સ્ટેથોસ્કોપ

Published on March 1st, 2014 | by Dr. Farooque Ahmed

0

વચગાળાનું અણધાર્યું અંદાજપત્ર

ગત ૧૭ ફેબ્રુઆરીએ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે રજૂ કર્યું. સરકારના છેલ્લા અને લોકસભાની કામચલાઉ બજેટ ચૂંટણી આગામી બજેટમાં સરકાર તરફથી અપેક્ષીત હોય એવા કેટલાક પગલાં નાણાંમંત્રી ચિદમ્બરમે જાહેર કર્યા છે. અર્થતંત્રની અવદશાથી માંડીને રાજકીય સમસ્યાઓ અને આર્થિક ગેરરીતીના આક્ષેપોથી ઘેરાયેલી યુપીએ સરકાર બે મુદ્દત તો પુરી કરી ગઇ. પરંતુ એ ત્રીજી મુદ્દતમાં પણ ચુંટાઇ આવશે કે કેમ તે તો આવનારા દિવસોમાં જ ખબર પડે અને એટલા જ માટે ગત ફેબ્રુઆરીમાં ચિદમ્બરમે રજૂ કરેલુ અને યુપીએ સરકારનું બીજી મુદ્દતનું છેલ્લુ બજેટ મહત્વનું હોવા છતાં તેના વિશે બહુ અપેક્ષાઓ સેવવામાં આવી ન હતી. કારણ કે આખરે તો એ વચગાળાનું બજેટ અને આવતા વર્ષ સુધીની સરકારી કામગીરી માટેના આવક-જાવકનો અંદાજ આપનાર ઔપચારિકતા માત્ર જ હતી. ટુંક સમયમાં થનારી ચુંટણી પછી બનેલી નવી સરકાર માટે તેના બંધનકર્તા કે માર્ગદર્શક હોવાનો સવાલ ન હતો.

આમ તો નાણાપ્રધાન પી. ચિદમ્બરમ ‘કોથળામાંથી બિલાડુ કાઢવા’ જેવા બજેટ માટે જાણીતા છે અને એમના પૂર્ણ કદના બજેટને સંપૂર્ણ સમજતા દિવસો નિકાળી જતાં પરંતુ આ વખતે વચગાળાના બજેટમાં ચિદમ્બરમે જે બાજીગરી બતાવી છે એનાથી વિપક્ષ સિવાય લગભગ તમામ ખુશ છે. અને વિપક્ષે તો આમ પણ રાજકીય નૈતિકતાના આધાર પર ‘નાખુશ’ પણ રહેવું જોઇએ કારણ કે એમને પણ મતના માર્કેટમાં પોતાના બોર વેંચવાના હોય છે. પણ હા, બજેટ એટલું લોકરંજક રહ્યું કે મુખ્ય વિપક્ષના મુખ્ય મુખિયાએ પણ બજેટમાં જાહેર થયેલી સેના માટેની ‘વનરેન્ક વન પેન્શન’ વાળી યોજનાના ખુલ્લા મોઢે વખાણ કરવા મજબૂર બનવું પડ્યું. મારી દૃષ્ટિએ આ ભારતના રાજકારણની એક વિરલઘટના ગણી શકાય. સામી ચુંટણીએ આમ તો આવા જ બજેટની અપેક્ષા હોય પરંતુ ચિદમ્બરમ દ્વારા ગત વર્ષોમાં રજૂ કરવામાં આવેલા બજેટને જોતા તેઓ આવું સર્વગુણસંપન્ન બજેટ આપશે કે કેમ તે અંગે શંકા હતી પરંતુ આ વચગાળાનું બજેટ રજૂ કરતી વેળા એમણે પુર્ણ કદનું બજેટ આપતા હોય એવી ધીરગંભીરતા બતાવી અને છુટા હાથે લ્હાણી કરાવી.

ચિદમ્બરમને એ બાબતનું શ્રેય જવું જોઇએ કે લેખાનું દાનને તેમણે પોતાની પાર્ટી (કે ગઠબંધન)ના રાજકીય હીત સાધવાનું સાધન બનાવ્યું નથી. જેમાં તેમણે લોકોને લલચાવતી કોઇ જ જાહેરાતનું ગાજર લટકાવ્યું નથી. તેને બદલે તેમણે દેશની આર્થિક સ્થિતિ સુધારવા પર ભાર મુક્યો છે. તેઓ એ આશ્વાસન આપવામાં સફળ રહ્યા છે કે અર્થતંત્રને પાટે ચડવાની સંભાવનાઓ હવે સુધરી છે. સરકારના છેલ્લા અને લોકસભાની આગામી ચુંટણી પહેલાના બજેટમાં સરકાર તરફથી અપેક્ષિત હોય એવા કેટલાક પગલા નાણામંત્રી ચિદમ્બરમે જાહેર કર્યા છે. નાણાંકીય બાબતોના અભ્યાસીઓએ ખાદ્યને અંકુશમાં અને ભયજનક સપાટીથી નીચે રાખવામાં ચિદમ્બરમને મળેલી સફળતાની પ્રશંસા કરી છે. ગયા વર્ષે ભારતની રાજકોષીય ખાદ્ય જીડીપીના ૫.૧ ટકાની ઉંચી સપાટીએ પહોંચી હતી. પરંતુ કામ ચલાઉ બજેટમાં ચિદમ્બરમે ગયા વર્ષની ટકાવારી કરતાં અને ૪.૮ ટકાની સપાટી કરતાં પણ નીચે, જીડીપીના ૪.૬ ટકા સુધી લાવવામાં સફળતા મેળવી છે. ગયા વર્ષે ચાલુ ખાતાની ખાદ્ય (કરંન્ટ એકાઉન્ટ ડેફીસિટ ૮૮ અબજ ડોલરના વિક્રમસર્જક આંકડે પહોંચી હતી. તે પણ આ કામચલાઉ બજેટમાં ઘટીને ૪૫ અબજ ડોલર સુધી મર્યાદિત રાખવામાં તેઓ સફળ રહ્યા છે. જ્યારે વિદેશી મુદ્રાભંડારમાં ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૫ અબજ ડોલરનો વધારો થવાનો અંદાજ તેમણે મુક્યો છે. આ ત્રણેય એવી કસોટી છે, જેને અર્થતંત્રનો પાયો ગણવામાં આવે છે. તેની સાથે જ મોંઘવારીનો દર પણ કાબુમાં આવતો ગયો છે, તો નજીકના ભવિષ્યમાં ફરીથી ઉચ્ચ આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ ઉજ્જવળ દેખાઇ રહી છે. જોકે આ મોરચે પણ તાજેતરમાં થોડી સફળતા મળી છે. કામચલાઉ બજેટમાં જાહેર થયેલા આ આંકડાને લીધે ભારતના અર્થતંત્ર પરથી કામચલાઉ ધોરણે વાદળ વિખેરાયા છે અને ચિદમ્બરમ છેલ્લે છેલ્લે થનારા ટીકાઓના મારાથી બચી શક્યા છે.

ચિદુ અન્નાએ આ લેખાનુું દાનમાં પણ જ્યાં સુધી શક્ય હતુ ત્યાં સુધી એમણે આમ પ્રજાને ફાયદો આપવાની કોશીશ કરી. પ્રત્યક્ષ કરવેરામાં ફેરફાર શક્ય ન હતો તો અપ્રત્યક્ષ કરવેરામાં રાહત આપીને સાબુ, હેન્ડસેટ, મોટર, કાર અને કન્ઝ્યુમર ગુડ્સ ઉપરની આબકારી જકાતમાં કાપ મુકીને યંગ જનરેશનને ખુશ કરવાની કોશીશ કરી છે. તેમણે આ વચગાળાના બજેટમાં વિદ્યાર્થીઓની લોન ઉપર એક વર્ષનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરીને ૯ લાખ વિદ્યાર્થીઓને રાજી કરવાનો પ્રયાસ કર્યા છે. અનુસૂચિત જનજાતિના સાહસિકો માટે તેમણે ૨૦૦ કરોડ રૃપિયાના વેન્ચર કેપિટલ ફ્ન્ડની જાહેરાત કરી આ વર્ગને મજબૂત કરવાનો પ્રયાસ કર્યાે છે. મહીલાઓની સલામતી માટેના ‘નિર્ભયાફંડ’માં ૧૦૦૦ કરોડ રૃપિયા આપવાની જાહેરાત કરીને તેમણે મહીલાઓ રાજીનીરેડ કરી દીધી છે.
સરાકરની અન્ય ‘ગેમચેન્જર’ કલ્યાણકારી યોજનાઓની વાત કરીએ તો, ચિદુ એ રજૂ કરેલા ૨૦૧૪-૧૫ના વચગાળાના બજેટમાં અન્ન સુરક્ષા કાયદાના અમલ માટે રૃા. ૧.૧૫ લાખ કરોડ જુદા કાઢીને સરકારની આ મુખ્ય યોજના માટે પૂરતા ભંડોળની જોગવાઇ કરવાનું ચૂકી નથી. તે જ રીતે એક અન્ય યોજના થકી સેના ના હીત માટે એક અસરકારક પગલારૃપી ‘વનરેન્ક વન પેન્શન’ વાળી યોજના લાગુ કરવાની ઘોષણા કરવામાં આવી.
પુરા કદના અંદાજપત્રમાં સામાન્ય રીતે એક તરફ સામાન્ય માણસોની ભાવને લગતી અપેક્ષાઓ સંતોષવાની હોય છે અને બીજી તરફ વ્યાપક ચિત્રને સામે રાખીને દેશના અર્થતંત્રને પાટે ચડાવવાનું હોય છે. કામચલાઉ બેજટ પાસેથી એટલી અપેક્ષા હોતી નથી. આથી, જ આ વચગાળાના બજેટમાં કોઇ મોટા નિર્ણયની કે નીતિવિષયક ફેરફારની સંભાવના જ નહોતી દેખાતી તેમ છતાં તેમણે ખાસ્સુ એવું હોમવર્ક કરીને રજૂ કરેલુ આ વચગાળાનું બડેટ એકંદરે સમતોલ છે અને નિરાશા પ્રેરક નથી. આ ઉપરાંત ચિદમ્બરમે આ સાથે એ પણ પ્રતિત કરાવ્યું કે યુપીએ-૨ સરકારની નીતિ સંબંધિત નિર્ણય લેવાની ક્ષમતા લકવાગ્રસ્ત બની ગઇ છે એ આરોપને ફગાવી દીધો છે તેનાથી વિપરીત તેમણે યુપીએના પુરા દસ વર્ષને ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લે, ગત ૨૧ ફેબ્રુઆરી એ ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા પણ ગુજરાત સરકારનું ચાર મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું જેમાં તેમણે સામી ચુંટણીઓને નજર સમક્ષ રાખીને કોઇપણ નવા કરવેરાની જોગવાઇ કરી નથી. સાથે જ, લોકસભાની ચુંટણી ને ધ્યાને રાખીને તેમણે વિવિધ નવી યોજનાઓ કે વેરાકીય રાહતો અને જોગવાઇઓ જુલાઇ પછી રજુ કરવાની વાત કરીને રીતસર ગાજર લટકાવી દિધું છે. ગુજરાત સરકારની ઉત્સવપ્રિયતા અને ફોટા જાહેર કરવાની માનસિકતા સાથે ગુજરાત સરકારનું દેવુ દરવર્ષે સતત વધતુ જ રહ્યું છે જે ગત વર્ષે ૧.૩૮ લાખ કરોડથી વધીને ચાલું વર્ષે ૧.૫૩ લાખ કરોડ થવા જઇ રહ્યું છે. કુલ બજેટના ૬૭ ટકા જેટલી રકમ જ વિકાસશીલ કામો પાછળ ખર્ચ કરવામાં આવશે અને આ રકમ મુખ્યત્વે શિક્ષણ, ખેલ, હાઉસીંગ, શહેરીવિકાસ અને કૃષી પાછળ સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે. અંતરીયાળ વિસ્તારના સામાન્ય જન માટે તો વહી રફતાર. હવે જુલાઇમાં રજુ થનારા પૂર્ણ કદના બજેટ પર આશા રાખીએ કે અંતિમમાનવ પણ ગુજરાત સરકારની યોજનાઓમાં સાચા અર્થમાં હવે તો યશભાગી થાય.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review