ગુજરાત, ૨૦૦૨ના સામુહિક હત્યાકાંડ વિશે સતત થતી અનેક ચર્ચાઓ, વાર્તાલાપો તથા આશ્વાસનોનો શો મતલબ? માનવ ઇતિહાસની એ સૌથી કરૂણ અને બર્બરતાપૂર્ણ ઘટનામાંથી પાઠ લઇને તેમાંથી સકારાત્મક અભિગમ અપાવવાની વાતોનો શો મતલબ?
શો મતલબ છે આપણી સંસ્કૃતિની એક્તા, વિવિધતા, અનેકતા અને સમરસતાના ઢોંગી ગુણગાનો કરવાનો? કે પછી આવા આડંબરી બખાડાઓ કરીને સમાજના સામાન્ય જનમાનસની ચેતનાને જગાવવાના નિરર્થક પ્રયાસોનો શો મતલબ?
આવા ‘પ્રયાસ’ આજે ફકત એક ‘આભાસ’ એટલા માટે લાગે છે કેમકે અન્યાય, અત્યાચાર અને અસમાનતા સામે હિંમતથી લડવાવાળું આપણું ‘અંતરાત્મારૂપી’ બીજ સડીને મરી ગયુ છે. અન્યાય અને અત્યાચારો સામે લડવાની આપણી વાતો નર્યો દંભ લાગે છે કેમકે આપણે આપણી અંતરાત્માને તો ક્યારેનોય ચૂપ કરી દીધો છે. ૨૦૦૨, ગોધરાકાંડ ઘટનાથી આજે દિન સુધીના ૧૦ વર્ષો પછી પણ રાજયસરકાર સાચા કસૂરવારોને સજા કરવામાં બિલ્કુલ નિષ્ફળ નિવડી છે. ઉલ્ટાનું ‘રાજયસરકાર’ પોતે જ ગુનાહગારના કટગડામાં ઉભેલી છે. રાજનીતિક અને કાયદાકીય કાવાદાવાઓ ખેલીને મુખ્યમંત્રી નરેન્દ્રમોદી અત્યાર સુધી પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યા છે. પરંતુ હાઇકોર્ટ અને સુપ્રિમની કેટલીક ટિપ્પણીઓ પછી મુખ્યમંત્રી નરેન્દ્રમોદીને પણ કસૂરવાર ગણીને કાયદાકીય સજા જરૂર થવી જોઇએ એવી તીવ્ર લાગણીઓ પણ પીડિતોના મનમાં ઉદ્ભવી રહી છે. હજારો નિર્દોષોની નિર્મમ હત્યાઓ માટે આજે ગુજરાતનો મુસ્લિમ સમાજ એ માણસને દોષી અને જવાબદાર સમજે છે. પરંતુ સાથે સાથે જ આવા દોષીઓ અને ગુનેહગારોને રાજકારણની લાગવાગ અને દબાણ હેઠળ ‘ક્લિનચીટ’ આપી દેતા આપણા રાજય અને કેન્દ્રના ન્યાયલયોની આંતરિક નંપુસકતા અને પક્ષપાતીભર્યું વલણ પણ એટલું જ જવાબદાર છે, જેનાં માટે તેમની સામે પણ થવી જોઇતી કાયદાકીય કાર્યવાહીનો કોઇ અવકાશ છે ખરો?
આપણાં દેશના ન્યાયાલયોની વિચિત્ર માનસિક્તા ઉપર મને ક્યારેક હસવું આવે છે તો ક્યારેક દુઃખ થાય છે. આ એ જ ન્યાયાલયો છે જેઓ રસ્તે રઝળતી ગાયોને લીધે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ માટે સરકાર ઉપર તીખા પ્રહારો કરે છે અને ગાયોને પાંજળાપોળમાં ખદેડીને સમસ્યાના તત્કાલિન નિવારણ માટે બૂમરાણો મચાવે છે. પરંતુ જયારે એક દિન દહાદે ધોળે અજવાળે હજારો ગુંડાઓ અને તોફાનીઓના બેકાબુ ટોળાનું સુકાન સંભાળીને તેમને બેગુનાહ નિર્દોષોની નિર્મમ હત્યાઓ કરવા માટે તેમને લૂંટવા માટે, બળાત્કાર કરવા માટે, જીવતા સળગાવી દેવા માટે અને તબાહ કરી દેવા માટે છુટો દોર આપી દે છે ત્યારે આ જ ન્યાયાલાયોનો ન્યાય પીડિતો માટે - આંધળો, બહેરો અને મૂંગો બની જાય છે. આખેઆખી ન્યાયપ્રણાલી એકદમ અચેત અને પાંગળી બની જાય છે. પ્રજાના રક્ષકો જ ભક્ષકો બનીને ઉભરી આવે છે. છતાં આખું લોકશાહીતંત્ર આખી ઘટનાને પક્ષપાતના ચશ્મા પહેરીને જોયાં કરે છે.
નાનપણમાં તબાહી, લૂંટફાટ અને અરાજકતાના ઘણાં કિસ્સાઓ ઇતિહાસમાં ચંગેઝખાન, હિટલર, નાદિરશાહ, મુસોલિની વગેરેને સંબંધિત વાંચ્યા અને સાંભળ્યા હતા, પરંતુ હવે પછી આવનારી પેઢીઓ એ બધાં જ નામોની વચ્ચે બીજું પણ એક નામ - નરેન્દ્ર મોદીનું - વાંચશે.
ન્યાયને પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવતાં દરેક સાચા પ્રયાસો પ્રશંસાને લાયક છે. પરંતુ, આપણે કેટલાને સાચો ન્યાય આપી કે અપાવી શક્યા છીએ? શું આપણે ફકત એક ‘બિલ્કીસબાનું’ના નામનું ઉદાહરણ આપીને આપણી પીઠ ઠાબડી શકીએ?
ઇતિહાસને જરાં જો ફરીથી વાંચવામાં આવે તો ખબર પડે છે કે પ્રજાને સાચો ન્યાય અને અધિકારો આપવામાં તેમના શાસકો તેમનો પૂરેૂપરો ખ્યાલ રાખતાં હતા. રાજા સિદ્ધરાજ સોલંકીની રાજમાતાશ્રી મિનલદેવીએ એક ગરીબ વિધવા બાઇની ઝુંપડી તોડીપાડી હટાવવાને બદલે ગામના તળાવના નખશોમાં જ ફેરફાર કરાવીને ઝુંપડીને બચાવી લીધી હતી. જયારે કે આજે ‘રિવરફ્રન્ટ’ને નામે હજારો ગરીબ ઝુંપડાવાસીઓને તેમના ઝુંપડાઓથી બેદખલ કરી રાજયની મોદી સરકાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના નામે વિજય પતાકાઓ ફેહરાવી રહી છે. મોઘલ સમ્રાટ જહાંગીરના શાસનકાળ દરમિયાન પણ ન્યાય અને અધિકારોની પૂર્તિ માટે એક સર્વવર્ગીય કમિટીની રચના કરવામાં આવી હતી, જે પ્રજાના દરેક હક્કો અને અધિકારોનો પૂરેપૂરી ખ્યાલ રાખતી હતી. આજે પણ દુનિયા તે સમ્રાટને ‘ન્યાયપ્રિય સમ્રાટ’ તરીકે યાદ કરે છે. જયારે કે આજે કેટલાંક લોકશાહી ‘તાનાશાહો’ ન્યાય અને અધિકારોના મૂલ્યોનું પોટલું વાળી પોતાની જ વાહ-વાહ અને ચાપલૂસી માટે લાખો-કરોડો રૂપિયા તેમનાં પોતાના ફિલ્મી સ્ટાઇલના રંગ-બેરંગી પોસ્ટરો લગાડવા પાછળ ખર્ચી નાંખે છે. આપણી કાયદો અને ન્યાયપ્રણાલી આ બધા ‘લિગલ’ ભ્રષ્ટાચારને મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી છે.
દેશમાં ન્યાયપ્રક્રિયા જાણે કે હતાશા અને નિરાશાની ઉંડી ખાઇમાં ધકેલાઇ ગઇ હોય. ન્યાયાલાયો શુષુપ્તાવસ્થામાં ખોવાયેલા નજરે પડે છે. ન્યાયના આ પવિત્ર મંદિરો ઉપર આજે કોમવાદી, અલગાવવાદી અને જાતિવાદી વિચારસરણીઓની ખુલ્લી અસરો વર્તાઇ રહી છે. ન્યાયાધિશોની તટસ્થતા ઉપર શંકા અને સવાલો ઉભા થઇ રહ્યા છે.
આજે જગજાહેર એક કોમવાદી સંસ્થા ખુલ્લેઆમ શેરીઓ અને મહોલ્લાઓમાં ‘ત્રિશૂળો’ વહેંચી રહી છે. પરંતુ કાયદો અને ન્યાય પ્રણાલી તેમની સામે કોઇ કાર્યવાહી કરી શકતી નથી એ હદે લાચાર છે. શું કાયદાની અને ન્યાયાલાયોની દૃષ્ટિએ રસ્તે રઝળતી ગાયો કરતાં આવા કોમવાદી તત્વો સમાજ માટે વધારે ખતરા અને ચિંતાનું કારણ નથી?
પોલીસ, નેતા અને ન્યાયાધિશ - આ ત્રણ ‘ત્રિપુટી’ની નિષ્ક્રિયતાએ સામાજિક વ્યવસ્થાના પાયાને હચમચાવી નાંખ્યા છે. એવું લાગે છે કે આ ‘ત્રિપુટી’ આજે સમાજ માટે ‘ત્રિશૂળ’ કરતાં વધારે આફત નોતરનારી છે.
કાયદા અને ન્યાયપ્રણાલીની આ નિષ્ક્રિયતાને કારણે જ ‘મોતના સોદાગરો’ એ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની હત્યા કરી નાંખી. તો એમ કહેવું જોઇએ કે તેમણે સમાજની લોકશાહીની હત્યા કરી નાંખી. લોકશાહીના તાનાશાહો એ જાણે કે સમાજના પ્રામાણિક, સાચા અને રાજકીય વગવાળા લોકોનો એક પછી એક સફાયો કરવાનો કારસો ઘડી કાઢ્યો હોય એવું લાગે છે. મારી દૃષ્ટિએ એહસાન જાફરી સભ્યસમાજના સૌથી ઉમદાં લોકનેતાનું ઉદાહરણ રહ્યા છે. ખરેખર તો તેઓ ગુજરાતના મુસ્લિમ સમાજના વિકસીત ભવિષ્યનો ચહેરો હતા. મુસ્લિમ અલ્પસંખ્યકોમાંથી પણ દેશની રાજનીતિમાં સક્રિય રીતે પ્રથમ હરોળના નેતાઓ ઉભરીને પોતાની કાર્યદક્ષતા સિદ્ધ કરી શકે છે. આ વાતનો તેઓ પૂરાવો હતો.
પરંતુ, સત્તાલોલુપ અને નશામાં ચકચૂર રાજકારણના તાનાશાહોએ પોતાની ગંદી રાજનીતિઓને સફળ પાડવા માટે સમાજના સાચા લોકસેવકની હત્યા કરાવી નાંખી. આવું કરાવીને તેઓએ એ વાતને પુરવાર કરી દીધી છે કે તેમની માનસિકતા એ મુસલમાનોને નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી અને મુસ્લિમો ફકત આંતક અને ભયનું જ બીજું નામ છે. આ નાપાક માનસિકતાને ત્યારબાદ લોકોના મન અને મસ્તિષ્કમાં થોપ્યાની તેમની ચાલો અવિરત પણે સતત ચાલું છે.
સન ૧૯૮૫માં સિવિલ હોસ્પિટલ, અહમદાબાદની દિવાલ ઉપર એક સ્લોગન લખેલું હતું, “Burn Gaddar Ahesan Jafri” (ગદ્દાર એહસાન જાફરીને બાળી મૂકો). આ લોકોને તેમના આ નાપાક અને અધમ્ય ઇરાદાને પાર પાડવામાં ૨૫ વર્ષોનો સમય લાગ્યો, અને સન ૨૦૦૨માં તેઓએ આ દાનવી કૃત્ય કરી બતાવ્યું. ૨૦૦૨ની આખી ઘટનાએ ફકત હત્યાઓ અને બળાત્કારો પૂરતી સીમિત ન હતી, પરંતુ તેની પાછળ એક ખૂબજ સમજેલી વિચારેલી રાજનીતિક વિચારધારા કાર્યરત હતી. નિર્દોષોને આગમાં હોમીને તેમની સત્તાની હોળી રમવી હતી. ગુજરાતની શાંતિપ્રિય જનતાના જનમાનસમાં ભય, આંતક અને ડરની દિવાલો ઉભી કરીને આ તાનાશાહોને પોતાના કિલ્લાની દિવાલો મજબૂત બનાવવી હતી અને આવું કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે.
જયારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના શાસનકાળ દરમિયાન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ તરીકે નીમ્યા હતા, ત્યારે પણ અહમદાબાદના જાહેર માર્ગોની દિવાલો ઉપર એક સ્લોગન વાંચવા મળ્યું હતું, “They give Abdul Latif, We gave Abdul Kalam” (તેમણે અબ્દુલ લતીફ આપ્યો, અમે અબ્દુલ કલામ આપ્યો). ગુજરાત પ્રદેશની જનતા અન્ય રાજયોની સરખામણીએ થોડી વધારે ર્ધામિક, સરળ, શાંતિપ્રિય અને ભોળી છે. એટલે જ આ પ્રદેશ કોમવાદી માનસિકતા ધરાવનારા ટોળાઓની પહેલેથી જ પ્રયોગશાળા બની રહ્યું છે. તેઓ અવારનવાર રાજયની પ્રજાના મનમાં ભય, આતંક અને ડરના પાયાઓ ખોદીને તેમની વચ્ચે ક્રોધ, ઘૃણા, તિરસ્કાર અને બહિષ્કારની દિવાલો ઉભી કરતાં રહ્યા છે.
સમાજને સારા વેજ્ઞાનીકોની જરૂરત હોઇ શકે છે, પરંતુ વેજ્ઞાનિકો વગર પણ સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ છે, પણ સાચાં, સારા અને ન્યાયપ્રિય આગેવાનોની આગેવાની વગર સમાજનું અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. અગર તમારી લોકશાહી તમને તમારામાંથી જ એક આવા સાચા, સારાં અને ન્યાયપ્રિય નેતાને ચૂંટી કાઢવાની સૌથી સરળ તક પણ નથી આપતી, તો પછી એ લોકશાહી ‘જહન્નમ’ (નરક) બરાબર છે. આવી લોકશાહીના રાક્ષસરૂપી નેતાઓ સમાજને ભય, આતંક, હિંસા અને ખૂનથી લથપથ ટ્રોમા સેન્ટરો જ આપી શકશે - ન્યાય, શાંતિ અને અધિકારો નહિ આપી શકે.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી ‘ઝનુની કોમવાદ’નો પાઠ ભણાવતી પાઠશાળાના નવાં સવાં જોશીલા વિદ્યાર્થી છે. પરંતુ, આપણે કે.કે.શાસ્ત્રી (કેકા)ને ભૂલવાં જોઇએ નહિ કે જેઓને સન ૧૯૮૫માં ગુજરાત સાહિત્ય સંકુલની સૌથી વધારે વિશ્વસનીય તટસ્થ અને આદરણીય એવી ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ના પ્રમુખસ્થાને બિનહરિફ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કેકાને પ્રમુખપદે ચૂંટીને તે વખતના વિશ્વહિંદુ પરિષદના નેતાઓએ, ગુજરાતનો સાહિત્યકારો અને લેખકોએ તથા ગુજરાતની બહુમતી વર્ગની જનતાએ કેકાને પોતાના ર્ધાિમકગુરૂ તરીકે પણ સ્વીકારી લીધા હતા. કોમવાદી અને ધર્મઝનુની સંસ્થાઓના ઠેકેદારોએ સર્વાનુમતે તે વેળા કેકાએ સૂચવેલી ૩૦૦૦ મસ્જિદોની એ યાદી કે જેણે તેઓએ વિધ્વંશ કરવાના ઇરાદા સાથે બનાવી હતી - મંજૂરીની મહોર લગાવી હતી. ત્યાર બાદ તેમણે એક નારો બુલંદ કર્યો કે ‘રામલ્લા હમ જાએંગે, મંદિર જરૂર બનાએંગે’, જેનો પડઘો સન ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંશ રૂપે સાંભળવામાં આવ્યો. કાયદા અને પ્રશાસને અહીંયા પણ પોતાની નંપુસકતા પુરવાર કરી હતી. આજે ૨૫ વર્ષો પછી પણ એકપણ ગુજરાતી લેખકની અંદર એ આત્મપ્રતિત કે હિંમત જાગી નથી કે તેઓ ૧૯૮૫માં કેકા જેવા કોમવાદી અને ધર્મઝનુની વ્યક્તિના સાહિત્ય પરિષદના પ્રમુખપદે ચૂંટાવા અંગે ટિપ્પણી કે લેખ લખી શકે.
આજે ગુજરાત રાજયમાં સતત રાજયસરકાર દ્વારા આયોજિત સદ્ભાવના સંમેલનો, તહેવારો, ફેસ્ટિવલો અને ર્કાિનવલોનો માહોલ સર્વત્ર જોવાઇ રહ્યો છે. રાજય સરકારના પોતાના તહેવારોના નગાડાઓની આવાજમાં ન્યાય અને અધિકારો માટે તરસતાં પીડિતોનો આવાજ રૂંધાઇ ગયો છે. અધિકારો અને ન્યાય માટે ભટકતાં રમખાણગ્રસ્તોની પીડાઓ, ઇજાઓ અને આવાજને દબાવવા માટે અનેક હીન પ્રયાસો થઇ રહ્યા છે. પોતાની કાળી કરતૂતોનો ઢાંકપિછોડો રાજયસરકાર સદ્ભાવનાનો ચોળો ઓઢીને કરવાની પ્રયત્ન કરી રહી છે. બેગુનાહો ઉપર ગુજારેલા અત્યાચારોની માફી માંગવાને બદલે મુખ્યમંત્રી રાજયમાં મોજમસ્તી અને મનોરંજનના કાર્યક્રમો યોજી રહ્યા છે. ઘણા સમય પૂર્વ ‘ગ્લેડિએટર’ નામની એક અંગ્રેજી મૂવી જોઇ હતી. તેમાં પ્રજાનો શાસક પોતાની કમજોરી અને ગુનાહોને છુપાવવા માટે રાજયમાં ૧૫૦ દિવસો સુધીનું મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરી નાંખે છે. આવું કરવા પાછળ તેનો ઇરાદો સ્પષ્ટ હોય છે કે રાજયની ભોળી પ્રજા કાર્યક્રમોની મોજમસ્તીમાં ગરકાવ થઇને ધીરેધીરે તેમના મૂળભૂત પ્રશ્નો અને અધિકારોને ભૂલી જઇને શાસકની માનસિક ગુલામ બની જશે. અત્યારે ગુજરાત રાજયમાં પણ આવું જ કંઇક પ્રતિત થઇ રહ્યું છે. ઘવાયેલા અને પીડાયેલાં દુઃખી લોકો ન્યાય માટે ન્યાયાલયોના એક બારણેથી બીજે બારણે ભટકી રહ્યા છે, ત્યારે આ અત્યાચારી તાનાશાહો અને લોકશાહીના નવા હિટલરો પોતાની શાન, બાન અને જીતના વિકૃત નશામાં ચૂર થઇને વિજયસરઘસો યોજી રહ્યા છે. નવા નવા કાર્યક્રમો અને ર્કાિનવલો ગોઠવી રહ્યા છે અને પોતાની આદમકદની રંગબેરંગી વિશાળ પોસ્ટરો લગાવડાવી રહ્યા છે. તેમનું સરઘસ ૨૦૦૨ના માનવસંહારથી લઇને આજે ૨૦૧૨ના મનોરંજન સુધી પહોંચી ગયું છે. પરંતુ ન્યાય અને અધિકારો માટે તરસતા નિર્દોષોની આત્માઓને હજુ સુધી મોક્ષ મળી શક્યો નથી.
ગુજરાતની રાજય સરકારે રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે સાબરમતી નદીના કિનારે ‘રિવરફ્રન્ટ’ યોજના ઘડી કાઢી અને હજારો ગરીબ ઝુંપડાવાસીઓને શહેરમાંથી નિર્વાસિત કરી નાંખ્યા. આજે મુખ્યમંત્રી દર વર્ષે એ ગરીબોના ઝુંપડાઓની જમીન પર ‘કાઇટ ફેસ્ટિવલ’ના નામે હજારો રૂપિયાના એંધાણ કરે છે. કચ્છમાં દર વર્ષે ‘રણોત્સવ કાર્યક્રમ’ યોજે છે જયાં ૭૦૦૦ રૂપિયા પ્રતિ ટેન્ટના (એક દિવસનું ભાડું) ખર્ચે અનેક ટેન્ટો બાંધવામાં આવે છે (જે વાસ્તવમાં તો આજકાલ રાજકારણીઓનું હનીમુન પિકનીક સ્થળ બની રહ્યું છે - સરકારી ખર્ચે). પરંતુ દુઃખની વાત તો એ છે કે જે કચ્છના રણમાં મુખ્યમંત્રી ભોગ વિલાસ અને મનોરંજનના કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યાંની મૂળ કચ્છી પ્રજા માટે તેમણે કશું જ વિકાસનું કામ કર્યું નથી. આજે પણ કચ્છની ૫૦થી ૮૫ ટકા ગામડાની પ્રજા રોજીરોટી માટે અન્ય શહેરો અને રાજયોમાં ભટકી રહી છે અને મુખ્યમંત્રી ઉદ્યોગપતિઓને ગરીબોની જમીનોની મફતમાં લ્હાણી કરાવી રહ્યા છે. પશ્ચિમબંગાળમાંથી જાકારો મળ્યા બાદ રાદિયાની ચાપલૂસીએ રતનટાટાને સાણંદમાં નેનોપ્લોટ માટે હજારો એકર જમીન અપાવી દીધી. નેનોપ્લોટ શરૂ થયાના અમુક વર્ષો જ થયાં છે ત્યાં તો રતનટાટાએ તેનાં ર્વાિષક હિસાબમાં સાણંદના પ્લોટ થકી ૩૦૦૦ કરોડરૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. આ એ જ અરબપતિ ટાટા છે જેને આપણા મુખ્યમંત્રી એ સાણંદમાં ૯૦૦ રૂા. પ્રતિ ચો. ફૂટના પાણીના ભાવે હજારો એકર જમીન ‘દાન’માં આપી દીધી. (કોના બાપની...???), જેનો ખરેખરો બજારભાવ ૧૦૦૦૦ રૂા. પ્રતિ ચો.ફૂટ હતો. એવી જ રીતે રાજયની મોદી સરકારે આપણા રાજયના બીજી એક અરબપતિ ‘ગરીબ’ નિરમાગ્રુપના કરશનભાઇ પટેલને મહુવા ગામની એકદમ ફળદ્રુપ જમીન ફકત રૂા. ૨૫૦૦ પ્રતિ ચો. ફુટના ભાવે તેમના સિમેન્ટ પ્લાંટના બાંધકામ માટે ભેટમાં આપી દીધી હતી. (કોના બાપની...???). આ અગાઉ પણ સન ૨૦૦૩માં કરશનભાઇ પટેલના સંબંધીઓએ તેમના મૂળ ગામ રૂપરમાં દલિતોના કબ્રસ્તાનની જમીન પચાવી લીધી હતી, જેનો કેસ ઠલ્લે ચઢેલો છે. રૂપરગામ આનંદી બહેન પટેલની સત્તા હેઠળમાં આવે છે, જેઓ મુખ્યમંત્રીના ‘સદ્ભાવના મિશન’ના ઇન્ચાર્જ અને હાલના રાજયસરકારના મહેસુલમંત્રી છે. ઉદ્યોગપતિઓને મોદીરાજમાં હાલ તો ઘી-કેળા થઇ ગયા છે. ગરીબ, કચડાયેલા અને નિર્દોષોની અવદશા અને દુર્દશા ઉપર પોતાની સત્તાનો તખ્તો જમાવીને મુખ્યમંત્રી રાદિયા, ટાટા, અદાણી અને અંબાણીઓ દ્વારા કરવામાં આવતી ચાપલૂસીઓ અને વાહવાહીઓનો વિકૃત આનંદ લઇ રહ્યા છે.
આજે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણો સમાજ ઘણી બધી નામી અને જાણીતી હસ્તીઓથી ભરેલો છે. પરંતુ નીડર અને આખાબોલા નેતાઓની ઉણપ ખૂબજ સાલે છે. અહીં તો ચાપલૂસી એ જ ‘રાજધર્મ’ બની ગયો છે. આવા ચાપલૂસો મોટા ભાગે મીડિયાથી ઘેરાયેલા રહે છે અને TRP ભૂખી મીડિયા દરરોજ તેમના નિત-નવા ચાપલૂસી ભર્યા કથનો અખબારના મથાળે ચમકાવતાં રહે છે. આવા વ્યક્તિઓની કારકિર્દી જ મીડિયા ઉપર નિર્ભર કરતી હોય છે. આને લીધે જ તેઓ રાજયસરકારના અન્યાયો અને ભ્રષ્ટાચારોને પણ સરળતાથી લે છે અને મીડિયામાં તેના વિશે હિંમતથી બોલવાની તાકત જુટાવી શકતા નથી. મીડિયા જેમ નચાવે તેમ તેઓ નાચે છે. નહિતર, ગુનાખોરીઓને અને સમાજમાં અસંતુલન વધારવામાં મીડિયા અને સમાચારપત્રકોનો ફાળો પણ કંઇક ઓછો નથી. વાતનું વતેસર અને કાગનો વાઘ કરવામાં આપણા મીડિયાવાળા પાવરઘા છે. હવે તેમાં પણ પેલાં કોમવાદીઓ અને ઝનુનીઓના વર્ચસ્વને કારણે સમાજમાં શાંતિ, એક્તા અને ભાઇચારાનું વાતાવરણ વારંવાર ડહોળાયા કરે છે.
ગોધરાકાંડને બીજે જ દિવસે ગુજરાતના એક અગ્રણી સમાચારપત્રકના એ મથાળાને કોઇ કેમ કરીને ભૂલી શકે છે કે જેમાં લખેલું હતું, ‘મુસ્લિમોએ હિન્દુસ્ત્રીઓના સ્તન કાપી નાંખ્યા...’ અને ત્યારબાદ આ ‘સમાચાર’ જ આખા ગુજરાતમાં તે પછી મુસ્લિમ સ્ત્રીઓ સાથે થયેલાં બળાત્કારોનું નિમિત્ત બન્યા. આપણો કાયદો શું આવા વાહિયાત સમાચારો છાપીને લોકોને ભડકાવવા બદલ એ સમાચારપત્રક સામે કાયદાકીય પગલાં ન્હોતા લઇ શકતો??? આ લોકોએ આવાજ ભડકાઉ અને મનઘડત મથાળાઓ છાપી-છપાવીને ૧૯૮૧માં દલિતો ઉપર અત્યાચાર કર્યા હતા અને ૨૦૦૨માં તેઓએ મુસ્લિમ ઉપર કર્યા.
(Institute of Peace Studies and Conflict Resolution (IPSCR)
-*-રજૂઆતઃ હમઝા શેઠ -*-