Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમાનવ અધિકારનું પ્રથમ જાહેરનામું : અરફાતનું પ્રવચન

માનવ અધિકારનું પ્રથમ જાહેરનામું : અરફાતનું પ્રવચન

“સર્વ પ્રશંસાને પાત્ર ફક્ત અલ્લાહ છે. આપણે તેની જ પ્રશંસા કરીએ છીએ, તેનાથી જ સહાય માગીએ છીએ. આપણા દરેક ગુન્હાઓ માટે તેની જ ક્ષમા યાચીએ છીએ તેમજ તેની જ સમક્ષ પશ્ચાતાપ કરીએ છીએ અને આપણી મનોકામનાઓની કુચેષ્ટાઓ અને આપણાં કાર્યોમાં રહેલા દુર્ગુણોથી બચવા તેની જ શરણે જઈએ છીએ. જે વ્યક્તિને અલ્લાહ સીધા માર્ગે ચાલવાની સદ્બુદ્ધિ (તવફીક)આપે, એને અન્ય કોઈ શક્તિ અવળા માર્ગે દોરી જઈ શકે નહીં. અને જેને અલ્લાહ જ માર્ગદર્શનની સદ્બુદ્ધિ ન અર્પે,એને અન્ય કોઈ સીધા માર્ગે લાવવા માટે શક્તિમાન નથી.

અને હું એલાન કરૃં છું એ સત્યનું કે અલ્લાહ સિવાય અન્ય કોઈ ઇલાહનું અસ્તિત્વ નથી. તે એકલો છે. તેનો કોઈ સહભાગી નથી. અને હું એલાન કરૃં છું એ સત્યનું કે મુહમ્મદ સ.અ.વ.તેના બંદા અને પયગમ્બર છે.

અલ્લાહના બંદાઓ ! હું તમને તેની જ બંદગી-ઇબાદત કરવાનો ઉપદેશ આપું છું અને અનુરોધ પણ કરૃં છું.

– હું વાતનો પ્રારંભ એવા કથનથી કરૃં છું, જે કલ્યાણકારી છે.

– આ (પૂર્વ ભૂમિકા) પછી (હું કહું છું કે)-

– હે લોકો ! મારી વાતો લક્ષ દઈ સાંભળો. હું તમને સ્પષ્ટપણે જણાવું છું, કેમ કે હું નથી માનતો કે આ વર્ષ પછી આ સ્થળે હું ફરી તમને મળી શકીશ.

– હે લોકો ! તમારૃં લોહી અને તમારૃં ધન તમારા માટે (પરસ્પર) એ જ પ્રમાણે હરામ ઠરાવી દેવામાં આવેલ છે, ત્યાં સુધી કે તમે તમારા રબ સમક્ષ જઈને હાજર થઈ જાવ, જે પ્રમાણે તમારા આ મહિનામાં અને તમારા આ શહેરમાં તમારો આ દિવસ હરામ છે.

– સાવધાન રહેજો કે મેં વાત પહોંચતી કરી છે. હે અલ્લાહ તું પોતે પણ સાક્ષી રહેજે.

– તો જે કોઈના કબ્જામાં કાંઇ પણ અમાનત હોય તો તે તેના માલિકોને સોંપી દે.

– અજ્ઞાનતાના યુગના વ્યાજના લેણ-દેણ રદ-બાદલ ઠરાવી દેવાયા છે. અને સૌ પ્રથમ હું મારા કાકા અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબની વ્યાજની લેણી રકમો રદ-બાતલ કરૃં છું.

– અજ્ઞાનતાના યુગના તમામ બદલાના દાવા (કિસાસ) રદ-બાતલ કરી દેવાયાં છે. અને સૌથી પહેલાં હું આમિર બિન રબીયા બિન હારિસ બિન અબ્દુલ મુત્તલિબના ખૂનનો દાવો નાબૂદ કરૃં છું. અજ્ઞાનતાના યુગના તમામ સન્માનો અને પદવીઓ રદ-બાતલ કરવામાં આવે છે, સિવાય કે ‘સદાનત’ (કા’બાની રખેવાળીનો વિભાગ) અને ‘સકાયા’ (હાજીઓ માટેની પાણીની વ્યવસ્થાનો વિભાગ).

– દંડનીય માનવ હત્યાનો બદલો (કિસાસ) લેવામાં આવશે. અપ્રત્યક્ષ દંડનીય માનવ હત્યા જે લાકડી અથવા પથ્થર (વાગવા) થી પરિણમે, તેની ‘દેણ’ તરીકે સો ઊંટ નક્કી કરવામાં આવ્યા છે. જે કોઈ આમાં વધારો કરશે તેનો સમાવેશ અજ્ઞાનીઓમાં થશે.

– હે લોકો ! શયતાન (સત્યની વ્યવસ્થા છવાઈ ગયા બાદ) આ બાબતે નિરાશ થઈને બોલે છે કે તમારી માતૃભૂમિ પર હવે (ક્યારેય)તેની પૂજા કરવામાં આવશે નહીં. છતાં એ રાજી હશે કે આ સિવાય અન્ય ગુનાહોમાં, જેને તમે મામૂલી ગણો છો, તેની આજ્ઞાનું પાલન થાય.

– હે લોકો ! મહિનાઓ (અર્થાત્ હરામ મહિનાઓ) ની અદલા-બદલી એ કુફ્રની નીતિ-રીતિમાં વૃદ્ધિ સમાન છે. અને આ દ્વારા કાફિરો વધુ ને વધુ ગેરમાર્ગે દોરાતા જાય છે કે અમુક વર્ષે કોઈ એક મહિનાને હલાલ કરી લે છે અને બીજા વર્ષે હરામ ઠરાવી દે છે જેથી (આઘાપાછા કરી) ખુદાએ હરામ ઠરાવેલા મહિનાઓની માત્ર ગણતરી પૂરી કરી દે.

– નિઃશંક ! આજે સમય હરી-ફરીને એ જ સ્થિતિમાં આવી પહોંચ્યો છે, જે એ વખતે હતી જ્યારે ખુદાએ આકાશો અને પૃથ્વીની ઉત્પત્તિ કરી હતી. અર્થાત્ અલ્લાહના દરબારમાં મહિનાઓની સંખ્યા ચોક્કસ રીતે બાર છે અને જ્યારથી અલ્લાહે આકાશો અને પૃથ્વીનું સર્જન કર્યું છે, આ સંખ્યા તેના પુસ્તક (તકદીરના લખાણ)માં આ રીતે જ અંકિત છે. આમાં ચાર મહિના હરામ છે. ત્રણ સફ્રંગ એટલે કે ઝિલકદ, ઝિલહજ અને મુહર્રમ. ઉપરાંત એક અલગ એટલે કે રજ્જબ, જે જમાદિલ આખર અને શા’બાનની વચ્ચે છે.

– સાવધાન રહેજો કે મેં વાત પહોંચતી કરી છે. હે અલ્લાહ ! તું પોતે પણ સાક્ષી રહેજે.

– હે લોકો ! તમારી સ્ત્રીઓને તમારી સામે કેટલાક હક્કો આપવામાંં આવ્યાં છે.તેમને માટે જરૂરી છે કે તેઓ તમારા શયનખંડોમાં તમારા સિવાય બીજા કોઈને આવવા ન દે અને એવી વ્યક્તિને (ઘરમાં) તમારી પરવાનગી વગર દાખલ ન થવા દે જેનું (ઘરમાં) દાખલ થવું તમને પસંદ ન હોય. તેમજ કોઈ પ્રકારની નિર્લજ્જતા આચરે નહીં. જો તેઓ એવું કોઈ કાર્ય કરે તો તમને અલ્લાહે પરવાનગી આપી છે કે તેમની સુધારણા ખાતર તમે તેમને અલગ કરી શકો છો, શયનખંડોથી દૂર કરી શકો છો અને ચિહ્ન નહી પાડનાર શારીરિક સજા કરી શકો છો. પછી જો તે આવું વર્તન ત્યજી દઈ તમારી આજ્ઞા મુજબ વર્તે તો કાયદાનુસાર (તેમનું) ભરણ-પોષણ તમારા શિરે છે. નિઃશંક, સ્ત્રીઓ તમારા આધીન છે, જે પોતાની મરજી મુજબ કાંઈ કરી શકતી નથી. તેમને અલ્લાહની અમાનતરૃપે તમે પોતાના સહવાસમાં લીધી છે. અને તેમના શરીરને અલ્લાહના જ કાયદા મુજબ ઉપયોગમાં લીધા છે. તો સ્ત્રીઓ વિષે ખુદાથી ડરો અને શોભા સ્પદ રીતે તેમને કેળવણી આપો.
– સાવધાન રહેજો કે મેં વાત પહોંચતી કરી છે. હે અલ્લાહ ! તું પોતે પણ સાક્ષી રહેજે.

– હેે લોકો ! મો’મિનો (ઈમાન લાવનાર લોકો), અરસ-પરસ ભાઈ-ભાઈ છે, તો ભાઈથી રાજીખુશી વગર તેનો માલ લેવો કોઈ વ્યક્તિ માટે યોગ્ય નથી.

– સાવધાન રહેજો કે મેં વાત પહોંચતી કરી છે. હે અલ્લાહ ! તું પોતે પણ સાક્ષી રહેજે.

– તો મારા પછી કંઈ (આ ભાતૃભાવ ત્યજી દઈ) ફરી કાફિરો જેવું વર્તન દાખવી એકબીજાના ગળા કાપવાના શરૃ ના કરી દેતા.

– હું તમારી વચ્ચે એક એવી વસ્તુ મૂકતો જાઉં છું કે જ્યાાં સુધી તેનું પાલન કરતા રહેશો, કદીય સત્ય માર્ગથી અળગા થશો નહીં. એછે અલ્લાહની કિતાબ!

– સાવધાન રહેજો કે મેં વાત પહોંચતી કરી છે. હે અલ્લાહ ! તું પોતે પણ સાક્ષી રહેજે.

– હે લોકો ! તમારો રબ એક જ છે. અને તમારા પિતાનો પિતા પણ એક જ છે. તમે બધા આદમ અ.સ.ના સંતાન છો અને આદમ અ.સ.ને માટીમાંથી ઘડવામાં આવેલા. અલ્લાહની નજરે તમારામાં અધિક પ્રતિષ્ઠિત (વ્યક્તિ) એ છે જે અલ્લાહથી ડરતો હોય. કોઈ આરબને બિનઆરબ પર કોઈ (પ્રકારની)ઉચ્ચતા પ્રાપ્ત નથી. ન તો કોઈ બિન આરબને કોઈ આરબ પર પ્રાપ્ત છે. જે કાંં ઉચ્ચતા છે તે અલ્લાહની બીકના આધારે છે.

– સાવધાન રહેજો કે મેં વાત પહોંચતી કરી છે. હે અલ્લાહ ! તું પોતે પણ સાક્ષી રહેજે.
– અને તમોને મારા વિષે પ્રશ્ન પૂછવામાં આવશે તો હવે કહો કે (જવાબમાં) તમે શું કહેશો ?”
બધા લોકો ઊંચા અવાજે બોલી ઊઠ્યા ઃ-

“અમે સાક્ષી આપીએ છીએ કે આપે સંદેશ પહોંચાડી દીધો. ઉમ્મતને ઉપદેશ આપવાનું કર્તવ્ય પૂરેપૂરૃં બજાવ્યું. સત્યની આડે પડેલા તમામ પડદા ઊંચકાઈ ગયા અને અલ્લાહની અનામત અમારા સુધી સંપૂર્ણ રીતે પહોંચાડી દીધી.”

આપ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ-
– “હે અલ્લાહ ! તું સાક્ષી રહેજે, હે અલ્લાહ ! તું સાક્ષી રહેજે, હે અલ્લાહ ! તું સાક્ષી રહેજે.”

પછી આપ સ.અ.વ.એ ફરમાવ્યુું ઃ-
– “જે લોકો અહીં હાજર છે, તેઓ આ વાતો અહી ં હાજર નથી એવા લોકો સુધી પહોંચતી કરે. શક્ય છે કે અમુક ગેરહાજર લોકો વધુ સારી રીતે યાદ રાખે તેમજ એની સુરક્ષા કરે”.

“હે લોકો ! અલ્લાહતઆલાએ વારસામાંથી દરેક વારસદાર માટે નિશ્ચિત ભાગ નક્કી કરી દીધો છે. અને એક તૃતીયાંશ માલ કરતાં વધુની વસિયત કરવી યોગ્ય (જાઇઝ) નથી.

બાળક તેનું, જેની પથારી પર (નિકાહમાં) તેનો જન્મ થાય અને વ્યભિચારી માટે પથ્થર.

જે વ્યક્તિએ પોતાના બાપના સ્થાને કોઈ બીજાને બાપ ઠેરવ્યો અથવા જે ગુલામે પોતાના માલિકના સ્થાને કોઈ બીજાને માલિક જાહેર કર્યો (તો) એવી વ્યક્તિ પર અલ્લાહ અને ફરિશ્તાઓ અને સર્વ માનવજનો તરફથી લા’નત છે. આવી વ્યક્તિ પાસેથી (કયામતના દિવસે) કોઈ બદલો કે વળતર સ્વીકારાશે નહીં.

– તમને અલ્લાહનું સંરક્ષણ પ્રાપ્ત થજો અને (તમારા પર અલ્લાહની) કૃપાઓની વર્ષા થજો.!!!”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments