Friday, April 19, 2024
Homeપયગામજેવું બીજ તેવું વાવેતર

જેવું બીજ તેવું વાવેતર

હું ખૂબજ વ્યથિત છું અને માનસિક રીતે પરેશાન છું. ભારતની સાંપ્રત પરિસ્થિતિ ખૂબજ ગંભીર છે. દેશના વિવિધ ભાગોમાં જે રીતે અમાનવીય ઘટનાઓ ઘટી રહી છે તેથી આપણી છબી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ રહી છે. હાલમાં અખલાકના હત્યાથી દેશ આખું હચમચી ઉઠયું છે. આવું કેમ થયું? તેની પાછળ કઇ માનસિકતા છે? આવા બનાવ આકસ્મિક બની રહ્યા છે કે તેની પાછળ કોઈ ષડયંત્ર છે? ષડયંત્ર છે તો તેને કેવી રીતે ઉઘાડા પાડી શકાય?? આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેને કેવી રીતે અટકાવી શકાય. આવા ઘણા બિંદુઓ છે જેના ઉપર ખૂબજ ગંભીરતાથી વિચારવાની જરૃર છે. નફરતની આગને ઓલવામાં નહીં આવે તો જોતા જોતા દેશ આખું ભડકે બળશે. દાદરીકાંડ એ કોઈ નાની-સૂની ઘટના નથી જેમકે કેટલાક નેતાઓ કહી રહ્યા છે. આ ઘટના માનવ મૂલ્યોની હત્યા સમાન છે. આ કાંડ (અ)ધાર્મિક ગાંડપણની નિશાની છે. હદ તો આ છે કે કેટલાક લોકો તેને ઉચીત સાબિત કરી રહ્યા છે.

લગાયા થા નફરત કા જો પેડ વો ફલ દેને લગા
મેરે મુલ્ક મેં અબ અફવાઓ પે કત્લ હોને લગા

હું કોઈ ભવિષ્ય વેત્તા નથી. છતાં સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે જો આવી નફરતની વિચારધારાની સુધારણા કરવામાં નહીં આવે, ઘૃણિત માનસિકતાને બદલવામાં નહીં આવે તો માત્ર લઘુમતિઓનું નુકસાન થવાનંું નથી. ઇમારતરૃપી દેશના પાયા ભાંગી જશે બલ્કે આ જવાળા ભડકાવનારા પોતે જ તેમાં બળશે. કેમકે એક કહેવત છે ‘સાપ કા બચ્ચા સપોલા હી હોતા હૈ’. આજે બીજાને ડંખે છે તો કાલે આપણને પણ ડંખશે જ. ઝેર ઓકવાની તેની વૃત્તિ પર આજે નિયંત્રણ લાદવામાં નહીં આવે તો કાલનો ભારત મને રક્તરંજિત દેખાઈ રહ્યો છે. નફરતના આ રાક્ષસને ભોંય ભેગા કરવાની તાતી જરૃર છે.

પ્રશ્ન માત્ર કટ્ટરવાદી લોકોનું નથી. સરકાર પણ તેના પ્રત્યે ઉદાસીન છે. એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવા બનાવો પાછળ સરકારની નીતિ કામ કરી રહી છે. મોંઘવારીએ જે રીતે ઓંધળી દોટ મૂકી છે અને સામાન્ય જન ત્રાહિમામ પોકારી ઉઠયું છે. જે મુદ્દાઓ પર ચૂંટણી જીત્યા હતા તેના ઉપર અમલ કરવામાં સરકાર તદ્દન નિષ્ફળ જઇ રહી છે. વ્યાપારી જગતનો વિશ્વાસ પણ ઉઠી રહ્યો છે. ખેડૂતો પણ મેદાને ચઢયા છે. સરકારે ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કર્યા હતા તેઓ કમળની શોભા બની ચમકી રહ્યા છે. આવા સમયે બનતા આવા બનાવો ક્યાંય મૂળ સમસ્યાઓથી નાગરિકોને ભ્રમિત કરવા માટે તો નથી! સરકારની નિષ્ફળતાના ઢાંકપિછોડા માટે તો નથી!! જો આવું જ હોય તો દેશના સત્તાધારીઓએ પણ આ વાત યાદ રાખવી જોઈએ કે આવી ઘટના સમજૂ નાગરિકોને વર્તમાન સરકારથી વિમુખ કરી દેશે અને સામાન્ય જનતાનો વિશ્વાસ ઘવાતા તેઓ તેમનાથી વિખૂટા પડી જશે.

આ અંતિમવાદીઓ કાલ સુધી પાકિસ્તાનના ઇશનિંદાના કાયદાને વખોડતા હતા કે તેના કારણે લઘુમતિઓને નિશાન બનાવવામાં આવે છે. તેમના દાવામાં કેટલું તથ્ય હતું તે ખબર નથી પરંતુ આજે તેઓ પોતે ખોટે માર્ગે જઇ રહ્યા છે. લઘુમતિઓ મહદ્અંશે કાયદાનું પાલન કરી રહ્યા છે. તેઓ લો એન્ડ ઓર્ડરને નુકસાન પહોંચાડતા નથી, કાનૂનનો ઉલ્લંઘન પણ કરતા નથી. છતાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા યોગ્ય અને અસરકારક પગલા ન લેવાતા આવા બનાવો વધી રહ્યા છે. ના છૂટકે મંત્રીઓ તરફથી જે નિવેદનો આવે છે તે માત્ર હાથીના દાંત જેવા લાગે છે અને જે આંસુ સારવામાં આવે તે મગરમચ્છના આંસુ જેવા લાગે છે.

હું પૂછવા માંગુ છું કે જો અખલાકે પ્રતિબંધિત પશુનું માસ (બીફ) ખાધું હોત તો પણ શું વ્યક્તિ કે સમુદાયને કાયદો હાથમાં લેવાનો હક છે ખરો.! દેશ ભાવનાથી નહીં કાયદાથી ચાલે છે. કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરી રહી હોય તો કાયદો તેનું કામ કરશે. પરંતુ જે લોકોએ કાયદો હાથમાં લીધો છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ. કાયદા વ્યવસ્થા ન્યાયપ્રિય રહેશે તો જ દેશમાં સાચી શાંતિ સ્થાપિત થઇ શકે. લઘુમતિઓને વિશ્વાસમાં લીધા વગર સમાજનું સર્વાંગી વિકાસ થઇ શકશે નહીં.

ઇતિહાસ વાંચનારા જાણે છે કે જ્યાં અંતિમવાદે હંમેશા તેના વિરુદ્ધમાં બીજા અંતિમવાદ પેદા કર્યો છે, ત્યાં જ અન્યાયની ભાવનાથી પ્રેરિત થઇ વંચિતો અને પીડિતોએ પણ અંતિમવાદને અપનાવ્યું છે. ભારતમાં નકસલવાદની જે સમસ્યા ઉભી થઇ છે અને ભારતીય સૈનિકો ઉપર જે રીતે હુમલાઓ થઇ રહ્યા છે તે આવા જ વર્ગને થતા અન્યાયના બદલા જેવી છે. નજીકના ઇતિહાસમાં મૂડીવાદી સામે મજૂરવર્ગ ઉભો થયો હતો તેનું કારણ પણ અન્યાયની લાગણી હતી. સરકારે ત્વરિત અને ઝડપી પગલા ભરી પીડિતોને ન્યાય આપવું જોઈએ. કોમવાદી અને ફાસીવાદી માનસિકતાને લગામ કસ્વામાં નહીં આવે તો શક્ય છે આપણો દેશ વર્ગવિગ્રહનો શિકાર બની જાય. આવું થયું તો તે પરિસ્થિતિ ખુબજ ચિંતાજનક હશે. સમાજની શાંતિ ડહોળાઈ જશે અને વિવિધતામાં એકતાની આપણી ઓળખ ખરડાઈ જશે.

વિવિધતાએ પ્રકૃતિની સુંદરતા છે. પરંતુ પ્રકૃતિની દરેક વસ્તુ પ્રાકૃતિક નિયમને અનુસરી રહી હોવાથી તેમના વચ્ચે કોઈ ઘર્ષણ નથી. માનવી પૃથ્વી ઉપર એક બુદ્ધિશાળી આદિતત્વ છે તેમના સ્વભાવમાં પણ વિવિધતા જોવા મળે છે. અરે, એક જ પરિવારના સભ્યોનો સ્વભાવ જુદો હોય છે. બે જોડકા ભાઈઓનો સ્વભાવ પણ એકરૃપ હોતા નથી. છતાં કુટુંમ્બ વ્યવસ્થા શાંતિપૂર્ણ હોય છે. પરંતુ હા, જો સ્વભાવને નિયંત્રિત કરવામાં ન આવે તો કુટુમ્બ વ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે. અને વિવિધ સ્વભાવની વ્યક્તિઓને કાબૂમાં રાખનારી ચાવી ચર્ચાવિચારણા છે. એક બીજાને સમજાવવાની વૃત્તિ છે. જ્યાં અન્યાય હોય, કુકર્મો હોય, પક્ષપાતની ભાવના હોય તેવા એક કુટુંબમાં પણ શાંતિ રહી શકતી નથી. ભારત પણ એક કુટુંબ સમાન છે. જ્યાં વિવિધ ધર્મો અને સંપ્રદાયના લોકો ભાઈ-બહેનની જેમ જીવે છે. તેમના વચ્ચે પણ મતભેદ હોઈ શકે છે અને રહેવાના જ. પરંતુ આ મતભેદોને ચર્ચાવિચારણા થકી દૂર કરી શકાય અને કાબૂ કરી શકાય.

બીજી એક મહત્વની વસ્તુ પ્રેમ છે. પ્રેમ એ શક્તિનું નામ છે. જે પારકાને પણ પોતાનું બનાવી દે છે. અમુક લોકો શક્તિ અને હિંસાના બળે જનતાને અથવા કહેવાતા વિરોધીઓને પોતાના આધીન કરવા માગે છે. જ્યારે કે પ્રેમ લોકોના હૃદયને જીતવાની શક્તિ ધરાવે છે. પ્રેમનું અભાવ હોય તો એક જ કુળના બે ભાઈઓ વચ્ચે મહાભારત થઇ શકે છે અને પ્રેમનું વાતાવરણ હોય તો બે અજનબીઓ પણ એકમેકમાં મળી જાય છે. નફરતના બાવળો ક્યારેય મીઠી કેરીઓ આપી શકતા નથી. આપણને શું વાંવુ છે તે આપણે જ વિચારવું રહ્યું. આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ?! શું આપણે આપણી પેઢીઓ માટે એવો ભવિષ્ય ઇચ્છિશું જ્યાં હિંસા હોય, અન્યાય હોય, ઘૃણા અને દગાબાજી હોય, જીવન આકુળવ્યાકૂળ અને અચોક્કસ હોય, ચાર કોર અંધકાર અને અશાંતિ હોય!!! ક્યારેય નહીં, આપણે આજથી પ્રયત્ન કરવો પડશે અને પ્રેમ અને ભાઈચારાના વીજ વાવવા પડશે. નહિંતર આવનારી પેઢી આપણને ક્યારેય ક્ષમા નહીં કરે.

હું એ લોકોથી પૂછવા માંગુ છું જેઓ હિંદ રાષ્ટ્રના સ્વપ્ન જુએ છે. તેઓ જે કંઇ હિંસાની રમત રમી રહ્યા છે. શું તેમના ધર્મની આ જ શિક્ષા છે? શું રામરાજ્યની વાતો કરનારા લોકો તેમનું ચારિત્ર્ય વાંચ્યંુ નથી? પ્રજાને સુખી કરવા માટે પ્રેમ, ત્યાગ, ન્યાય અને તટસ્થતાની જરૃર છે. રામનું નામ લેતા રાવણરૃપી લોકોએ આજે સમાજની શાંતિનું અપહરણ કરી લીધુ હોય તેવું લાગે છે. સમુદ્રમંથન કરતા મળતા વિષને પી જનારા કૃષ્ણને ભજવનારા તેમની વાર્તા તો સભળાવે છે પરંતુ વિવિરૃપી વાણીથી સમાજને કેમ વિષયુક્ત કરવા માંગે છે? તેમની ભક્તિ અને તેમના આચરણમાં કોઈ બંધ બેસતું નથી. હું ચોક્કસ પણે કહી શકું કે સમાજમાં આવા દુર્જનોની સંખ્યા ઓછી હશે. મોટાભાગે લોકો આવા કૃત્યને ખાનગી રીતે વખોડતા હશે. પરંતુ આટલું જ કરવાથી સમાજ સમૃદ્ધ અને શાંતિમય થઇ શકે નહીં. આવા દાનવો પર નિયંત્રણ લાદવુંં એ સજ્જનોની પરમ જવાબદારી છે. નાગરિક ધર્મ છે. આવી કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને સમજુ લોકોએ ક્યારેય પ્રોત્સાહિત કરવા જોઈએ નહીં બલ્કે તેમના કૃત્યની ખુલ્લેઆમ નિંદા કરવી જોઈએ.

સમુદાયો વચ્ચે ચર્ચા વિચારણાની જરૃર વિચારોને દૂર કરવા માટે પણ જરૂરી છે. બે ધર્મો વચ્ચે જ નહીં બે સંપ્રદાયો વચ્ચે પણ, બલ્કે એક જ ધર્મના બે પંથો વચ્ચે પણ ઘણી બધી ભ્રમણાઓ અને ગેરસમજો પ્રચલિત છે જેઓ સમાજમાં આપમેળે પ્રસરી નથી. તેની પાછળ કેટલાક સ્વાર્થી નેતાઓ, સ્વછંદી આગેવાનો અને ઝનૂની તથા અંતિમવાદી વિચારધારા ધરાવનારા વ્યક્તિઓ તથા કહેવાતા અમુક ધાર્મિક પુરૃષો કારણભૂત છે. આવા લોકો કોઈ પણ સમાજના દૂષણો છે તેમને પારખવાની અને તેમની સુધારણા કરવાની જરૃર છે. ન્યાય અને ભાઈચારો, પ્રેમ અને શાંતિ આપણા સિદ્ધાંત હોવા જોઈએ. આ માત્ર નૈતિક કે માનવી મૂલ્યો નથી અને આવા સિદ્ધાંતોની રક્ષા જાનના જોખમે પણ થવી જોઈએ.

કાલ્પનિક ખતરા ઉભા કરીને અથવા કોઇ વ્યક્તિ કે સમુદાય વિશેષ પ્રત્યે શત્રુભાવના પેદા કરી આમ આદમીને સંગઠિત કરવામાં આવશે તો તે નુકસાનરૃપ નિવડશે. પૂર્વનિયોજીત કાવતરા દ્વારા નિર્દોષોની થતી હત્યા સામે આવાજ બુલંદ કરી નાગરિક ધર્મ નિભાવવું જ રહ્યું. વ્યક્તિમાં ભાવનાઓનું જીવંત રહેવું અનિવાર્ય છે. આ ભાવનાઓ વ્યક્તિત્વ નિર્માણમાં મહત્ત્વનું ભાગ ભજવે છે અને ધાર્મિક વ્યક્તિની ધાર્મિક ભાવનાઓ પણ હોય છે. પરંતુ આટલું યાદ રાખવું જોઈએ કે ધાર્મિક ભાવનાઓને આધીન થઇ ક્યારેય અધર્મ કરવું જોઈએ નહીં. ધર્મનું શિક્ષણ કર્તવ્યનું પાલન છે ન કે ઇચ્છાનું પાલન. આપણી લાગણીઓના ઘોડા પર સવાર થઇ કોઈ વ્યક્તિ કે સમુદાય પોતાનો ઇચ્છિત લાભને મેળવવા માંગતી નથીને, તે આપણે તપાસવુંું જ રહ્યું. આપણે માત્ર પ્રાણીઓ નથી કે આખલાની જેમ જોશમાં આવી ગમે તે કરી નાખ્વું. માનવ એ શ્રેષ્ઠ સજીવ છે અને તેની શ્રેષ્ઠતા બુદ્ધિના કારણે છે એટલે આપણી ધાર્મિક લાગણીઓ પણ બુદ્ધિને આધીન હોવી જોઈએ.

અલ્લાહતઆલાએ ઇચ્છા હોત તો બધા જ માનવો એક જ સમુદાય ના હોત, એક જ સ્વભાવના હોત, એક જેવા વિચારના હોત. પરંતુ એવું નથી. કારણકે અલ્લાહતઆલાએ આ દુનિયાને પરિક્ષા માટે ઉત્પન્ન કર્યું છે અને જો બધું જ અલ્લાહતઆલાએ એક જવુ કરી દીધુ હોત તો પરિક્ષા જેવું કંઇક બાકી જ ન રહેત. દુનિયામાં છે ત્યાં સુધી અને જીવે છે ત્યાં સુધી પરિક્ષા તો રહેવાની જ અને તેનાથી કોઈ પલાયન થઇ શકે નહીં. આ પરિક્ષા છે આપણી બુદ્ધિની કે આપણે તેનો ઉપયોગ કરી સત્ય, અસત્યને પારખી સત્ય અપનાવીએ છીએ કે નહીં. એે પરિક્ષા છે વિચાર મુજબ આચરણની કે જેણે આપણે સત્ય માની સ્વીકાર્યું છે. તેના મુજબ આચરણ કરીએ છીએ કે નહીં. એ પરિક્ષા છે આપણા ચારિત્ર્યની, એ પરિક્ષા છે આપણી સહનશીલતાની, એ પરિક્ષા છે દરેક સંજોગોમાં આપણી ન્યાયપ્રિયતાની, એ પરિક્ષા છે આપણા સિદ્ધાંત પાલનની, અને જો દરેક ક્ષેત્રે આપણે આ પરિક્ષામાં ઉત્તીર્ણ થઇશું તો જ આપણને મુક્તિ (મોક્ષ) મળશે. અલ્લાહની પ્રસન્નતા અને સ્વર્ગના ઇનામો મળશે. જો આ પરિક્ષામાં આપણે નિષ્ફળ થયા તો દુનિયામાં પણ અશાંતિ અને અરાજક્તા ઉત્પન્ન થશે અને મૃત્યુ પછીના જીવનમાં પણ નરકના ઇંધણ બનવું પડશે. અને શાળાની પરિક્ષામાં ઉત્તીર્ણ થવા જે રીતે મનને શાંત રાખવું પડે છે તે જ રીતે જીવનની પરિક્ષામાં સફળ થવા દિલમાં પ્રેમ અને મનમાં શાંતિને સ્થાપવાની જરૃર છે. વૈમનસ્ય વૃત્તિ આપણને નિષ્ફળતા તરફ દોરી જશે.

કુઆર્નમાં છે, “અમે તમારા તરફ આ ગ્રંથ મોકલ્યો જે સત્ય લઈને આવ્યો છે અને અલ-કિતાબમાંથી જે કંઈ તેના સામે મોજૂદ છે તેનું સમર્થન કરનાર અને તેનંુ રક્ષણ કરનાર અને દેખરેખ રાખનાર છે. તેથી તમે અલ્લાહના અવતરિત કરેલા કાનૂન મુજબ લોકોના મામલાઓનો નિર્ણય કરો અને જે સત્ય તમારા પાસે આવ્યું છે, તેનાથી વિમુખ થઈને તેમની ઇચ્છાઓનું અનુસરણ ન કરો – અમે તમારા(મનુષ્યો)માંથી દરેક માટે એક શરીઅત (કાનૂન) અને કાર્ય-પ્રણાલી નિશ્ચિત કરી. આમ તો તમારો અલ્લાહ ઇચ્છતો તો તમને સૌને એક ઉમ્મત (સમુદાય) પણ બનાવી શકતો હતો, પરંતુ આવું તેણે એટલા માટે કર્યું કે જે કંઈ તેણે તમને આપ્યું છે તેમાં તમારી પરીક્ષા કરે. તેથી ભલાઈઓમાં એકબીજાથી આગળ વધી જવાનો પ્રયાસ કરો. છેવટે તમને સૌને અલ્લાહ તરફ પાછા ફરીને જવાનું છે, પછી તે તમને તે સાચી હકીકત બતાવી દેશે જેમાં તમે મતભેદ કરતા રહ્યા છા” (સૂરઃ માઇદહ-૪૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments