Saturday, April 20, 2024
Homeલાઇટ હાઉસબદીઉઝ્ઝમા સઇદ નૂરસી (રહ.)

બદીઉઝ્ઝમા સઇદ નૂરસી (રહ.)

“બદલને કો તો હઝારોં કરવટેં બદલી ઝમાને ને મગર મેરી જબીં બદલી ન ઉસકા આસ્તાં બદલા” ‘રસાઇલેનૂર’નું લખાણ અને તેની નકલો તૈયાર કરવાનું કામ એટલું સહેલું નહોતું. જેટલું જાહેરમાં લાગતુ હતુ. ઉસ્તાદ સઇદનૂરસી અને તેમના શિષ્યો ઉપર રાજ્ય સરકારની સખત નજર હતી અને આ સઘળુ કાર્ય છુપી રીતે કરવું પડતું હતું. એમના ચાહકો અને શિષ્યોએ એ પત્રિકાઓની નકલો તૈયાર કરવામાં જબરજસ્ત બલિદાન આપવું પડતું હતું. આ પત્રિકાઓ તુર્કી ભાષામાં લખવામાં આવતી હતી. પરંતુ તેનું લખાણ અરબી લીપીમાં કરવામાં આવતું હતું. જેના ઉપર ૧૯૨૮થી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. અને મુદ્રાણાલાયોમાં કોઇ પણ કિતાબ અરબી લીપીમાં છાપી શકાતી નહોતી. આથી રસાઇલેનૂર હાથથી લખવામાં આવતી હતી. અસંખ્ય શિષ્યોએ આ કામ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. અને તેમની સંખ્યા રોજ બરોજ વધતી જતી હતી. વાતાવરણ એ પ્રકારનું હતું કે દીનદાર હોવું એ ફાંસીના માંચડાને આમંત્રણ આપવા સમાન હતું. ‘રસાઇલેનૂર’ ને લખનારાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હતા અને તેના ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો. પરંતુ આ અત્યાચાર આપવા છતાં નકલો લખવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હતો. આ વિદ્યાર્થીઓમાં એવા નમુના પણ મળે છે જેમણે સાત-સાત- આઠ-આઠ વર્ષ સુધી ઘરમાંથી પગ બહાર કાઢ્યો નહોતો. અને રાત દિવસ ‘રસાઇલેનૂર’ની નકલો લખવામાં વ્યસ્ત રહ્યા હતા. આ સિલસિલો લગભગ વીસ વર્ષ સુધી ચાલ્યો એના પછી સાઇકલો સ્ટાઇલ પધ્ધતીથી કામ લેવામા આવતું રહ્યું. મુદ્રાણાલયોમાં છાપવાનો સમય તેના પણ પછી આવ્યો. વિદ્યાર્થીઓ કેવી તડપથી અને ઉત્સાહથી કામ કરતા હતા તેનો અંદાજ એક વિદ્યાર્થીના આ નિવેદનથી કરી શકાય છે, જે તેણે અફયુનની જેલની ફોજદારી અદાલતમાં પોતાના અને પોતાના સાથીઓના તરફથી આપ્યું હતું. તેણે કહ્યું કે ” હું આ કિતાબ (રસાઇલેનૂર) અને તેના મહાન લેખક ઉસ્તાદ બદીઉઝ્ઝમાને માટે જેમણે મને શાશ્વત જિંદગીથી પરિચિત કર્યો. હું આ નશ્વર જેલખાનાને સહેજ પણ મહત્ત્વ નથી આપતો. હું કેદખાનામાં ખુશી અને ગર્વથી જઇ રહ્યા છું જો દીનના દુશ્મનો અમને કાગળ અને શાહીથી વંચિત કરશે તો અમે જો શક્ય બનશે તો અમારા લોહીને શાહી અને ચામડીને કાગળ બનાવશું અને ‘રસાઇલેનૂર’ લખશું. (સરવત સૌલત)

આદર્શમય બાળપણ અને ઇર્ષાપાત્ર યુવાની

સઇદ નૂરસીનો જન્મ તુર્કસ્તાનના તબ્લિસ પ્રાન્તના એક નાનકડા ગામ નૂરસમાં ૧૮૭૩માં થયો હતો. બાળપણથી જ તેજસ્વી, મક્કમ મનોબળ, બુધ્ધિમતા અને ગંભીરતાના સદ્ગુણોથી સુશોભિત હતા. આત્મગૌરવનો એમને બહુજ ખ્યાલ હતો. કોઇના તરફથી ઘમંડ અને અપમાનને તે સહન કરી શક્તા નહોતા. આ જ કારણના લીધે આસપાસના મદ્રસા સહવિદ્યાર્થીઓ અને ઉસ્તાદો સાથે તેમને નભી શક્તું નહીં. તે બહુજ જલ્દી ઘેર પરત આવી ગયા. થોડો જ સમય પસાર થયો હતો કે સ્વપ્નમાં આપ સલ્લ.ના દિદાર થયા. પછી મનમાં જ્ઞાન પ્રાપ્તિના જોશ ઉભરાઇ ગયોે એમના પછી આપે પાછળ વળીને જોયું નથી અર્થાત તે અરવાસ, શહરવાન અને સારદ વગેરે ગામોમાં શિક્ષણ પ્રાપ્ત કરતાં રહ્યાં આજ સમયગાળામાં તેમની બુદ્ધિના મોતી ખુલી ગયા. થોડાક જ મહિનામાં તે એ બધી જ કિતાબો પર પ્રભુત્વ પ્રાપ્ત કરી દેતા હતા. જેમાંથી એક એક કિતાબનો અભ્યાસ કરવા માટે સામાન્ય વિદ્યાર્થી કેટ-કેટલા વર્ષો લગાડતા હતા. એમની યાદ શક્તિનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે બે-બે પારા તે ફકત એક જ દિવસમાં મોઢે કરી દેતા હતા. આ સ્મરણશક્તિ અને કુશળતાની ચર્ચા ચોેમેર ફેલાઇ ગઇ. ચૌદ પંદર વર્ષ ફુટડો નવયુવાન નૂરસીના સમયના આલીમો વારંવાર કસોટી કરી અને દરેક સમય આ નવયુવાન વિદ્યાર્થીની આશ્ચાર્યજનક વિષેશતાઓનો સ્વીકાર કરવા માટે વિવશ થવું પડ્યું. એક દિવસ સારદના તમામ ખ્યાતનામ આલીમોે એકઠા થયા અને દરેક જણે સઇદનૂરસીને એક એક સવાલ પુછયો. જેના નૂરસીએ સચોડ જવાબો આપ્યા. આલીમો આ જોઇને દંગ રહી ગયા અને તેમને ‘બદીઉઝ્ઝમાનો’ ઇલ્કાબ અર્પણ કર્યો. બદીઉઝ્ઝમા ફકત જ્ઞાન અને વિદ્વતાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ શારિરીક રીતે પણ બળવાન અને બહાદૂર હતા. એમનો સ્વભાવ મુજાહીદનો હતો. નિશાનબાજી અને ઘોડા સવારી એમના પ્રિય શોખ હતા. તબ્લિસનું બાદવાન શહેર પંદર વર્ષ સુધી તેમનું નિવાસસ્થાન બની રહ્યું. જ્યાં દીની અને પરંપરાગત શિક્ષણ ઉપરાંત તેમણે આધુનિક શિક્ષણ ઉદાહરણ તરીકે ઇતિહાસ, ભુગોળ, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રસાયણકશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, બાયોલોજી અને તર્કશાસ્ત્ર (ફિલોસોફી)માં પણ નિપૂણતા પ્રાપ્ત કરી અને બધાજ જ્ઞાનના નિષ્ણાંતોની બરાબરી કરવા લાગ્યા.

અમ્ર બિલ મઆરૃફ અને નહ્ય અનિલ મુન્કર

હજુ બદીઉઝ્ઝમાના ચઢતી યુવાનીના દિવસો હતા કે તેમને મીરાનના સરદાર મુસ્તુફા પાશાની અસંતુલિત્તા અને ઇમાન પ્રત્યે અશ્રધ્ધાના સમાચાર પ્રપ્ત થયા. કોઇ પણ જાતના ડર કે ભય વગર બદીઉઝ્ઝમા તેના દરબારમાં પહોંચી ગયા. સરદારના આગમન સમયે બધાએ ઉભા થઇને તેનું સન્માન કર્યું. પરંતુ બદીઉઝ્ઝમા ન ફકત બેસી રહ્યા બલ્કે સરદારને ખૂબ ખરી ખોટી વાતો સંભળાવી દીધી અને સ્પષ્ટ શબ્દોમાં અત્યાચાર બંધ કરી દેવા અને નમાઝ પઢવાની તાકીદ ફરમાવી. સરદારે તેમની સામે પ્રાન્તના આધુનિક વિચારસરણીના આલીમો સાથે વાદ-વિવાદ કરવાની શરત મુકી. વાદ-વિવાદ થવું અને તેમાં બદીઉઝ્ઝમા આગળ કોઇ જ ટકી ન શક્યું. શરત હારીને સરદારને બદીઉઝ્ઝમાની વાત માનવી પડી, તે પાબંદીથી નમાઝ પઢવા લાગ્યો. આવી જ રીતે તિબ્લિસના અધિકારીઓ પૈકી એકના વિશે જ્યારે તેમને દારૃ પીતો હોવાના સમાચાર પ્રાપ્ત થયા તો તે સીધા દારૃની મહેફીલમાં ઉગ્રતાપૂર્વક એવી શાનથી દાખલ થયા કે હુમલાથી રક્ષણ માટે કેટલાક પઠાણોને પણ તેમના સાથે લીધા હતા. ત્યાં તેમણે સરદારો સમક્ષ દારૃ વિશે ઇસ્લામિક શિક્ષણનું સ્પષ્ટતાપુર્ણ વર્ણન કર્યું અને બગડેલા સરદારોને ઉપદેશ આપવો તેમની એવી ધાક છવાઇ ગઇ કે કોઇ એક સરદારે પણ તેમની સામે હાથ ઉગામવાની પણ હિંમત કરી નહીં.

રાજકરણનું કળણ

બદીઉઝ્ઝમા એક એવા મદરસાનો પાયો નાખવા ઇચ્છતા હતા કે જ્યાં પરંપરાગત શિક્ષણની સાથે સાથે આધુનિક શિક્ષણ આપવાની પણ વ્યવસ્થા હોય. તે દીની અને દુન્યવી શિક્ષણ વચ્ચે વિભાજન કરવાના સખ્ત વિરોધી હતા. પોતાના સ્વપનના ‘આ’મદ્રસુલત ઝોહરાની’ સ્થાપનાની વ્યવસ્થા કરવા માટે તે દારુલ ખલાઇફ, ઇસ્તંબુલ ગયા. ત્યાં આલીમોએ તેમને ઉમળકાપૂર્વક વધાવી દીધા. અને આપની વિશિષ્ટતાઓ અને અદ્ભુત યોગ્યતાઓનો સ્વીકાર કર્યો. જામીઅહ અઝહરના જામેઅહના શેખ એ દિવસમાં ઇસ્તંબુલ આવેલા હતા. તેમણે ઉસ્માનિયા ખિલાફત અને યુરોપના સંબંધમાં બદીઉઝ્ઝમાનો અભિપ્રાય પૂછ્યો. બદીઉઝ્ઝમાએ તેમને ખુબ જ વિસ્તારથી નક્કર જવાબ આપ્યો. “યુરોપ આજે ઇસ્લામને બોજો ઠરાવી ચુક્યો છે. તે એક દિવસ તેને ઉતારી ફેંકશે.” અને ઉસ્માનિયા ખિલાફતને યુરોપની સંસ્કૃતિ માટે ભાર સમજી ચૂક્યો છે, કોઇક દિવસે તેને કાઢી ફેંકી દેશે, હુકુમતની રાજકીય પરિસ્થિતિ દિવસે દિવસ બગડતી જતી હતી. ઉસ્માનિયા ખિલાફત પતન તરફ ધકેલાઇ રહી હતી ઇસ્લામી ખિલાફત અને લોકશાહીની જગ્યાએ ફ્રી મિશન અને કોમ્યુનીસ્ટ શક્તિઓ ત્યાં નાસ્તિકવાદની વ્યવસ્થા સ્થાપવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા હતા એવા સમય બીજી તરફ રાજકીય પરિસ્થિતિને જાળવી રાખવા માટે બદીઉઝ્ઝમાએ પોતાના સહવિચારધારાના સજ્જનોને એકઠા કરી ૧૯૯૦માં ‘ઇત્તેહાદે મુહમ્મદી’ના નામથી એક પાર્ટીની રચના કરી. દરેક ઠેકાણે પોતાના ભાષણોથી બદીઉઝ્ઝમાએ લોકોને આઝાદીના અસલ અને ઇસ્લામી ભાવાર્થથી પરિચિત કર્યા. અને એક હકુમતનેને બીજી દુષ્ટ હકૂમતમાં બદલાવાની કોશિશોની નિંદા કરી. તેમણે સાચી ઇસ્લામી ખિલાફતની રચના માટે વાતાવરણ કર્યું. એવા સમય લશ્કરના એક જૂથે બળવો કરી દીધો અને ઇસ્લામિક શરીઅતને સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ કરી. આ બળવાને સખ્તાઇપૂર્વક કચડી નાખવામાં આવ્યો અને જેવું કે હંમેશા થતું આવ્યું છે આ બગાવતનું કાવતરુ રચવાના આરોપ હેઠળ ઇસ્લામપસંદોને વીણીને વીણીને ફાંસીના તખ્તા ઉપર લટકાવી દેવામાં આવ્યા. બદીઉઝ્ઝમાનૂરસીનો આ બળવાને રોકવામાં ઘણો મોટો હાથ હતો તે આ પ્રકારની હરકતોને નિરર્થક મૂર્ખાઈભરી અને ઇસ્લામનું ખોટું અર્થઘટન સમજતા હતા. પરંતુ બળવાના આરોપમાં તેમના ઉપર પણ કેસ ચાલ્યો. અદાલત સમક્ષ આપવામાં આવેલા તેમનું નિડરતાપૂર્વક નિવેદન ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખવાના પાત્ર છે. તેમણે કહ્યું,”જો મારા હજાર પ્રાણો હોત તો હું તેનું ઇસ્લામના અનંત સત્ય પૈકી કોઇ એક સત્ય માટે પણ બલિદાન આપવા માટે જરા પણ પાછી પાની ન કરત” હું અત્યારે આ બરઝખ સમક્ષ તેને તમે કૈદખાનું કહો છે ઉભો છું અને તે ગાડીની પ્રતિક્ષા કરૃં છું, જે મને આખિરત તરફ લઇ જાય”. તેમનું આ વિસ્તૃત નિવેદન ઘણી જ પ્રશંસા પામ્યું અને અંતે કોઇ આરોપ સાબિત ન થવાથી અદાલતે તેમને માનભેર મુક્ત કરી દીધા. મુક્ત થયા પછી ઉસ્તાદ નૂરસીલ “વાન” ચાલ્યા ગયા. જ્યાં કામ કરવા માટે અયોગ્ય ગામડાઓમાં પ્રવાસો અને બોધદાયક વ્યાખ્યાન અને અધ્યાયનમાં વ્યસ્ત રહ્યા. પછી સીરીયા ચાલ્યા ગયા. જ્યાં દમિશ્કની ઉમવી જામિઆ મસ્જીદમાં વિશાળ સમુહ સમક્ષ તેમણે જે ખુત્બો આપ્યો તે ‘ખુત્બ-અ- શમિયા’ના નામથી પ્રસિધ્ધ થયો. વિશ્વયુધ્ધનો જ્યારે આરંભ થયો તો તેમણે રશિયાના હુમલાના તુરંત બાદ સ્વયંવસેવક તરીકે પોતાની સેવા અર્પિત કરી. તેમને કમાંડર બનાવવામાં આવ્યા. ‘વાન’ અને ‘તબ્લિસ’ના મોરચાઓ ઉપર બદીઉઝ્ઝમા અને તેમના સાથીદારોએ બહાદુરીનું પ્રમાણ પુરુ પાડ્યું અને ઘણા દિવસો સુધી આ મુઠ્ઠીભર ટુકડીએ રૃસી ફોજના હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા. રૃસી ફોજો શહેરની અંદર ત્યારે જ દાખલ થઇ શકી જ્યારે શહેરીજનો માલસામાન સાથે કોઇ સલામત સ્થળે પહોંચી જવા પામ્યા. આ ધીરજની કસોટીરૃપ પરિસ્થિતિમાં પણ ઇસ્લામી યુદ્ધના કાનૂનને ભુલ્યા નહોતા. યુધ્ધમાં આર્મેનિયન સૈનિકો તુર્કી સ્ત્રીઓ અને બાળકોની કત્લેઆમ કરતા હતા. જવાબમાં મોકો હાથમાં આવવાથી કેટલાક તુર્કીઓએ પણ આવીજ રીતે કરવાનું વિચાર્યું તો આર્મેનિયાની યાત્રીઓ અને બાળકોના ઢાલ બનીને બદીઉઝ્ઝમા આગળ આવી ગયા અને તેમને બચાવી લીધા. તિબ્લિસના યુધ્ધના મોર્ચે તેઓ જખમી થયા. અને રશિયન સૈનિકોએ તેમને કેદ કરી લીધા. યુધ્ધ દરમિયાન પણ તે પ્રવચન અને બોધપાઠ આપવામાં દુર્લક્ષ નહોતા સેવતા. હવે રશિયન નજરકેદીઓના કેમ્પમાં તે ૯૦ કેદીઓને નિયમિતરૃપથી દર્સ આપવા લાગ્યા. અહીં રશિયન કમાન્ડર સાથે ગેરવર્તણુક બદલ તેમને મોતની સજા સંભળાવવમાં આવી પરંતુ પાછળથી બદીઉઝ્ઝમાની બહાદુરી અને દૃઢતાને જોઈને રશિયન કમાન્ડરે પોતે જ માફી માંગી લીધી. બદીઉઝ્ઝમા અઢી વર્ષ સુધી કૈદખાનામાં રહ્યા. ત્યાર પછી ઓક્ટોબર ૧૯૧૭માં તક મળતા ફરાર થઇ ગયા. અને ઇસ્તંબુલ પહોંચી ગયા. અહીંના શૌખુલઇસ્લામ મુસ્તુફા સાબરીએ તેમને તરત જ દારૃલ હિક્મત ઇસ્લામીયાના મેમ્બર બનાવી દીધા. અનાતોલીયામાં જ્યારે આઝાદીની ચળવળ શરૃ થઇ તો બદીઉઝ્ઝમાએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ ભજવ્યો જેના કારણે તેમનો ખૂબ વિરોધ પણ થયો. અંકારાની સરકારે બદીઉઝ્ઝમાની અપ્રતિમ હિંમ્મતની પ્રશંસા કરી. અને અનેક વખત તેમને અંકારા આવવાનું આમંત્રણ આપ્યું. છેવટે ૧૯૨૦માં તે અંકારા ગયા તેમની યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી. અહીં તેમણે પાર્લમેન્ટના સભ્યોની ઇસ્લામિક ઓળખ પ્રત્યે બેપરવાહીની સખત નોટીસ લીધી અને ‘હે પાર્લમેન્ટના સભ્યો!! યાદ રાખો કે એક દિવસ તમારે અલ્લાહ સમક્ષ હાજર થવાનું છે’.ના મથાળાથી એક લેખ લખ્યો જેને પાર્લમેન્ટમાં વાંચી સંભળાવવામાં આવ્યો. આ લેખ એટલો બધો અસરકારક નિવડયોે કે નમાઝ પઢવા વાળાઓની સંખ્યામાં સાંઇઠ સભ્યોનો વધારો થઇ ગયો. નમાઝ માટેનો રૃમ નાનો પડી ગયો અને નમાઝ માટે એક ખાસ હોલ કરવામાં આવ્યો. અંકારામાં મુસ્તુફા કમાલે બદીઉઝ્ઝમાને ખરીદવા માટે ઘણા પ્રયત્નો કર્યા મોટા-મોટા દીની હોદ્દાઓના પ્રલોભનો આપવામાં આવ્યા પરંતુ બદીઉઝ્ઝમાને તેની નિયતની ખોટનો અંદાજો પડી ગયો. તેમણે એ પણ માની લીધું કે આ હુકુમત ઇસ્લામીક વ્યવસ્થા માટે ગંભીર નથી. તો તેમણે અંકારાને અલવીદા કરી દીધી. અને વાનમાં નિવૃત્ત આપનાવી લીધી આ ૧૯૨૧ની વાત છે.

સઇદ જદીદ

સઇદનૂરસીએ હવે પોતાની પાછલી જિંદગીને તિલાંજલી આપી દીધી અને એક નવજીવન જેને તે ‘સઇદ જદીદ’ કહેતા હતા. જેની શરૃઆત આ દુઆથી કરી “આઉઝુબિલ્લાહી મિનસ્શૈતાની વલસિયાસતી” હકીકતમાં આવનાર સખત પરિસ્થિતિઓનો અંદાજો લગાવીને તેમણે ખરેખર સાચો જ નિર્ણય લીધો હતો કે આવા પરસ્પર દ્વેષપુર્ણ વાતાવરણમાં કોઇ રાજકરણ અથવા કોઇ કાયદેસર પાર્ટીની રચના કરવી એ વ્યર્થ હશે કારણ કે કોઇને પણ તાકતના જોરથી ખતમ કરી શકાય છે આમ વિચારીને તેમણે રાજકરણને છેલ્લો સલામ કરીને ત્યજી દીધું અને તુર્કિસ્તાનના નિર્જીવ શરીરમાં ફરીથી ઇસ્લામી પ્રાણ ફુંકવાના કાર્યમાં વ્યસ્ત થઇ ગયા. સઇદનૂરસીની શંકા ખૂબ જલ્દીથી સત્ય સાબિત થયો. ૧૯૨૪માં ખિલાફત સમાપ્ત કરી દેવામાં આવી. ઇસ્લામી રાજ્યવ્યવસ્થાની નારાઓને મુસ્તુફાકમાલની હત્યા અથવા પરિવર્તન વિરૃધ્ધ વિદ્રોહના આરોપમાં એક પછી એક હત્યા અથવા દેશ નિકાલ કરવામાં આવ્યા. ખાનકાહો બંધ થઇ ગઇ મદરસાઓને તાળા લાગી ગયા. હિજરી કેલેન્ડરની જગ્યાએ સુર્ય કેલેન્ડર અને અરબી લીપીની પ્રથાના બદલે લેટીન લીપીની પ્રથા ચાલુ કરવામાં આવી. અરબીમાં અઝાન અને નમાઝ ગેરકાનૂની કરવામાં આવી. મસ્જિદોને મ્યુઝિમય બનાવી દેવામાં આવી. પરદા અને બહુપત્નિત્વ ઉપર પાબંદી લાગી ગઇ વગેર વગેરે.
બદીઉઝ્ઝમા એકાંતવાસી બની ગયા હતા પરંતુ મુસ્તુફાકમાલની આંખોમાં ખટકી રહ્યા હતા. છેવટે ૧૯૨૫માં તેમને પશ્ચિમ અનાતોલીયામાં હદપાર કરી દેવામાં આવ્યા.

કષ્ટો

પશ્ચિમી અનાતોલીયાની સરહદમાં તેમને નજર કેદ કરી દેવામાં આવ્યા. પરંતુ અહિંયા પણ બદિઉઝ્ઝમાએ દર્સ અને તકરીરનો સિલસિલો બંધ થવા દીધો નહીં. ‘રસાઇલેનૂર’ નામથી જે અંકો લખીને તેમણે તુર્કીઓના મગજમાં ઇન્કલાબનો જુસ્સો ઉત્પન્ન કરી દીધો તેની શરૃઆત અહિંયા થઇ. અહિં પણ આપની દીની ગતીવિધીઓ શાસકો માટે ગુસ્સાનું કારણ બની અને તેમને બુરલા હદપાર કરી દીધા. ‘રસાઇલેનૂર’ અરબી લીપીમાં લખવામાં આવતું હતું તેથી આ ગેરકાનૂની હતું. તેનું મુદ્રણ થઇ શક્તું નહોતું. તેને ફૈલાવવા માટે એ રીતે અપનાવવામાં આવી કે નૂરસી તેમને લખીને આપના શિષ્યોને આપતા જેની તેઓ નકલોની નકલો કરીને મફતમાં બહોણા પ્રમાણમાં વહેંચતા. આ રીતે આ સિલસિલો ચાલુ રાખ્યો. બદીઉઝ્ઝમાના રૃહાની વ્યક્તિત્વએ ચોકીદારો સુધ્ધાંને તેમનાથી પ્રભાવિત બનાવી દીધા હતા. આથી એ તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવામાં સરળતા થઇ ગઇ પરંતુ આ પ્રવૃત્તિઓ છાની ન રહી શકી. શાસકો ‘રસાઇલેનૂર’ લખનાર વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં સખત ત્રાસ ગુજારતા પરંતુ ઇમાનનો નશો આ મામૂલી ત્રાસને કેવી રીતે રોકી શકતો હતો!! ‘રસાઇલેનૂર’ દેશની ધરતીના ખુણે-ખૂણામાં વહેંચાતુ રહ્યું. ૧૯૩૫માં ઉસ્તાદની આ દીની પ્રવૃતિઓથી તંગ આવીને હુકુમતે ૧૨૦ શિષ્યો સહિત તેમને એલેકસી પહોંચાડી દીધા જ્યાં તેમના ઉપર કેસ ચલાવવમાં આવ્યો. એક પણ આરોપ સાબિત થયો નહીં અને બદીઉઝ્ઝમાને માનભેર નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. પરંતુ પરદાની એક આયતની તફસીરના ગુનામાં તેમને ૧૧ મહિનાની સજા થઇ અહીં પણ તેમણે નિડરતાપુર્વક અદાલતમાં આપેલું નિવેદન ઘણું જ પ્રશસ્તિ પામ્યું. ઉસ્તાદે એલેકસીની જેલમાં ૧૧ મહીના એકાંતવાસમાં પસાર કર્યા. પરંતુ આટલા બધા કષ્ટો છતાં ‘રસાઇલેનુર’નું મુદ્રણ અને વહેંચણીનું કાર્ય કોઇ પણ રીતે ચાલુ રહ્યું ૧૯૩૬માં એલેકસીની જેલમાંથી મુક્તિ મળ્યા બાદ પણ ઉસ્તાદને આઝાદી ન મળી અને તેને કુસ્તુમુનુમાં હદપાર કરી દેવામાં આવ્યા. અલ્લાહનું કરવું તે એવું બન્યું કે અહીંના જે વિદ્યાર્થીઓે નૂરસીએ પ્રગટાવેલા દીપકના એવા પરવાના બન્યા કે તેમણે બધી જ મોહબ્બતો ઉપર સરસાઇ પ્રાપ્ત કરી દીધી. પોતાના પ્રાણની બાજી લગાવીને તેમણે ‘રસાઇલેનૂર’ કાળા સમુદ્ર પણ પેલે પાર પહોંચાડી દીધી. કહેવાય છે કે ‘રસાઇલેનૂર’ કુલ છ લાખ નકલો વહેંચવામાં આવી. શાસકો માટે બદીઉઝ્ઝમાની જોર પકડતી આ ઇસ્લામિક ચળવળ એક વાર ફરીથી માથાનો દુખાવો બની ગઇ અને ૧૯૪૩માં ઉસ્તાદ અને ૧૨૬ વિદ્યાર્થીઓને કેદ કરીને ‘ડેનીઝલી’ની જેલમાં પુરી દીધા. ડેનીઝલીની અત્યંત સખત કેદના જમાના પણ ‘રસાઇલેનૂર’ લખવામાં આવતા રહ્યા. કાગળ ન મળવાની પરિસ્થિતિમાં ક્યારેક એવું પણ બન્યું કે માચીસના ખોખા ઉપર લેખો લખીને આગળ પહોંચાડવામાં આવતા. ડેનીઝલીની જેલમાં ઉસ્તાદ બદીઉઝ્ઝમાનો સંગાથ પામીને કેદીઓના ચારિત્ર્યમાં આશ્ચર્યજનિક પરિવર્તન આવી ગયું. જેને શાસકો સુધ્ધાએ પણ સ્વીકાર કર્યો. આ જ તે ઘાતકી જેલ હતી જેમાં ઉસ્તાદને પ્રથમ વખત ઝેર આપવામાં આવ્યું. ડેનીઝલીમાં ઉસ્તાદ ઉપર મુકદ્દમો ચલાવ્યો અદાલતે ઉસ્તાદ અને મોટાભાગના વિદ્યાર્થીઓને ન ફકત મુક્ત કરી દીધા પરંતુ ‘રસાઇલેનૂર’ ઉપરથી પણ પ્રતિંબંધ ઉઠાવી લીધો.
ડેનીઝલી અદાલતના સ્પષ્ટ ચુકાદા પછી પણ ઉસ્તાદને મુક્ત કરવામાં આવ્યા નહીં બ્લકે તેમને અફ્યુન કસબાના અમીરદાગમાં હદપાર કરવામાં આવ્યા. અહિં પણ તે સંપૂર્ણપણે નજરકેદમાં રાખવામાં આવ્યા, કોઇ પણ વ્યક્તિને તેમના સાથે મુલાકાત કરવાની રજા મળતી ન હતી. અહીં હુકુમત અને ઇસ્લામ દુશ્મન શક્તિઓ તરફથી વારંવાર તેમના ઉપર ઘાતકી હુમલા થયા. બીજી વખતે તેમને ઝેર આપીને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. ત્રણ વર્ષની અંદર અંદર કોમ્યુનીસ્ટો અને ફ્રિ મિશન ફરીથી સક્રિય બની ગયા અને હુકુમતે બદીઉઝ્ઝમા પર અફ્યુનની અદાલતમાં એક મુકદ્દમા ઠોકી દિધો. આરોપો તો કોઇ પણ સાબિત ન થયા પરંતુ સઇદનૂરસીને વીસ મહીનાની કેદની સજા સંભળાવવામાં આવી. ‘રસાઇલેનૂર’ ઉપર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો ૨૦ મહીનાની જેલના આ એકાંતવાસ દરમિયાન સતત બીમારીની હલતમાં રહ્યા પંરતુ તેમના કોઇ શિષ્યને તેમની સારસંભાળ માટે છુટ આપવાના બદલે એમને ઝેર આપીને મારી નાખવાનો એક બીજો પ્રયત્ન કરવામાં આવ્યો પંરતુ ‘જેને અલ્લાહ રાખે તેને કોણ ચાખે’ આ મુદ્દતમાં પણ ‘રસાઇલેનૂર’ બરાબર લખતા રહ્યા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ તે મુક્ત થયા. મુક્તિ મળ્યા પછી પણ વાસ્તવમાં તે નજરકેદમાં જ રહ્યા સરકાર આ ‘ખતરનાક’ વૃધ્ધથી એટલી હદે ભયગ્રસ્ત હતી કે બે ચોકીદારોને દરેક સમય તેમના દરવાજાની ઉપર પહેરો ભરવા ગોઠવી દીધા. બદીઉઝઝમાએ સરકારના નામે એક ફરીયાદ પરંતુ તર્કથી ભરપૂર પત્ર લખીને પોતાની આઝાદી ઉપર લગાવવામાં આવેલા આ પ્રતિબંધ વિરૃધ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો કે “હું રોટી અને પણી વગર તો જીવી શકું છું પરંતુ આઝાદી વગર જીવી શક્તો નથી.”

સફળતા

બદીઉઝ્ઝમાની આ ધેર્યતા અને અડગતા વ્યર્થ ના ગઇ. આ કષ્ટદાયક કેદ અને પ્રતિબંધો અને અત્યાચારના ૧૪-૧૫ વર્ષના ગાળામાં તેમણે તુર્કીઓની વિચારધારામાં જબરજસ્ત સદાચારી પરિવર્તન સ્થાપિત કરી દીધું. પ્રથમ તેમની અસરનું વર્તુળ મદ્રસાના વિદ્યાર્થી પુરતુ સિમિત હતું પછી ધીરે ધીરે યુનવર્સિટીઓના ગ્રેજ્યુએટ, પોલીસ અને સૈન્યના અધિકારીઓ ન્યાયાલયોના ન્યાયધીશો અને વકીલો પણ એમની વિદ્વતાથી પરિચિત અને પ્રભાવિત થયા. ૧૯૫૦ સુધીમાં નૂરના વિદ્યાર્થીઓની સંખ્યા છ લાખ થી વધુ હતી. સહાનૂભુતી તથા સહમતિ દાખવનાર અનહદ અને અગણિત હતા. આ સદ્ભાવના ધરાવનાર વર્તુળ ચુંટણીને પ્રભાવિત કરવાની યોગ્યતા ધરાવતા હતા. ૧૯૫૧ની જાહેર ચુંટણીમાં મુસ્તુફા કમાલની જમહુર ખલક પાર્ટી પહુ ખરાબ રીતે હારી ગઇ અને ડેમોક્રેટીક પાર્ટી જેને નૂરના વિદ્યાર્થીઓની મદદ પ્રાપ્ત હતી સત્તામાં આવી ગઇ. નવા ચુંટાયેલા પ્રમુખ અદનાન મંદરીએ જાહેર જનતાને સંપૂર્ર્ણ ધાર્મિક સ્વતંત્રતા અર્પિત કરી દીધી. નૂરના વિદ્યાર્થીઓ ઉપરથી ખોટો આરોપ પરત ખેંચી લેવામાં આવ્યા. વર્ષો પછી તુર્કીના આકાશમાં અરબીમાં અઝાન ગુંજવા લાગી. બદીઉઝ્ઝમા પોતાના ઉદ્દેશમાં સંપૂર્ણ સફળ થઇ ચુકયા હતા. જો કે હજુ એક શુધ્ધ ચરિત્રવાન ઇસ્લામી સમાજ વ્યવસ્થાની રચના કરવામાં ઘણી-બધી અડચણો ઊભી હતી. પરંતુ સરકારને ઇસ્લમની શક્તિ આગળ ઝુકવું પડ્યું. સેક્યુલર (બિનસાંપ્રદાયિક) અને પશ્ચિમની ગુલામ શક્તિઓની તુર્કીમાંથી ઇસ્લામનું નામોનિશાન ખત્મ કરી દેવાની આશાઓ ફળીભૂત થઇ શકી નહીં.

અંતિમ સમય

૧૯૫૨ના શાસનકાળમાં ઇસ્લામ દુશ્મનોના પ્રપંચો અને ષડયંત્રોથી બદીઉઝ્ઝમા ઉપર ફરીથી મુકદ્દમો ચાલ્યો પરંતુ આ વખત પણ ઇસ્લામના દુશ્મનોનેે પરાજીત થવું પડ્યું અને શેખ માનભેર મુક્ત થયા. ૧૯૫૬માં રાષ્ટ્રિય ધાર્મિક સમસ્યાઓના રાજ્યન્યાયતંત્રે ચુકાદો આપ્યો કે બદીઉઝ્ઝમાની સંપુર્ણ ‘રસાઇલેનૂર’ કુઆર્ન અને સુન્નત પ્રમાણે છે. આ વિભાગના રીપોર્ટ પછી ‘અફ્યુન’ની અદાલતે પણ ‘રસાઇલેનૂર’ પરથી પ્રતિબંધ સંપુર્ણપણે દૂર કરી દીધો. ઉસ્તાદે પોતાની જિંદગીના અંતિમ દિવસો ‘સ્પાર્ટા’ અને ‘અમીરદાગ’માં પસાર કર્યા. અંતિમ ચાર મહિના તે અંકારા ઇસ્તંબુલ અને અન્ય શહેરોના પ્રવાસો કરતા રહ્યા. એકદમ અંતિમ દિવસમાં બહુ ઓછી મુલાકાતો અને વાતો કરતા. વફાતના અગાઉ આગ્રહપૂર્વક ‘અરફા’ તશરીફ લઇ ગયા અને ત્યાં જ ૨૩ માર્ચ ૧૯૬૦ ના રોજ ઇન્તેકાલ ફરમાવ્યો. અલ્લાહતઆલા ‘રસાઇલેનૂર’ના માધ્યમથી અલ્લાહના નૂરને ફેલાવીને હજારો દિલોને પ્રકાશિત કરનાર મુજાહિદ નૂરસીની કબ્ર નૂરથી ભરી દે. આમીન…!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments