Tuesday, March 19, 2024
Homeમનોમથંનનૈતિક મૂલ્યો આધારિત શિક્ષણ: સમાજની મુખ્ય જરૂરત

નૈતિક મૂલ્યો આધારિત શિક્ષણ: સમાજની મુખ્ય જરૂરત

માનવીય જીવનમાં નૈતિકતા એ પાયાનો દરજ્જાે ધરાવે છે. માનવીમાં નૈતિક સમજ પ્રાકૃતિક રીતે હોય જ છે. આ નૈતિકતા જ છે કે જેના કારણે માણસ પોતાની જાતને સુંદર બનાવે છે; અને જાે નૈતિકતા ન હોય તો માણસ પશુઓથી પણ નિમ્ન થઈ જાય છે. દુનિયાની દરેક સભ્ય વ્યક્તિ અને સમાજ નૈતિકતાને મહત્ત્વ આપે છે અને તેની સુસંગતતા (Relevance)ને સ્વીકારે છે. નૈતિકતા શું છે? આ એક વિસ્તાર માંગી લેતો વિષય છે. ધાર્મિક અને અધાર્મિક વિચારના લોકો તેને વિવિધ દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરે છે. પરંતુ નૈતિકતા બાબતે એક વસ્તુ કોમન છે જેને દુનિયાની દરેક વ્યક્તિ માને છે, જેને આપણે મૂળભૂત માનવીય નૈતિકતા (Basic Human Morality) કહીએ છીએે. એટલે કે સચ્ચાઈ, અમાનત-દારી, પ્રમાણિકતા, આવા ઘણા બધા મૂલ્યો છે જેને માણસ માનવી હોવાની હૈસિયતથી માને છે. આમાં ધાર્મિક કે અધાર્મિક હોવાથી ફરક પડતો નથી.

નૈતિકતાનું આટલું મહત્ત્વ હોવા છતાં જ્યારે આપણે સમાજ પર એક નજર કરીએ તો સમાજ આ સંબંધે બિલકુલ બેદરકાર દેખાય છે. સમાજના વિવિધ વિભાગો જેમકે રાજનૈતિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે નૈતિકતા અને નૈતિક મૂલ્યોને હવે આપણે મહત્ત્વતા નથી આપતા. અત્યારે આપણે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નૈતિકતાની કમી અને તેના પરિણામો ઉપર ચર્ચા કરીશું.

વ્યક્તિને બનાવવા અને સંવારવામાં પરિવાર અને સમાજની સાથે સાથે શિક્ષણ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિને જેવું શિક્ષણ આપવામાં આવે અને જે ધ્યેય સાથે આપવામાં આવે તે એ જ દિશામાં આગળ વધે છે. એટલે જ આપણી શિક્ષણ વ્યવસ્થાનું એક ધ્યેય એ પણ હોવું જોઈએ કે આપણે એક સારી વ્યક્તિ બનાવી શકીએ. અને એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણી શિક્ષણ-નીતિ નૈતિકતાને પ્રાથમિકતા આપે.પરંતુ કમનસીબે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોને વેગ આપવો અને તેમને એક સારા વ્યક્તિ બનાવવા એ આપણી શિક્ષણ-નીતિની પ્રાથમિકતામાં સામેલ નથી. નવી શિક્ષણ-નીતિમાં સ્પષ્ટ રીતે એનો અભાવ જોવા મળે છે. જ્યારે તમે નવી શિક્ષણ-નીતિ વાંચશો ત્યારે ભાગ્યે જ શિક્ષણમાંની નૈતિકતા તમને જોવા મળશે. બલ્કે નૈતિકતાનો શબ્દ પણ કદાચ ન મળે. આ નીતિમાં શૈક્ષણિક સ્તરને ઊંચો લઈ જવા અને દેશને Knowledge Super Power બનાવવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જે બહુ સારી વાત છે, પરંતુ શું માત્ર શૈક્ષણિક સ્તરને ઊંચો લઈ જવાથી કે Knowledge Empower થઈ જવું એ સામાજિક ઉન્નતિ માટે પૂરતું છે? શું માત્ર સાયન્સ દ્વારા વસ્તુનું સંશોધન અને ટેકનોલોજીમાં નિપૂણતા પ્રાપ્ત કરવાથી એક આદર્શ સમાજ બની શકે છે? વાસ્તવમાં આવું નથી. આપણી આસપાસમાં બનતી ઘટનાઓ અને અવાર-નવાર ટીવી તથા સમાચાર પત્રોમાં આવતા સમાચારો એ વાતની સ્પષ્ટ દલીલ છે કે શૈક્ષણિક સ્તરને ઊંચો લઈ જવા જીવનનો સ્તર (Status of Living) તો સારો થઈ શકે છે, પરંતુ કોઈ પણ સમાજ ન્યાય અને શાંતિનું પારણું ત્યાં સુધી ન બની શકે જ્યાં સુધી વ્યક્તિમાં નૈતિક મૂલ્યો ન હોય અને સમાજમાં નૈતિક શિક્ષણને વેગ આપવા અને વિકસિત કરવાનું વાતાવરણ પેદા ન થઈ જાય.

આ સંદર્ભમાં ઘણા દાખલાઓ આપી શકાય. આવી અસંખ્ય ઘટનાઓ સોશ્યલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં ભરેલી પડી છે જે આપણા તથાકથિત શિક્ષિત સમાજ (So Called Educated Society)ને જાેરદાર લપડાક છે. બલ્કે જ્યારે તમે સમાજના વિવિધ ક્ષેત્રને એક વિશ્લેષણાત્મક નજરથી જોશો તો તમે પોતે જ સમજી શકશો કે આપણી શિક્ષણ-વ્યવસ્થા કેવા લોકો પેદા કરી રહી છે. આપણા રાજનેતાઓને જ જોઈ લઈએ તો તેમનામાં સત્યવાદી, પ્રમાણિક,અમાનતદાર અને ગુનાથી પાક વ્યક્તિ ભાગ્યે જ જાેવા મળે. પછી જ્યારે કર્મચારી, વેપારી અને વ્યવસાય ધરાવતા લોકોને જોઈએ તો એવા બહુ ઓછા લોકો દેખાશે કે જેઓ પ્રમાણિકતાથી કામ કરતા હોય, અને દરેક જાતના ભ્રષ્ટાચારથી બચેલા હોય. ATM લૂંટવાથી લઈને Internet કે બેંક Fraud સુધી અને આપણા દેશમાં થયેલ મોટા મોટા કરોડો, અબજાેના કૌભાંડમાં પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારી વ્યક્તિઓ સંડોવાયેલ છે. પ્રશ્ન આ છે કે આ કેવી શિક્ષણ પ્રણાલી છે કે જે આપણા સમાજમાં ચોર, લૂંટારા, હત્યારા, સ્વાર્થી અને અસંવેદનશીલ વ્યક્તિઓ પેદા કરી રહી છે? એનું મુખ્ય કારણ શું છે? જ્યારે તમે આ પ્રશ્ન પર વિચાર કરશો ત્યારે એ જ ઉત્તર મળશે કે એનું મૂળ કારણ શિક્ષણ પ્રણાલીમાં નૈતિક મૂલ્યોનો વિકાસ અને ઉછેરનો અભાવ છે. હું અહિંયા આ વાત પણ સ્પષ્ટ કરવા માંગું છું કે વ્યક્તિને બનાવવા કે બગાડવામાં માત્ર શિક્ષણ પ્રણાલીની ખામી જવાબદાર નથી બલ્કે પરિવાર અને સમાજ પણ આટલા જ જવાબદાર હોય છે. પરંતુ આપણે અહીં માત્ર શિક્ષણ-વ્યવસ્થાના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ. એટલે આ બે વસ્તુઓને સ્પર્શી નથી. અને શિક્ષણ-વ્યવસ્થા પર ભાર મૂકવાનું બીજું કારણ આ છે કે આપણે નૈતિકતાના સંબંધમાં સમાજ અને કુટુંબ ઉપર તો થોડું ધ્યાન આપીએ છીએ પરંતુ શિક્ષણ-પ્રણાલી દ્વારા નૈતિકતા અને ચરિત્રનો વિકાસ કરવામાં આપણું ધ્યાન તુલનાત્મક રીતે ઓછું છે. શિક્ષણને આપણે માત્ર નામના પ્રાપ્ત કરવા અને પૈસા કમાવવા સુધી સીમિત કરી દીધો છે.

હવે આપણે ટૂંકમાં આ જોઈ લઈએ કે શિક્ષણ દ્વારા વ્યક્તિમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કેવી રીતે કરી શકાય. વાસ્તવમાં માણસને નૈતિક મૂલ્યોનું પાલન કરાવવું એ કોઈ એવી ક્રિયા નથી કે જે ચોક્કસ સમયમાં પૂર્ણ થઈ જાય છે બલ્કે આ એક નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા છે. માણસને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અનૈતિકતાથી બચવાનું હોય છે. પરંતુ આ બચવાની ચિંતા તેમને જે ઉંમરમાં શીખવવાની છે તે એ જ ઉમર છે જેને આપણે બાળપણ કે નાનપણ કહીએ છીએ. જીવનનો આ જ સમય પ્રાથમિક શિક્ષણમાં લાગે છે, એટલે આપણે પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને નૈતિક શિક્ષણના પાઠ ભણાવવા જોઈએ. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી આપણી શિક્ષણ-પ્રણાલી દ્વારા નૈતિક અને ચારિત્ર્યિક વિકાસ માટે વ્યવસ્થિત પ્રયત્નો હોવા જોઈએ. આ સંબંધે પાઠયક્રમની તૈયારી, શિક્ષકોની ટ્રેનિંગ અને કાઉંસલિંગ અને શૈક્ષણિક સંકુલોના વાતાવરણનું બહુ મહત્ત્વ છે. આ બધી બાબતો સાથે એક મહત્ત્વની અને પાયાની વસ્તુ આ છે કે શિક્ષણનો ધ્યેય માત્ર જીવન સ્તરને ઊંચો (Status of living) કરવો અને ખ્યાતિની પ્રાપ્તિ જ નહીં બલ્કે સારા વક્તિત્વનું નિર્માણ પણ છે. આ સંદેશ આપણી શિક્ષણ-નીતિ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજ સુધી ડિલિવર (Deliver) થવું જોઈએ, અને ત્યારે જ આપણે વિદ્યાર્થીઓમાં માત્ર શિક્ષણ જ નહીં બલ્કે મૂલ્ય આધારિત શિક્ષણને વેગ આપી શકીશું. અને ચોક્કસપણે આની હકારાત્મક અસરો આપણને સમાજમાં જાેવા મળશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments