Friday, March 29, 2024

લોકસેવા

રમઝાન સંદેશ – 7

સેવા વિના આપણો પ્રેમ અને આપણી ઉદારતા વિશ્વાસપત્ર બનતાં નથી. કુઆર્નશરીફમાં કહેવામાં આવ્યું છે “અને તું ઉપકાર (સારો વર્તાવ) કર જેવી રીતે અલ્લાહે તારી ઉપર ઉપકાર કર્યો છે, અને ધરતી ઉપર બગાડ કરવાની ઇચ્છા તું ન કર. ખરેખર અલ્લાહ બગાડ કરનારને પસંદ કરતો નથી.” (૨૮ઃ૭૭)

“અલ્લાહની બંદગી કરો અને તેની સાથે બીજા કોઈની બંદગી ન કરો, અને સારો વ્યવહાર કરો માતા અને પિતા સાથે, સગાં-સંબંધીઓ, અનાથો અને નિઃસહાય લોકો સાથે, નજીકના પાડોશીઓ સાથે અને અજાણ્યા પાડોશીઓ સાથે અને સાથે રહેનારાઓ સાથે અને વટેમાર્ગુઓ સાથે અને તેમની સાથે પણ જેઓ તમારા આશ્રિતો છે. અલ્લાહ એવા લોકોને પસંદ કરતો નથી જે બડાશ મારનારા હોય અને ઘમંડ કરતા હોય.” (૪ઃ૩૬)

હઝરત મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ કહે છે ઃ

“બધાં મનુષ્યો અલ્લાહનું કુટુંબ છે. અલ્લાહની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તે વ્યક્તિ છે જે પોતાના કુટુંબીજનો સાથે સારો વ્યવહાર કરે છે.”

તેમણે એકવાર ફરમાવ્યું ઃ

કયામતના દિવસે અલ્લાહ કહેશેઃ“હે આદમના વંશજ (એટલે માણસ) હું બીમાર હતો પણ તેં મારી ખબર લીધી નહિ.” તે કહેશેઃ“હે અલ્લાહ હું આપની સેવા કઈ રીતે કરી શકું જ્યારે તમે સમગ્ર જગતના પાલનહાર છો.” (તમે તો બીમાર પડી જ ન શકો) અલ્લાહ કહેશે ઃ“શું તને ખબર નથી કે મારો અમુક બંદો બીમાર હતો અને તે તેની સારવાર કરી ન હતી ? તને શું ખબર નથી કે જો તું તેની સંભાળ લેવા ગયો હોત તો તું મને તેની પાસે ભાળત ? હે આદમના પુત્ર, મેં તારી પાસે અન્ન માગ્યું હતું અને તે મને તે અન્ન ખવડાવ્યું ન હતું.” તે કહેશેઃ“હે અલ્લાહ, હું આપને કઈ રીતે ખવડાવી શકું ? આપ તો આખા બ્રહ્માંડનું પોષણ કરનારા છો.” અલ્લાહ કહેશેઃ“મારા ફલાણા બંદાએ તારી પાસે અન્નની માગણી કરી હતી, તે તેને અન્ન આપ્યું ન હતુ. તને શું ખબર નથી કે જો તે તેને ખાવા અન્ન આપ્યું હોત તો તું મને તેની પાસે ભાળત ?”

“હે આદમના પુત્ર, મેં તારી પાસે પાણી માગ્યું હતું. પણ તે મને આપ્યું ન હતું.” તે કહેશેઃ“હું આપને કેવી રીતે પાણી પીવડાવી શકું ? જ્યારે આપ તો આખા જગતના પાલનહાર છો ?” અલ્લાહ કહેશેઃ“મારા ફલાણા બંદાએ તારી પાસે પાણી માગ્યું હતું. પણ તે તેને પીવા પાણી આપ્યું ન હતું. તને શું ખબર નથી કે જો તેને તું પાણી પીવડાવત તો મને તું તેની પાસે ભાળત ?” (મુસ્લિમ)

અલ્લાહ તો પોતાના બંદાઓની ભૂખને પોતાની ભૂખ, તેમની તરસને પોતાની તરસ અને તેમની બીમારી કે તકલીફને પોતાની બીમારી કે તકલીફ ગણે છે. પરંતુ માણસ માણસનો શત્રુ બની જાય છે. ઈશ્વરને પસંદ છે એવા ગુણો માણસ પોતાનામાં વિકાસવી શક્યો હોત તો કેટલું સારૂં થાત ?

બગાડ પ્રત્યે ઘૃણા

સારા માણસો તે જ છે જેઓ ઉપદ્રવ અને બગાડથી ઘૃણા રાખે છે, અને ઇચ્છે છે કે સંસારમાં શાંતિની સ્થાપના થાય. તેઓ તે માટે બધા જ શક્ય પ્રયાસ કરે છે, જેથી માણસો હળીમળીને રહી શકે. અને દરેક પ્રકારના યુદ્ધો, લડાઈઓ અને બગાડથી દૂર રહે. ધર્મ જે પ્રકારનું શિક્ષણ આપવા અવતર્યો છે તે ક્યારેય બગાડને પસંદ કરતો નથી. આ જ કારણે કુઆર્ન શરીફમાં અનેક જગ્યાએ માણસોને બગાડથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે ઃ

“અને અલ્લાહ બગાડને પસંદ કરતો નથી.”


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments