✍️ મુફ્તી ખાલીદસૈફુલ્લાહ રહમાની
અનુવાદ: અનસ બદામ

પાછલા કેટલાક વર્ષોથી જ્યારે જ્યારે બકરી ઈદનો તહેવાર આવે છે, ત્યારે સાંપ્રદાયિક તત્વો સક્રિય થઈ જાય છે અને ‘ગૌહત્યા’ તેમજ ‘જીવહત્યા’ વિરુદ્ધ નિવેદનબાજી શરૂ કરી દે છે, બલ્કે એથીય વધીને કુરબાનીના વિરોધમાં એક અભિયાન જેવું શરૂ કરી દે છે. પરંતુ જીવહત્યાની વાસ્તવિકતા પર દ્રષ્ટિપાત કરતા એ માલૂમ પડે છે કે માનવ ખોરાક માટે પશુઓને કતલ કરવું ન તો ધર્મ વિરુદ્ધ છે, કે ન તો ક્રુરતા કે નિર્દયતા છે. બલ્કે આ એક કુદરતી જરૂરત છે, અને તેનાથી અનેક ગરીબોનાં આર્થિક હિતો સંકળાયેલા છે, જેને અવગણવું કોઈ પણ રીતે ન્યાયસંગત ન કહેવાય. આવશ્યકતા એ વાતની છે કે આપણા બિનમુસ્લિમ ભાઈઓ લાગણીવશ થયા વિના ઠંડા દિલથી આ મુદ્દે મનોમંથન કરે. અને મુસ્લિમોની પણ ફરજ છે કે તેઓ પણ જવાબમાં ઉશ્કેરાઈ જવાને બદલે તાર્કિક રીતે પોતાના બિનમુસ્લિમ ભાઈઓને સમજાવવાનો પ્રયાસ કરે.

કેટલાક લોકોનું એવું માનવું છે કે ઇસ્લામે માંસાહારની છૂટ આપી નિર્દયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણા કેટલાક નાવાકેફ અને અજાણ હિંદુ ભાઈઓ તો એવું જ સમજે છે કે, ઈસ્લામ એટલે માંસાહાર! આ બાબતે પહેલાં તો એ વાત યાદ રાખવી જોઈએ કે ભારતીય ધર્મો સિવાય દુનિયાના તમામ ધર્મોમાં માંસાહારની છૂટ આપવામાં આવી છે અને માંસને એક આવશ્યક માનવીય ખોરાક માન્યો છે. ભારતીય ધર્મોમાં પણ ‘જૈન’ ધર્મ સિવાય વાસ્તવમાં બાકીના તમામ ધર્મોમાં માંસાહારની છૂટ છે. આજકાલ હિંદુ ભાઈઓમાં એ વાત પ્રચલિત થઈ ગઈ છે કે, તેમના ધર્મમાં માંસાહારથી રોકવામાં આવ્યા છે, પરંતુ આ પોતાના ધર્મ અને પોતાના ઇતિહાસથી અજ્ઞાનતા માત્ર છે. ખુદ વૈદોમાં જાનવરોને ખાવા, રાંધવા અને બલિ ચઢાવવાનો ઉલ્લેખ જોવા મળે છે. (આ માટે જુઓ ‘રામાયણની અંતરયાત્રા’-નગીનદાસ સંઘવી_ અનુવાદક)

ગાંધીજીએ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે એક ચોક્કસ સમયગાળા સુધી હિન્દુ સમાજમાં પણ જાનવરોની બલિ ચઢાવવી અને માંસાહાર કરવું પ્રચલિત હતું. ઈતિહાસવિદ્દ ડો.તારાચંદના મતે વૈદિક બલિઓમાં જાનવરોની બલિ પણ ચઢાવવામાં આવતી હતી.

ટૂંકમાં હકીકત એ છે કે માંસનું માનવીય ખોરાક હોવું અને એ હેતુસર પશુવધ કરવું ઉચિત અને સ્વીકાર્ય હોવા પર ન માત્ર તમામ વૈશ્વિક ધર્મો સહમત છે, બલ્કે પ્રાકૃતિક આવશ્યકતાની દ્રષ્ટિએ અને તાર્કિક રીતે પણ તેનું વાજબી અને કાયદેસર હોવું જરૂરી છે.

જે લોકો માંસાહારનો વિરોધ કરે છે તેમની દલીલ અને તર્ક એ છે કે, તે ‘જીવહત્યા’નું કારણ બને છે. પરંતુ ચિંતન-મનન કરવામાં આવે તો એ વાતને સમજવી મુશ્કેલ નથી કે સૃષ્ટિનો પ્રાકૃતિક નિયમ એ જ છે કે, સૃષ્ટિના સર્જકે નાનાં પ્રાણીઓને પોતાનાથી મોટાં પ્રાણીઓ માટે ખોરાક અને જીવનનિર્વાહનું સાધન બનાવ્યાં છે. જેને વિજ્ઞાનની પરિભાષામાં ‘આહાર શૃંખલા’ પણ કહે છે. હવે વિચારો કે, શું આવી જીવહત્યાથી બચવું શક્ય પણ છે ખરું? તમે જ્યારે પાણી કે દૂધનો એક ગ્લાસ પીવો છો તો સાથે સેંકડો જીવાણુઓ અને બેક્ટેરિયાને પણ પાણીના એ ઘૂંટડા સાથે મોતનો કોળિયો બનાવી દો છો. તેમજ જ્યારે તમે કોઇ દવા કે ગોળી લો છો, તો તે તમારા શરીરમાં જઈને શું કાર્ય કરે છે તે જાણો છો? તમારા શરીરમાં જે જંતુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, તે જંતુઓનો આ દવાઓ ખાતમો કરી દે છે. શું આ જીવહત્યા ન કહેવાય? આમ જીવહત્યાની પરિકલ્પનાને વ્યાપક સંદર્ભમાં જુઓ‍ તો તમે પાણી સુદ્ધાં ન પી શકો અને દવાઓનો ઉપયોગ પણ ન કરી શકો.

આજના સાયન્સે પણ એ વાત પુરવાર કરી દીધી છે કે, જે રીતે પ્રાણીઓમાં જીવ અને આત્મા મોજૂદ છે, એ જ રીતે વનસ્પતિ અને છોડમાં પણ જીવ હોય છે. અને તેઓ પણ લાગણીઓ ધરાવે છે. હિન્દુ દર્શનમાં પણ છોડના જીવ હોવાનો સ્વીકાર કરાયો છે. સ્વામી દયાનંદજી ‘આવાગમન’માં આત્માના અવતાર ધારણ કરવાના ત્રણ સ્વરૂપ દર્શાવે છે; માનવી, પ્રાણી અને વનસ્પતિ. આ સ્વીકાર છે એ વાતનો કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. તો હવે જીવહત્યાથી બચવું હોય તો વનસ્પતિજન્ય ખોરાક અને શાકભાજીથી પણ બચવું પડશે. અને જો આવું હોય તો આ સૃષ્ટિમાં એવા માનવીને કોઈ સ્થાન જ નથી જે સંપૂર્ણ રીતે જીવહત્યાથી બચીને જીવવા માંગતા હોય!

માનવ ખોરાકનો એક વિશાળ ભાગ પ્રાણીઓથી જ પૂરો થાય છે. કેટલાક અતિશય ઠંડા પ્રદેશો કે અતિશય ગરમ રણપ્રદેશો છે, જ્યાં ખેતી શક્ય નથી, ત્યાં માંસ જ માનવ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય. માનવ શરીરમાં કેટલાક તત્વો એવા છે કે તેમની ઉણપ માંસ વગર પૂરી થઇ શકતી નથી. આ ઉપરાંત પ્રાણીઓ એક ચોક્કસ વય પછી બિનઉપયોગી થઇ જાય છે અને તેમનાથી ન તો દૂધ મેળવી શકાય છે કે ન અન્ય કોઈ કામ લઈ શકાય છે. આ સ્થિતિમાં જો તમે તેમને ખોરાક તરીકે લેવાની છૂટ ન આપો તો પશુપાલકો માટે તે એક ખૂબ મોટો બોજો ને ભાર બની જશે. અને ગરીબ ખેડૂત જે પોતે પોતાનું પેટ નથી ભરી શકતો તે કેવી રીતે આ ભારને સહી શકશે?

કેટલાક લોકોનું કહેવું છે કે ‘ગૌહત્યા’, ‘જીવહત્યા’ વગેરે પર પાબંદીની માગ અમે ધાર્મિક પરીપ્રેક્ષ્યમાં નથી કરતા, બલ્કે તે એક આર્થિક આવશ્યકતા છે. જો પશુવધ ન થાય તો લોકોને ઘી અને દૂધ સસ્તા ભાવે મળી રહે અને સામાન્ય લોકોને તેનો લાભ થઈ શકે. આ તર્ક માત્ર એક ભ્રમ છે, હકીકત એ છે કે જે દેશોમાં ભારત કરતાં વધુ પ્રાણીઓનો વધ થાય છે, અને જ્યાં પશુવધ ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી, ત્યાં આપણી સરખામણીમાં દૂધ અને ઘીનું સસ્તા ભાવે અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેનાં ઉદાહરણો અમેરિકા અને યુરોપ છે. આપણા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં અને બીજા જાનવરોના કતલ પર પણ અનેક શરતો હોવા છતાં અહીં દૂધ અને ઘી મોંઘા છે.

આ ઉપરાંત એ પણ એક હકીકત છે કે, આજે વિશ્વના વિવિધ વિક્સિત દેશો જાનવરોનો વંશવેલો વધે તેવા પ્રયાસ કરી વિશાળ પાયા પર તેમના માંસનો નિકાસ કરે છે, અને આમ તેઓ પુષ્કળ આર્થિક લાભો મેળવે છે. જો આપણા દેશમાં તેના પર પ્રતિબંધ લગાવી દેવાય તો સમાજ અને દેશ માટે ચર્મ અને માંસઉદ્યોગના નિકાસથી પ્રાપ્ત થતી પુષ્કળ આર્થિક આવકમાં ભયંકર નુકસાનીનું કારણ બની શકે.

કેટલાક લોકોનું માનવું છે કે માંસાહારથી માનવીમાં હિંસા (Violence)નો મિજાજ પેદા થાય છે. અને માનવી પર તેની નકારાત્મક નૈતિક અસર પડે છે, પરંતુ દુનિયાના ઇતિહાસ અને સ્વયં આપણા દેશની વર્તમાન સ્થિતિ આ દલીલને નકારે છે. વિશ્વના ધાર્મિક નેતાઓમાં શ્રી ગૌતમ બુદ્ધ અને હઝરત ઇસા મસીહ (અલ.)ને અહીંસા અને રહેમદિલીના સૌથી મોટા પ્રચારક અને મશાલચી માનવામાં આવે છે, પરંતુ શું આવી પાક-પવિત્ર હસ્તીઓ માંસાહાર નહોતી કરતી? તેઓ પણ માંસાહારી હતા. અને ગૌતમ બુદ્ધ ન માત્ર માંસાહારી હતા, બલ્કે જીવનના આખરી સમયમાં પણ માંસ આરોગીને મોતને ભેટ્યા હતા. અને હિટલરથી મોટો કોઇ અત્યાચારી, ઘાતકી અને હિંસક બીજો કોણ હોઈ શકે!! તેમ છતાં હિટલર માંસાહારી ન હતો, તે માત્ર સબ્જીવાળા ખોરાકને જ ભોજન તરીકે લેતો હતો. આમ, એવું માનવું કે હિંસા અને અહિંસાનો સંબંધ માત્ર ખોરાકથી છે, તો એ મૂર્ખતા અને નાદાનિયત લેખાશે. જ્યાં સુધી અંતર (દિલ)ની દુનિયામાં બદલાવ નહીં આવે‍, માનવી માનવતાથી મહોબ્બત કરતા નહીં શીખે, ઇશ્વરનો ડર અને આખેરત (પરલોક)માં જવાબદેહીનો અહેસાસ ન હોય, તો માત્ર ખોરાક માનવીના ચારિત્ર્ય અને પ્રકૃતિને બદલી ન શકે!

સૌજન્ય: સદભાવના ઈ-મેગેઝીન, જુલાઈ, ૨૦૨૦ માંથી સાભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here