૧૪મી ફેબ્રુઆરીના રોજ લગભગ બપોરે ૩.૧૫ કલાકે જમ્મુ-કાશ્મીરના પુલવામાની સડકો ધ્રુજી ઊઠી. CRPFનો કાફલો જતી વખતે આ ઘટના અંજામ આપવામાં આવી. આ લખાય છે ત્યારે શહીદ થયેલા જવાનોનો આંકડો ૪૫ સુધી પહોંચી ગયો છે. દેશના નાગરીકો સખત ક્રોધ અને દુઃખની બેવડી અસરથી આઘાતમાં છે. દેશના નાગરીકો દ્વારા આ કાવતરાને અંજામ આપનારને વહેલામાં વહેલી અને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ઇલેકટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશ્યલ્‌ મીડિયા અને લોકોમાં ચર્ચા ચાલી રહી છે, તમામ પોતપોતાની રીતે રીએક્ટ કરી રહ્યા છે. રાજકીય નેતાઓ, આ ઘટનાને કઈ રીતે પોતાના માટે ફાયદાકરક બનાવી શકાય તેના પેંતરા વિચારીને વિધાનો કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. CRPFના જવાનોને કેન્ડલ માર્ગ, મૌન ધારણ અને ધંધા રોજગારને બંધ પાડી શ્રદ્ધાંજલી અર્પણ કરી  દેશનો દરેક નાગરીક ઘટનાને વખોડી રહ્યો છે. આ તમામની પાછળ લોકોનો ધ્યેય છે કે શહીદોને ન્યાય મળે. અને માત્ર ન્યાય થકી જ લોકોને અજંપા અને અવિશ્વાસમાંથી બહાર કાઢી શકાશે.

ભાજપ સરકારના આગમન સાથે જ આંતકી હુમલાઓની સંખ્યા લગભગ નહિવત થઈ ગઈ હતી. પરંતુ તેના કાર્યકાળની સમાપ્તિ પૂર્વે જ આતંકી હુમલો કરી ‘મજબૂત નેતા મજબૂત સરકાર’ સામે સવાલો ઊભા કરી દીઘા. આતંકીએ ૩૦૦ કિલો આરડીએક્સ લઈને છેક CRPFની ગાડી સુધી પહોંચી સરકારને સુરક્ષા બાબતે એકદમ પોકળ અને ગેરજવાબદાર સાબિત કરે છે. સૌથી પહેલા તો સરકારે પોતે જવાબદારી સ્વિકારવી જાઈએ કે આતંકીઓ આ જઘન્ય અપરાધ કરવામાં તેમના કારણે સફળ થયા.

બીજા કામ સરકાર માટે આ છે કે તેણે આ કાવતરા પાછળ જવાબદાર પાકિસ્તાન, ચીન કે જૈશે મુહમ્મદ સંગઠનના આતંકીઓ આમ આ બધાથી બદલો લેવાનો છે. શહીદોનો લોહી એળે જાય નહીં તે જાવું રહ્યું.

આવી કોઈ ઘટનાથી દેશના નાગરીકો ઘેરા શોક અને આઘાતમાં સરી પડે તે સ્વાભાવિક છે. તેના કારણે જ લોકો કેન્ડલ માર્ચ અને બંધ પાડે છે. કેન્ડલ માર્ચ અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવી બિલ્કુલ તાર્કિક અને વ્યાજબી છે. પરંતુ બંધ પાડવું દેશના અર્થતંત્ર માટે હાનીકારક છે. બંધનું એલાન કરનારાઓ વિચારવું જાઈએ કે દેશની લગભગ ૩૦ ટકા પ્રજા એવી છે જે રોજ કમાવે છે અને રોજ ખર્ચે છે. એટલે કે એક દિવસનો બંધ તેમનો ચૂલો ઠંડો રાખવા પૂરતો હોઈ શકે છે. તેમના સિવાય જે લોકો અર્થતંત્રનો અભ્યાસ કરે છે તેઓ જાણે છે કે એક દિવસનો બંધ દેશની કાચી ઘરેલુ પૈદાશ (GDP)ને અસર કરે છે. યાદ રહે, આપણા કોઈ પણ પગલાંની અસર જે દેશ પર પ્રતિકૂળ સાબિત થતી હોય તો તે પગલાં દેશહિત માટે તો ન જ કહી શકાય.!

જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી ચોક્કસ વિચારધારા ધરાવતા લોકોએ આતંકીઓને બદલે જમ્મુ-કાશ્મીરના લોકો જે ભારતના બીજા ભાગોમાં ધંધા રોજગાર માટે કે અભ્યાસ માટે આવે છે તેમને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. અને બીજા મુસ્લિમોને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. એક ભાઈએ તો ૫૦૦ મુસ્લિમોને જાનથી મારી નાખવાનું સૂચન કર્યું છે. આવા અન્યાયી સૂચનો માત્ર અને માત્ર મુસ્લિમ વિરોધી માનસિકતાનું પ્રતીક છે. જે દેશની ગર્તા અને અદ્યોગતિ તરફ દોરીને લઈ જશે.

કોઈ ઘટના કાશ્મીરમાં ઘટે છે અને તેનો બદલો નિર્દોષ કાશ્મીરીઓ કે ભારતીય મુસ્લિમો સાથે લેવાય તો આ ક્યાં સુધી વાજબી ગણાય? આજે ભાજપના વરિષ્ઠ નેતા બાંગારૂ દત્તાત્રેય જણાવ્યું હતું કે “ઇસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે, તેને આતંકવાદ સાથે કોઈ લેવા દેવા નથી.” દેશના આવા ઘણાં નેતાઓ છે જે હકીકતને સમજે છે પરંતુ દેશના નાગરિકોની અંદર એક માનસિકતાએ પગપેસારો કર્યો છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ઝનૂની અને ઘાતક હોય છે, અને ઇસ્લામ ધર્મ આતંકવાદ શીખવાડે છે આ વાત તદ્દન વાહિયાત, પાયા વિહોણી અને કલ્પના માત્ર છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સમૂહો છે. એક સમૂહ ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીર ન તો ભારતનો હિસ્સો હોય ન તો પાકિસ્તાનનો. તેને એક રાષ્ટ્ર તરીકે અલગ પાડી દેવો જાઈએ. આ અલગાવવાદી સમૂહ છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચેની ખેંચતાણમાં સેન્ડવિચ થઈ ચૂક્યું છે. બીજા સમૂહ ભારતમાં રહેવા ઇચ્છે છે અને ત્રીજા સમૂહ પાકિસ્તાનમાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. જે લોકો ભારત સાથે રહેવા ઇચ્છે છે તેમની સંખ્યા બીજા બે સમૂહો કરતાં ઓછી છે. તેનું કારણ છે આઝાદી પછી ભારતે બળજબરીપૂર્વક કાશ્મીરીઓને અપનાવવાની કોશિશ કરી છે. આઝાદીના ૭૧ વર્ષ વીતી ગયા હોવા છતાં તેમને ભારત સાથે લાગણી પેદા કેમ ન થઈ તે આપણે આપણી જાતને પૂછવું જાઈએ.

કેટલાક સમજૂ અને માણસાઈ ધરાવતા લોકોએ ફેસબુક અને ટ્‌વીટર પર લખ્યું છે કે કોઈપણ કાશ્મીરી મારા રહેઠાણની આસપાસ ભણતો હોય તો તે કોઈપણ સંકોચ વગર મારા ઘરમાં આવી શકે છે. (આવું એટલા માટે થયું છે કે લોકો આક્રોશમાં કાશ્મીરીઓને પોતાના ક્રોધનો નિશાન બનાવી રહ્યા હતા.) આ પ્રકારનું વલણ અને પ્રેમ જ કાશ્મીરીઓને આપણી તરફ ખેંચી શકે છે.

જે લોકો આ કાવતરાં પાછળ છે તેમને અવશ્ય સજા મળવી જાઈએ પરંતુ એક નિર્દોષને મારી નાંખવું કે અત્યાચાર ગુજારવું એ ન્યાયને મારી નાંખવું કે તેના પર અત્યાચાર ગુજારવા સમાન છે. ન્યાય પ્રણાલીમાં આ વસ્તુ સર્વ વિદિત છે કે કાયદા (છટકબારીઓ)ને કારણે સો કસૂરવાર છૂટી જાય તે ચાલશે. પરંતુ તેને (છટકબારીઓને) કારણે કોઈ નિર્દોષને સજા ન થવી જાઈએ. •

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here