About Us

યુવાસાથી વિશે…

જેમના માથે ભારતના ભવિષ્યના ઘડતરની જવાબદારી છે એવા નિષ્ઠાવાન યુવા મિત્રો તરફથી પ્રકાશિત થતું એકમાત્ર – ગુજરાતી સામયિક

મીડિયાને લોકશાહીનો ચાથો સ્તંભ કહેવાય છે. પરંતુ રાજકારણીઓ તથા કોર્પોરેટની મીલીભગતના લીધે આ સ્તંભને લૂણો લાગ્યો છે. TRP વધારવા સમાચારને સનસનાટીપૂર્ણ બનાવી રજૂ કરવામાં આવે છે. હવે તો ફેક ન્યૂઝના યુગમાં આપણે પ્રવેશી ચુક્યા છીએ. સામાન્ય વ્યક્તિ માટે ખરા અને ખોટાનો નિર્ણય કરવો મુશ્કેલ થઈ ગયો છે. બીજી બાજુ મીડિયા સરકાર અને મૂડીવાદીઓના હાથનું રમકડુ બનતું દેખાઈ રહ્યું છે. કોઈક અપવાદ હોઈ શકે. જે દર્શાવવું જોઈએ તે દેખાડતા નથી અને મૂળ મુદ્દાથી ભટકાવવા નોન ઇસ્યુને ઇસ્યુ બનાવી ખૂબ ચગાવાય છે. આવી પરિસ્થિતિમાં એક સંતુલિત, સત્ય પર આધારિત તથા નીડર મીડીયાની જરૃર જોવાઈ રહી છે.

દેશમાં અને રાજ્યમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણું યુવાધન જે આપણું ભવિષ્ય અને આવતીકાલ છે તે સ્વચ્છંદ અને બિન જવાબદારીવાળુ જીવન જીવી રહ્યા છે કોઈ જીવન ધ્યેય વગર કેરીયેરીઝમની આંધળીદોટ અને કોઇ પણ ભોગે પૈસા અને માલની પ્રાપ્તિની ધુન તેમને વિનાશના માર્ગે દોરી જઇ રહી છે. યુવાનો પોતાના ઘર માટે, સમાજ માટે અને દેશ માટે તેમની શું જવાબદારી છે, તેનાથી કાંતો અનભિજ્ઞ છે કાં તેઓ ભાગેડું વૃત્તિ ધરાવી રહયા છે. ત્યારે તેમને યોગ્ય દિશા તરફ દોરવા અને તેમનું નૈતિકતાના ધોરણે પ્રશિક્ષણ કરવું તે અત્યંત જરૃરી બની ગયું છે

આ સાથે શિક્ષણની સમસ્યાઓ પણ ઘણી ઉભી થઇ રહી છે. શિક્ષણધામો અનૈતિકતા અને ગુંડાગર્દીના અડ્ડાઓ બની રહ્યા છે. સંકુલોમાં નગ્નતા, રેગીંગ, ડ્રગ્સનું સેવન આમ થઇ રહ્યું છે અને તેની સાથે જ શિક્ષણનું વ્યાપારિકરણ થતાં તેમાં ઘણા દૂષણો અને અનિષ્ટો પૈદા થઇ રહયા છે. સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માટે સારૃં શિક્ષણ મેળવવું મુશ્કેલ જ નહીં કપરૃ થઇ ગયેલ છે, ત્યારે શિક્ષણના ક્ષેત્રેને પવિત્ર કરવું અને તેના દૂષણો અને ખરાબીઓ વિરૃદ્ધ અવાજ ઉઠાવવો એ અત્યંત જરૃરી કામ છે.

બીજી બાજુ વિદ્યાર્થીઓ સમાજની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે. ઇશ્વર વિમુખ અને દિશાહીન શિક્ષણ વ્યવસ્થાએ ડૉકટર, એન્જી., પ્રોફેસરની ફોજ જરૃર તૈયાર કરી છે પણ તે બધી જ સામાજીક જવાબદારીઓથી દૂર છે તેના પાડોશમાં શું થઇ રહ્યું છે તેને ખબર નથી.  લોર્ડ મેકોલેએ આપેલી શિક્ષણ વ્યવસ્થાને જેમની તેમ આપણે અપનાવી લીધી છે. તેના લીધે સ્કોલર નહીં પણ શિક્ષણ મજૂરો પેદા થઈ રહ્યા છે. સંવેદનશીલ માનવ નહીં પરંતુ ભૌતિક મશીનરૃપી વ્યક્તિનું નિર્માણ થઈ રહ્યું છે. આવા સમયમાં શિક્ષણના વાસ્તવિક હેતુથી અવગત કરાવવાની જરૃર છે.

આપણે જાણીએ છીએ કે આજનો યુગ સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે અને સાયન્સ-ટેકનોલોજીએ ઘણા આવિષ્કારો કર્યા છે જેનાથી માનવજાતિ ઘણા ફાયદાઓ ઉઠાવી રહી છે. માનવીએ ચંદ્ર પર પગ મુકયો, ચિકિત્સાના ક્ષેત્રે હરણફાળ ભરી છે, સંચાર માધ્યમના વિકાસ થકી દુનિયા એક ગામડા જવી બની ગઈ, પરિવહનના વિકાસથી મુસાફરી આસાન બની છે. જીવનના દરેક ક્ષેત્રમાં ભૌતિક વિકાસ દેખાઈ રહ્યો છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે જે ખૂબ જ ગંભીર અને ચિંતા ઉપજાવનારી છે. પ્રગતિની સાથે-સાથે સમાજ અદ્યોગતિ તરફ જઈ રહ્યો છે. આજનો માનવી વધારે સ્વાર્થી, લાલચુ, ભ્રષ્ટાચારી, અનૈતિક અને અત્યાચારી થયો છે.  વિજ્ઞાનની પ્રગતિ સાથે તર્કબુદ્ધિ અને ધર્મ વચ્ચે એક ખાઈ ઊભી થઈ છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે રહેલી સુક્ષ્મ ભેદ રેખાને પારખવા તત્વદર્શિતા પેદા કરવી જ રહી.

આજે ચારે બાજુ જુલ્મ ત્રાસ અને અત્યાચારનો માહોલ છે, આપણા પ્રિય રાષ્ટ્ર ભારત વર્ષમાં પણ માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે, સાથે સાથે વિશ્વના બીજા રાષ્ટ્રો પણ આનાથી મુક્ત નથી. વિકાસના વાયબ્રન્ટ તાયફા છે. આજે પણ ભારત દેશના ૩૭% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આપણો દેશ GDPમાં વૃધ્ધિ કરી રહ્યો છે પણ વાસ્તવિક્તા આ પણ છે કે HDI મા (Human Development Index) આપણો ક્રમ ૧૩૪મો છે. વિશ્વનાં ૮૦% લોકો ૨૦% સંપત્તિ પર જીવન નિર્વાહ કરી રહ્યાં છે જ્યારે વિશ્વની ૮૦% સંપત્તિ ૨૦% લોકોના હાથમાં છે. આજે પણ દેશની મોટી સંખ્યા બે ટંક ખાવાનું અને સ્વચ્છ પાણી માટે વલખાં મારે છે. દેશની વાસ્તવિક પરિસ્થિતિથી લોકો વાકેફ નથી.

આજે ઇસ્લામ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. તેને બદનામ કરવા અને ઇસ્લામોફોબિયા પેદા કરવા મીડિયાએ કોઈ કસર છોડી નથી. તેના વિશે હજારો ગેરસમજો સમાજમાં જોવા મળે છે. ઇસ્લામ કોઈ ક્રિયાકાંડ સુધી સીમિત નથી. ન તે પારિવારિક કાયદાઓ સુધી મર્યાદિત છે. બલ્કે તેનું શિક્ષણ સમગ્ર જીવનને આવરી લે છે. એક સંપુર્ણ જીવનવ્યવસ્થા તરીકે ઇસ્લામની સાચી સમજ કેળવવાની તાતી જરૃર છે.

આજે મસ્લિમ સમુદાયમાં પણ ઘણી બધી બદીઓ ઘર કરી ગઈ છે. અલ્લાહે તેમને ખૈરે ઉમ્મતનું બિરૃદ આપ્યું છે. ન ફકત પોતાના સમુદાય માટે બલ્કે સમગ્ર માનવતા માટે રચનાત્મક, જનકલ્યાણ અને સેવાકીય કાર્યો કરવા તેમની ફરજ હતી. આ ફરજ પ્રત્યે સભાનતા અને ઉત્તરદાયિત્વની ભાવના કેળવવાની ખૂબજ જરૃર હતી અને છે.

આવા જ કેટલાક કારણોસર, કેટલાક યુવામિત્રોએ પરિવર્તન માટે પડકાર ઝીલી “યુવાસાથી” શરૃ કર્યું છે. આ માત્ર પત્રિકા નથી પરંતુ એક ચળવળ છે. એક મશાલ છે. એક સંકલ્પ છે. સત્યને વળગી રહેવા અને તેનાથી અવગત કરાવવાની પ્રતિબદ્ધતા છે. આ ભારતની નવરચનાનો એક પ્રયાસ છે.

પરંતુ માત્ર એક પત્રિકાના પ્રકાશનથી આ ખરાબીઓ સંપુર્ણપણે મટી જવાની નથી ન તો ઝડપી પરિવર્તન આવી જ જશે. પણ સવારનો પ્રકાશ બની લોકોને ચિર નિંદ્રા માંથી ઉઠાવશે જરૃર. આ આંદોલન આપના સહકાર વગર અધૂરૃં રહેશે. આશા છે કે આ માસિક પત્રિકા વિદ્યાર્થીઓ અને યુવાનોને સાચી દિશા અને પ્રેરણા આપવામાં સફળ થશે.

સારા વિચારો થકી જ આદર્શ સમાજની રચના થાય છે.તો ચાલો,

વિચારોની સુગંધને વિશ્વના ખૂણે-ખૂણે રેલાવવા ડગ માંડીએ.


Comments are closed.

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review