Thursday, April 25, 2024
Homeમનોમથંનસુપ્રીમ કોર્ટનું એક સરાહનીય પગલું

સુપ્રીમ કોર્ટનું એક સરાહનીય પગલું

બે જજોની બેંચે કેન્દ્રીય સરકારને કહ્યું છે કે રાજકારણીઓ વિરુદ્ધ ચાલી રહેલા કેસોમાં ઝડપ આવવી જોઈએ. જસ્ટીસ રંજન ગોગા અને જસ્ટીસ નવીન સિન્હાએ સરકારને આદેશ આપ્યો છે કે ૧૩મી ડિસેમ્બરની સુનાવણીમાં સરકાર રાજકારણીઓ વિરુદ્ધ ચાલી રહેલા કેસો માટે કોઈ યોજના બનાવે. વધુ આદેશ આપતાં કહ્યું છે કે તેઓ ખાસ અદાલતને સેટઅપ કરવા માટે કેટલું ભંડોળ આપી રહ્યા છે તે પણ જણાવે.

ખરેખર આ ઘણો સરાહનીય ચુકાદો છે. પરંતુ મોટો પ્રશ્ન આ પણ છે કે શું સુપ્રીમ કોર્ટ ભારતીય રાજકારણને ગુનાઓથી મુક્ત કરાવી શકશે? આના પહેલા ૨૦૧૪માં પણ આવો જ એક ચુકાદો આવ્યા હતો. માર્ચ ૨૦૧૪માં નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ આર.એમ.લોઢા અને કુરીયન જોસેફએ પણ સરકારને આદેશ આપ્યો હતો કે એમ.પી., એલ.એલ.એ. વિરુદ્ધ ચાલી રહેલા ગુનાહિત ટ્રાયલ્સને એક વર્ષમાં ખતમ કરી દો. કોર્ટે તેના નિવેદનમાં સરકારથી પુછ્યું હતું કે હજી સુધી તેઓએ આ સંદર્ભે શું કામગીરી કરી રહ્યા છે.

એસોસીએશન ફૉર ડેમોક્રેટીક રીફોર્મ (ADR)ના સર્વેક્ષણ મુજબ ૧૬મી લોકસભાનો દરેક ત્રીજો સાંસદ ગુનાહિત પ્રવૃત્તિઓનો ઇતિહાસ ધરાવે છે, જેમાં હત્યા અને બળાત્કાર જેવા ગુનાઓ સામેલ છે. ADRએ ૫૪૩માંથી ૫૪૧ સાંસદોના ‘સ્વયં સોગંદનામા’નો અભ્યાસ કરીને આ રીપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રીપોર્ટના આધારે ૩૪% વિજ્યી ઉમેદવારો ગુનાહિત આરોપો ધરાવે છે, જ્યારે ૨૦૦૯માં ૩૦% અને ૨૦૦૪માં ૨૪% સાંસદો ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા હતા. ૫૪૧ સાંસદોના વિશ્લેષણના અહેવાલમાં ૧૮૬ (૩૪%)એ પોતાના વિરુદ્ધ ચાલી રહેલા ગુનાહિત આરોપોને સ્વીકાર કર્યા છે. ભાજપ આ ચાર્ટમાં ૨૮૨ વિજયી સાંસદામાંથી ૯૮ (૩૫%) સાથે પ્રથમ સ્થાન ધરાવે છે અને કોંગ્રેસના ૪૪ સાંસદોમાંથી ૮ સાંસદ ગુનાહિત આરોપોમાં સામેલ છે. ADR અને નેશનલ ઇલેકશન વૉચ કમીશનના અહેવાલ મુજબ મોદી સરકારના ૩૧% મંત્રીઓએ ગુનાહિત આરોપો સ્વીકાર્યા છે. મોદી મંત્રીમંડળના ૧૪ મંત્રીઓ એટલે ૧૮% ઘોર અપરાધમાં સામેલ છે જેવા કે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને સ્ત્રીઓ સામે થતા ગુનાઓમાં સામેલ છે. અને એવું ફકત કેન્દ્રમાં નથી બલ્કે સુશાસનબાબુ કહેવાતા નીતિશ કુમારના નવા મંત્રીમંડળમાં ૨૯માંથી ૨૨ એટલે કે ૭૬% મંત્રીઓના વિરુદ્ધ ગુનાહિત કેસો ચાલી રહ્યા છે.

ગાંધીના આદર્શો પર ચાલવાની વાતો તો કરવામાં આવી રહી છે પરંતુ સ્વચ્છ ભારતના રખેવાળોએ ગાંધીના નૈતિક શિક્ષણોથી પ્રેરણા લેવી જોઈએ. ગાંધીજીએ કોંગ્રેસને સલાહ આપતા કહ્યું હતું કે, ઇસ્લામના બે મહાન ખલીફા અબુબક્ર અને ઉમરની જેમ રાજ કરવો જોઈએ, જે ફકત સમાજ માટે જીવતા હતા. આ બંને મહાન વિભુતીઓ પોતાની ધર્મનિષ્ઠા, સરળ જીવન, જવાબદારીનું ભાન અને ન્યાય માટે યાદ કરવામાં આવે છે. તેઓ સરકારી તિજોરીને ઇશ્વરની અમાનત સમજતા હતા તેથી ભંડોળને વધારે લોકોના કલ્યાણ માટે ખર્ચ કરતા હતા. ચાલો આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટનું આ નિવેદન ભારતની રાજનીતિને ગુનાહિત પ્રવૃત્તિઓથી મુક્ત કરવામાં મદદ કરશે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments