિ. ત્યારબાદ જૂન ૨૦૧૭માં’Committee for the Draft National Education Policy’ શ્રી K.Kasturiranganના નેજા હેઠળ બની જેને ૩૧ મે ૨૦૧૯ ના રોજ તૈયાર કરેલો મુસદ્દો જમા કરાવ્યો જે આજે આપણી સમક્ષ છે.

NEPના આ મુસદ્દામાં શબ્દોનું ચયન, ભાષાની અભિવ્યક્તિ, મૂલ્યો અને સિદ્ધાંતોનું વર્ણન અને ઉદ્દેશ્યોની ઉપલબ્ધિનો નકશાને એવી રીતે મૂકવામાં આવ્યો છે કે પ્રથમ દૃષ્ટિ એ અભિભૂત કરી નાખે. બસ હથેળીમાં ચાંદ બતાવી દેવાની કળાના આપણે ફરીથી શિકાર ના થઈ જઈએ તે આપણે જોવાનું છે. હકીકત એ છે કે વર્ષોથી જૂઠાણા, ખોટા વાયદાઓ, ભ્રષ્ટાચાર અને ફક્ત કાગળો ઉપર રહેતી સ્કીમોમાં જીવતા સમાજને આ દસ્તાવેજ કોઈ કલ્પનકથા કે સ્વપ્નસૃષ્ટિ લાગે તો એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આ એટલા માટે કે ખૂબ મહત્વકાંક્ષી એવી આં શિક્ષણ નીતિ માટે જે બજેટ જોઈએ તે જીડીપીના ૮ કે ૧૦ ટકા જેટલું છે. તેની સામે જે બજેટ ફાળવવાની વાત થઈ છે તે જીડીપીના ૬ ટકા છે. આટલું પણ ફાળવાય જાય તો જગ જીત્યા કેમકે આટલું ખર્ચ કરવાની વાતો તો કેટલાય વર્ષોથી થઈ રહી છે. પરંતુ આટલા વર્ષો પછી પણ કેન્દ્રને રાજ્ય સરકારોનું જે બજેટ શિક્ષણ પાછળ જે બજેટ ખર્ચાઈ છે તે મહત્તમ ૪.૧ ટકા થી વધુ નથી .

આ ઉપરાંત બહુત સચેત રહીને મોહિત કરી દેનારી શબ્દોની માયાજાળમાં છુપાયેલ ગૂઢ સંદેશો અને હેતુ ને જોવા અને જાણવા પડશે જેથી ‘રાંડ્યા પછીનું ડહાપણ’ જેવી પરિસ્થિતિ ના સર્જાય જાય. કેમકે બિનસાંપ્રદાયિક લોકશાહી એવા આપણા દેશની શિક્ષણ નીતિમાં બંધારણીય મૂલ્યો જેવા કે બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, ન્યાય, ભાતૃભાવ જેવા મૂલ્યો ને જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી. તેની સામે પ્રાચીન ભારતના મૂલ્યો અને સિદ્ધાંતો તથા ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણ વ્યવસ્થાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની જ્યારે વાત થાય છે ત્યારે કઈ સંસ્કૃતિ વિશે કહેવામાં આવી રહ્યું છે તે બાબતે કોઈ ખુલાસો નથી. બંધારણે જેને સ્વીકાર્યું છે તે ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ કે પછી ચોક્કસ વિચારધારાને આધીન કોઈ વિશેષ સાંસ્કૃતિક પરંપરાને શિક્ષણ વ્યવસ્થા દ્વારા પ્રસ્થાપિત કરાશે તે જોવું રહ્યું. ફક્ત પ્રાચીન ભારતની વાત કરીને અને મધ્યકાલીન ભારત તથા સ્વતંત્ર ભારતના આજ સુધીની ઉપલબ્ધિઓ અને ઇતિહાસના અભ્યાસને નજરઅંદાઝ કરવાનો અભિગમ પણ પક્ષપાત ભરેલો લાગી આવે છે. અને જો આજ અભિગમ નીતિ આધારિત ભવિષ્યના બનવા વાળા માળખામાં પણ હશે તો દસ્તાવેજી શબ્દોની સુંદરતા એ વાસ્તવિક જીવનમાં પ્રતિપાદિત નહિ થઈ શકે.

આ પોલિસીનો અભ્યાસ કરીએ તો શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે મુખ્ય વિભાગ છે. શાળા શિક્ષણને મુખ્યત્વે ૮ પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. શાળા શિક્ષણ બાબતે પોલિસીનો અભ્યાસ કરતા ઘણી અદભૂત બાબતો જોવા મળે છે તે જ રીતે કેટલીક બાબતો ખૂબ ગંભીર પણ છે. અહીંયા તેનું વિસ્તૃત વિવરણ કરવું શક્ય નથી પરંતુ કેટલીક બાબતો ધ્યાન માંગી લે તેવી છે.

સૌથી પહેલી વાત જે આ પોલિસીમાં કરવામાં આવી છે તે બહુ શરૂઆતની બાલ્યાવસ્થામાં પાયાનું અક્ષરજ્ઞાન અને અંકગણિત મજબૂત બનાવવાની વાત છે. EARLY CHILDHOOD CARE AND EDUCATION (ECCE) હેઠળ તૈયાર કરવામાં આવેલી આં નીતિ એ ખરેખર ખૂબ સરાહનિય છે. ૨૦૨૫ સુધીમાં બધા બાળકો નો આં પાયો મજબૂત થઈ જાય તેવો લક્ષ્ય બનાવવામાં આવ્યો છે. હવે તેના અમલીકરણ માટે જે સાધનોનો ઉપયોગ કરવાનો છે તે મુખ્યત્વે આંગણવાડી અને પ્રી-પ્રાઈમરી શાળાઓ છે. આપણે જાણીએ છીએ કે બાળક આ અવસ્થામાં ખૂબ નાજુક હોઈ છે અને તેના સાથે શીખવા માટેનો વ્યવહાર ખૂબ સૂક્ષ્મ બાબતોનું જ્ઞાન માંગી લે છે. સરકાર હેઠળ ચાલતા આંગણવાડી કેન્દ્રોમાં આ નીતિના અમલીકરણ માટે આંગણવાડી કાર્યકરોને કામ સોંપવામાં આવશે. ૧૦ ૨ શિક્ષણ મેળવેલ આંગણવાડી કાર્યકર માટે ૬ મહિના નો સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવશે અને તેનાથી ઓછું શિક્ષણ મેળવેલ આંગણવાડી કાર્યકર ને ૧ વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરાવવાની વાત કરાવવામાં આવી છે. તેજ રીતે પ્રાઇવેટ પ્રિ-પ્રાઈમરી શાળાઓમાં શિક્ષકોની ભરતી અને ટ્રેનિંગ વિશે વધુ કઈ કહેવાની જરૂર નથી. હવે આટલા મહત્વકાંક્ષી અને ખરેખર ફળદાયી કહેવાય એવી નીતિના અમલીકરણ માટેની પ્રાથમિક તૈયારી આટલી નબળી હોઈ ત્યારે આપણે કેટલા અંશે આશાઓ સેવી શકીએ? ખૂબ લાંબા ગાળે વિશેષ તાલીમ પામેલા educatorsનું પ્રાવધાન કરવા માટેની વ્યવસ્થા ઉપર વાત કરી છે પણ તે માટે ૨૦૩૦ સુધીની વાતો છે. તે જ પ્રમાણે દરેક ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર બાળકને ત્રણ મહિનાની તૈયારી કરાવી ને તે ધોરણ ૧ માટે સક્ષમ થઈ જાય તેની વાત છે. ઉપરાંત ૨૦૨૫ સુધીમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને ભાષા અને ગણિતના વિષયો ઉપર વિવિધ પધ્ધતિઓ વડે વધુ ધ્યાન કેન્દ્રિત કરી પાયો મજબૂત કરવા ની પણ વાત છે.

Peer educators એટલે કે બાળક દ્વારા બાળકને ભણાવવાની વાત છે જે શિક્ષક ની દેખરેખ હેઠળ થશે. ખૂબ સરસ વિચાર છે જેને અમલમાં મૂકવાની પ્રક્રિયા ઘણું મોટું કામ માંગી લે છે. તેજ પ્રમાણે education volunteersની વાત પોલિસીમાં કરવામાં આવી છે જેમાં સમાજના શિક્ષિત વ્યક્તિઓ જે વિષયમાં નિપુણતા ધરાવતા હોઈ તે માટે પોતાની આવડત અને સમયનું સ્વૈચ્છિક અનુદાન આપી સમાજસેવા માટે તૈયાર થાય તેવી વાત છે. આ volunteersના ચયનની પ્રક્રિયા અને તેમાં કોઈક ચોક્કસ વિચારસરણીને માનવાવાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે કેમ તે ધ્યાન આપવા જેવી બાબત છે.

શાળાના અભ્યાસક્રમ અને શિક્ષણ પધ્ધતિ ને ૫ ૩ ૩ ૪ મુજબ ઘડવાની નીતિ વિશે ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ ચરણમાં ૩ થી ૮ વર્ષના બાળકો જેમાં પ્રી-પ્રાઈમરી ઉપરાંત ધોરણ ૨ સુધીનો સમાવેશ થાય છે. ત્યારબાદ ૮ થી ૧૧ વર્ષ જેમાં ધોરણ ૩ થી ૫ ના બાળકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ના ૧૧ થી ૧૪ વર્ષના બાળકો કે જેઓ ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરશે અને છેલ્લે ૧૪ થી ૧૮ વર્ષના બાળકો કે જેઓ ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરશે. આ મુજબના ચાર ચરણમાં વહેંચીને શિક્ષણ પ્રક્રિયા અને અભ્યાસક્રમ ચલાવવાની નીતિ ખૂબ સરાહનિય છે પરંતુ તે માટે એક સંપૂર્ણ પરિવર્તન માંગી લેશે જે એક ભગીરથ કાર્ય છે. તેમાંય વળી ધોરણ ૫ સુધી અભ્યાસક્રમ ને માતૃભાષામાં ચલાવવાની વાત છે જે માટે દરેક ભારતીય ભાષામાં અભ્યાસક્રમની ઉપલબ્ધિ પણ એક બહુ મોટું કામ છે.

ભાષાઓની જ્યારે વાત આવી છે ત્યારે આ શિક્ષણ નીતિમાં ધોરણ પાંચ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત છે. પ્રથમ નજરે યોગ્ય લાગતી નીતિના અમલીકરણથી આજકાલના વૈશ્વિકરણના યુગમાં વિવિધ જ્ઞાન અને વિજ્ઞાનની વિસ્તૃત વિષયવસ્તુ બાળકને તેની માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવી પડશે નહીતો અહીંયા આ બાળકો વિશ્વ સાથે તાલથી તાલ મેળવીને આગળ નહિ વધી શકે. બાળકોને પ્રી-પ્રાઈમરીથી જ ત્રણ અથવા તેથી વધુ ભાષા શીખે તેવો બહુભાષી અભિગમની વાત પોલિસીમાં કરવામાં આવી છે. ત્રણ ભાષા શીખનાર બાળકને ધોરણ ૬ પછી બાળક પોતાની રીતે તે ભાષાઓના ચયનમાં ફેરફાર કરી શકે છે. ઉપરના ધોરણમાં વિજ્ઞાનના અને ગણિત વિષયો માટે દ્વિભાષી પધ્ધતિ પણ અપનાવવાની વાત છે. આમ નીતિ પ્રમાણે સરકાર ચોક્કસ શું કરવા માંગે છે તે સમજવા માટે હજુ કદાચ તેના અમલીકરણની પ્રક્રિયા સુધી સતર્ક થઈ ને જોતા રહેવું પડે. શાળા શિક્ષણ તથા ઉચ્ચ અભ્યાસક્રમના દરેક સ્તરે સંસ્કૃત ભાષાની વિષય તરીકે પસંદ કરી તે શીખી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્કૃત ઉપરાંત અન્ય આઠ ભાષા જેવી કે તમિલ, તેલુગુ, કન્નડ ,મલયાલમ ઉડિયા, પરશિયન, અને પ્રક્રીત જેવી ભાષાઓ પણ વિધાર્થી સિખે તેના માટેના પ્રાવધાનની વાત પોલિસીમાં કરવામાં આવી છે. હવે અહીંયા જે ઓરમાયું વર્તન ઉર્દૂ ભાષા સાથે કરવામાં આવ્યુ છે તે ગંભીર બાબત છે. દેશમાં ૭માં ક્રમાંકે બોલાતી આ ભાષાનો ક્યાંય ઉલ્લેખ નથી. જે સરકારની પક્ષપાતી નીતિ ઉજાગર કરે છે. ઉપરાંત વિદેશી ભાષાઓ શીખવા માટે પણ નીતિમાં વાત કરવામાં આવી છે જેમાં અરબી ભાષા નો સમાવેશ કરાયો નથી જ્યારે કે વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની આશરે કુલ સંખ્યા ૨ કરોડ ૮૦ લાખમાંથી આશરે ૮૦ લાખ લોકો અરબી બોલતા દેશમાં NRI તરીકે જીવન વિતાવી રહ્યા છે.

અભ્યાસક્રમનું માળખું રચવા માટે કેન્દ્રીય સ્તરે National Curriculum Framework (NCF)ની રચના કરવા માં આવશે. જે રાષ્ટ્રીય સ્તરે અભ્યાસક્રમની રૂપરેખા આપશે જેના આધારે પુસ્તકો અને તેની વિષયવસ્તુ તૈયાર થશે. જે વૈચારિક પૃષઠભૂમિમાં આં પોલિસી તૈયાર થઈ રહી છે તેમાં ઘણી બધી બાબતોમાં આ રીતે કેન્દ્રીયકરણ કરવાની પધ્ધતિ એ ગંભીર વિચાર માંગી લેતી બાબત છે. પરીક્ષાઓ અને મૂલ્યાંકન બાબતે પણ નવા વિચારો અને નીતિઓનો સમાવેશ આ દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે.

વ્યાવસાયિક (vocational) વિષયોને નિયમિત શિક્ષણ સાથે જ ધોરણ ૬ થી લાગુ કરવાની વાત છે જેમાં ભીતિ એ છે કે આર્થિક રીતે નબળા વર્ગનાં ઘણા વિદ્યાર્થીઓને નાની વયે કમાવવાની જરૂર પડે તો ડ્રોપ આઉટ થઈ આ વ્યાવસાયિક સર્ટિફિકેટના આધારે કામધંધો શોધવા લાગી જાય. કદાચ આના કારણે hello, hi, thank you બોલવા વાળો અને થોડાંક અંશે કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો એક નવો મજૂર વર્ગ ઊભો થશે કે કેમ તેવી આશંકા સેવાઈ રહી છે.

સમાન અને સર્વના સમાવેશ (equitable and inclusive) માટેની વાત પોલિસીમાં કરવામાં આવી છે. ઘણી બાબતોનો આમાં સમાવેશ થયો છે જે સરાહનિય છે. એક ખૂબ મહત્વનું આયોજન જે માટે socially and economically disadvnatged group (SEDG)ની પરિભાષાનો આ નવી પોલિસીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તે માટે ના માપદંડોનો હાલ કોઈ ખુલાશો નથી પરંતુ એમ કહે છે કે ઘણા બધા વિવિધ કારણોસર શિક્ષણ તેમજ અન્ય બાબતોમાં મુખ્યપ્રવાહથી પાછળ રહી ગયેલા લોકોના સશક્તિકરણનો આના થકી પ્રયાસ કરવામાં આવશે. તે માટે SEZ ( special education zone) બનાવવાની વાત થઈ છે. પરંતુ સાથે સાથે પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારીનું શિક્ષણમાં આ વખત પહેલી વાર વાત કરવામાં આવી છે. તથા પુસ્તકોના પ્રકાશના ખર્ચ તેમજ અન્ય બાબતોમાં ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજસેવી સંસ્થાઓ અને એનજીઓની ભૂમિકા વિશે પણ વાત કરવામાં આવી છે. આ બધી સેવાકીય પ્રવૃત્તિના ઓઠા હેઠળ કોઈ રીતે લાભ ખાટી જવા વાળા લોકોનો પ્રવેશ ના થઈ જાય તે માટે ભવિષ્યના અમલીકરણની પ્રક્રિયામાં સાવચેતીમાં યોગ્ય પગલાંઓ લેવાય તે બાબત ચોક્કસ થવી જોઈએ. નહિ તો SEZ (special education zone) ને SEZ (special economic zone)માં બદલાઈ જતા વાર નહી લાગે.

હવે સૌથી ગંભીર બાબત એ છે કે છેવાડાના માણસની સશક્તિકરણ મોટી મોટી વાતો પોલિસીમાં કરવામાં આવી છે પરંતુ ક્યાંય અનામત થકી સામજિક ન્યાયની બાબતનો ઉલ્લેખ નથી જે ચિંતાજનક અને તાત્કાલિક ધ્યાન માંગી કે તેવી વાત છે. તેનાથી આગળ વધીને જ્યાં સમાનતાની વાત કરવામાં આવી છે ત્યાં આટલી બધી વિવિધ લઘુમતી સમુદાયો ધરાવતા દેશની શિક્ષણ નીતિમાં ફક્ત એક જગ્યા એ લઘુમતી શબ્દનો ઉપયોગ થયો છે.

દરેકને શિક્ષણ મળી રહે ના હેતુસર પોલિસીમાં GER ( Gross Enrollment Ratio)ને ૨૦૩૦ સુધીમાં પ્રી-સ્કૂલથી માધ્યમિક સુધી ૧૦૦ ટકા સુધી લઈ જવાની વાત છે. તે માટે વિવિધ નીતિવિષયક બાબતોની વાત કરવામાં આવી છે. RTE જે ૬-૧૪ વર્ષના બાળકો માટે હતુંત્રને ૩-૧૯ વર્ષ સુધી વિસ્તૃત કરવાની વાત પોલિસી દસ્તાવેજમાં છે પરંતુ તેના માટે કોઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી નથી. RTEની પુનઃ સમીક્ષા કરવાની વાત છે પરંતુ તેને અસરકારક બનાવવા માટે કોઈ કાનૂની વધુ મજબૂત પીઠબળ આપવાનો કોઈ ઉલ્લેખ નથી. જે RTE ફરજિયાત હોવા છતાં ૨૦૦૯થી લઇને આજદિન સુધી ફક્ત ૧૨ ટકા સફળતા મેળવી શક્યું તેને જો હજુ વધુ અસરકારક કે મજબૂત કરવામાં નહિ આવે તો ઉંમરની મર્યાદા વધારવાથી દસ્તાવેજ તો સારો દેખાશે પરંતુ તેની વાસ્તવિક અસર કેટલી આવશે તે કહેવું મુશ્કેલ છે.

છેલ્લે શિક્ષણનું સૌથી મુખ્ય પાસુ ઘણાંય એવા શિક્ષકો માટે નીતિમાં વિસ્તારથી ચર્ચા થઈ છે. શિક્ષકો તૈયાર કરવા માટે ચાર વર્ષનું સળંગ B.edના અભ્યાસની વાત કરવામાં આવી છે. શિક્ષકો માટે દરેક સ્તરે TET ફરજિયાત કરવાની વાત પોલિસીમાં છે. CPD (continuous professional development) હેઠળ શિક્ષકો અને પ્રિન્સિપાલ માટે દર વર્ષે ૫૦ કલાક પોતાના સર્વગ્રાહી અભ્યાસ અને વિકાસ માટે આપવાની વાત છે.

તે સિવાય વહીવટી સુગમતા માટે અને નિયમન માટેની વિવિધ અન્ય બાબતોનો સમાવેશ પણ થયેલો છે. તેની હવેના સમયમાં વિસ્તૃત ચર્ચા અને વિવરણ કરતા રહી તે લાગુ થાય તે પહેલાં બિનસાંપ્રદાયિક લોકશાહી દેશમાં જ્યાં આટલી બધી વૈવિધ્યતા હોઈ ત્યાં બધા સમુદાયોના લોકો એ રસ લઈ પોતાની વાત મૂકવી જોઈએ. પોલિસીમાં જે રીતે બંધારણીય અધિકારોથી વધારે બંધારણીય ફરજો ઉપર મૂકી ને એક ખાસ પ્રકારના અભિગમને પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે તથા કેન્દ્રીય-કરણને જે રીતે પ્રસ્થાપિત કરવાની પહેલ કરવામાં આવી છે તેને જોતા ભવિષ્યમાં બંધારણીય મૂલ્યોને કોઈ નુકશાનના થાય તેવી રીતે શિક્ષણ નીતિ અમલમાં આવે તે માટે જનજાગૃતિ ખૂબ જરૂરી છે.

ઘણી બાબતો ખૂબ આવકાર્ય છે. પરંતુ એક વાક્યમાં કહીએ તો ‘It’s too good to be proved’. એ તો આવવા વાળો સમય જ બતાવશે કે સુંદર શબ્દોથી સજાવેલો આ દસ્તાવેજ કેટલો સાતત્યપૂર્ણ અને ન્યાયી સાબિત થયો.


(લેખક તાલીમી બોર્ડ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના સેક્રેટરી છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments