Thursday, April 25, 2024
Homeમનોમથંનઅમેરિકન ચૂંટણી ૨૦૨૦ - શ્વાસ અધ્ધર કરી દેતી પ્રક્રિયા

અમેરિકન ચૂંટણી ૨૦૨૦ – શ્વાસ અધ્ધર કરી દેતી પ્રક્રિયા

“અબકી બાર મોદી સરકાર” – મોદી સાહેબ હ્યુસ્ટનની howdy modi રેલીમાં જુસ્સાથી સૂત્રોચ્ચાર કરી આવ્યા અને ભક્તોએ તેનો પ્રચંડ પ્રતિસાદ પણ આપ્યો. પરંતુ વિદેશ નીતિ બહુ નાજુક મિજાજ ધરાવે છે. અહીં એક એક શબ્દ તોલીને બોલવાનો હોય છે. પરંતુ લોકપ્રિયતાવાદ આ નજાકતને આસાનીથી ભુલાવી દે છે. અને તેનું પરિણામ દેશના ભાવિ પર ગંભીર અસરો પાડી શકે છે, તેવી ભિતી ઘણા બધા ને છે. તેના પછી ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં ભવ્ય સમારંભ મોટેરા સ્ટેડિયમ યોજી સાહેબે એક લાખની વસતિ ભેગી કરી છાકો પાડી દીધો. કોરોના મહામારીને અવગણી આ રેલી કરવી જોખમી હતું તોપણ.

મારા એક કોલેજકાળના મિત્ર અમેરિકામાં રહે છે તેઓએ facebook ઉપર વારંવાર લખ્યું કે એક આત્મા તેઓને પ્રેરણાથી કહી રહી છે કે ટ્રમ્પ જરૂર છેલ્લે પણ વિજયી થશે જ. અને ભક્તોનો મિજાજ અમેરિકામાં પણ અને અહીં પણ આજ વાત કહી રહ્યો હતો.

એક તરફ બિહારના ચૂંટણી વરતારા અહીં ધૂમ મચાવી રહ્યા હતા તો બીજી તરફ અમેરિકન ચૂંટણીની ધારણાઓ પણ પુરા વિશ્વમાં કૌતુક પેદા કરી રહી હતી.

ચૂંટણી પંડિતો પ્રજાનો મૂડ પારખી જે ધારણા કરે છે અને જે ગણિત મૂકે છે તે મોટાભાગે પરિણામોની નજીક જ હોય છે. પરંતુ અમેરિકાની અટપટી ચૂંટણીની પ્રક્રિયામાં સેનેટની કેટલી સીટો કયો પક્ષ મેળવી જશે તેની આગાહી ખૂબ જ જટિલ છે.

આ સાથે નો ચાર્ટ વર્ષ 2000 – 2020 સુધી ની ઝાંખી કરાવે છે જેમાં ઇલેક્ટોરલ કોલેજ ના મત તથા લોકપ્રિય મત કેટલા મળ્યા તે જોવાથી પરિણામ કેટલી સાંકડી સરસાઈ થી આવે છે તે સમજી શકાય છે.

ગઈ 2016 ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન જીતીજ જશે તેવો આત્મવિશ્વાસ બધા ચૂંટણી પંડિતો અહીં પણ બતાવી રહ્યા હતા. સુરજીત ભલ્લાએ ઇન્ડિયન એક્સપ્રેસ’માં તેઓને સ્પષ્ટ રીતે, બધા ગણિત સમઝાવી, નવા પ્રમુખ ઘોષિત પણ કરી દીધા હતા. પરંતુ છેલ્લા પરિણામે બધાને ચોંકાવી દીધા હતા. ટ્રમ્પ કઈ રીતે સફળ થયા તે ઘણા અમેરિકનોને પણ નહોતું સમજાતું તો આપણા ત્યાંતો તે ક્યાંથી સમજમાં આવે.

એક ચૂંટણી પંડિત અમેરિકામાં જે સિલ્વર 538 ના નામે ઓળખાય છે તેણે આગાહી કરી હતી કે ટ્રમ્પના જીતવાના ચાન્સ આ વખતે 10 ટકા છે.

લોસ એન્જલસના પરામાં વર્ષમાં ૩6 દિવસ વરસાદ થાય છે અને તે વર્ષના 10% થાય છે. હવે તમે લોસ એન્જલસને ચેરાપુંજીમાં તો બદલી શકતા નથી. 538 નો સિલ્વર આવી ધારણામાં એકલો નહોતો. ટ્રમ્પે ધારણા કરતાં ઘણી જોરદાર ટક્કર આપી.

આ ચૂંટણીમાં સૌથી વધુ લોકોએ મતદાન કર્યું જો બાઈડેન 7.5 કરોડ મત લઇ ગયા પરંતુ ટ્રમ્પને 2016 કરતાં ઘણો વધારે સપોર્ટ મળી રહ્યો. 2016માં 6.3 કરોડ લોકોએ ટ્રમ્પને મત આપ્યા હતા તો આ મતદાનમાં 7 કરોડથી પણ વધુ મત મેળવવામાં તેઓ સફળ રહ્યા. આફ્રિકન અમેરિકન મતદાતાઓમાં પણ ટ્રમ્પે વધુ સારો દેખાવ કર્યો. ટ્રમ્પ પ્રમુખ તરીકે ભલે જતા રહેશે પરંતુ ટ્રમ્પીઝમ પોતાની અસર ઘણા લાંબા સમય સુધી બતાવશે તેમ લાગી રહ્યું છે. અમેરિકામાં ભારતની જેમ ઇલેક્શન કમિશન જેવી કોઈ બંધારણીય સંસ્થા નથી જે ચૂંટણી કરાવી રહી હોય. રાજ્ય ની ધારાસભાઓ નિયમો બનાવે છે અને સ્થાનિક કક્ષાના અધિકારીઓ જ તંત્ર સંભાળે છે. નિયમો રાજ્યની સાથે બદલાય છે અને કેટલીકવાર તો એક જ રાજ્યમાં પણ જુદા જુદા નિયમો લાગુ પડે છે. કોરોના મહામારી ને લીધે બેલેટ પેપરથી વોટીંગ ઘણું વધારે થયું જેનો ટ્રમ્પે શંકાસ્પદ ગણાવી ખૂબ મોટો વિરોધ નોંધાવ્યો. અમેરિકામાં લોકશાહી નું પ્રમોશન વિદેશ નીતિ નો ભાગ ગણાય છે પરંતુ હવે ઘરમાં લોકશાહી નું સ્થાપન સરખી રીતે કરવાનો સમય આવી ગયો છે, તેમ ઘણા લોકો માને છે. પરંતુ પાછલા 230 વર્ષોમાં ફક્ત 17 સફળ બંધારણીય સુધારા કરી શકાયા છે, તે જોતાં કોઈપણ સુધારા બહુ અઘરા લાગે છે.

ઘરમાં જેમ બાળક ધુમ્રપાન ની વાત પકડાઈ જાય તોપણ ન સ્વીકારે, તેમ શરમાળ મતદાતા પોતાનો મત છુપાવેલો રાખે છે. બ્રાહ્મણ વર્ગ આપણા ભારતમાં ક્યારેય સીધી રીતે નહીં સ્વીકારે કે તે જાતિ અને વર્ણ વ્યવસ્થામાં માને છે, તેવું જ ટ્રમ્પના મતદારોનું કહી શકાય. સર્વેમાં તમે એમ પૂછો કે અણુબોમ્બથી હિરોશિમા-નાગાસાકી પણ ખતમ થઈ ગયેલ તો શું ભારત માટે આ યોગ્ય રહેશે. સ્વાભાવિક રીતે જ આનો જવાબ હકારમાં બહુ ઓછા લોકો આપશે. પરંતુ જો તમે આ જ પ્રશ્ન ફેરવીને એમ પૂછો કે ભારત ચીન અને પાકિસ્તાન તરફથી અણુ ખતરો ધરાવે છે તો અણુબોમ્બ ની તરફેણમાં તુરંત પોતાનો મત સ્પષ્ટ રીતે જણાવશે. આમ એક્ઝિટ પોલ કે ચૂંટણી વર્તારા એક મર્યાદામાં જ સાચા પડી શકે છે.

ચૂંટણી પછી ટ્રમ્પ નું જે વર્તન છે તેનાથી કોઈને આશ્ચર્ય નથી થયું. કારણ કે તેઓ પહેલાથી જ આ ઈશારા કરી રહ્યા હતા. ઈરાનના સુપ્રીમ નેતા આયાતુલ્લાહ અલી ખામેની એ ખુબ સુંદર રીતે ઠેકડી ઉડાવી કે જુઓ કેવું અદભુત દ્રશ્ય બન્યું છે. જે પ્રમુખની ખુરશી પર બેસેલ છે તે પોતે જ કહે છે કે અમેરિકાની આ સૌથી ભ્રષ્ટ ચૂંટણી છે. સુપ્રીમ કોર્ટમાં જવાની ધમકીઓ અને ધમપછાડા કરી, જાતજાતની શંકા-કુશંકાઓ ઉભી કરીને ટ્રમ્પ પોતાની તરફેણનો માહોલ બનાવી રાખવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ છેલ્લા મળતા અહેવાલો મુજબ તેઓ સત્તા હસ્તાંતરણ માટે કદાચ હવે રાજી થઈ જશે.

20 જાન્યુઆરીએ જ્યારે નવા પ્રમુખ સત્તા સંભાળે ત્યાં સુધી શંકા-કુશંકાઓ ચાલતી જ રહેશે. ભૂતકાળમાં પણ આ ટ્રાન્ઝિશન પિરિયડમાં છમકલા નોંધાયેલા છે. અને ટ્રમ્પ કોઈ નવું ગતકડું ન કરે તોજ નવાઈ તેમ ઘણા વિવેચકો માને છે. અણુ હથિયારોની ચાવી પ્રમુખ હસ્તક હોઈ આ આશંકા અસ્થાને નથી જ.

જો બાઈડેન તથા કમલા હેરિસ ની જોડી મીડિયામાં ધૂમ મચાવી રહી છે. ડેમોક્રેટિક પાર્ટીએ આ જોડીને પસંદ કરીને શરૂઆતથી જ પોતાનો હાથ ઉપર કરી લીધો હતો. ટ્રમ્પ ની આવડત, મથામણ અને ધમપછાડા જોતાં કદાચ આ જોડી ન હોત તો તેઓ પાતળી સરસાઇથી પણ આગળ નીકળી જતા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

હવે જ્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સત્તા સંભાળવા જઇ રહ્યા છે ત્યારે તેમના અવલોકનોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ઈઝરાયેલ – પેલેસ્ટાઈન ના ડખા માં તેમનો રોલ શું રહે છે તે જોવાનું રહેશે. અમેરિકન પોલિસીમાં આ બાબતે નહિવત ફેરફાર રહેશે તેમ બધાનું માનવું છે. આપણા દેશની વાત કરીએ તો માનવ અધિકારના ભંગ બાબતે, કાશ્મીરના મુદ્દા બાબતે તથા નવા નાગરિક કાનૂન સુધારા CAA બાબતે તેઓનું વલણ આપણા સત્તાધીશો થી વિપરીત હોઇ, તે કેટલું દબાણ ઊભું કરી શકે છે તે જોવું સમજવું રહેશે. અલબત્ત, ભારત એક મોટી બજાર ની તાકાત હોઇ વિદેશ નીતિમાં દબાણ ઊભું કર્યા પછી પણ બહુ ઓછો તફાવત સત્તાધીશોના વલણ માં ઉભો કરી શકાય છે તે સમજવું રહ્યું.

આશા રાખીએ આ સત્તાપલટો પુરી દુનિયા તથા આપણા દેશ માટે પણ શાંતિ નો સઁદેશ લઈ આવે.


(લેખક નિવૃત્ત મુખ્ય ઇજનેર ગેટકો – જીઈબી છે. આપનો સંપર્ક mgvgetco@yahoo.co.in ઉપર કરી શકાય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments