Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસમુલાકાતના આદાબ

મુલાકાતના આદાબ

મુલાકાત કરતી વખતે હસતા મોઢે આવકાર આપો, આનંદ અને પ્રેમ દર્શાવો અને સલામ કરવામાં પહેલ કરો, આનો મોટો સવાબ છે.

સલામ-દુઆ માટે બીજાં બીજાં શબ્દો ન વાપરો બલ્કે નબી સ.અ.વ.એ જણાવેલા શબ્દો, અસ્સલામુઅલૈકુમ વાપરો. પછી તક હોય તો મુસાફહ કરો, કેમ છો કહો અને યોગ્ય જણાય તો ઘરના લોકોની ખૈરિયત પણ જાણો. નબી સ.અ.વ.એ જણાવેલા શબ્દો, ‘અસ્સલામુઅલૈકુમ’ ખૂબજ અર્થસભર છે. તેમાં દીન અને દુનિયાની તમામ સલામતીઓ તેમજ દરેક પ્રકારની ભલાઈઓ અને ખૈરિયતનો સમાવેશ થાય છે. એ વાત પણ ધ્યાનમાં રાખો કે નબી સ.અ.વ. મુસાફહ કરતી વખતે પોતાના હાથ તરત જ છોડાવવાનો પ્રયાસ કરતા ન હતાં, બલ્કે રાહ જોતા હતાં કે બીજો માણસ પોતે જ હાથ છોડી દે.

જ્યારે કોઈની મુલાકાતે જાઓ ત્યારે સુઘડ-સ્વચ્છ કપડાં પહેરીને જાઓ. ગંદા-મેલાં કપડાંમાં ન જાઓ તેમજ એવી દાનત સાથે પણ ન જાઓ કે તમે તમારા કીંમતી પોશાક વડે તેની ઉપર તમારો રૃઆબ છાંટો.

જ્યારે કોઈની સાથે મુલાકાતની ઇચ્છા હોય ત્યારે પહેલાં તેની પાસેથી સમય લઈ લો. ગમે ત્યારે સમય જોયા વિના કોઈને ત્યાં જવું યોગ્ય નથી. આનાથી બીજા લોકોનો પણ સમય બગડે છે અને મુલાકાતીની પણ ઘણી વખત આબરૃ ઘટી જાય છે.

જ્યારે તમારી પાસે કોઈ મુલાકાતે આવે ત્યારે પ્રેમભર્યા સ્મિત વડે તેને આવકાર આપો. માનપૂર્વક બેસાડો અને સંજોગ પ્રમાણે તેની આગતા સ્વાગતા પણ કરો.

કોઈની પાસે પણ મુલાકાતે જાઓ ત્યારે કામની વાતો કરો, નકામી વાતો કરીને તેનો તથા તમારો સમય ન વેડફો નહીં, તો તમારું લોકોને ત્યાં જવું અને બેસવું એમને ગમશે નહીં.

કોઈને ત્યાં જાઓ ત્યારે પહેલાં દરવાજે ઊભા રહી પરવાનગી લો અને અને પરવાનગી મળી ગયા પછી, અસ્સલામુઅલૈકુમ કહીને અંદર દાખલ થાઓ. અને જ્યારે ત્રણ વખત સલામ કહ્યા પછી કોઈ જવાબ ન મળે તો ખુશી સાથે પાછા આવી જાઓ.

કોઈને ત્યાં જતી વખતે કોઈવાર યોગ્ય ભેટ પણ લઈ જાઓ. ભેટની આપ-લે કરવાથી પ્રેમ વધે છે.

જ્યારે કોઈ જરૂરતમંદ માણસ તમને મળવા માટે આવે ત્યારે બને ત્યાંસુધી તેની જરૂરત પૂરી કરો. ભલામણ કરવાની દરખાસ્ત કરે તો ભલામણ કરી દો અને જો તેની જરૂરત પૂરી કરી શકો તેમ ન હોવ તો પ્રેમપૂર્વક ના પાડી દો. બિનજરૂરી રીતે તેને ખોટી આશામાં ન રાખો.

તમે કોઈને ત્યાં તમારી જરૂરત માટે જાઓ ત્યારે સભ્યતા સાથે તમારી જરૂરત દર્શાવો. જરૂરત પૂરી થઈ જાય તો આભાર વ્યકત કરો, ન થઈ શકે તો સલામ કરીને ખુશી સાથે પાછા આવો.

હંમેશાં એવું જ ન ઇચ્છો કે લોકો તમારી પાસે મળવા માટે આવે, તમે પણ બીજા લોકોને મળવા જાઓ. પરસ્પર એકબીજાને ત્યાં જવું-આવવું અને એકબીજાને ઉપયોગી થવું બહુ સારી વાત છે પરંતુ યાદ રાખો કે મોમિનોનું એકબીજાને મળવું હંમેશાં નેક હેતુઓ માટે હોય છે.

મુલાકાત વખતે જો તમને લાગે કે સામેના માણસના ચહેરા ઉપર કે દાઢી ઉપર કે કપડાં ઉપર કચરો કે બીજી કોઈ વસ્તુ છે તો હટાવી દો અને કોઈ બીજો માણસ આપની સાથે આવો સારો વ્યવહાર કરે ત્યારે તેનો આભાર માનો અને દુઆ કરો કે, ‘અલ્લાહ તમારા ઉપરથી એ વસ્તુઓને દૂર કરે જે તમને ગમતી નથી.’

રાતના સમયે કોઈને ત્યાં જવાની જરૃર પડે ત્યારે તેના આરામનો ખ્યાલ રાખો. વધારે વખત સુધી બેસો નહીં અને ગયા પછી એવું લાગે કે એ સૂઈ ગયાં છે તો મનમાં અકળાયા વિના ખુશી સાથે પાછા આવી જાઓ.

કોઈ વખત ભેગાં મળીને જો કોઈની મુલાકાતે જાઓ ત્યારે બોલનાર માણસે વાતચીતમાં બધા લોકોનું પ્રતિનિધિત્ત્વ કરવું જોઈએ. વાતચીત દરમિયાન તમારો વિશિષ્ટ દરજ્જો જતાવવાથી, તમારું મહત્ત્વ દર્શાવવાથી, તમારા સાથીદારોની ઉપેક્ષા કરવાથી અને સામેવાળાને માત્ર તમારી જ તરફ વ્યસ્ત રાખવાથી સખ્તાઈપૂર્વક દૂર રહો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments