Thursday, April 18, 2024
Homeપયગામયોર ઓનર, સમાન સિવિલ કોડ કેટલું વાજબી છે?

યોર ઓનર, સમાન સિવિલ કોડ કેટલું વાજબી છે?

રાજૂ ભાઈ પાકા દેશભક્ત સાંજે થોડા મોડા ઘરે પહોંચ્યા, એક નવો વિચાર તેમના મગજમાં આવ્યો હતો તેને લઈને ખૂબ ખૂબ ખુશાલ દેખાતા હતા. ઘરમાં દાખલ થતા જ ચુન્ની મુન્ની ને બંને છોકરાઓએ તેમને ઘેરી લીધા, અને રાડારાડ કરવા લાગ્યા ‘પપ્પા સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ચાલો નવા કપડા લાવો’ અને બાળકો પોત પોતાની પસંદના કપડા બતાવવા લાગ્યા. મારે તો પેલા રંગનું અને એવી ડીઝાઈનનું જ પહેરવું છે. મારે તો પેલા હીરો જેવા લાવવા છે, મારે તો એવાને …., મારે તો તેવા. બાળકોનો ઉત્સાહ જોઈ કિચનમાંથી ચા બનાવતા બનાવતા તેમની પત્નીએ કહ્યું, ગયા વર્ષે તો ચલાવી લીધું હતું હોં… આ વર્ષે તો એવા હોવા જોઈએ કે કોઈ જુએ તો લાગે કંઇક પહેર્યું છે. રાજુભાઈ બાળકોની ચીચીયારીયો સાંભળીને કંટાળ્યાને ફરમાન કર્યું હવે બુમાબુમ બંધ કરો અને ‘મારી વાત સાંભળો તમારા વચ્ચે એકબીજાના વસ્ત્રો ચડિયાતા છે’ તે બાબતને લઈને ઝઘડા થશે એટલે બધાને એક જ કીંમતના ને એક જ પ્રકારના વસ્ત્રો લાવીશું. અને સીમા જો તારા માટે મહોલ્લાના લોકોને આંખો ચડે એવો કોઈ ખાસ પ્રકારનો ડ્રેસ લાવીશું તો બિચારા ગરીબ લોકો શું વીચારશે. તેથી હું  તારા માટે પણ સાદા સમાન વસ્ત્રો લાવીશ, કે જેથી કોઈ જેન્ડર ડિસ્ક્રીમીનેશન ન થાય અને ઘરની યુનિફોર્મીટી જળવાઈ રહે.

બાળકાનો ઉત્હાસ પાણીની જેમ વહી ગયો. સન્નાટો છવાઈ ગયો, ને બધા મો બગાડીને એમ તેમ વિખેરાઈ ગયા. અલ્યા શું થયું. મેં આટલી સરસ મજાની વાત કરી અને તમે મોઢા બગાડી રહ્યા છો. પત્ની અંદરથી ગુસ્સે ભરાયેલા અવાજમાં બોલી… લાગે છે આજે તમારી ખસકી ગઈ છે, એવું દુનિયામાં થતું હશે… પર્વ આનંદ અને પ્રેમ વધારવા આવે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે મન ખુશ હોય.!!! તમે બાળકોને તેમની મરજીના પહેરવેશ પહેરાવશો તો તેઓ ખુશ થશે કે તમારૃ ફરમાન થોપવાથી? હું દરરોજ કારેલા બનાવું જે મારી ફેવરીટ ડિશ છે અને તમને ખવડાવવા મજબૂર કરૃં તો તમને ભાવશે. તમને ખબર છે કે કોઈક દિવસ એવો જતો હશે કે મારે બે થી ત્રણ ડીશ ન બનાવવી પડતી હોય, કેમકે બધાનું ધ્યાન રાખવું પડે છે. હું પણ તમને કારેલા ખવડાવું તો સૌ પહેલા તમે જ બુમ પાડશો. કેમ કે એ તમને ભાવતા નથી.

ચુન્ની એ હિંમત કરીને કહ્યું, પાપા આપણે પેલા બગીચામાં ગયા હતા ત્યાંનું દ્રશ્ય કેટલું સુંદર દેખાતું હતું. જુદા જુદા રંગના પુષ્પો અને જુદી જુદી પ્રકારની સુગંધ, આવવાનું જ મન ન હોતું થતું. અને પેલા રણમાં ગયા હતા જે દૂર સુધી એક જેવું દેખાતું હતું તે કેટલું બિહામણુ લાગતુ હતું કોઈ ત્યાં રહેવાનું પસંદ કરે? ગુડ્ડુ તેના પાપા પાસે આવ્યો અને ધીરે રહીને બોલ્યો, પાપા પ્લીઝ મને પોકીમેનવાળી ટીશર્ટ અપાવશોને?

રાજુભાઈને ટુંકમાં ઘણું સમજાઈ ગયું કે આનંદ એકરૃપતામાં નથી વિવિધતામાં છે. અને સ્વભાવ, વિચાર, સ્વાદ વગેરેની વિવિધતામાં જ કુટુંબની પ્રસન્નતા છે, શાંતિ છે. અને પોતાના વિચારને પાછો લેતા બોલ્યા, ઠીક છે જેની જેવી મરજી. સાંભળતા જ  ઘરનું વાતાવરણ ફરીથી આનંદમય થઈ ગયું અને ગુડ્ડુએ કુદકા મારતા કહ્યું પાપા હોય તો આવા…

મિત્રો આપણે જે દેશના વતની છીએ તે પણ એક મોટું કુટુંબ છે જ્યાં વિવિધ વિચારો અને સંસ્કૃતિ, ભાષા અને જાતિના લોકો રહે છે. આ દેશની મજબૂતી તેની વિશેષતા, વિવિધતામાં રહેલી છે. આટલા મોટા દેશ માટે કોઈ યુનિફોર્મ કોડ બનાવવું ન શક્ય છે ન તાર્કિક છે, ન શોભનીય છે ન પ્રાકૃતિક છે. માનવ અંગોમાં સમાનતા છે ન પશુ પક્ષીઓના સર્જન અને સ્વરમાં. ન માનવોના ચહેરા એક પ્રકારના છે ન જ તેમના રંગો. દેશની સમૃદ્ધી અને સુંદરતામાં છે અને આ તફાવતને આપણા બંધારણે આર્ટીકલ ૨૫ અને ૨૬માં મૂળભૂત અધિકાર તરીકે સ્થાન આપ્યું છે. હવે રાજુભાઈ જેવો કોઈ વિચાર બંધારણમાં દેખાતો હોય જેમ કે નીતિ નિર્દેશ ૪૪માં સમાન કોડની વાત છે તો આવી વસ્તુઓ શરીરમાં એપેન્ડીક્સ જેવી છે જેમને દૂર કરવી જ રહી.

ગુલ હાય રંગ રંગ સે હૈ ઝીનતે ચમન

એ ઝોક ઇસ જહાં મેં હૈ ઝેબ ઇખ્તલાફ સે

(ઝોક દહેલવી)

થોડુક વિચાર કરો તો સમાન નાગરીક સંહિતાની ગુંચવણ અને સમસ્યા સરળતાથી સમજમાં આવી જશે. કાયદા પ્રમાણે નગ્ન ફરવું ગુનો છે પરંતુ અહીં એક સંપ્રદાયમાં માનનારાઓ, સાધુઓ નગ્ન રહી શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે શસ્ત્ર રાખી શકતો નથી પરંતુ એક ધર્મના લોકો છૂટથી ફરે છે. એક રાજ્યમાં એક ધર્મને માનનારા દારૃ પી શકે અને વેચી શકે પરંતુ બીજા ધર્મની વ્યક્તિ નહીં. ફોજમાં એક ધર્મની વ્યક્તિ પાઘડી પહેરી શકે છે પરંતુ બીજા ધર્મની નહીં. એક રાજ્યમાં બ્રાહ્મણ તેની ભાણી સાથે પરણી શકે છે બીજા રાજ્યમાં નહીં… બંધારણની કલમ ૩૭૧-અમાં લખ્યું છે કે નાગાલેન્ડના રહેવાસીઓના જે ધાર્મિક અને સામાજિક કાયદાઓ છે તે પાર્લામેન્ટ બદલી શકે નહીં જ્યાં સુધી તેઓ જ ન ઇચ્છે… વગેરે. લગ્ન પ્રથા, છૂટાછેડા, વારસા, દત્તક લેવા, ત્યકતાને ખાદ્ય-ખોરાકી આપવા, એવા ઘણા બધા પ્રશ્નો છે જે આપણા સમાજમાં જોવા મળે છે. તેમના વિશેના નીતિ નિયમો વિવિધ રાજ્યો કે ધર્મો કે સંપ્રદાયોમાં જુદા જુદા છે. જેના ઉપર અમલ કરવાની તેના માનનારાઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ.

યુનિફોર્મ અને કોમનમાં ફરક સામાન્ય રીતે લોકો બંનેને એક સમજે છે પરંતુ બંધારણ પર નજર રાખનાર લોકો તેને જુદા તારવીને બતાવે છે. એક પ્રકારના લોકો માટે જે કોડ હોય તેને યુનિફોર્મ કોડ કહેવાય અને દરેક પ્રકારના લોકો (બધા નાગરિકો) માટે જે કોડ હોય તેને કોમન સિવીલ કોડ કહેવાય. નીતિ નિર્દેશ ધારા ૪૪માં કોમન સિવિલ કોડની નહીં યુનિફોર્મ સિવિલ કોડની વાત છે. અને તે પણ એવો યુનિફોર્મ કોડ બનાવવાની વાત છે. જે લોકોની ઇચ્છા વિરુદ્ધ લાગૂ કરી શકાય નહીં.

દેશમાં લો એન્ડ ઓર્ડર તથા ન્યાય વ્યવસ્થાને વિશ્વસનીય બનાવવા માટે બે પ્રકારના કાયદા અસ્તિત્વમાં છે. (૧) ક્રિમીનલ અને (૨)સિવીલ. નરી આંખે જોઈ શકાય છે કે આ બંને કાયદાઓ હેઠળ કોઈ  ધર્મ, સંપ્રદાય કે જાતિના લોકો અપવાદરૃપ નથી એટલે દરેક નાગરિક માટે આ કાયદાઓ સમાન છેે જ. ક્રિમીનલ મેટરમાં બધાને માટે કોમન સિવિલ કોડ છે જ. કોઈ વ્યક્તિ ચોરી, હત્યા, અપહરણ કરે તો તેના ધર્મ મુજબ ચુકાદા થતા નથી બંધારણમાં જે કાયદાઓ છે તેના મુજબ થાય છે. સિવિલ મેટરમાં પણ જોઇએ તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ, સેલ ઓફ ગુડ વગેરે ૧૦ ટકા એક્ટ બધા નાગરિકો માટે સમાન છે. (એ વાત જુદી છે કે કોઈ વિશેષ ધર્મ કે જાતિના લોકો સાથે તેમનો દુરૃપયોગ થતો હોય). દેશનું બંધારણ લખાતી વખતે આ વાત નક્કી કરવામાં આવી કે દેશનું બંધારણ સેક્યુલર હશે એટલે રાજ્યનો  કોઈ ધર્મ નહીં હોય તે તમામ ધર્મો પ્રત્યે નિરપેક્ષ કે તટસ્થ રહેશે. પ્રશ્ન એ ઉભો થયો કે વ્યક્તિ અને રાજ્યનો સંબંધ શું હશે? સામુહિક જીવનમાં સ્ટેટને જે કાયદાઓ હશે તે દરેક વ્યક્તિને માન્ય રહેશે અને તેનું પાલન કરવું પડશે.  તેના વ્યક્તિગત કોટુંબિક જીવનમાં સંપૂર્ણ સ્વતંત્રતા હશે. તે ઇચ્છે તે ધર્મ સંપ્રદાયની તાલીમ પ્રમાણે તેનું જીવન ગુજારી શકશે. સ્ટેટને તેમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નહીં હોય કેમ કે આ વ્યક્તિ સ્વતંત્રતાનો પ્રશ્ન છે. મારે કઈ રીતે લગ્ન કરવા, કઈ રીતે છુટાછેડા આપવા, કઈ રીતે ત્યકતાને ખાદ્ય-ખોરાકી આપવી, કઈ રીતે વસીયત કરવી વિગેરે. વાસ્તવમાં જોઈએ તો આ બધા પારિવારિક કાયદાઓ છે જે જેતે ધર્મ-સંપ્રદાય-સંસ્કૃતિના બનાવેલા નીતિ નિયમો મુજબ છે. મારે જાહેર જીવનમાં સ્ટેટના બનાવેલા કાયદાઓને જ અનુસરવું છે. જે બધા માટે સમાન છે અને કુટુંબમાં તેની આસ્થા પ્રમાણે વર્તવું એ વ્યક્તિનો મૌલિક અને બંધારણીય તથા માનવ અધિકાર છે. હવે ન્યાયનો તો તકાદો આ છે કે આ પર્સનલ લોમાં સ્ટેટ કોઈ દખલગીરી કરવી જોઈએ નહીં.

ટુંકમાં કહી શકાય કે જાહેર જીવનમાં દેશના દરેક નાગરિક માટે સમાન સિવિલ કોડ છે જ. સમાન સિવિલ કોડની ચર્ચાઓને વેગ આપી રાજકીય રોટલીઓ શેકવી જોઈએ નહીં. કૌટુંબિક મામલાએ સામુહિક જીવનમાં કોઈ સમસ્યા ઉભી કરતા નથી. તેથી તેમાં કોઈ હસ્તક્ષેપ યોગ્ય નથી. અને માની પણ લઈએ કે જો આવું કોઈ પારિવારિક મામલાઓ વિશે પણ કાંઇ સમાન કાયદો બની જાય તો પણ એ બાળ લગ્ન અને દહેજ પ્રથા વિરુદ્ધ બનેલા કાયદાની જેમ કાગળની શોભા જ બની રહેશે.  મુસલમાનોને પોતાના પર્સનલ લો એટલા માટે પણ બદલવાની જરૃર નથી કે આજે સમગ્ર દુનિયામાં પારિવારિક વ્યવસ્થા પડી ભાંગી છે. માત્ર મુસલમાનોમાં આટલા વિકટ સમયમાં પણ બાકી છે. અને સ્ત્રી સાથે પુરૃષોની સમાનતાની વાતો કરનારા, ડિસ્ક્રીમેનેશનની નાબૂદીની વાતો કરનારા લોકો અને સમુહોએ જે નિયમો કે કાયદાઓ ઘડયા છે તેના વિષયુક્ત ફળો તેઓ ચાખી રહ્યા છે. મુસલમાનો આવા જોખમ લેવા માગતા નથી. બીજુ મુસલમાનો ઇચ્છે તો પણ શરીઅતના કાયદામાં ફેરબદલ કરી શકે નહીં કેમ કે તે તેમના બનાવેલા નથી બલ્કે અલ્લાહે આપેલા છે.

કૌટુંબિક મામલાઓના સમાન કોડ કેવો હશે ટુંકમાં તેનો અંદાજ હિંદુ પીનલ કોડ અને ઇન્ડિયન સકશેષન એક્ટ અને સ્પેશ્યિલ મેરેજ એક્ટ પરથી આવી શકે છે.

૧. વ્યક્તિ એક પત્નિની હાજરીમાં બીજું લગ્ન કરી શકે નહીં.

૨. તલાકનો અધિકાર વ્યક્તિને નહીં અદાલતને હશે અને જો પતિ-પત્નિ છુટાછેડા ઇચ્છતા હોય તો પણ લગ્નના ત્રણ વર્ષ પછી જ અદાલતમાં અરજી કરી શકે.

૩. પતિને તેની ત્યકતાને ત્યાં સુધી ખાધ-ખોરાકી આપવી પડશે જ્યાં સુધી એ જીવે અથવા બીજો લગ્ન કરી લે.

૪. વારસામાં મા, પુત્ર, પુત્રી, પોત્ર-પોત્રીને સમાન ભાગ આપવામાં આવશે.

૫. વસીયત માટે કોઈ પાબંદી નથી વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલ્કત ઇચ્છે તેના નામે કરી શકે છે.

૬. કાકા, મામા, માસી, ફોઈની પુત્રી સાથે (કઝીન સિસ્ટર) લગ્ન કરી શકાય નહીં.

૭. દત્તક પુત્રને વાસ્તવિક પુત્ર જેવા અધિકાર હશે.

૮. વગેરે.

દરેક મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક લખી શકાય કે તેઓ કઈ રીતે ઇસ્લામી કાયદાઓથી વિપરીત છે.

મારા મતે કરવા જેવું કામ હોય તો તે આ છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, ઉલેમાઓ અને આગેવાનોએ ‘પર્સનલ લો’ વિશે જાગૃતિ લાવવી જોઈએ અને જો સરકાર આ મામલે ગંભીર હોય તો તેના આ કાર્યમાં સંપૂર્ણપણે સહકાર આપવો જોઈએ. સમસ્યા કાયદાની ત્રુટિની નથી કાયદા પ્રત્યે જાગૃતિ અને તેના દુરૃપયોગની છે. જો મિલ્લતના લોકો એક સુરમાં કામ કરે તો સમસ્યા હલ થઈ   શકે છે. બીજા જે પરિબળોના કારણે આ સમસ્યાઓ ઉભી થતી હોય તેને પ્રતિબંધિત કરી દૂર કરવુ જોઈએ.  જેમકે દારૃ પ્રથા, ગરીબી, અનૈતિક સંબંધો, દહેજ  પ્રથા વગેરે. મુસલમાનોને કહેવાનું એ કે તેઓ માત્ર રિએકટીવ ન બને બલ્કે આ પ્રોપેગન્ડાને તક જાણી બિન મુસ્લિમો પાસે જઈ ઇસ્લામની પારિવારિક વ્યવસ્થાનો પરિચય કરાવેે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments