લોકડાઉન બાદ પ્રથમ વખત બાબાકા ઢાબા પર લાઇનો લાગી જતાં તેના સંચાલક વયોવૃદ્ધ યુગલના ચહેરા પ્રસન્નતાથી ખીલી ઊઠ્યાં

દિલ્હીના માલવીયનગરમાં એક વયોવૃદ્ધ શખ્સ પોતાની પત્નીની સાથે ઢાબા ચલાવે છે જેનું નામ બાબાકા ઢાબા છે. ૮૦ વર્ષના કાંતાપ્રસાદ આ ઢાબુ ચલાવે છે પરંતુ લોકડાઉન બાદ પોતાના ઢાબા પર કોઇ ભોજન લેવા નહીં આવતાં તેઓ ખૂબ જ નિરાશ હતાં અને એક યુટ્યૂબર જ્યારે તેમની નાનકડી દુકાન પર પહોંચ્યાં તો તેમણે પોતાની સમગ્ર કહાણી સંભળાવતાં બાબા રડી પડ્યાં હતાં. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઇ ગયો અને દેશના કેટલાય લોકો તેમની મદદ માટે આગળ આવ્યાં જેમાં કેટલાય મોટા નામોનો પણ સમાવેશ થાય છે.

વીડિયો વાઇરલ થયાંના થોડા કલાકો બાદ તેમના ઢાબા પર ભોજન લેવા લોકોની લાઇન લાગી ગઇ. લોકડાઉન બાદ પોતાના ઢાબા પર આટલી મોટી ભીડ જાેઇને વયોવૃદ્ધ કપલના ચહેરા પર મુસકાન આવી ગઇ. ટ્‌વીટર પર બાબાકા ઢાબા ટોપ ટ્રેન્ડ પર છે. દિલ્હીમાં લોકો તેના ઢાબા પર પહોંચી રહ્યાં છે અને વયોવૃદ્ધ યુગલને મદદ કરી રહ્યાં છે. વીડિયો વાઇરલ થયાંના બીજા દિવસે જ્યારે માતા-પિતાએ સવારે છ વાગ્યે વાનગીઓ બનાવીને તેઓ સાડા આઠ વાગ્યે દુકાને પહોંચ્યાં તો તેમણે જાેયું કે લોકોએ તેઓ પહોંચે તે પહેલા જ ઢાબા પર લાઇન લગાવી દીધી હતી. થોડા કલાકોમાં જ તેમણે બનાવેલ પરોઢા વેચાઇ ગયાં અને તેમને ફરીથી પરોઠા બનાવવા પડ્યાં તેવું કાંતાપ્રસાદના ૩૭ વર્ષના પુત્ર આઝાદ હિંદે જણાવ્યું હતું. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ચપાતી, રાઇસ, મિક્સ વેજીટેબલ અને પનીર સહિત તમામ આઇટમો તેમના આશ્ચર્ય વચ્ચે તાત્કાલિક વેચાઇ ગઇ હતી. યૂટ્યૂબર ગૌરવ વાસને આ વયોવૃદ્ધ યુગલનો વીડિયો શેર કર્યો હતો. તેમની ચેનલ સ્વાદ ઓફિશીયલ પર ૬,ઓક્ટો. આ વીડિયો પોસ્ટ કરવામાં આવતાં તે ઝડપથી વાઇરલ થઇ ગયો હતો. ટ્‌વીટર પર આ વીડિયોને વસુંધરા નામની એક યુઝરે પણ ૭,ઓક્ટો. શેર કર્યો હતો અને ત્યાંથી ટ્‌વીટર પર પણ આ વીડિયો વાઇરલ થઇ ગયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here