Thursday, March 28, 2024
Homeમનોમથંનઇસ્લામને જાણો

ઇસ્લામને જાણો

વિશ્વમાં માનવ જીવનની શરૂઆતથી સૃષ્ટિના સર્જનહાર અલ્લાહે માનવજાતને સીધો માર્ગ બતાવવા માટે માર્ગદર્શન અને સંદેશ મોકલ્યો છે. આ જ માર્ગદર્શન અને સંદેશને ઇસ્લામ કહેવામાં આવે છે. તેથી જાણવા આ મળ્યું કે માનવ જીવનની શરૂઆતથી જ ઇસ્લામનો આરંભ થયો.

કુઆર્ન કહે છેઃ “અમે કહ્યું, તમે સૌ અહીંથી ઊતરી જાવ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારી પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય, અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે.” (૨ઃ૩૮,૩૯)

આ આયતથી સ્પષ્ટ છે કે આદમ અલૈ. અને હવ્વા અલૈ. પૃથ્વી પરના પ્રથમ મનુષ્ય હતા. અલ્લાહના આદેશથી તેઓને આ પૃથ્વી પર માર્ગદર્શન સાથે મોકલવામાં આવ્યા હતા. હવે વિશ્વના બધા માણસોને આ જ માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ. જે આનાથી વિપરીત વલણ અપનાવશે તેને ખરાબ પરિણામો ભોગવવા પડશે. જેમ જેમ માનવ જીવન પ્રગતિ કરતું રહ્યું તેમ તેમ સતત બગડતું પણ રહ્યું અને અલ્લાહ તઆલા પોતાના રસૂલ અને પયગંબર દ્વારા લોકોને માર્ગદર્શન આપતા રહ્યા. પછી અલ્લાહે ઇસ્લામના અંતિમ પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ને મોકલ્યા અને તેમના દ્વારા સંપૂર્ણ ઇસ્લામ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. આ એક મોટી ગેરસમજ છે કે ઇસ્લામની ઉત્પત્તિ પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.થી થઈ. એવું બિલકુલ નથી, બલ્કે પયગમ્બર સ.અ.વ. ઇસ્લામના અંતિમ પયગમ્બર છે. આપ અંતિમ પયગમ્બર હોવાને કારણે આપની પહેલાં, ઇસ્લામમાં જે ખોટી માન્યતાઓ અને વિચારધારાઓ અને અજાણ્યા રિવાજોનું મિશ્રણ હતું, તેમણે તેને દૂર કરી અને લોકોને સાચા અને સંપૂર્ણ ઇસ્લામથી માહિતગાર કર્યાં. બીજું કારણ એ છે કે મુહમ્મદ સ.અ.વ.નું પયગંબર તરીકેનું જીવનકાર્ય ઇતિહાસના પ્રકાશમાં પાર પડ્યું છે, આપના રસૂલની હેસિયતથી આવવું અને ઇસ્લામને અલ્લાહના દીન તરીકે રજૂ કરવું આ એક પ્રસ્થાપિત ઇતિહાસ છે, જેને કોઈ પણ નકારી શકે નહીં. ત્રીજું કારણ એ છે કે પયગંબર સ.અ.વ.નો સંદેશ સમગ્ર માનવસમાજ માટે તેમજ આવતી દુનિયા માટે કાયમી છે. તે કોઈ કોમ, જૂથ અથવા પ્રદેશ સુધી સીમિત નથી, બલ્કે તેમનો સંદેશ ન્યાયના દિવસ સુધી મનુષ્યોને માર્ગદર્શન આપતો રહેશે. અને આ આપણા સર્જનહાર અલ્લાહના શબ્દો છે, કુઆર્નમાં છેઃ “અલ્લાહના નજીક દીન (ધર્મ) માત્ર ઇસ્લામ જ છે.” (૩ઃ૧૯)

અત્યાર સુધી જે વાતો સામે આવી છે તેના પરથી આ બતાવવા માંગું છું કે ઇસ્લામ એ વિશ્વનો એકમાત્ર એવો ધર્મ છે કે જે સૌથી પ્રાચીન, અધિકૃત અને બૌદ્ધિક રીતે સ્વીકાર્ય છે. એ અર્થમાં પ્રાચીન છે કે આ ધર્મ ઇસ્લામ માનવને દુનિયાની શરૂઆતથી આપવામાં આવ્યો છે. અધિકૃત તે અર્થમાં કે આ અંતિમ પયગંબર મુહમ્મદ સ.અ.વ.એ જ્યારે આ દીનને રજૂ કર્યો તો આ ઇતિહાસમાં લખાઈ ગયું. વિશ્વનો કોઈ ઇતિહાસકાર તેને નકારી શકે નહીં. અને જ્ઞાન તથા બુદ્ધિ પર આધારિત આ અર્થમાં કે આ ધર્મ ઇસ્લામ અંધ વિશ્વાસ અને અજાણ્યા રિવાજો પર આધારિત નથી, બલ્કે જ્ઞાન અને બુદ્ધિ તથા વહીએ ઇલાહી પર આધારિત છે.

માનવ જીવન કેવી રીતે વિતાવવામાં આવે તે પ્રશ્ન અંગે માનવજાત બે ચરમસીમા વચ્ચે અટવાયેલ છે, એક વર્ગ તે છે જે ભૌતિકતાને બધુ સમજે છે અને તે વિચારે છે કે માનવ જીવન ચલાવવા માટે બુદ્ધિ જ પૂરતી છે. બીજો વર્ગ તે છે જે આ બાબતને માનવ વિકાસમાં અવરોધરૂપ માને છે અને બુદ્ધિને ફરેબ સમજે છે. તેમના કહેવા મુજબ માનવીની વાસ્તવિક સફળતા એકાંતવાસમાં છે અને ત્યાંથી આધ્યાત્મિક શાંતિ મેળવી શકાય છે. હકીકતમાં આ બંને દ્રષ્ટિકોણ અંતિમવાદની ઝાંકી આપે છે. ખરેખર તો ન્યાય આધારિત વાત આ છે કે વ્યક્તિની સમજની કેટલીક મર્યાદાઓ છે. ખાસ કરીને નૈતિકતા અને પ્રકૃતિથી પર થઈ વ્યક્તિની સમજ કોઈ નિર્ણય લઈ શકતી નથી. એટલા માટે તેને અલ્લાહની વહીની જરૂર પડે છે. સાથે જ આ દુનિયા ખુદાનું સર્જન છે તે ભૌતિક વસ્તુઓ અને રૂહ બન્નેથી પેદા કરવામાં આવ્યા છે. આ બંનેનો ઉપયોગ કરીને જ માનવી મૂળ સફળતા અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ જ માર્ગ ઇસ્લામ દેખાડે છે. આ સિવાય બીજો કોઈ પણ માર્ગ હંમેશાં આ દુનિયામાં માનવીઓ માટે જોખમી સાબિત થયો છે અને આખેરતમાં તેનો હિસાબ આપવો પડશે.

ઇસ્લામની આ અસાધારણ તાર્કિકતા અને સત્યતાને કારણે મોટી સંખ્યામાં લોકો આ દીન તરફ આવે છે અને ઇસ્લામ ઝડપથી ફેલાય છે. તેથી, ઇસ્લામના વિરોધીઓ દ્વારા ઘણી વખત તેની બિનજરૂરી ટીકા કરવામાં આવે છે, તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને લોકોમાં ઇસ્લામોફોબિયા પેદા કરવામાં આવે છે જેથી લોકોે ઇસ્લામને ધિક્કારે, તેનો અભ્યાસ કર્યા વિના તેનાથી અંતર બનાવી લે.

હવે ઇસ્લામોફોબિયાને સમાપ્ત કરી માનવતા માટે મોકલાયેલ આ દીનને સત્ય રૂપે સ્વીકારીએ એ આપણા સૌ માટે અનિવાર્ય છે. તેથી, આપણે આ સત્ય ધર્મને તેના મૂળ સ્રોતથી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સ્ત્રોત કુઆર્ન અને પયગંબર મુહમ્મદ સ.અ.વ.ની જીવની છે. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments