Tuesday, April 16, 2024
Homeઓપન સ્પેસદેશનો (અ)સહિષ્ણુતાના એક નવા યુગમાં પ્રવેશ ?

દેશનો (અ)સહિષ્ણુતાના એક નવા યુગમાં પ્રવેશ ?

આજે રાજકીય પ્લેટફોર્મ પરથી જે પ્રકારના અભદ્ર અને નફરતયુક્ત ભાષા-પ્રયોગો મુસલમાનોને અનુલક્ષીને કરવામાં આવી રહ્યા છે તે આપણા લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ દેશના એક નવા ‘સહિષ્ણુતા (?) યુગ’નો સંકેત આપી રહ્યા છે. પહેલાં પણ આરોપો-પ્રતિઆરોપોની ભાષા છેલ્લા ૨૦-૨૫ વર્ષોથી આપણે-સૌ સાંભળતા આવ્યા છીએ, પણ ત્યારે તેનો ઉપયોગ વ્યક્તિગતરૂપે કે રાજકીય પક્ષો એક-બીજા માટે કરતા હતા, જા કે એ ભાષા આવી તો નહોતી જ. પરંતુ દેશ માટે ચિંતાનો પ્રશ્ન એટલા માટે છે કે હવે ભાષા બદલાઈ છે, તેનો પ્રયોગ અને ઉપયોગ પણ બદલાયા છે, અને વળી તેનો ઉપયોગ એક વિશેષ સમુદાય માટે થવા લાગ્યો છે, અને તેમાંય વધારે ગંભીર બાબત એ છે કે આવી નફરતયુક્ત ભાષા દેશના ગરિમાવાળા-ઉચ્ચ બંધારણીય પદો પર બિરાજમાન નેતાઓ બોલી રહ્યા છે. ‘આ લોકો તેમના કપડાંથી જ ઓળખાઈ જાય છે’, ‘શાહીનબાગમાં પ્રદર્શન માત્ર સંયોગ નથી, બલ્કે એક પ્રયોગ છે’, ‘બટન એવી રીતે દબાવો કે તેનો કરંટ શાહીનબાગમાં લાગે’, ‘તમારા ઘરોમાં ઘૂસી જશે, બળાત્કાર કરશે અને તમારી બહેન-દીકરીઓને મારી નાખશે’, ‘જો બહુમતી સતર્ક નહીં રહે તો મુઘલ-રાજ આવતા વાર નહીં લાગે’… આ અને આવા ભાષા-પ્રયોગોના સંકેતો શું છે ? શું આ સહિષ્ણુતા અને ધર્મનિરપેક્ષતાની કોઈ નવી વ્યાખ્યા છે ? શાસનના ઉચ્ચ પદો પર આસિન લોકો શું સર્વ પ્રજાજનોના પ્રતિનિધિ નથી હોતા, કે તેઓ પક્ષનું જ પ્રતિનિધિત્વ કરશે ? શું તેમને એ અધિકાર છે કે રાજકીય સ્વાર્થ ખાતર કોઈ એક આખા સમુદાયને લક્ષ્ય બનાવીને બંધારણીય પદની ગરિમાની પણ તમા ન કરે ? સત્તાની ખુરશી પર બેસતી વખતે શું તેઓ પક્ષના બંધારણના સોગંદ લે છે, કે પછી ભારતના ‘ધર્મનિરપેક્ષ’ બંધારણના ? શું સરકારની નીતિઓ વિરુદ્ધ નારાજગી દર્શાવવી કે વિરોધ કરવો એ દેશના સામે સાજિશ અને ગદ્દારી છે ? શું આ પ્રકારની નફરતનું પ્રદર્શન તેઓ જાહેરમાં કરી શકે છે ? શું ચૂંટણી જીતવાનો આ જ એક માત્ર ઉપાય રહી ગયો છે કે કોઈ એક ધર્મના લોકો વિરુદ્ધ ગમે તેમ બોલવામાં આવે ?

દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો, બલ્કે ક્યાં પહોંચાડી દેવામાં આવ્યો છે ? જ્યારે આવું છડેચોક થવા લાગે તો દેશના બંધારણ અને તેની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રનું શું થશે ? પાછલા વર્ષોમાં મોબ લિન્ચિંગ, દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓ જેએનયુ, જામિયા મિલ્લિયા, એએમયુ વગેરેમાં તેમજ અન્ય સ્થળોએ જે પ્રકારના હુમલાઓ અને સરકારી અત્યાચારની ઘટનાઓ બની છે તથા સરકારી નીતિઓના વિરોધમાં ઉઠતા અવાજને દબાવવાનો પ્રયાસ તંત્રની મશીનરી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેણે બંધારણે આપેલા મૂળભૂત નાગરિક અધિકારો સામે પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. તાજેતરના કાળા કાયદાઓ સામે વિરોધનો વાવંટોળ દેશભરમાં ઊભો થઈ ગયો છે, તેમ છતાં ચોક્કસ અને નિહિત હેતુઓને બર લાવવા માટે જારજુલમ અને પ્રજાકીય વિરોધથી આંખ આડા કાન કરવાની સરકારી નીતિએ સરકારના બદઇરાદાઓને ખુલ્લા પાડી દીધા છે. પ્રશ્ન એ છે કે બહુમતિવાદની આ જ ‘બલિહારી’ હશે, તો બંધારણ અને બંધારણી અધિકારો તેમજ લઘુમતિઓની સલામતીનું શું થશે ? શું ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’નું આ એક વરવું રૂપ છે, જેના ‘સૌ’માંથી અમુકની બાદબાકી કરી નાખવામાં આવી છે. આ વિચાર માગી લે તેવી ગંભીર બાબતો છે. દેશ આઝાદ થયો ત્યારે દેશની જે પરિકલ્પના હતી તેનાથી કોઈ અજાણ નથી. આઝાદી પછી જે મુસલમાનોએ અહીં જ રહેવાનું પસંદ કર્યું, એટલા માટે કે જ આ જ તેમનું વતન હતું, તેમના સામે આવો વાણી-વિલાસ કેમ ? અન્ય ધર્માનુયાયીઓની જેમ તેમને પણ સમાન અધિકારો દેશના બંધારણે આપ્યા છે. આ જ તેમનો દેશ છે અને આ જ તેમનું વતન છે અને રહેશે. દેશ વૈમનસ્ય અને નફરતના ઝેરથી નથી બન્યો. અહીં તો પ્રેમ, ભાઈચારા, સહયોગ, ધાર્મિક સહિષ્ણુતા અને એક-બીજાના ધર્મોના સન્માનના સિંચનથી સંબંધોની ખેતી કરવામાં આવી છે. દેશના બંધારણમાં આનો પડઘો સંભળાશે.

દેશના ત્રણ મહાન શિલ્પીઓની ‘ભારતની પરિકલ્પના’

આઝાદીના સંગ્રામે આપણને ઘણું શીખવ્યું છે. દેશને આઝાદ કરાવવામાં હિંદુ, મુસલમાન, સિખ, ઈસાઈ, પારસી અને ધર્મને ન માનતા હોય તેવા સૌ લોકોએ ભરપૂર બલિદાનો આપ્યા છે. આ સંપ અને એકતાએ જ એક એવા દુશ્મનથી આઝાદી અપાવી હતી, જેના પંજામાં તે વખતે આખી દુનિયા હતી. આઝાદીની સાથે દેશના ભાગલા સૌ ભારતવાસીઓ માટે એક દુર્ઘટના હતી, તેનું સૌને દુઃખ છે.

ગાંધીજીએ આપણા દેશની એક કલ્પના કરી હતી. તેઓ કહે છે – ‘‘પૂર્ણ સ્વરાજ કહેવાનો મારો આશય એ છે કે તે જેટલું કોઈ રાજા માટે હશે એટલું જ કિસાન માટે હશે, જેટલું કોઈ ધનવાન જમીનદાર માટે હશે એટલું જ ભૂમિહીન ખેડૂત માટે હશે, જેટલું હિંદુઓ માટે હશે એટલું જ મુસલમાનો માટે, જેટલું જૈન, સિખ અને યહૂદીઓ માટે હશે એટલું જ પારસીઓ અને ઈસાઈઓ માટે હશે. તેમાં જાતિ-જ્ઞાતિ અને ધર્મના કોઈ ભેદભાવને કોઈ સ્થાન નહીં હોય.’’ (યંગ ઇન્ડિયા, ૨૩-૧-‘૩૦) વધુમાં ગાંધીજી કહે છે – ‘‘કેટલાક લોકો એવું કહે છે કે ભારતીય સ્વરાજ તો વધારે સંખ્યાવાળા સમાજનું, અર્થાત્‌ હિંદુઓનું રાજ્ય હશે. આ માન્યતાથી વધારે મોટી કોઈ બીજી ભૂલ નથી હોઈ શકતી. જા આવું સિદ્ધ થાય તો મારા માટે હું એવું કહી શકું છું કે હું તેને સ્વરાજ માનવાનો ઇન્કાર કરી દઈશ અને મારી સમગ્ર શક્તિ લગાવીને તેનો વિરોધ કરીશ. મારા માટે હિંદ સ્વરાજનો અર્થ બધા લોકોનું રાજ્ય, ન્યાયનું રાજ્ય છે.’’ (યંગ ઇન્ડિયા, ૨૬-૩-‘૩૧)

પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણના પ્રેસ સેક્રેટરી એસ.એન. સાહુ પોતાના એક લેખ For Sardar Patel, Secularism was India’ માં નોંધે છે કે ૧૯૪૭ની કોન્સ્ટીટ્યૂશન એસેમ્બલીમાં ભારતની નાગરિકતા વિશે સરદારે ખૂબ સ્પષ્ટ અભિગમ દર્શાવતાં કહ્યું હતું કે, ‘‘ભારતની નાગરિકતાનો વિચાર સંકીર્ણ ન હોવો જાઈએ, બલ્કે તેનું સ્વરૂપ વ્યાપક, પ્રબુદ્ધ અને ઉદાર હોવું જાઈએ.’’ એ જ રીતે સરદાર પટેલે ૧૯૫૦માં આવી જ એક એસેમ્બલી મીટિંગમાં કહ્યું હતું કે, ‘‘અને હવે આપણે ઈશ્વરની કૃપાથી અને સર્વશક્તિમાનના આશિર્વાદથી એક સાચા, ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક રાજ્યનો પાયો નાખી રહ્યા છીએ, જ્યાં દરેકને સમાન અવસર અને સમાન અધિકારો પ્રાપ્ત છે. ઈશ્વર આપણને સૌ લોકોને સાચી રીતે કામ કરવા માટેનું જ્ઞાન અને સાહસ પ્રદાન કરે, જેમ કે આપણું બંધારણ પ્રદાન કરે છે.’’ ઓક્ટોબર, ૧૯૫૦માં હૈદરાબાદના ફતેહ મેદાનમાં, જ્યારે હૈદરાબાદ ભારતીય સંઘમાં સામેલ થઈ રહ્યું હતું તે વખતે મુસલમાનોને, તેઓ ભારતના નાગરિકોના રૂપમાં પોતે પોતાને સુરક્ષિત પ્રતીત કરે તે માટે, આશ્વાસન આપતાં સરદારે કહ્યું કે, ‘‘લોકોને એ વાતની અનુભૂતિ થવી જાઈએ કે તેઓ સમાન અધિકારોનો આનંદ લઈ રહેલા એક ધર્મનિરપેક્ષ દેશના નાગરિકો છે.’’ સરદાર પટેલ સત્તા અને શાસનના સંદર્ભમાં સ્પષ્ટરૂપે ધર્મનિરપેક્ષ અભિગમ ધરાવતા હતા. તેઓ કહે છે કે, ‘‘જ્યાં સુધી આપણે સરકારમાં છીએ, આપણે શાસન કરવાનું છે. જા આપણે સૌ નાગરિકો માટે ટ્રસ્ટી તરીકે ન વર્તી શકીએ, ધર્મ, જાતિ-જ્ઞાતિ અને પંથ-સંપ્રદાયને ધ્યાનમાં લીધા વગર, તો આપણે જ્યાં છીએ ત્યાં રહેવાનો આપણને કોઈ અધિકાર નથી.’’ (Sardar Patel, For a United India: Speeches of Sardar Patel 1947-1950, p. 72) તેમણે કહ્યું કે, ‘‘આજે આપણું કર્તવ્ય એ છે કે આપણે બધા વિશે વિચારીએ, બધા ભારતીયોને ભાઈ સમજીને જીવવાની પ્રતિજ્ઞા કરીએ અને કોઈને પણ કષ્ટ અને દુઃખ ન આપીએ, કોઈના સાથે વેર ન રાખીએ. આપણો જે પણ સમુદાય હોય, હિંદુ, મુસ્લિમ, સિખ, પારસી, ખિસ્તી – સૌએ યાદ રાખવું જાઈએ કે આપણે બધા એક રાષ્ટ્ર છીએ. ભૂતકાળને ભૂલી જઈએ.’’ (Ibid, p. 72)

પંડિત નહેરૂની પણ ભારતની કલ્પના તદ્દન સ્પષ્ટ હતી. તેઓ કહે છે કે, ‘‘આપણે એવા કોઈ દેશ વિશે વિચારી શકતા નથી, જે સાંપ્રદાયિક કે ધાર્મિક રાજ્ય હોય. આપણે માત્ર ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક રાજ્ય વિશે વિચારી શકીએ છીએ, જ્યાં દરેક વ્યક્તિ માટે, ચાહે તે ગમે તે ધર્મ પાળતો હોય, સમાન અધિકારો અને તકો હોઈ શકે છે. ’’ (Nehru in a Press Conference at New Delhi, Oct. 12, 1947 quoted in V.K. Sinha) ૧૯૫૪માં જ્યારે ચોક્કસ હિંદુ સમુદાયે ભારતીય ખ્રિસ્તીઓને ભયભીત કર્યા, તો વડાપ્રધાન નહેરૂએ તેનું ખંડન કરતાં કહ્યું કે, ‘‘જે કોઈપણ ભારતમાં કોઈપણ સમુદાયના મનમાં આ પ્રકારનો ભય અને આશંકા પેદા કરે છે તેમને રોકવા પડશે. આ બાબત ચિંતાજનક છે અને આપણા ધર્મનિરપેક્ષતાના આદર્શને નુકસાન કરનારી છે.’’….‘‘જા ભારત અહીંની ધાર્મિક લઘુમતીઓને દેશનો મહ¥વનો ભાગ નહીં સમજે, જેમ કે અહીંના અન્ય સમુદાયો છે, તો તે બાબત આપણને આપણા ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક એમ બંને આદર્શોથી દૂર કરી નાખશે.’’ (Nehru Circular to the Pradesh Congress Committee, August, 1954) ડોનાલ્ડ ઈ. સ્મીથ પોતાના પુસ્તક ‘Nehru and Democracy’માં નહેરૂનું એક કથન નોંધે છે – ‘‘ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે એવું રાજ્ય જે કોઈ વિશેષ ધર્મ સાથે જાડાયેલ ન હોય, બલ્કે બધા ધર્મોને સુરક્ષા પ્રદાન કરતું હોય, અને જેમાં દરેક વ્યક્તિને, ધર્મ કે જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર, સમાન રાજકીય અને સામાજિક અધિકારો, સમાન દરજ્જા અને તકો પ્રાપ્ત હોય.’’ (1958, P. 153) ૧૯૪૭ માં લાખો લોકો પંજાબ અને બંગાળની સરહદોને ઓળંગી રહ્યા હતા. તે વખતે કોમવાદી જૂથોની માંગ હતી કે મુસલમાનોને પાકિસ્તાન હાંકી કાઢવામાં આવે. તે વખતે દેશના નેતાઓએ કહ્યું હતું કે ભારત મૂળભૂત રીતે એક ધર્મનિરપેક્ષ દેશ હોવાથી આવી માંગને સ્વીકારી શકાય નહીં. ત્યારે નહેરૂએ કહ્યું હતું કે, ‘‘આપણો મૂળભૂત ખ્યાલ ધર્મનિરપેક્ષતાનો છે, તેથી આપણે આ રીતે આપણા લોકોને પાકિસ્તાન ધકેલી શકીએ નહીં, ભલે ને તેઓ કોઈ ખાસ ધર્મને માનતા હોય. આ બાબત દેશના લોકતાંત્રિક, ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક ખ્યાલથી વિરુદ્ધ છે.’’ (The Hindu, October 13, 1947, P.6)

આવી તો કેટલીય વાતો છે, જે આઝાદી પહેલાના અને પછીના ઇતિહાસના પૃષ્ઠોમાં અંકિત છે. આ જ ભારત દેશ છે અને આ જ આપણા-સૌની ધરોહર છે. આજના આંદોલનો અને વિરોધ-પ્રદર્શનો પ્રતીત કરાવે છે કે દેશ હજુ આ ધરોહરને ભૂલ્યો નથી.

આપણો દેશ ભારત – મિશ્રિત સમાજ ધરાવતો દેશ

વિશ્વમાં ભારત એ રીતે વિશિષ્ટ છે કે જેટલા ધર્મો અને સંસ્કૃતિઓ અહીં છે, તેટલા બીજે ક્યાંય નથી. ગામો અને શહેરોના મહોલ્લાઓમાં, શિક્ષણધામો અને દવાખાનાઓમાં, કાર્યાલયો અને કારખાનાઓમાં, ખેતરો અને બજારોમાં બધા લોકો સાથે-સાથે હોય છે. તેમના ઘરો અને દુકાનોની દિવાલો આજે પણ પરસ્પર મળેલી છે. બસોમાં, ગાડીઓમાં અને વિમાનોમાં સાથે જ સફર કરે છે. મસ્જિદોના મિનારાઓ, મંદિરોના કળશ, ગિરજાઘરોના ક્રોસ અને ગુરુદ્વારોના બુરજા અહીં સાથે-સાથે આકાશને ચૂમે છે. અહીં લોકોના જીવનના પ્રશ્નો પણ એક જેવા છે, જેને બધા સાથે મળીને હલ કરતા હોય છે. બંધારણે તમામ ધર્મો-સંપ્રદાયો અને સંસ્કૃતિઓ અને ધર્મમાં ન માનતા હોય એવા તમામ લોકોને સમાન અધિકારો આપેલ છે. રાજ્ય તરફથી કોઈ વિશેષ ધર્મ કે સંપ્રદાયને માન્યતા પ્રાપ્ત નથી અને ન તો કોઈને કોઈની સાપેક્ષમાં કે તુલનામાં વિશેષ અધિકારો છે. ઉપખંડ જેવા આ દેશમાં વસી રહેલા કરોડો લોકોમાંથી આશરે ૨૦% લોકો મુસલમાનો પણ છે, જેઓ પોતાની આસ્થા અનુસાર ધાર્મિક-સામાજિક જીવન વીતાવે છે અને અહીંની શેષ આબાદી સાથે હળીમળીને રહે છે. જા દૂરના પ્રદેશના કોઈ સમજદાર વ્યક્તિને એવું કહેવામાં આવે કે આ સામીપ્ય છતાં તેઓ એકબીજાથી ખૂબ દૂર છે, પરસ્પર અપરિચિત છે તેમજ શંકા-કુશંકા, અવિશ્વાસ અને ગેરસમજામાં રચ્યા-પચ્યા રહે છે, તો સાચે જ તે વ્યક્તિને આશ્ચર્ય થશે કે શું આવું પણ હોઈ શકે છે ? કડવું સત્ય એ છે કે અહીંના બહુમતી લોકોના મનમાં જેટલો અવિશ્વાસ અને આશંકા મુસલમાનો અને તેમના ધર્મ ઇસ્લામ પ્રત્યે છે તેવું બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ, સિખો કે પારસીઓ પ્રત્યે નથી.

ઇસ્લામ અને મુસલમાનો વિશે ગેરસમજા

દેશમાં આજે જે કંઈ નફરતનો માહોલ જાવા મળી રહ્યો છે, અને તેને લઈને દેશની ધર્મનિરપેક્ષ પરિકલ્પના સામે જાખમ ઊભું થઈ ગયું છે તેના કારણો-પરિબળો ઘણા હોઈ શકે છે. તેમાં એક કારણ સાંપ્રદાયિક અને ફાસીવાદી બળો દ્વારા ઇસ્લામ અને મુસલમાનો વિશે બિનમુસ્લિમોમાં વિવિધ પ્રકારની ભ્રમણાઓ અને ગેરસમજા ફેલાવવામાં આવી છે તેનો મોટો હિસ્સો છે. આની આટલી હાનિકારક અસરો ઊભી એટલા માટે થઈ છે કે ઇસ્લામનો સાચો પરિચય દેશબાંધવો સુધી પહોંચી શક્યો નથી. બહુમતી લોકોએ પણ પ્રમાણિકતાથી, પ્રમાણિત સ્ત્રોતોથી ઇસ્લામને સાચી રીતે જાણવા-સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી. તેમણે મોટાભાગે એ જ માહિતીને સાચી માની લીધી, જે કોઈપણ મુદ્દાને સિફતથી ‘હિંદુ-મુસ્લિમ’ મુદ્દો બનાવીને તેનાથી રાજકીય લાભ પ્રાપ્ત કરવા માગતા લોકો તરફથી અને ભ્રષ્ટ માધ્યમોમાં પ્રસિદ્ધ થતી રહે છે, કે પછી અપ્રત્યક્ષ સાધનોથી તેમને ઉપલબ્ધ થાય છે. તેથી નફરતની આગને હવા આપવાનું કોમવાદી-ફાસીવાદી બળો માટે ખૂબ સરળ થઈ ગયું છે.

ઇતિહાસ બતાવે છે કે અહીં રાજાઓ-સુલતાનો-બાદશાહો એેક-બીજાથી લડતા રહ્યા, તેમના વચ્ચે હાર-જીતનો ક્રમ ચાલતો રહ્યો. પરંતુ યુદ્ધોનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય બંને રાજકીય હતા, ધર્મથી તેનો કોઈ સંબંધ અને સંદર્ભ નહોતો. પણ દેશના ઇતિહાસને તોડી-મરોડીને લોકો સામે પ્રસ્તુત કરવામાં આવ્યો. કોઈપણ બે જૂથો વચ્ચેનું યુદ્ધના પરિણામે સારી-નરસી બંને પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. પણ ઇરાદાપૂર્વક તેના ખરાબ પાસાનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો, અને સારા પાસાને કાં તો દબાવી દેવામાં આવ્યું અથવા તેને એટલું મહ¥વ આપવામાં ન આવ્યું. યુદ્ધોના પરિણામે વિજેતા પક્ષ પ્રત્યે પરાજિત પક્ષમાં કડવાશ સ્વાભાવિક જ કડવાશ ઉત્પન્ન થતી હોય છે. જે ઇતિહાસ આજે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે તેને નિહિત હેતુઓ રાખતા ઇતિહાસકારોએ તેને ઇસ્લામ વિરુદ્ધ બનાવી દીધો છે. ઇતિહાસ-લેખન, તેની પ્રસ્તુતિ અને તેના દુષ્પ્રચારે આ કડવાશને હવા આપવામાં મોટો ભાગ ભજવ્યો. નિહિત સ્વાર્થ ધરાવતા લોકોએ સદીઓના ઐતિહાસિક ઘટનાક્રમોને વિકૃતરૂપે રજૂ કરીને જાર-શોરથી દુષ્પ્રચાર કર્યો. આઝાદી પછી સમયાંતરે થતાં કે કરવામાં આવતા કોમી રમખાણો અને અન્ય વિવિધ પ્રકારના બનાવોને ઇસ્લામ અને આખા મુસ્લિમ સમુદાય સાથે ખોટી રીતે જાડવામાં આવ્યા. આ બધામાં દેશના પીળા પત્રકારત્વએ તેમને ભરપૂર સાથ આપ્યો. ધર્મનિરપેક્ષ અને ન્યાયપ્રિય લોકોએ આનું સંજ્ઞાન લીધું, પરંતુ તેમનો અવાજ ભોળી પ્રજા સુધી પહોંચી શક્યો નહીં. જે લોકો આની ગંભીરતાને સમજતા હતા અને આનાથી ઉત્પન્ન થતા ઝેરીલા ફળોને જાઈ પણ રહ્યા હતા, પણ આવા બહુમતી લોકો પણ માન રહ્યા અને તમાશો જાતા રહ્યા. તેના સામે જૂઠ, ફરેબ અને નફરતની ખેતી કરવામાં સરકારી તંત્ર અને સંચાર-માધ્યમોએ રાત-દિવસ એક કરી નાખ્ય. છેવટે કડવાશ ધીમે-ધીમે ઘૃણા અને પછી નફરતમાં બદલાવા લાગી, અને છેવટે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે ધર્મ-જાતિ-જ્ઞાતિના ભેદભાવ ભૂલીને દેશની પ્રજા આજે સડકો પર ઊતરી આવી છે. પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી, ઉપરથી ધમકીઓના સૂરો સંભળાઈ રહ્યા છે.

આનો એક ઉપાય તો એ જ છે, જે આજે ધર્મનિરપેક્ષતા અનં બંધારણને બચાવવા માટે દેશપ્રેમી, ન્યાયપ્રિય પ્રજા દેશભરમાં કરી છે. તેના સાથે એ પણ ઉપાય છે કે કોમવાદી-ફાસીવાદી બળો જે ભ્રમણાઓ અને ગેરસમજાનો સહારો લઈને નફરતની આગ ફેલાવી રહ્યા છે તેને લોકોમાંથી દૂર કરવામાં આવે. લોકોની સામે ઐતિહાસિક સચ્ચાઈઓ અને તથ્યો મૂકવામાં આવે. બીજા ઉપાય એ છે કે આ વિઘટનકારી બળો ઇસ્લામ અને મુસલમાનોનું નામ લઈને વેરઝેરની ખેતી કરી રહ્યા છે, તો લોકો સામે ઇસ્લામની સચ્ચાઈ પ્રસ્તુત કરવામાં આવે. મુસલમાનો પણ પ્રમાણિકપણે ઇસ્લામી શિક્ષાઓ મુજબ જીવન વ્યતીત કરવાનું શરૂ કરી દે, દેશબાંધવોને એ જાવા-અનુભવવાનો અવસર મળે કે વાસ્તવમાં ઇસ્લામી શિક્ષાઓ શું છે. આવું દેશની આઝાદી પહેલાં પણ અને તે પછી અત્યાર સુધી થવું જાઈતું હતું, પણ દુર્ભાગ્યે એવું મોટાભાગે થયું નહીં. મુસલમાનોના વાણી અને વર્તનમાં જાવા મળતી અકર્મણ્યતાએ દેશબંધુઓના મનો-મસ્તિષ્કમાં ગેરસમજા અને ભ્રમણાઓને ઘર કરવાનું સરળ બનાવી દીધું. જ્યારે પરિસ્થિતિ જ આવી હોય, તો પછી બીજી બાબતોનું કંઈ વિશેષ મૂલ્ય રહી જતું નથી. મૂલ્ય તો એ જ વાતોનું હોય છે, જેની પુષ્ટિ વ્યવહાર અને કર્મથી થઈ રહી હોય.

આને લઈને, દેશમાં એક હજાર વર્ષો ઉપરાંતથી મુસલમાનો અને બિનમુસ્લિમો સાથે રહેતા હોવા છતાં, ઉપરાંત વેપાર, ધંધાકીય લેણ-દેણ અને અન્ય મામલાઓમાં ડગલે-ને-પગલે તેઓ એકબીજાથી સંપર્કમાં આવતા રહેતા હોવા છતાં, હકીકત છે કે તેમના વચ્ચે એક મજબૂત દીવાલ ઊભી છે. ન તો મુસલમાનોને પોતાના દેશબંધુઓના રીત-રિવાજા, આસ્થાઓ, ઇતિહાસ અને પરંપરાઓ તેમજ અન્ય ધાર્મિક બાબતોનું જ્ઞાન છે અને ન બિનમુસ્લિમોને મુસલમાનોની આસ્થાઓ અને માન્યતાઓ, બંદગી અને ઉપાસનાની પદ્ધતિઓ, ધાર્મિક મહત્ત્વ ધરાવતી ઓળખો અને ઇસ્લામના પાયાના શિક્ષણની સાચી માહિતી છે. સાથે રહેતા હોવા છતાં મોટાભાગે તેઓ એક-બીજાના સુખ-દુઃખના પ્રસંગોમાં ભાગ્યે જ સામેલ થતા હોય છે. આ અપરિચિતતા અને અજનબીપણું અંતરને નોંતરે છે અને અંતરને નફરતમાં બદલવું ખૂબ સરળ થઈ પડે છે.

અંગ્રેજાની ભૂમિકા

જા કે આ અંતર અને ગેરસમજાની સ્થિતિ વધુ પુરાણી નથી. તેનો આરંભ બ્રિટિશ સામ્રાજ્યથી જ થયો છે. તેનાથી પૂર્વે સ્થિતિ ખૂબ સારી હતી. બધા ધર્મોને માનવાવાળાઓ પોતાની આસ્થા અને સંસ્કૃતિ પર કાયમ રહીને મેળ-મેળાપ અને પરસ્પર પ્રેમથી શાંતિપૂર્વક જીવન વીતાવતા હતા. કોઈને કોઈથી ફરિયાદ નહોતી. ઝઘડો ક્યારેક થતો, પણ તેનું નિરાકરણ તરત જ સમજદારીથી કરી દેવામાં આવતું. ઇતિહાસનો પૂર્વગ્રહરહિત અભ્યાસ આ જ હકીકત દર્શાવે છે. મુસલમાનો અને બિનમુસ્લિમો વચ્ચે ઘર્ષણ અને સંઘર્ષના બીજ અંગ્રેજાએ વાવ્યા, જે વાસ્તવમાં તેમની દેશ પર શાસન કરવા માટેની જરૂરત અને મજબૂરી બંને હતા, જેને અહીંના કેટલાક સ્વાર્થી અને વિઘટનકારી જૂથોએ સાથ આપ્યો. નફરતની આ માનસિકતા ફૂલતી-ફાલતી રહી, અને પછી છેલ્લા ત્રણ-ચાર દસકાઓમાં આને ઇરાદાપૂર્વક હવા આપવામાં આવી. દેશમાં એક વિશેષ જૂથની ચોક્કસ વિચારસરણીના પાયા પર શાસન અને સત્તાની લાલસા ખૂબ પુરાણી છે, અને તેના માટે મુસ્લિમ-દુશ્મનીની આગને ફેલાવવામાં આવી. આમાં સંચાર માધ્યમોએ ખૂબ મોટી અને સક્રિય ભૂમિકા નિભાવી છે. સત્તા માટે મહદ્‌અંશે ચૂંટણી ટાણે કે ચૂંટણી કોઈપણ મુદ્દાને કે કોઈપણ સમસ્યાને ‘હિંદુ-મુસ્લિમ’ મુદ્દો બનાવી નાખવામાં આવે છે. આની હવે રાજકીય પક્ષોને ફાવટ આવી ગઈ છે. રાજકીય પક્ષ અને સંચાર માધ્યમોની જુગલબંધીની એ રીત રહી છે કે જૂઠને એટલી બધી વાર દોહરાવવું કે લોકો તેને સાચું માનવા લાગે. આવી કોશિશોથી મુસ્લિમ સમુદાયને તો નુકસાન પહોંચ્યું જ છે, સાથે દેશના વિકાસની ગતિ પણ અવરોધાઈ છે. જીડીપી અને બેરોજગારીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વધુમાં, ભારત જેવા બહુલ-ધર્મી અને ધર્મનિરપેક્ષ-પ્રજાતાંત્રિક દેશની છબી અને તેની પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિનું વિશ્લેષણ જરૂર થવું જાઈએ.

જે કંઈ પરિસ્થિતિ આજે રાજકીય દાવપેચ અને નિહિત સ્વાર્થને લઈને દેશમાં ઊભી કરવામાં આવી છે અને જેનું વરવું સ્વરૂપ આજે આપણે એ જાઈ રહ્યા છીએ કે દેશના બંધારણ અને દેશની ધર્મનિરપેક્ષ પરિકલ્પના સામે જાખમ ઊભું થઈ ગયું છે, તેનું નિવારણ બધા ધર્માનુયાયીઓના સમજદાર-દેશપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી જ સંભવ છે.

————————————

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments