✍️ શબીઉઝ્ઝમાન (પુના)
અનુવાદ: અનસ બદામ

મુસ્લિમ ઇતિહાસ વિશે સામાન્ય રીતે એવી માન્યતા દ્રઢ બનાવી દેવાઈ છે કે તે માત્ર તલવારબાજી, સરહદો સર કરવી અને દેશોને પરાજિત કરી તેમના પર વિજય મેળવવાની કહાણીઓથી ઉભરાય છે. મુસ્લિમોના ઇતિહાસને બિનમુસ્લિમો તો આ દ્રષ્ટિકોણથી જુએ જ છે, પરંતુ મુસ્લિમોનો એક મોટો વર્ગ પણ ઇતિહાસના આ જ વર્ઝન અને દ્રષ્ટિકોણથી પરિચિત છે. મુસ્લિમોની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને વિવિધ જ્ઞાન-વિજ્ઞાનોના પ્રસારને પ્રોત્સાહન આપવામાં તેમના કિંમતી અને ઉમદા પ્રયત્નો સામાન્ય રીતે પ્રસિદ્ધ નથી. આવી છાપ ઊભી કરવામાં જેટલી અન્ય સંસ્કૃતિઓ અને કોમો જવાબદાર છે, તેટલા જ બલ્કે તેથી ય વધુ સ્વયં મુસ્લિમો પણ જવાબદાર છે, જેઓ પોતાના ઇતિહાસમાં વૈજ્ઞાનિકો, સંશોધકો, સ્કોલર્સ અને જ્ઞાન-વિજ્ઞાનમાં નિષ્ણાત લોકો પર ગર્વ કરવાને બદલે માત્ર તલવારબાજો, વિજેતાઓ અને શાસકો પર જ વધુ ગર્વ અનુભવે છે, અને તેમના કારનામાઓ અને સિદ્ધિઓને જ પોતાનો ઇતિહાસ માને છે. મુસ્લિમોની તુલનામાં પશ્ચિમે તેના લોહિયાળ વિજયો અને કોલોનિઅલિઝમ (સંસ્થાનવાદ)ના અત્યંત ક્રુર અત્યાચારોવાળા ચહેરાને છૂપાવી વિજ્ઞાન અને કલા-કારીગરીના વિકાસમાં તેના યોગદાનવાળા ચહેરાને ખૂબ પ્રસિદ્ધ કર્યો, જેને કારણે વિશ્વ તેના આવા જ ચહેરાને જાણે છે.

પાછલી સદીમાં જ્યારે મુસ્લિમોના જ્ઞાન-વિજ્ઞાનની સિદ્ધિઓ વિશ્વ સમક્ષ જાહેર થઈ, ત્યારે એ જોઈને વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું કે, મુસ્લિમોનો વૈજ્ઞાનિક ઇતિહાસ કેટલો પ્રબુદ્ધ અને ઝળહળતો છે! અને તેમાં બુદ્ધિ અને વિજ્ઞાનનો કેટલો વ્યાપક ઉપયોગ જોવા મળે છે! કેવા કેવા બુદ્ધિશાળી અને જીનિયસ દિમાગો જ્ઞાન વિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોમાં સુષુપ્ત પડ્યા હતા! મુસ્લિમોએ પ્રાચીન બૌદ્ધિક મૂડીની જાળવણીની સાથે સાથે નવા વિજ્ઞાનોનો પણ પાયો નાખ્યો. ફિલોસોફી અને સામાજિક વિજ્ઞાન ઉપરાંત, તેમણે ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોલોજી, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, બીજગણિત અને ચિકિત્સાશાસ્ત્ર વગેરે જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી હતી. અબુ રેહાન અલ-બેરૂની આવા જ ભવ્ય અને પ્રબુદ્ધ ઇતિહાસનું એક પ્રકરણ છે.

અલ-બેરૂની દસમી સદી ઈસ્વીના પ્રસિદ્ધ ઈરાની વિદ્વાન હતા. તેમણે તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળથી લઈને ભાષા અને સાહિત્ય સહિતના ક્ષેત્રોમાં પોતાની વૈજ્ઞાનિક નિપુણતા અને શ્રેષ્ઠતા દર્શાવી છે. તેમણે વિવિધ જ્ઞાન શાખાઓ પર ૧૧૩થી વધુ પુસ્તકો લખ્યા હતા, જે અલ-બેરૂનીની સર્વગ્રાહી જ્ઞાન રુચિને પ્રતિબિંબિત કરે છે.

અલ-બેરૂનીને ‘Father of Indology’ (ભારતશાસ્ત્રના પિતા) પણ કહેવામાં આવે છે. Indology-ભારતશાસ્ત્રમાં ભારતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય તેમજ ભારતીય ભાષાઓના અભ્યાસને સમાવી શકાય. અત્રે જે પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે તે પણ આ જ પ્રકારનું છે. આ પુસ્તકમાં અલબેરૂનીએ હિન્દુ દર્શન, રીત-રિવાજો અને પરંપરાઓનો તટસ્થ અને ઓબ્જેક્ટીવ અભ્યાસ રજૂ કર્યો છે. પુસ્તક લખવા માટે અલ-બેરૂનીએ હિન્દુઓની ધાર્મિક ભાષા સંસ્કૃતમાં પણ નિપુણતા મેળવી અને ભારતની અનેક યાત્રાઓ કરી, જેના દ્વારા તેઓ હિન્દુ વિદ્વાનો અને ઉપદેશકો સુધી પહોંચ્યા અને તેમનાથી વિદ્યાભ્યાસ કરીને જ્ઞાનલાભ લઈ હિંદુ ધર્મને સમજવાનો પ્રયાસ કર્યો.જે સંજોગોમાં આ પુસ્તક લખાયું હતું, તેના કારણે તેની અગત્યતા ઓર વધી જાય છે.

અલ-બેરૂનીનો સંબંધ ખ્વારિઝમથી હતો અને ત્યાં મામૂનના વારસોનું શાસન હતું. એ સમય મામૂનના વારસોનો અંતિમ સમયગાળો હતો. મહમૂદ ગઝનવીએ ખ્વારિઝમ પર આક્રમણ કર્યું અને તેને જીતી લીધું. અલ-બેરૂની ખ્વારિઝમની સલતનતના રાજકીય સલાહકાર હતા, પરંતુ સદ્ભાગ્યે તેઓ મહમૂદના વેરથી બચી ગયા.

અલ-બેરૂની અને મહમૂદની પ્રકૃતિ (મિજાજ) એકબીજાથી તદ્દન ભિન્ન હતી. મહમૂદને જ્ઞાન-વિજ્ઞાન પ્રત્યે ખાસ રુચિ નહોતી. એણે અલ-બેરૂની પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. અલ-બેરૂનીની જ્ઞાન-વિજ્ઞાન પ્રત્યેની રુચિ એ જ તેમણે લગભગ તેર વર્ષ સુધી ભારતીય વિજ્ઞાન અને સંસ્કૃતિને શીખવામાં મદદ કરી. સંસ્કૃત શીખીને એટલી નિપુણતા કેળવી કે કેટલાક પુસ્તકોનું અરબીમાં ભાષાંતર પણ કર્યું. એક તરફ બાદશાહની કડકાઈ અને સખતાઈ હતી જ્યારે બીજી તરફ ભારતની રાજકીય પરિસ્થિતિ જ્યાં સર્વત્ર હાલાકી અને ખળભળાટ મચેલો હતો. આ એ સમયગાળો હતો જેમાં મહમૂદ ગઝનવીએ ભારત પર સતત આક્રમણો કર્યા હતા. આ હુમલાઓ અને આક્રમણોને કારણે અહીંના હિન્દુઓના દિલોમાં આક્રમણકારો અને તેમના સહધર્મીઓ માટે સખત દ્વેષ અને નફરતની લાગણીઓ પેદા થઈ. આવા સંજોગોમાં એક મુસ્લિમ વિદ્વાન શાંતિથી હિન્દુઓ સાથે સંપર્ક સ્થાપિત કરે છે, તેમના ધર્મ, ભાષા અને સંસ્કૃતિને સમજવા માટે ગંભીર પ્રયાસો કરે છે અને એક એવું પુસ્તક છોડીને જાય છે, જેના વડે મુસ્લિમો એક તદ્દન ભિન્ન ધર્મ અને ભિન્ન સભ્યતા ધરાવતા સમાજના સ્વભાવને સમજવા લાભાંવિત થઈ શકતા હતા. આ પુસ્તક તેમને સમજવા-સમજાવવામાં મદદરૂપ થઈ શકતું હતું. પુસ્તકની પ્રસ્તાવનામાં અલ-બેરૂની લખે છે: “મારા ગુરુજીએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે જે કાંઈ આપણે હિન્દુઓ વિશે જાણીએ છીએ, તે પુસ્તક સ્વરુપે લખાવું જોઈએ જેથી તેમની સાથે ચર્ચા-વિચારણા અને વિચારોનું આદાન પ્રદાન કરવા માગતા લોકોને તેનાથી મદદ મળી રહે અને જેઓ તેમની સાથે સંપર્ક સાધવા ઇચ્છતા હોય તેમને પણ ઉપયોગી થઈ રહે.”

અલબેરૂનીનું પુસ્તક ‘કિતાબુલ હિન્દ’ લગભગ સિત્તેર પ્રકરણો અને એક પ્રસ્તાવિક પરિચય પર આધારિત છે. પુસ્તકના પ્રારંભિક અધ્યાયોમાં હિન્દુઓની ધાર્મિક માન્યતાઓ, દર્શન અને વિચારધારાની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જેમાં તત્વ, પુનર્જન્મ, મોક્ષ, ભગવાનની વિભાવના, મૃત્યુ અને મૃત્યુ પછીના જીવન, નર્ક અને સ્વર્ગની વિભાવના વગેરે જેવા વિષયો પર વિગતવાર ચર્ચા છે.

બીજા ભાગમાં પુસ્તક હિન્દુ તહેવારો, પૂજાની રીતો, ધાર્મિક વિધિઓનું વર્ણન કરે છે. જેમ કે દાન, ઉપવાસ, બલિદાન અને ધાર્મિક યાત્રાઓ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.

આગળના પ્રકરણોમાં હિન્દુ કાયદાઓ તેમજ સામાજિક રીત-રિવાજો અને પરંપરાઓની વિગત છે.

આ ઉપરાંત પુસ્તકમાં ભારતના ભૂગોળ, ઇતિહાસ અને ભારતીય પ્રદેશની વિવિધ દંતકથાઓ વર્ણવી છે, સમય નક્કી કરવાની પદ્ધતિઓ અને માપ-તોલની વ્યવસ્થા વિશેનું વર્ણન છે. સાથે તેમાં ભારતીય ગણિત અને ખગોળશાસ્ત્રનો પણ ઉલ્લેખ છે.

પુસ્તક વાંચતી વખતે વાચકને અલ-બેરૂનીની સૌથી નોંધપાત્ર ખૂબી તટસ્થતા અને વૈજ્ઞાનિક અભિગમનો અહેસાસ થાય છે, કોઈ ધાર્મિક પૂર્વગ્રહ, કોમી પરંપરાઓ આ અભિગમને પ્રભાવિત કરી શક્યાં નહીં. પ્રારંભથી અંત સુધી પુસ્તક સંશોધનાત્મક શૈલીમાં લખાયેલું છે. આખા પુસ્તકમાં દલીલો અને સંદર્ભો હિન્દુ ધાર્મિક પુસ્તકોના અવતરણોથી ટાંકવામાં આવ્યાં છે, લેખકે પોતાનો વ્યક્તિગત અભિપ્રાય સામેલ કર્યો નથી.

આ બધી વિશેષતાઓને લઈ એમ કહી શકાય કે, અલ-બેરૂનીના પુસ્તકના આ ઉર્દૂ ભાષાંતર વડે પ્રાચીન હિન્દુ ધર્મના ઇતિહાસ, સંસ્કૃતિ, માન્યતાઓ, સંજોગો અને ઘટનાઓ અંગે સંપૂર્ણ, ઉચિત અને યોગ્ય જાણકારી મેળવી શકાય છે. જોકે, એવો દાવો કરી શકાય નહીં કે આ પુસ્તકના અભ્યાસથી વર્તમાન હિન્દુ ધર્મનો પણ સંપૂર્ણ પરિચય મળી જાય. હિન્દુ ધર્મ એ પરિવર્તનશીલ ધર્મ છે, જેમાં સમય જતાં ધર્મના અંશો તો દૂર, મૂળતત્વો પણ પરિવર્તિત થયા કરે છે. જેમકે વર્તમાન સમયના કેટલાક હિન્દુ વિદ્વાનો કહે છે કે, હિન્દુ ધર્મ એ શ્રદ્ધા અને વિશ્વાસનો નહી પણ શોધ અને જિજ્ઞાસાનો ધર્મ છે. ખાસ કરીને આઝાદીની ચળવળ પછી હિન્દુ ધર્મમાં જે આધુનિક વિચારકોએ જન્મ લીધો, તેમણે તેનું બિલ્કુલ નવા જ પાયાઓ પર ચણતર કર્યું છે.

ખાસ કરીને, સ્વામી વિવેકાનંદ, બંકિમચંદ્ર ચેટર્જી, રામ કૃષ્ણ પરમહંસ, સ્વામી દયાનંદ સરસ્વતી, લોકમાન્ય તિલક અને મદન મોહન માલવીયા વગેરેની સુધારણા ચળવળોએ તેના નવા પાયાઓ નાખ્યા. ગાંધી અને આંબેડકર વચ્ચેના સંઘર્ષે તેમાં કેટલાક નવા પાસાઓને ઉજાગર કર્યા છે. વર્તમાન સમયમાં સાવરકર, ગોલવાલકર અને સંઘે હિન્દુત્વની નવી વિભાવના હેઠળ હિન્દુ ધર્મને એક સંપૂર્ણપણે અલગ અને નવું જ રૂપ આપ્યું છે, જે પ્રાચીન હિન્દુ ધર્મથી એટલું અલગ છે કે તેને ઓળખવું ય મુશ્કેલ છે. આ બધું હોવા છતાં પ્રાચીન હિન્દુ ધર્મ, જેનો તટસ્થ અભ્યાસ અલ-બેરૂની દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, તે હજી પણ હિન્દુઓ વચ્ચે મોજૂદ છે, અને આ પુસ્તક હજી પણ તેને સમજવામાં મદદરૂપ છે.

(સૌ. ઉર્દૂ સાપ્તાહિક ‘દાવત’)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here