Tuesday, April 16, 2024
Homeકેમ્પસ વોઇસઆપણી શિક્ષણ નીતિ અને શિક્ષકો બનાવવાની પ્રક્રિયા

આપણી શિક્ષણ નીતિ અને શિક્ષકો બનાવવાની પ્રક્રિયા

સમાજને ઉન્નતિ અને પ્રગતિના માર્ગે લઈ જવા, સમાજમાં ઇચ્છિત બદલાવ લાવવા, બુરાઈઓને નાબૂદ કરવા, ભલાઈઓ ફેલાવવા, સમાજમાંથી ઊંચનીચ દૂર કરવા, પ્રેમ, સ્નેહ, સદ્ભાવના જેવા ગુણોને વિકસાવવા, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા માટે સમાજ જે માધ્યમોનો ઉપયોગ કરે છે તે ‘શિક્ષણ’ છે.

આપણે ખરેખર શિક્ષણ કેમ પ્રાપ્ત કરીએ છીએ? અથવા શિક્ષણનો હેતુ શું છે? આ પ્રશ્ન પર ચર્ચા થાય તો જુદા-જુદા મંતવ્યો આપવામાં આવે છે. મોટા ભાગે નીચે મુજબના મંતવ્યો આપવામાં આવે છે.

* એક સારો નાગરિક બનાવવા માટે.
* રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વિકસાવવા માટે.
* પગભર થવા અથવા સુખી અને સુવિધાપૂર્ણ જીવન માટે.
* સાંસ્કૃતિક વારસાના જતન માટે.
* સ્કીલ ડેવલપમેન્ટ
* સારા માનવી બનાવવા માટે.
* દેશને પ્રગતિના માર્ગે લઈ જવા માટે.
* ‘સ્વ’ને સમજવા અને પરાનુભૂતિ માટે.
* જીવન કૌશલ્યો માટે.
* સર્વાંગી વિકાસ માટે.

આના સિવાય બીજા હેતુઓ પણ હોઈ શકે પણ.આ ૧૦ મુદ્દાઓ બીજા મુદ્દાઓનેઆવરી લે છે. આપણા સમાજને ૬ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. ઉદ્યોગપતિઓનો વર્ગ, રાજનેતાઓ, ધાર્મિક નેતાઓ, કર્માચારી વર્ગ, મજદૂર વર્ગ અને અનુયાયીઓનો વર્ગ. આ છ પ્રકારના વર્ગે આપણી પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક નેતાઓ સાથે મળીને શિક્ષણનો હેતુ નક્કી કરતા હોય છે અને નીતિઓ બનાવતી વખતે પોતાના સ્વાર્થને છોડી શકતા નથી.

ઉદ્યોગપતિઓ ઇચ્છે છે કે શિક્ષણનો હેતુ એવો હોવો જોઈએ કે બજારલક્ષી ઉચ્ચશિક્ષિત મજદૂરોની ટીમ તૈયાર થાય. ધાર્મિક નેતાઓ ઇચ્છે છે કે અંધભક્તો કે અનુયાયીઓ તૈયાર થાય અને રાજનેતાઓ ઇચ્છે છે કે બળવો ના કરે, ક્રાંતિકારી ના બને, ફકત સાંભળવાવાળો, સ્વ-કેન્દ્રી, સંકુચિત રાષ્ટ્રપ્રેમવાળા નાગરિકો તૈયાર થાય.

(આપણી શિક્ષણ-પ્રણાલી જાતિવાદી પ્રથા જેવી છે જ્યાં ઉપરના ત્રણ વર્ગો એટલે કે ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, ધાર્મિક નેતાઓ મળીને બીજા બધા જ વર્ગોને જેમ ફાવે તેમ નચાવે છે.)

શિક્ષણનો હેતુ અને નીતિઓ ઘડવામાં શિક્ષકોની ભૂમિકા ખુબજ અગત્યની છે. શિશ્રકોને જ શિક્ષણ નીતિ બનાવવાનો અધિકાર છે. પણ આપણા સમાજમાં શિક્ષકો સિવાય બીજા લોકો શિક્ષણનીતિ બનાવતા હોય છે. આનુ એક કારણ એ પણ છે કે આપણી વ્યવસ્થાએ એવા શિક્ષકો તૈયાર કર્યા નથી જે શિક્ષણની નીતિઓ પર ચર્ચા-વિચારણા કરી શકે.

આપણા વડીલોએ શિક્ષણના જે હેતુઓ નક્કી કર્યા અને જે નીતિઓ ઘડી અને તે મુજબ જે વ્યવસ્થા ઉભી કરી તે પ્રમાણે વર્ગ-ખંડ અને શિક્ષક ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. નેશનલ રિપોર્ટ ઓન એજ્યુકેશન (૧૯૬૪-૬૬)માં ડૉ. ડી.એસ. કોઠારીએ કહ્યું કે,”The destiny of India is being shaped in their classroom.”(વર્ગ ખંડો બનાવવામાં આપણે મહદ્અંશે સફળતા મેળવી છે પણ શિક્ષણનો મૂભભૂત પાયો ‘શિક્ષક’એ સૌથી કમજોર કડી પૂરવાર થઈ રહ્યો છે.)

એક પ્રખ્યાત ચિંતક કહ્યું છે કે “Teachers are born not made” આ કથન મુજબ શિક્ષક જન્મજાત હોય છે. આપણે એને ટ્રેનીંગ આપીને ફકત શણગારી શકીએ છે. પણ ટ્રેનીંગ દ્વારા સંપૂર્ણ શિક્ષક બનાવી શકતા નથી. (જેવી રીતે એક કુંભાર ભીની માટીનો પીંડ બનાવીને એને જુદા-જુદા આકારો આપી વાસણ તૈયાર કરે છે તેવી જ રીતે આપણી શિક્ષણ વ્યવસ્થા જે પણ માટી મળી તેને શિક્ષક બનાવી દે છે. આપણી શિક્ષણ પ્રણાલી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી જેના થકી એ જાણી શકાય કે શિક્ષક બનવા માંગતી વ્યક્તિ ખરેખર શિક્ષક બનવા યોગ્ય છે કે નહીં.)

શિક્ષકો બનાવવાની પ્રવર્તમાન પ્રક્રિયાઃ

બીજા વ્યવસાયની જેમ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ મેરીટ આધારીત છે. જો તમે પી.ટી.સી./ બી.એડ.માં સારા ટકા મેળવી લો તો તમે શિક્ષક બનવા યોગ્ય છો. અને આપણે બધા જાણીએ છીએ કે આપણી પરીક્ષાપદ્ધતિઓ અથવા મૂલ્યાંકન વ્યવસ્થામાં કેટલી બધુ ‘સેટિંગ’ ચાલે છે.

મારા એક મિત્રએ મને કહ્યું કે, “સાહેબ, મેં બી.એડ.માં ખુબજ મહેનત કરી. કોલેજની બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, ખુબજ સરસ લેશન આપ્યા, વાર્ષિક પાઠમાં તો વિદ્યાર્થીઓને મજા-મજા પડી ગઈ. મારા પ્રાધ્યાપકો પણ મારી ભણાવવાની શૈલી અને બાળમનોવિજ્ઞાનને સમજવાની આવડતથી ખૂબજ પ્રભાવિત હતા. મારી જ ક્લાસની એક વિદ્યાર્થિની જે કોલેજમાં અનિયમિત હતી, પાઠ આપવામાં પણ ખુબજ કમજોર અને મારા એક પ્રાધ્યાપકે તેણીને કહ્યું પણ ખરૃં કે તુ શિક્ષિકા બનવા યોગ્ય નથી. ફકત પરિક્ષા પાસ કરી લે પણ જ્યારે વાર્ષિક પરિક્ષાનું પરિણામ આવ્યું ત્યારે પેલીના ટકા મારાથી પણ વધારે, એ જ પ્રાધ્યાપકે મને ખાનગીમાં જણાવ્યું કે ‘સેટિંગ’ છે.”

પ્રવર્તમાન વ્યવસ્થામાં શિક્ષકને પાંચ વર્ષ સુધી હંગામી ધોરણે વિદ્યાસહાયક તરીકે નિમણૂંક આપવામાં આવે છે. પાંચ વર્ષના અંતે જો કામગીરી સંતોષકારક જણાય તો કાયમી ધોરણે નિમણૂંક આપવામાં આવે છે. આ (સંતોષકારક કામગીરી એટલે પાંચ વર્ષ પૂર્ણ કરવા.) પાંચ વર્ષ સુધી બીજા કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવતુ નથી.

પ્રવર્તમાન વ્યવસ્થામાં વિષયવસ્તુ શિખવવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે ટેસ્ટ છે. પણ જે વ્યક્તિ શિક્ષક બનવા માંગે છે તેની પ્રતિભા, કુશળતા, સુષુપ્ત શક્તિઓની ઓળખ માટે કોઈ ટેસ્ટ નથી.

સારા શિક્ષકો બનાવવા માટે શું કરવું જોઈએ?

શિક્ષકો બનાવવાની પ્રક્રિયામાં મેમરી ટેસ્ટ કરતા સાયકોલોજીકલ એપ્રોચ હોવો જોઈએ. જે રીતે એક માતાને ખબર હોય છે કે તેના બાળકને ક્યારે કઈ વસ્તુની જરૃર છે, એ પ્રમાણે એની સારસંભાળ રાખતી હોય છે. તે જ પ્રમાણે એક શિક્ષકને બાળક જોડે માંની જેમ વર્તવું જોઈએ.

હોઈ શકે કે કોઈ વ્યક્તિનો આઈ.ક્યુ. વધારે ના હોય, પણ જો તે સ્નેહી, પ્રેમાળ, દયાળુ, બાળ મનોવિજ્ઞાનથી પરિચિત, બાળકોને વ્યક્તિગત રીતે સમજી શકતો હોય, ભલાઈ અને બુરાઈનો ભેદ જાણતો હોય અને સારા ગુણો ધરાવતો વ્યક્તિ હોય, ત્યાગની ભાવના અને વિશ્વ બંધુત્વની ભાવના ધરાવતી હોય તો એવા શિક્ષકોને ભરતી પ્રક્રિયામાં અને શિક્ષક બનાવવામાં પ્રાધાન્ય આપવું જોઈએ.

પાંચ વર્ષે વિદ્યાસહાયકમાં હંગામી ધોરણે નિમણૂંક કરતા એક વર્ષની નિમણૂંક આપવી જોઈએ અને આ એક વર્ષમાં 3rd Party દ્વારા શિક્ષકોનું વર્ગખંડમાં અવલોકન કરવુ જોઈએ.

વર્ગખંડ અવલોકનની સાથે-સાથે શાળા ઉત્કર્ષ માટે સમય મર્યાદીત અસાઈનમેન્ટ આપવું જોઈએ.

નવા નિમણૂંક થયેલા શિક્ષકોને સમાજ સેવા માટે મોકલવા જોઈએ. આથી શિક્ષકો પાસે અમુક કાર્યો કરાવવા જોઈએ જેવી રીતે કે શિક્ષક બાળકોને મફતમાં ભણાવે, બાળકો તે રોજીંદી જીવન-શૈલીથી પરિચિત થાય અને સમજ કેળવે, જે તે કોમ્યુનિટીની સંસ્કૃતિને સમજે, સ્વયં સસ્ટેઇનેબિલીટી કરતા શીખે.

શિક્ષકની ભણાવવાની પદ્ધતિ અને શૈલીનું અવલોકન કરવું જોઈએ.

મેરીટ આધારીત ભરતી કરવા કરતા વિવિધ અવલોકન પદ્ધતિઓ દ્વારા માર્કીંગ આપી નિમણૂંક કરવી જોઈએ. અમુક પદ્ધતિઓ આ મુજબ છે;

૧. વર્ગખંડમાં અવલોકન
૨. બાળમનોવિજ્ઞાનના વિવિધ ટેસ્ટ દ્વારા અવલોકન
૩. વિવિધ પ્રેકટીકલ કાર્યો (કોઈપણ કોમ્યુનિટીમાં રહીને રીપોર્ટ તૈયાર કરી તેના ઉત્કર્ષ માટે કામ કરવું, કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવું.)

વિષયવસ્તુની ચકાસણી માટે સમાયાંતરે ટેસ્ટનું આયોજન.

આપણી વ્યવસ્થામાં ટેલેન્ટેડ અને પ્રતિભાશાળી યુવાવર્ગ શિક્ષણના વ્યવસાયને પ્રાધાન્ય આપવા કરતા ડૉક્ટર, એન્જીનિયર, મેનેજમેન્ટ અને મલ્ટી નેશનલ કંપનીઓને વધારે પ્રાધાન્ય આપે છે. આ વર્ગને શિક્ષણના વ્યવસાયમાં આકર્ષિત કરવા માટે પ્રયત્નો કરવા પડશે.

શિક્ષક બનાવવા માટે શૈક્ષણિક યોગ્યતા અથવા ડિગ્રીની સાથે-સાથે ટેલેન્ટ, સ્કીલ, એટિટ્યુડ, એપ્ટિટ્યુડ પર ભાર મુકવો જોઈએ.

કોઈની પાસે ડિગ્રીના હોય પણ શિક્ષક બનવા માટેની બીજી યોગ્યતા જેવી કે બાળમનોવિજ્ઞાનની સમજ, વર્ગખંડનુ આયોજન, સામાજીક જરૃરિયાતની સમજ, દીર્ઘદૃષ્ટી, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો એહસાસ હોય તો તેવા લોકોને પણ શિક્ષકનો વ્યવસાય સોંપી શકાય છે. કોઈ કહી શકે કે આ તો મોટો અખ્તરો છે પણ આ અખ્તરો કરવો પડે એવો છે કારણ કે ચાણક્ય પણ કોઈ બી.એડ. કોલેજમાં ભણેલા ન હતા.

ભવિષ્યમાં સારા શિક્ષકો મળી રહે તે માટે ભાષા અને ગણિત-વિજ્ઞાનના શિક્ષણની સાથે-સાથે સામાજીક વિજ્ઞાન વિષય પર વધારે ભાર આપવો જોઈએ અને સામાજીક વિજ્ઞાનને વર્ગખંડમાં પુસ્તકો દ્વારા ભણાવવા કરતા પ્રેકટીકલ કાર્યો આપીને, મુલાકાત દ્વારા, સામાન્ય-જન સાથે ચર્ચા દ્વારા, મેગેઝીન દ્વારા, કોમ્યુનિટી એપ્રોચ દ્વારા ભણાવવું જોઈએ.

શિક્ષકોને કર્મચારી કરતા મુરબ્બી માનવા જોઈએ અને તે મુજબ સ્વતંત્રતા આપવી જોઇએ. એક શિક્ષકને એટલી સ્વતંત્રતા હોવી જોઈએ કે તે વિદ્યાર્થીઓના વાલીની જેમ વર્તે અને ભવિષ્યના સારા નાગરિકો તૈયાર કરે.

પણ

જેવી આપણી નીતિઓ અને વ્યવસ્થા તેવા જ નાગરિકો તૈયાર થશે. આજે આપણા સમાજનો જે બદહાલ છે તે આપણી શિક્ષણનીતિની દેન છે. જેટલો વધારે ભણેલો માણસ તેટલો મોટો કૌભાંડી થઈ રહ્યો છે. બેટી-બચાવોનો બંડ પોકારતી સરકાર ભણેલા લોકોને ગર્ભપાત કરાવતા રોકી શકતી નથી. આટલા મસ-મોટા આયોજન અને મબલખ ખર્ચાઓ પછી પણ આપણે સ્ત્રી-ભ્રુણ હત્યાને રોકી શક્યા નથી. એના માટે જવાબદાર સરકાર નહી પણ ખુદ આપણે જ છીએ. આપણી સંવેદનાઓ મરી પરવારી છે. આપણે બુરાઈઓને બુરાઈ સમજતા નથી. કારણ કે આપણને કોઈનો ભય નથી. આપણે ઇશ્વરથી ભયભીત હોવાનું નાટક કરીએ છીએ અને પ્રેમ નથી કરતા. ઇશ્વરીય માર્ગદર્શનને નેવે મુકીને કોઈપણ નીતિઓ બનાવવામાં આવશે તેનું આવુ જ પરિણામ આવશે. અને આનાથી પણ વધારે માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

ahs.sio@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments