Thursday, March 28, 2024
Homeપયગામએકેશ્વરવાદની ક્રાંતિકારી અવધારણા

એકેશ્વરવાદની ક્રાંતિકારી અવધારણા

ભૂખ વ્યક્તિની પ્રકૃતિમાં રહેલી છે. તેને જ્યારે ભૂખ લાગે ત્યારે પેટનો ખાડો ભરવા ખોરાકની જરૃર હોય છે. દુનિયાભરમાં લોકો ભૂખ મટાડવા જુદા જુદા નુસ્ખા અપનાવે છે. કોઈ વનસ્પતિનો ઉપયોગ કરે છે, તો કોઈ માંસાહાર કરે છે, કોઈ મિશ્રાહારી હોય છે, તો કોઈ જે મળે બધું જ આરોગી જાય છે. અહીં સુધી કે એવા માનવ પણ ધરતી પર વસે છે કે જેઓ માનવભક્ષી બની જાય. ખોરાકની બાબતમાં વિવિધ કોમો અને જ્ઞાતિઓના પોતાના રંગ ઢંગ છે. વ્યક્તિ જ્યારે ખોરાકના મહત્ત્વ અને સાચા દૃષ્ટિકોણથી વાકેફ ન હોય તો તે ખાવા પીવાના મામલામાં કોઈ નિયમની પાબંદી કરતો નથી.

આવી જ રીતે એકેશ્વરવાદની વિભાવના પણ માનવની પ્રકૃતિમાં રહેલી છે. અલ્લાહે દુનિયાના સર્જન પહેલાં તમામ આત્માઓથી કરાર કર્યો હતો કે શું હું તમારો રબ નથી? ત્યારે તમામે એકસૂરમાં કહ્યું હતું કે હા, તૂં જ અમારો રબ છે અને અમે તેની સાક્ષી આપીએ છીએ. અમુક લોકો સમજે છે કે ધર્મની શરૃઆત બહુદેવવાદથી થઈ છે તે તદ્દન ખોટું છે. અલ્લાહે સૌથી પહેલાં માનવી હઝરત આદમ અ.સ.ને જમીન ઉપર મોકલ્યા તો પોતાના દૂત તરીકે મોકલ્યા. તેમને પોતાનો (એકેશ્વર) સાચો પરિચય આપી જીવન નિર્વાહ કરવાની જીવન પદ્ધતિ અને માર્ગદર્શન આપ્યું. પાછળથી માનવીએ પોતાના સ્વાર્થ કે અહંમના કારણે સત્યને ત્યજી દીધું. અને માનવ અંધકારમાં ભટકવા લાગી. સત્ય, સ્વચ્છ અને શુદ્ધ સ્વરૃપથી વાકેફ કરાવવા અલ્લાહ તઆલા સમાયાંતરે દુનિયાના વિવિધ ખંડો અને ભાગોમાં પોતાના દૂત મોકલતો રહ્યો જેઓએ માનવને ઈશ્વરનો સાચો પરિચય કરાવ્યો. ઉપાસનાની સાચી રીત અને જીવન વ્યતીત કરવાની સરસ અને સંતુલિત જીવન વ્યવસ્થા અર્પણ કરી. જેની ઉપર ચાલી વ્યક્તિ અલ્લાહની પ્રસન્નતાને પામી શકે છે અને સ્વર્ગની હકદાર બની શકે છે.

તે વિશાળ જગતને જુએ છે. પૃથ્વીથી લઈને આકાશ સુધી હજારો-લાખો ગ્રહ-ઉપગ્રહ તારલાઓ અને આકાશગંગાઓને જુએ છે અને તેમના વચ્ચે એક અદ્ભૂત સંતુલન જુએ છે. ચંદ્ર હોય કે સૂર્ય બ્રહ્માંડના બધા સદસ્યોને એક ગણતરીની પાબંદી કરતા નિહાળે છે, તેને સમગ્ર સંસારમાં એક આયોજનબદ્ધતા નજર આવે છે અને તેનો અંતરાત્મા પોકારી ઊઠે છે કે કોઈ મોટો ગણિતજ્ઞ છે, કોઈ નિયંત્રક છે, કોઈ વ્યવસ્થાપક છે, કોઈ અદૃશ્ય અને બુદ્ધિમાન શક્તિ છે જેણે આ સંસારમાં સુંદર અને સરસ સંતુલન જાળવી રાખ્યંું છે અને તે ઈશ્વર છે.

વ્યક્તિ જ્યારે કોઈ આફતમાં ફસાઈ જાય છે ત્યારે તેઓ બીજા ઉપાસ્યોને ભૂલી માત્ર એક અલ્લાહને જ યાદ કરે છે. જર્મન સૈનિકો જ્યારે વિજય પતાકા ફરકાવતા રૃસમાં દાખલ થયા ત્યારે સ્ટાલિન પણ બોલી ઊઠયો કે જાઓ મસ્જિદ અને ગિરજામાં જાઓ ને તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે તેઓ આ સંકટથી છુટકારો આપે.

કુઆર્ન માનવના આ વર્તનનો ઉલ્લેખ કરતાં કહે છે,

“લોકોની હાલત એ છે કે જ્યારે તેમને કોઈ તકલીફ પહોંચે છે તો પોતાના રબ (પ્રભુ) તરફ રજૂ થઈને તેને પોકારે છે. ” (સૂરઃ રૃમ-૩૩)

“તેમને કહો, થોડોક વિચાર કરીને બતાવો, જો ક્યારેક તમારા પર અલ્લાહ તરફથી કોઈ મોટી મુસીબત આવી જાય છે અથવા અંતિમ ઘડી આવી પહોેંચે છે તો શું તે વખતે તમે અલ્લાહ સિવાય કોઈ બીજાને પોકારો છો ? બોલો, જો તમે સાચા હોવ.” (સૂરઃ અન્આમ-૪૦)

માનવ તેની ભક્તિની ભૂખ સંતોષવા કોઈની સામે પોતાનું માથું નમાવવા ઇચ્છે છે, કોઈની શરણમાં જવા માંગે છે, કોઈની ઉપાસના કરવા ચાહે છે પછી માનવ પોતાની સમજ પ્રમાણે પાલનહાર અને સર્જનહાર સામે ભક્તિ ભાવ સાથે ઝુકી જાય છે. પરંતુ તેનો સાચો પરિચય ન હોવાથી સાચા ઈશ્વર (અલ્લાહ ) સુધી પહોંચી શકતો નથી.

હવે તે ગહન વિચાર કરે છે. જીવનની વાસ્તવિકતા પામવા મહેનત કરે છે. તેને લાગે છે કે આ દુનિયા માત્ર એક દગો છે. બધું એક સ્વપ્ન છે. વાસ્તવિક્તા માત્ર એક જ છે. દરેક વસ્તુમાં ઈશ્વર છે. સમગ્ર સંસારમાં એ જ શક્તિ કાર્યરત્ છે. ભૌતિક દુનિયા એક ભ્રમ માત્ર છે. આ ફિલ્સૂફીને માની લેવામાં આવે તો માનવનો જુદો અસ્તિત્વ રહેતો નથી. બંદા અને માલિક વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. પછી વ્યક્તિ કોની આજ્ઞા માનશે? કોના કહ્યા પર ચાલશે? કેવા ચારિત્રનું નિર્માણ કરશે? કોની ઉપાસના કરશે? સામાજિક વ્યવસ્થા કેવી હશે? બીજી વ્યક્તિના શું અધિકાર હશે? પોતાની જવાબદારી કોણ નિશ્ચિત કરશે? શું તે પોતે બધું નક્કી કરશે કેમકે તેનામાં જ ઈશ્વર રહેલો છે!!! એકેશ્વરવાદનું કહેવાતું અદ્વેતવાદનું આ દૃષ્ટિકોણ વ્યક્તિ કે સમાજમાં કોઈ ક્રાંતિ આણી શકતો નથી.

એક બીજા માનવે વિચાર મનન કર્યું. તેને લાગ્યું કે આ સંસારનો એક સર્જનહાર હોવો જોઈએ જેણે કેટલાક નિયમો બનાવ્યા હોય, તેણે તર્ક આપ્યું કે અલ્લાહ દુનિયાનું સર્જન કરી કયાંક આરામ કરી રહ્યો છે જગતનું સંચાલન આપમેળે થઈ રહ્યું છે, જેમ કોઈ ઓટોમેટીક મશીન કામ કરે છે. સમગ્ર બ્રહ્માંડ એમ જ ચાલી રહ્યું છે. જ્યારે અલ્લાહને દુનિયાથી કોઈ મતલબ જ ન રહ્યો હોય તો તેને માનવું કે ન માનવું સરખું છે. બીજું આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઓટોમેટીક મશીનેની પછી બ્રહ્માંડના સંચાલન માટે કોઈ શક્તિશાળી અસ્તિત્વની જરૃર નથી લાગતી? આખું જગત કરોડો વર્ષથી નિયંત્રિત રીતે ચાલી રહ્યું છે. બલ્કે તેમાં દિવસે દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે. ક્ષણે ક્ષણ જગતની દરેક વસ્તુ સાક્ષી આપી રહી છે કે આ સંસારનો માત્ર એક સર્જનહાર જ નથી બલ્કે તે જ એનો પાલનહાર અને સંભાળનાર છે. જે કાંઈ થાય છે તેના હુકમથી જ થાય છે.

ત્રીજો વિચાર એકેશ્વરવાદ વિષે આવું છે કે જેમ અલ્લાહ માનવથી કાનૂનની પાબંદી ઇચ્છે છે તેમ તે પોતે પણ કાયદાનું પાલન કરતો હોવો જોઈએ. માણસે ખોટું કર્યું છે તો તેને સજા મળવી જોઈએ ભલે ભૂલ નાની હોય. તેને ક્ષમા ન થવી જોઈએ. તેણે પ્રકૃતિના જે નિયમો બનાવ્યા છે તે પોતે પણ તેને અનુસરતો હોવો જોઈએ. અલ્લાહની બાબતમાં આવા વિચાર આપણને વિશુદ્ધ એકેશ્વરવાદી બનવા દેતા નથી. ક્ષમા કરવું એક મોટું નૈતિક લક્ષણ છે. અલ્લાહમાં આ ગુણ માનવો કરતાં ઉચ્ચ હોવો જોઈએ. જો અલ્લાહ આ ગુણ ન ધરાવતો હોય તો માણસ ગુનાના કામમાં વધુ ને વધુ સંકળાઈ જાય છે. સર્વશક્તિમાન હોવાના નાતે તે ગમે તે કરવા સ્વતંત્ર હોવો જોઈએ. પરિક્ષામાં પાબંદીઓ વિદ્યાર્થીઓ માટે હોય છે પરિક્ષક માટે નહીં.

એક ચોથું દૃષ્ટિકોણ આ છે કે આ સંસારનો એક સર્જનહાર છે. તે જ પાલનહાર છે. તે દરેક બંદાને જોઈ રહ્યો છે તે ક્ષમા આપનારો અને કૃપાળુ છે, તે તમામ સારા ગુણોથી સંપન્ન છે. તે સર્વશક્તિશાળી છે. તે જ જ્ઞાનનો સ્ત્રોત છે. તે જ સૌથી મોટો બાદશાહ છે અને પરલોકના દિવસનો માલિક છે. તે દુઆ સાંભળનાર, મદદ કરનાર અને શરણ આપનાર છે, વગેરે.

દુનિયાભરમાં તૌહીદના જે સ્વરૃપો જોવા મળે છે તેે અપૂર્ણ, ખોટા કે કાલ્પનિક છે. જે ચોથું સ્વરૃપ છે તે જ સત્ય છે કેમ કે દરેક જમાનામાં અને દરેક ભૂભાગમાં અલ્લાહના નબીઓએ એ જ શિક્ષણ આપ્યું છે. તૌહીદની બાબતમાં એ જ વસ્તુ સત્ય હોઈ શકે જેનું શિક્ષણ પોતે આપણા પેદા કરનારે આપ્યું હોય.

હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું માત્ર આ વિચારધારાને સ્વીકાર કરવાથી તૌહીદ પરસ્ત થઈ શકાય? હું આ કલ્માનો એકરાર કરૃં છું કે અલ્લાહ પર ઈમાન લાવ્યો; તેના નામોને તેના ગુણો સાથે હું ઝબાનથી તેનો એકરાર કરૃં છું ને દિલથી માનું છું. હવે હું મૂર્તિપુજા કરતો નથી. બીજા કોઈથી મદદ માંગતો નથી. બીજા કોઈને જોરાવર કે તેના નિર્ણયોમાં ભાગીદાર કે દખલ દેનાર સમજતો નથી. મારી ભક્તિના બધા સ્વરૃપો માત્ર તેના માટે જ છે. શું હું તૌહીદ પરસ્ત બની ગયો. હું એ જ કહીશ કે ના. એને માત્ર ઉપાસ્ય માની લેવાથી સાચો તૌહીદપરસ્ત ન બની શકાય. સમાજનો બુત અને બાપ દાદાની રસમોને તમે એવી રીતે પકડી રાખી છે જાણે કુઆર્નની કોઈ આયત હોય. આ છુપાયલા બુતો છે જે નજર આવતા નથી જ્યાં સુધી તેમનો ઇન્કાર ન થાય ત્યાં સુધી અલ્લાહુ અકબરની સદા ભાર રહિત રહેશે. ઇકબાલે કહ્યું હતું,

અગરચે બુત હૈંૈ જમાઅતકી આસ્તીનોંમેં

મુઝે હૈ હુકમે અઝાં લાઇલાહા ઇલ્લલ્લાહ

કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! આજ્ઞાપાલન કરો અલ્લાહનું અને આજ્ઞાપાલન કરો રસૂલનું અને તે લોકોનું જે તમારા પૈકી જવાબદાર (આદેશ આપવાના આધિકારી) હોય, પછી જો કોઈ મામલામાં તમારા વચ્ચે ઝઘડો પડે તો તેને અલ્લાહ અને રસૂલના તરફ રજૂ કરો જો તમે ખરેખર અલ્લાહ અને આખિરતના દિવસ ઉપર ઈમાન ધરાવતા હોવ.” (સૂરઃ નિસા)

હવે હું એક ડગ આગળ વધું છું અને કહું છું કે અલ્લાહને ઉપાસ્યની સાથે માર્ગદર્શક પણ માનું છું. પોતાના ચારિત્ર્યને અલ્લાહની હિદાયત મુજબ શણગારવાનો પ્રયાસ કરૃં છું. પોતાની સંપૂર્ણ વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં અલ્લાહના આદેશોનું પાલન કરૃં છું. પોતાની દીકરીઓને વારસામાં કુઆર્ની હિદાયત પ્રમાણે ભાગ આપું છું. દહેજ લેતો નથી. જન્મ મરણની વિધિઓ ઇસ્લામ મુજબ કરૃં છું વગેરે. હવે તો હું મારી જાતિને વિશુદ્ધ એકેશ્વરવાદી કહી શકું. હું કહીશ કે તમે સંપૂર્ણ તૌહીદપરસ્ત બનવા આગળ ડગ માંડી છે. તમારે અલ્લાહને સમગ્ર જગતનો બાદશાહ પણ સ્વીકારવો પડશે. હું માનું છું કે એ જ અલ્લાહ આખા સંસારનું સંચાલન કરી રહ્યો છે. વૃક્ષનું એક પાંદડું પણ તેની ઇચ્છા વગર હાલતું નથી. સંસારની દરેક વસ્તુ તેનો ગુણગાન ને પ્રશંસા અને આજ્ઞાપાલન કરી રહી છે. હું સ્વીકારૃં છું કે પૃથ્વી અને આકાશમાં જે કઈ છે તેનું જ છે. અને તેની ‘હુકૂમત’ (શાસન) આકાશો અને ધરતી ઉપર વ્યાપ્ત છે.

હવે હું કહીશ કે તમે સાચા, પાકા અને સંપૂર્ણ એકેશ્વરવાદી બનવાના ખૂબ જ નજીક આવી ગયા છો. તમે ઘણી મંઝિલ આંબી લીધી છે. પરંતુ જો તમે અલ્લાહને માનવ માટે (Law Giver) કાનૂન આપનાર ન માનો અને તમે પોતાના વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં તેને શાસક ન માનો તો તૌહીદની વિચારધારા અને તૌહીદપરસ્ત બનવાની આપની ઇચ્છા અધૂરી રહી જશે. આ મારા પોતાના ખ્યાલ નથી. આ બાબતે જે ઇશારા કર્યા છે તે એક નજરે જોતાં જ ખબર પડી જાય છે.

“સાર્વભૌમત્વ (શાસન-સત્તા) અલ્લાહ સિવાય કોઈના માટે નથી.” (સૂરઃ યૂસુફ-૪૦) “તેે ઉચ્ચ અને મહાન છે અલ્લાહ, સાચો સમ્રાટ, કોઈ ઉપાસ્ય નથી તેના સિવાય, માલિક છે મહાન સિંહાસનનો.” (સૂરઃ મુ’મિનૂન-૧૧૬) “તે જ અલ્લાહ (જેના આ બધા જ કામ છે) તમારો માલિક અને પાલનહાર છે. રાજ્ય તેનું જ છે.” (સૂરઃ ફાતિર-૩૫) “કહો, હું શરણ માગું છું મનુષ્યોના રબ (પ્રભુ-પાલનહાર)ની, મનુષ્યોના સમ્રાટની.” (સૂરઃ નાસ– ૧,૨)

જ્યારે અલ્લાહને વ્યક્તિગત અને સામૂહિક જીવનનો શાસક સ્વીકારવામાં આવે ત્યારે તૌહીદ પૂર્ણ થાય છે અને સમગ્ર જીવન માટે કોઈ પ્રણાલી આપે આ તેનો જ હક્ક છે તે જ સર્જનહાર છે. “નિઃશંક માર્ગ બતાવવો અમારે શિરે છે, અને વાસ્તવમાં આખિરત (પરલોક) અને દુનિયા (આલોક) બંનેના અમે જ માલિક છીએ.” (સૂરઃ લૈલ-૯૨ આયતો – ૧૨, ૧૩)

દુનિયામાં ફસાદ, ઝઘડા, હિંસા અને અશાંતિની જડ જ આ છે કે માનવે પોતાને અલ્લાહના સ્થાન પર નિયુક્ત કરી લીધો છે. જે પોતાના ભૂતકાળથી વાકેફ હોય ન પોતાના ભવિષ્યને જાણતો હોય. માનવ પોતાના માટે કોઈ ત્રુટીરહિત વ્યવસ્થા કેવી રીતે બનાવી શકે? એ માનવનો સંબંધ કોઈ પણ જાતિ, જ્ઞાતિ, રંગ, દેશ, વર્ણ, વર્ગ અને ભાષા બોલનારા સમુદાયથી હોય. ચોક્કસ જ કોઈ પણ વ્યક્તિ કે સમુદાય જ્યારે કોઈ પ્રણાલીની રચના કરશે તો તે તેના વંશ, જ્ઞાતિ, રંગ કે ભાષાના લોકોને પ્રધાનતા આપશે. તેમને જ શ્રેષ્ઠ સમજશે. ગરીબો કોઈ વ્યવસ્થાની રચના કરશે તો તેમાં જમીનદારો અને મૂડીવાદીઓ પ્રત્યે આક્રોશની ભાવના હશે. કોઈ જાગીરદારને આ હક આપવામાં આવે તો એ વધુ ને વધુ દોલત જમા કરવાના એવા નિયમો બનાવશે કે જેથી નિર્બળ ને દરિદ્ર લોકો પર જુલ્મ થશે. કોઈ ખાસ વંશની વ્યક્તિને સમ્રાટ બનવી લેવામાં વશે તો તેને વિશેષ અધિકારો મળશે. પ્રજાજનો પર તાકાતના આધારે લાગુ કરશે, વગેરે. ઇતિહાસ આનો સાક્ષી છે. કોઈ પણ વ્યવસ્થાને જોઈ લો તે માત્ર અન્યાયી સિદ્ધ થઈ છે. લોકશાહીથી ઘણી આશાઓ હતી પણ અંતે તેપણ ટોળાશાહીમાં પરિવર્તિત થઈ જાય છે. જેમ વ્યક્તિ પોતાની મનમાની કરી પોતાની ઉપર જુલમ કરે છે તેવી જ રીતે લોકોનું ટોળું (પ્રજાતંત્ર) પર ન્યાય અને શાંતિ સ્થાપિત કરવામાં બોદો સાબિત થાય છે. અલ્લામા ઇકબાલે લોકશાહીની ટીકા કરતાં કહ્યુંઃ

હમને ખુદ્શાહી કો પહનાયા હૈ જમ્હૂરી લિબાસ

જબ જરા આદમ હુવા હૈ ખુદ શનાસ વ ખુદનિગાર

અને તેની વાસ્તવિકતા પર પ્રકાશ પાડતાં કહે છેઃ

જમ્હૂરિયત વો તર્ઝે હુકૂમત હૈ કે જિસમેં

બંદો કો ગિના જાતા હૈ તોલા નહીં જાતા

પશ્ચિમની અંદરની પરિસ્થિતિ કેન્સરથી પીડિત રોગી જેવી છે. (જોકે દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાની હૈસિયતથી આપણા દેશની હાલત પણ બદતર છે) તેના વિષે ઇકબાલે કહ્યું હતુંઃ

તૂને કયા દેખા નહીં મગરિબ કા જમ્હૂરી નિઝામ

ચેહરા રોશન અંદરૃન ચંગેઝસે તારીકતર

કહેવાનો ભાવાર્થ આ છે કે પોતાનો સર્જનહાર, પાલનહાર, ઉપાસ્ય, માર્ગદર્શક, શાસક એક અલ્લાહને સ્વીકાર કરો અને જીવનના દરેક ક્ષેત્રમાં એના જ કાયદા કાનૂનનો પાલન કરો ત્યારે જ આપણે સાચા એકેશ્વરવાદી બની શકીએ. અને સાચો તૌહીદપરસ્ત બનાવવાનો મારો આશય આ છે કે એના વડે વ્યક્તિના પોતાના જીવનમાં તેના કૌટુંબિક જીવનમાં, તેના સામૂહિક જીવનના દરેક ભાગમાં સંતુલન, શાંતિ અને ન્યાય સ્થાપિત થઈ શકે છે. આ જ વિચારની સૌથી મોટી ક્રાંતિ છે. ઇકબાલે કહ્યું છેઃ

ઇસસે બઢકર કયા ફિક્ર વ નઝરકા ઇન્કિલાબ

બાદશાહોંકી નહીં અલ્લાહકી હૈ યૈ ઝમીન

ઘરમાં જોઈએ કે સમાજમાં, એકાંતમાં હોઈએ કે બજારમાં, ધર્મસભામાં હોઈએ કે લોકસભામાં, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મારી ચાલવી જોઈએ. મારી પાર્ટીની ચાલે, મારા વાળાઓની ચાલે, પરિવારમાં સાસ-વહુના ઝઘડા હોય કે નણંદ-ભાભીના, પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી હોય કે મા-દીકરી વચ્ચે, પતિ-પત્નીના ઘર્ષણ હોય કે પાડોશીઓ વચ્ચેની તૂ-તૂ મે-મે, કોમો વચ્ચે, દેશ વચ્ચે, જ્ઞાતિઓ વચ્ચે પોતાની શ્રેષ્ઠતા, પોતાની ચાલવાની પોતાને વિશેષ સ્થાન આપવાને લીધે છે. વ્યક્તિ કે સમુદાય કે કોઈ સમુદાયે બનાવેલી વ્યવસ્થાની ચાલે છે તો જુલ્મ અને અતિરેક વધે છે. કારણ એટલું જ છે કે ક્યાંક વ્યક્તિ કે સમુદાયનો સ્વાર્થ આડે આવે છે, ક્યાંક પક્ષપાત હોય છે તો ક્યાંક સીમિત જ્ઞાન, ક્યાંક નફરત હોય છે, તો ક્યાંક સંકુચિત માનસિકતા, અલ્લાહુ અકબરનો સૂત્ર. આ બધા મતભેદોને જડથી નાબૂદ કરી દે છે. કેમકે તેનો અર્થ છે અલ્લાહ સૌથી મોટો છે, એની જ ચાલવી જોઈએ. અને આપણે બધા એના બંદા છીએ, એની મરજી મુજબ ચાલવું જોઈએ કેમકે આપણને કર્મોનો હિસાબ આપવાનો છે.

દુનિયામાં મોટી આબાદી એવી છે જે પોતાને તૌહીદપરસ્ત કહે છે. પરંતુ ન તો તેમના વ્યક્તિગત જીવનમાં શાંતિ છે, ન તો પારિવારિક જીવનમાં પ્રેમ છે, ન જ સામાજિક ને રાજનૈતિક જીવનમાં ન્યાય. તેના કારણે… (આવતાં અંકે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments