Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમાતા-પિતાની સાથે વ્યવહાર

માતા-પિતાની સાથે વ્યવહાર

માતા-પિતાની સાથે સારો વ્યવહાર કરો અને તેમની સાથે ઉમદા વ્યવહાર કરવાનો જે મોકો મળ્યો છે તેને દુનિયા અને આખિરતની ખુશનસીબી માનો. અલ્લાહ પછી માણસ ઉપર સૌથી વધારે હક્ક માતા-પિતાનો જ છે. માતા-પિતાના હક્કનું મહત્ત્વ અને ઉચ્ચતાનો ખયાલ આના ઉપરથી કરો કે કુઆર્નેપાકમાં ઠેરઠેર માતા-પિતાના હક્કનો ઉલ્લેખ અલ્લાહના હક્કોની સાથે કરવામાં આવ્યો છે અને અલ્લાહના આભારની સાથે જ માતા-પિતાના આભારી થવાની પણ ભારપૂર્વક સૂચના આપવામાં આવી છે. ‘અને તમારા પરવરદિગારે ફેંસલો આપી દીધો છે કે તમે અલ્લાહ સિવાય બીજા કોઈની બંદગી ન કરો તથા માતા-પિતાની સાથે સદ્વ્યવહાર કરોે. (સૂરઃ બની ઇસ્રાઈલ)

હ.અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રદિ. કહે છે કે મેં નબી સ.અ.વ.ને પૂછયું કે, કયું કામ અલ્લાહને સૌથી વધારે પ્રિય છે ? તો નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘એ નમાઝ કે જે એના નિયત સમયે અદા કરવામાં આવે.’ મેં ફરી પૂછયું કે, એના પછી કયું કામ અલ્લાહને સૌથી વધારે પ્રિય છે ? ફરમાવ્યુંઃ ‘માતા-પિતા સાથે સદ્વ્યવહાર !’ મેં એ પછી પૂછયું કે, ત્યારપછી ? તો ફરમાવ્યું ઃ ‘અલ્લાહની રાહમાં જિહાદ કરવો.’ (બુખારી અને મુસ્લિમ)

હ. અબ્દુલ્લાહ રદિ. ફરમાવે છેકે એક માણસ નબી સ.અ.વ. પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હું આપના હાથ ઉપર હિજરત અને જિહાદ માટે બયઅત કરું છું અને અલ્લાહ પાસે એનું વળતર માગું છું. નબી સ.અ.વ.એ પૂછયુંઃ શું તમારા માતા-પિતામાંથી કોઈ હયાત છે ?’ તેણે કહ્યું કે, ‘હા જી, (બલ્કે અલ્લાહનો આભાર છે કે) બંને હયાત છે.’ નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ શું તમે ખરેખર અલ્લાહ પાસેથી તમારી હિજરત અને જિહાદનો બદલો મેળવવા માગો છો ?’ તેણે કહ્યું ‘હા, હું અલ્લાહ પાસેથી બદલો મેળવવા માગું છું.’ નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘તો જાઓ, તમારા માતા-પિતાની સેવામાં રહીને એમની સાથે સારો વ્યવહાર કરો.’ (મુસ્લિમ)

હ.અબૂ ઉમામા રદિ. કહે છે કે એક માણસે નબી સ.અ.વ.ને પૂછયું કે, ‘હે અલ્લાહના રસૂલ ! માતા-પિતાનો ઓલાદ ઉપર શું હક્ક છે ?’ ફરમાવ્યુંઃ ‘માતા-પિતા જ તમારી જન્નત છે અને માતા-પિતા જ દોજખ.’ (ઇબ્નેમાજહ) એટલે કે એમની સાથે સારો વ્યવહાર કરીને તમે જન્નતને પાત્ર બનશો અને એમના હક્કોને કચડીને તમે જહન્નમનું ઈંધણ બનશો.

માતા-પિતાના આભારી બનીને રહો. ઉપકાર કરનારનો આભાર માનવો અને તેના ઉપકારને યાદ રાખવો એ સજ્જનતાનો પહેલો તકાદો છે અને હકીકત એ છે કે આપણા અસ્તિત્ત્વનું અનુભવી શકાય તેનું કારણ માતા-પિતા છે. પછી માતા-પિતાના જ ઉછેર અને દેખરેખ હેઠળ આપણે મોટા થઈએ છીએ અને હોંશિયારીની અવસ્થાએ પહોંચીએ છીએ તેમજ તેઓ જે અસાધારણ બલિદાનો, બેમિસાલ મહેનત અને અનહદ સ્નેહ સાથે આપણા પાલનપોષણની જવાબદારી ઉઠાવે છે તે જોતાં આપણી ફરજ બને છે કે આપણા દિલમાં એમના પ્રત્યે શ્રદ્ધા અને આભારની લાગણી તેમજ મોટાઈ અને પ્રેમની લાગણી રાખવી જોઈએ અને આપણું એકેએક રૃવાડું એમનો આભારી બનવું જોઈએ. એટલા જ માટે અલ્લાહ તઆલાએ તેના પ્રત્યે આભાર વ્યકત કરવાની સાથે જ માતા-પિતાનો પણ આભાર માનવાની ભારપૂર્વક તાકીદ કરી છેઃ ‘(અમે હુકમ આપ્યો છે) મારો આભાર માન અને તારા માતા-પિતાનો આભારી થા.’

માતા-પિતાને હંમેશાં ખુશ રાખવાનો પ્રયત્ન કરો અને એમની મરજી વિરૂદ્ધ કે એમના સ્વભાવની વિરૂદ્ધ જઈને કયારેય એવી કોઈ વાત ન બોલો કે જે એમને ગમે નહીં, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમનો સ્વભાવ થોડો ચીડિયો થઈ જાય છે ત્યારે તેઓ એવી એવી માગણીઓ અને તકાદા કરે છે કે જે શકય હોતાં નથી. એવા સમયે પણ બધી જ વાતો ખુશીખુશી સહન કરી લો અને એમની સાથે કોઈ વાતથી કંટાળીને જવાબમાં કોઈ એવી વાત હરગિજ ન કરો કે જે એમને ગમે નહીં, અને એમની લાગણી દુભાય. ‘ ‘જો એમનામાંથી એક કે બંને તમારી સામે ઘડપણની ઉંમરે પહોંચી જાય તો તમે તેમને ઉફ ન કહો તેમજ તેમને ઠપકો ન આપો.’

હકીકતમાં વૃદ્ધાવસ્થામાં સહનશીલતા રહેતી નથી અને નબળાઈના કારણે પોતાના મહત્ત્વનો એહસાસ વધી જાય છે એટલા માટે નાની-નાની વાત પણ એમને અસર કરી જાય છે તેથી આ નાજુકાઈને ધ્યાનમાં રાખીને તમારી વાણી કે વર્તન દ્વારા માતા-પિતાને નારાજ થવાની કોઈ તક ન આપો.

હ.અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. કહે છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘અલ્લાહની પ્રસન્નતા પિતાની પ્રસન્નતામાં છે અને અલ્લાહની નારાજગી પિતાની નારાજીમાં છે.’ (તિર્મિઝી, ઇબ્નેહિબ્બાન, હાકિમ)

એટલે કે જો કોઈ માણસ તેના ખુદાને રાજી રાખવા માગતો હોય તો તે તેના માતા-પિતાને ખુશ રાખે. પિતાને નારાજ કરીને તે અલ્લાહના ગુસ્સાને ઉત્તેજિત કરશે.

હ.અબ્દુલ્લાહ રદિ. કહે છે કે, એક માણસ તેના માતા-પિતાને રડતાં મૂકીને નબી સ.અ.વ. પાસે હિજરત માટે બયઅત કરવા માટે હાજર થયો ત્યારે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જા, તારા માતા-પિતા પાસે પાછો જા અને એમને એવી રીતે રાજી કરીને આવ કે જેવી રીતે તું એમને રડાવીને આવ્યો છે.’ (અબૂદાઊદ) માતા-પિતાની સેવા મન લગાવીને કરો. જો અલ્લાહે તમને આવી તક આપી હોય તો હકીકતમાં આ તમારા માટે એક રસ્તો છે કે તમે તમારી જાતને જન્નતને પાત્ર બનાવી શકો અને અલ્લાહની પ્રસન્નતા પામી શકો. માતા-પિતાની સેવા વડે જ દુનિયા અને આખિરતની ભલાઈ, સદ્ભાગ્ય અને મોટાઈ પ્રાપ્ત થાય છે અને માણસ બંને જગતમાં આફતોથી સુરક્ષિત રહે છે. હ.અનસ રદિ.એ કહ્યું છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘જે માણસ એમ ઇચ્છતો હોય કે તેનું આયુષ્ય લાંબુ થાય અને તેની રોજીનું વિસ્તરણ થાય તો તેણે તેના માતા-પિતા સાથે ભલાઈનું વર્તન કરવું જોઈએ અને સગાં સાથે સદ્વ્યવહાર કરવો જોઈએ. (અત્તર્ગીબ વ તર્રહીબ)

અને નબી સ.અ.વ.એ ફરમાવ્યું છેઃ ‘એ માણસ અપમાનિત થાય, ફરીથી અપમાનિત થાય, ફરીથી અપમાનિત થાય. લોકોએ પૂછયું કે, અલ્લાહના રસૂલ ! કોણ? તો ફરમાવ્યુંઃ ‘એ માણસ કે જેણે તેના માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં જોયાં-બંનેને જોયા અથવા કોઈ એકને- અને પછી (એમની સેવા કરીને) જન્નતમાં દાખલ ન થયો.’ (મુસ્લિમ)

એક વખત હ.અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.એ હ.ઇબ્ને અબ્બાસ રદિ.ને પૂછયું કે, ‘શું તમે ઇચ્છો છો કેજહન્નમથી દૂર રહો અને જન્નતમાં દાખલ થાવ ?’ ઇબ્ને અબ્બાસએ કહ્યું કે, ‘કેમ નહીં, અલ્લાહના સોગંદ, આવું જ ઇચ્છું છું.’ હ.ઇબ્ને ઉમર રદિ.એ પૂછયું, ‘તમારા માતા-પિતા હયાત છે ?’ ઇબ્ને અબ્બાસ રદિ.એ કહ્યું, ‘જી, હા. મારી માતા હયાત છે.’ ઇબ્ને ઉમર રદિ.એ કહ્યુંઃ ‘તમે એમની સાથે નરમાશપૂર્વક વાતચીત કરો, એમના ખાવા-પીવાનો ખ્યાલ રાખો તો જરૃર જન્નતમાં જશો, અલબત્ત એ શરતે કે કબીરા ગુનાઓથી બચતા રહો.’ (અલઅદબુલમુફરદ)
હ. અબૂહુરૈરહ રદિ.એ એક વખત બે માણસોને જોયાં. એકને પૂછયું કે, આ બીજો તમારો કોણ થાય છે ? તો તેણે કહ્યું કે, આ મારા પિતા છે. તેમણે કહ્યું કે, જુઓ કયારેય એમનું નામ ન લેશો, એમની આગળ ન ચાલશો અને કયારેય એમની પહેલાં બેસશો નહીં. (અલઅદબુલમુફરદ)
માતા-પિતાની સાથે નમ્રતાપૂર્વક અને વિનમ્રભાવે વર્તો. ‘અને નમ્રતા અને વિનમ્રભાવે એમની સામે પથરાયેલાં રહો.’ વિનમ્રભાવે પથરાયેલા રહેવાનો અર્થ એ છે કે દરેક વખતે એમના દરજ્જાનો ખ્યાલ રાખો અને કયારેય એમની સામે તમારી મોટાઈ ન દર્શાવો તેમજ એમની માનહાનિ થાય એવું કંઈ પણ ન કરો.’

માતા-પિતાને ખૂબ પ્રેમ કરો અને આને તમારા માટે સદ્ભાગ્ય અને આખિરતના બદલાનું કારણ માનો. હ.ઇબ્ને અબ્બાસ રદિ. કહે છે કે, નબી સ.અ.વ. ફરમાવે છે કે, ‘જે નેક ઓલાદ માતા-પિતા ઉપર પ્રેમભરી નજરથી જુએ છે તેના બદલામાં અલ્લાહ તેને એક હજ્જેમકબૂલ (કબૂલ થનારી હજ્જ)નો સવાબ એનાયત કરે છે.’ લોકોએ પૂછયું કે, ‘જો કોઈ એક દિવસમાં સો વખત આવી રીતે પ્રેમ અને સ્નેહની નજરથી જુએ તો ?’ ફરમાવ્યુંઃ ‘હા, જો કોઈ સો વખત આવું કરે તો પણ. અલ્લાહ (તમારી આ કલ્પનાથી) ઘણો મોટો અને (સંકુચિત મન જેવી ખામીઓ)થી તદ્દન પર છે.’ (મુસ્લિમ)

હ.ઇબ્ને અબ્બાસ રદિ. કહે છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જે માણસે સવાર એવી હાલતમાં કરી કે તે એ આદેશોમાં અલ્લાહનો આજ્ઞાંકિત રહ્યો કે જે તેણે માતા-પિતાના માટે ઉતાર્યાં છે તો તેણે એવી હાલતમાં સવાર જોઈ કે તેના માટે જન્નતના બે દરવાજાં ખુલ્લાં છે અને જો માતા-પિતામાંથી કોઈ એક હોય તો જન્નતનો એક દરવાજો ખુલેલો છે ! અને કહ્યું કે, જે માણસે એવી હાલતમાં સવાર જોઈ કે તે માતા-પિતા માટે અલ્લાહના મોકલેલા હુકમની નાફરમાની કરી રહ્યો છે તો તેણે એવી હાલતમાં સવાર જોઈ કે તેના માટે દોજખના બે દરવાજા ખુલ્લાં છે અને જો માતા-પિતામાંથી કોઈ એક હોય તો દોજખનો એક દરવાજો ખુલેલો છે. એ માણસે પૂછયું કે, ‘હે અલ્લાહના રસૂલ ! જો માતા-પિતા તેની સાથે અત્યાચારપૂર્વક વર્તી રહ્યાં હોય તો પણ ? ફરમાવ્યુંઃ હા, જો અત્યાચાર કરી રહ્યાં હોય તો પણ, જો અત્યાચાર કરી રહ્યાં હોય તો પણ, જો અત્યાચાર કરી રહ્યા હોય તો પણ.’ (મિશ્કાત). માતા-પિતાને તમારા માલના માલિક માનો અને એમના માટે ઉદાર દિલથી ખર્ચ કરો. કુઆર્નમાં છેઃ ‘લોકો આપને પૂછે છે, અમે શું ખર્ચ કરીએ ? જવાબ આપો કે જે માલ પણ તમે ખર્ચો તેના સૌથી પહેલા હકદાર માતા-પિતા છે.’
એક વખત નબી સ.અ.વ. પાસે એક માણસ આવ્યો અને તેના પિતાની ફરિયાદ કરવા લાગ્યો કે, તેઓ ચાહે ત્યારે મારો માલ લઈ લે છે. નબી સ.અ.વ.એ એ માણસના પિતાને બોલાવ્યાં. લાકડીના ટેકે ચાલતો એક વૃદ્ધ માણસ આવ્યો. આપે એ વૃદ્ધ માણસ પાસે વિગતો પૂછી તો તેણે કહેવા માંડયું કેઃ ‘અલ્લાહના રસૂલ ! એક જમાનો હતો જ્યારે આ કમજોર અને લાચાર હતો અને મારામાં બળ હતું. હું માલદાર હતો અને આ ખાલી હાથ હતો. મેં કયારેય તેને મારી ચીજ લેવાથી નથી રોકયો. આજે હું કમજોર છું અને એ તંદુરસ્ત અને બળવાન છે. હું ખાલી હાથ છું અને એ માલદાર છે. હવે એ તેનો માલ મારાથી બચાવી બચાવીને રાખે છે. વૃદ્ધ માણસની વાત સાંભળીને નબી સ.અ.વ. રડી પડયાં અને (વૃદ્ધના દીકરા તરફ જોઈને ફરમાવ્યુંઃ ‘તું અને તારો માલ તારા પિતાનાં છે.’

માતા-પિતા જો મુસલમાન ન હોય તો પણ એમની સાથે સારું વર્તન દાખવો, એમનો આદર કરો અને એમની સેવામાં બરાબર વ્યસ્ત રહો, અલબત્ત, જો તેઓ, શિર્ક અને ગુનાનાં કામોનો હુકમ આપે તો એમની આજ્ઞા માનવાનો ઇન્કાર કરી દો અને એમની વાત હરગિજ ન માનો. ‘જો માતા-પિતા દબાણ કરે કે મારી સાથે બીજાને ભાગીદાર બનાવો કે જેની તમને જાણ નથી તો હરગિજ એમની વાત ન માનો અને દુનિયામાં એમની સાથે ભલું વર્તન કરતા રહો.’

હ. અસ્મા રદિ. કહે છે કે નબી સ.અ.વ.ના જમાનામાં મારી પાસે મારી માતા આવ્યાં અને એ વખતે તેઓ મુશ્રિક હતાં. મંે નબી સ.અ.વ.ને કહ્યું કે, ‘મારી પાસે મારી માતા આવ્યા છે અને તેઓ ઇસ્લામ પ્રત્યે નફરત ધરાવે છે. શું હું એમની સાથે સારો વ્યવહાર કરું ?’ નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘હા, તમે તમારી માતા સાથે સગાની જેમ સારો વ્યવહાર (સિલએરહમી) કરતા રહો.’ (બુખારી)

માતા-પિતા માટે હંમેશાં દુઆ પણ કરતા રહો અને એમના ઉપકાર-એહસાનોને યાદ કરી કરીને અલ્લાહ સમક્ષ રડો અને ખૂબજ દિલથી અને દિલની લાગણીઓ સાથે એમના માટે દયા અને મહેરબાનીની દુઆઓ કરો. અલ્લાહતઆલા ફરમાવે છેઃ ‘અને દુઆ કરો કે, પરવરદિગાર, આ બંને ઉપર દયા કર જેવી રીતે આ બંનેએ બાળપણમાં મારું ભરણ-પોષણ અને ઉછેર કર્યો હતો.’

એટલે કે હે પરવરદિગાર, બાળપણની લાચારીમાં, જે મહેરબાની અને જાન લડાવીને તેમજ સ્નેહ અને પ્રેમપૂર્વક તેમણે મને મોટો કર્યો અને મારી ખાતર તેમના સુખ-ચેન અને આરામની કુર્બાની આપી, પરવરદિગાર ! હવે તેઓ ઘડપણની નબળાઈ અને લાચારીમાં મારા કરતાં વધારે દયા અને સ્નેહના મોહતાજ છે. હે અલ્લાહ, હું એમનો કોઈ બદલો ચૂકવી શકતો નથી, તું જ એમની સરપરસ્તી કર અને એમની દુઃખી હાલત ઉપર દયાની નજર નાખ.’

માતાની સેવા કરવાનું ખાસ ખ્યાલ રાખો. માતા સ્વાભાવિક દૃષ્ટિએ વધારે કમજોર અને લાગણીશીલ હોય છે અને તમારી સેવા અને સદ્વ્યવહારની વધારે મોહતાજ પણ, તેમજ તેના ઉપકારો અને બલિદાનો પણ પિતાની સરખામણીમાં ઘણા જ વધારે છે તેથી દીને ઇસ્લામે માતાનો હક્ક વધારે જણાવ્યો છે અને માતાની સાથે સારો વ્યવહાર કરવા માટે વિશેષરૃપે પ્રોત્સાહન આપ્યું છે. કુઆર્નેપાકમાં છેઃ ‘અને અમે માનવીને માતા-પિતા સાથે ભલાઈ કરવાનો ભારપૂર્વક હુકમ આપ્યો. તેની માતા તકલીફ વેઠીને તેને પેટમાં લઈને ફરી અને તકલીફમાં જ જન્મ આપ્યો અને પેટમાં ઉપાડવાની અને દૂધ પીવડાવવાની આ (તકલીફ આપનારી) મુદ્દત અઢી વરસ છે.’ (સૂરઃ અલ-અહ્કાફ)

માતા, પિતાની સરખામણીમાં તમારી સેવા અને સદ્વર્તનની વધારે હક્કદાર છે. અને પછી આ જ હકીકત નબી સ.અ.વ.એ વધુ સ્પષ્ટ રીતે જણાવી છે.

હ.અબૂ હુરૈરહ રદિ. કહે છેઃ ‘એક માણસ નબી સ.અ.વ. પાસે આવ્યો અને તેણે પૂછયું કે હે અલ્લાહના રસૂલ ! મારા સદ્વર્તનના સૌથી વધુ હક્કદાર કોણ છે ? નબી સ.અ.વ.એ ફરમાવ્યું ઃ તારી માતા, તેણે પૂછયું, પછી કોણ? તો ફરમાવ્યુંઃ તારી માતા. તેણે પૂછયું કે, પછી કોણ’ ફરમાવ્યુંઃ તારી માતા ! તેણે પૂછયું, પછી કોણ ? તો ફરમાવ્યુંઃ તારા પિતા.’ (અલઅદબુલમુફરદ)

હ.ઉવૈસ રહ. નબી સ.અ.વ.ના જમાનામાં હયાત હતાં પરંતુ આપને મળવાનું સદ્ભાગ્ય મેળવી શકયા નહીં. એમની માતા વૃદ્ધ હતાં. રાત-દિવસ એમની સેવા કર્યા કરતાં. નબી સ.અ.વ.ના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી અને કયો મુસલમાન હશે કે જે આ તમન્નામાં રાચતો નહીં હોય કે તેની આંખો રસૂલદર્શન વડે પ્રકાશિત થાય ! ઉવૈસ રહ.એ આવવા માટે વિચાર્યું પણ ખરૃં નબી સ.અ.વ.એ ના પાડી દીધી. દિલમાં હજ્જની ફરજ અદા કરવાની પણ ખૂબ ઇચ્છા હતી પણ જ્યાં સુધી એમની માતા જીવતા રહ્યાં ત્યાં સુધી એ એકલાં પડી જાય એ વિચારથી હજ્જ અદા ન કરી અને એમના અવસાન પછી જ આ ઇચ્છા પૂરી કરી થઈ શકી.

ધાવણ આપનાર માતાની સાથે પણ સારો વ્યવહાર કરો. એમની સેવા બજાવો અને માન-આદર સાથે વર્તો. હ.તુફૈલ રદિ. કહે છે કે મેં જા’રાના મુકામે નબી સ.અવ.ને જોયાં કે આપ માંસ વહેંચી રહેયા હતાં કે અચાનક એક મહિલા આવ્યા અને નબી સ.અ.વ.ની એકદમ નજીક પહોંચી ગયાં. નબી સ.અ.વ.એ એમના માટે પોતાની ચાદર પાથરી આપી, તેઓ એની ઉપર બેસી ગયાં મેં લોકોને પૂછયું કે, આ મહિલા કોણ છે ? તો લોકોએ જણાવ્યું કે તેઓ એ મા છે જેમણે નબી સ.અ.વ.ને ધાવ્યા હતાં. (અબૂદાઊદ)

માતા-પિતાના અવસાન પછી પણ એમનું ધ્યાન રાખો અને તેમની સાથે સદ્વર્તન કરવા માટે નીચે જણાવેલી વાતોનું પાલન કરો. માતા-પિતા માટે નિયમિત રીતે મગફિરત-બક્ષિસની દુઆઓ કરતા રહો. કુઆર્ને પાકે મુસલમાનોને આ દુઆ શીખવી છેઃ ‘પરવરદિગાર ! મને માફી આપ અને મારા માતા-પિતા અને બધા જ ઈમાનવાળા લોકોને એ દિવસે માફ કરી દે કે જ્યારે હિસાબ-કિતાબ થશે.’
(સૂરઃ ઇબ્રાહીમ ઃ ૪૧)

હ. અબૂ હુરૈરહ રદિ. કહે છે કે મૃત્યુ પછી જ્યારે મૈયતના દરજ્જા બુલંદ થાય છે ત્યારે તે નવાઈ પામીને પૂછે છે કે આવું કેવી રીતે થયું ? તો અલ્લાહ તરફથી જણાવવામાં આવે છે કે તમારી ઔલાદ તમારા માટે મગફિરતની દુઆ કરતી રહી (અને અલ્લાહે તેને કબૂલ કરી લીધી).
હ.અબૂહુરૈરહ રદિ. કહે છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે તેના કર્મ કરવાની મુદત પૂરી થઈ જાય છે. માત્ર ત્રણ જ વસ્તુઓ એવી છે કે જે મૃત્યુ પછી પણ ફાયદો પહોંચાડયા કરે છે. એક સદકએ જારિયા, બીજી તેનું (ફેલાવેલું એ) જ્ઞાન કે જેનાથી લોકો ફાયદો ઉઠાવે, અને ત્રીજું એ નેક સદાચારી ઓલાદ કે જે તેના માટે મગફિરતની દુઆ કરતી રહે.’

માતા-પિતાએ કરેલા કરારો-વચનો અને વસિયત પૂરાં કરો. માતા-પિતાએ એમના જીવન દરમિયાન લોકો સાથે અમુક વાયદા-કરાર કર્યાં હશે, પોતાના ખુદા સાથે કોઈ વાયદો કર્યો હશે, કોઈ માનતા રાખી હશે, કોઈને અમુક પૈસા આપવાનો વાયદો કર્યો હશે, એમના માથે કોઈનું દેવું બાકી રહી ગયું હશે અને ચૂકવવાની તક મેળવી શકયાં નહીં હોય, મરતાં સમયે અમુક વસિયતો કરી હશેે. તમે તમારાથી બનતી હદે આ બધા જ કામોને પૂરાં કરો.

જો જીવનમાં ખુદા ન કરે ને માતા-પિતા સાથે સારો વ્યવહાર કરવામાં અને એમનાં હક્કો અદા કરવામાં કોઈ ચૂક થઈ ગઈ હોય તો પણ અલ્લાહની રહમત અને કૃપાથી નિરાશ થવાની જરૃર નથી. મૃત્યુ પછી પણ તેમના માટે અલ્લાહ સમક્ષ સતત માફીની દુઆઓ કરતા રહો. આશા છે કે અલ્લાહ તમારી ચૂકને દરગુજર કરી દે અને તમારી ગણતરી સદાચારીઓમાં કરી લે.

હ.અનસ રદિ. કહે છેકે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘જો કોઈ માણસ જિંદગીભર માતા-પિતાનો નાફરમાન રહ્યો અને માતાપિતામાંથી કોઈ એકનું અથવા બંનેનું એ જ હાલતમાં અવસાન થઈ ગયું તો તેણે તેના માતા-પિતા માટે સતત દુઆ કરતાં રહેવું જોઈએ અને અલ્લાહ સમક્ષ એમની માફીની દુઆ કરતા રહેવું જોઈએ, એટલે સુધી કે અલ્લાહ તેને તેની કૃપાથી સદાચારી લોકોમાં ગણી લે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments