Friday, April 26, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઆત્મશુદ્ધિમાં નેક લોકોની સોબતનું મહત્વ -૧

આત્મશુદ્ધિમાં નેક લોકોની સોબતનું મહત્વ -૧

માનવી સોબતથી બને છે. સારી સોબત પ્રાપ્ત થાય તો સારો બને છે, અને ખરાબ સોબતમાં પડી જાય તો ખરાબ બને છે. આ નિયમને સમજવા માટે બહુ દૂર જવાની જરૂરત નથી. જે ઘરોમાં બાળકોને બાપની સોબત પ્રાપ્ત થાય છે, માનસિક તજજ્ઞો કહે છે કે તે બાળક શિક્ષણમાં તે બાળક કરતાં ઉત્તમ પ્રતિભાનું પ્રદર્શન કરે છે જેને બાપની સોબત પ્રાપ્ત ન હોય. એક દીનદાર સજ્જન હું ઓળખું છું જે લગભગ ૧૮ વર્ષથી ખાડીના દેશમાં પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવામાં વ્યસ્ત છે. અહીંયા તેમનો એક પુત્ર જે ૧૮-૧૯ વર્ષનો છે, તે દરરોજ રાત્રે એક ગેરમુસ્લિમ છોકરી સાથે દૂરના મોહલ્લામાં આવેલ તેમના જ એક ખાલી મકાનમાં સૂવા માટે જાય છે. નજીકમાં જ આવેલ મોહલ્લાની મસ્જિદના લોકોએ બંનેને પકડી પાડ્યા અને હંગામો મચાવ્યો, કે બંને નિકાહ કરી લે, પરંતુ તેના માટે તે તૈયાર નથી. પોતાનું દુન્યવી ભવિષ્ય ઉજવળ બનાવવા ખાતર પોતાની અને પોતાના પુત્રની મૃત્યુ પછીનું જીવન બગાડી રહ્યા છે.

આવી જ રીતે એક અન્ય સજ્જન ઘણી મુદ્દતથી પરદેશ રહે છે. એક દોઢ વર્ષથી તેમનો ૨૦ વર્ષનો પુત્ર ઇસાઈયત તરફ આકર્ષિત હતો. ગયા અઠવાડિયે જ આ દુઃખદ સમાચાર મળ્યા કે તે ઈસાઈ બની ગયો છે.

ઉપરોક્ત બંને ઉદાહરણોથી નસિયત મળે છે કે જે બાળકોને બાપની સોબત નસીબ નથી થતી તે કેવી રીતે ભટકી જાય છે. આ જ કારણથી કુઆર્નએ સારી સોબત અપનાવવા માટે પ્રેરણા આપી છે.

કુઆર્ન અને નેક લોકોની સોબત :

“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહથી ડરો અને સાચા લોકોનો સાથ આપો.”
(સૂરઃ તૌબા-૧૧૯)

સત્યનિષ્ઠ લોકો એટલે જેમની જિંદગીનો પાયો સત્ય ઉપર હોય. સત્ય બોલનારા હોય, વિશ્વની મહાન સત્યતાને તેમણે પામી લીધી હોય, સત્ય માર્ગ ઉપર ચાલનારા હોય, સત્યનો પ્રચાર કરતા હોય. તેમની સોબતથી દીનની સમજ પેદા થશે.

કુઆર્ન કહે છે : “અને એ કંઈ જરૂરી ન હતું કે ઈમાનવાળા બધા જ નીકળી પડતા, પરંતુ આવું શા માટે ન થયું કે તેમની આબાદીના દરેક ભાગમાંથી કેટલાક લોકો નીકળી આવ્યા હોત અને દીન (ધર્મ)ની સમજ પેદા કરી હોત અને પાછા જઈને પોતાના વિસ્તારના રહેવાસીઓને ચેતવ્યા હોત જેથી તેઓ (બિનઇસ્લામી વર્તનથી) બચ્યા હોત.” (સૂરઃતૌબા-૧૨૨)

આથી ઇસ્લામી ઇતિહાસમાં આપણે દેખીએ છીએ કે નબી (સ.અ.વ.)ની સોબતનો લાભ ઉઠાવવા માટે સહાબા (રદી.) વારા નક્કી કરતા અને હાજરી આપતા. કેટલાક સહાબા (રદી.) હંમેશ માટે આપની સોબતનો લાભ ઉઠાવવા માટે રાત-દિવસ મસ્જિદમાં જ રહેતા, જેમને ‘અસ્હાબે સુફ્ફા’ કહેવામાં આવે છે. આપ (સ.અ.વ.)ની જિંદગી પછી સહાબા (રદી.)નું એવું આશ્રયસ્થાન હતું કે જેમની પાસે તાબેઈન હાજરી આપતા અને પોતાના વ્યક્તિત્વને નિખારતા.

માનવ મનની પવિત્રતા માટે અલ્લાહએ ફકત કુઆર્ન જ અવતરિત નથી ફરમાવ્યું, પરંતુ તેની સાથે જ નબી (સ.અ.વ.)ને પણ મોકલ્યા, જેથી લોકો કિતાબ અને કિતાબના માલિક બંનેથી લાભાન્વિત થાય અને સત્ય તો એ છે કે કિતાબના માલિક વગર કિતાબનો સાચો લાભ અસંભવ છે. આ દુનિયાનો સાધારણ નિયમ છે કે વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્તિ માટે સ્કૂલ અને કોલેજમાં જાય છે. કારણ કે કિતાબની સાથે શિક્ષણથી પણ લાભ પ્રાપ્ત થાય. જો આ બિનજરૂરી હોત તો આ દુનિયામાં સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપિત કરવી નિરર્થક હોત અને વિદ્યાર્થી ફકત પુસ્તકો વાંચીને જ અલ્લામા, ફાઝિલ, એન્જિનિયર અને ડૉક્ટર બની જાય. પોસ્ટલ કોર્ષમાં પણ અમુક વિશેષ હોય છે. આપણે બીમાર હોઈએ છીએ તો હકીમ અને ડૉક્ટર પાસે જઈએ છીએ, તે આપણી નાડી ઉપર હાથ મુકીને બતાવી દે છે કે બીમારી શું છે? અને તેનો ઇલાજ કેવી રીતે શક્ય બનશે. ફકત પુસ્તક વાંચીને માણસ દવા લેતો નથી જ્યારે શારીરિક રોગો માટે ડૉક્ટર-હકીમ પાસે જવુ આવશ્યક હોય તો આત્મિક, વિદ્યાકિય, વૈચારિક, દીની બીમારીઓ અને મસલા-મસાઈલમાં દોષ, ખામીથી શુદ્ધ, તંદુરસ્ત વિચારધારા, દિલની સ્વચ્છતા, સંસ્કાર અને વર્તનની સુધારણા કોઈ આધ્યાત્મીક તબીબની સોબત વગર કેવી રીતે નિખારી શકાય છે?

આ વિષે મૌલાના કારી મુહમ્મદ તૈયબ (રહ.) ફરમાવે છે ઃ “જ્ઞાન અને વર્તનમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટેની સર્વશ્રેષ્ઠ રીત સોબતનો લાભ ઉઠાવવો છે. અલ્લાહવાળા અને દીનના આદરણિય બુઝુર્ગોની સેવામાં રહીને તેમની વાણી જ્યારે વ્યક્તિ સાંભળે છે તો જ્ઞાન વ્યક્તિના દિલમાં ઉતરી જાય છે. તેમની સોબતના ફાયદાથી વર્તનની સુધારણા થઈ જાય છે.

સહાબાને સહાબા એટલા જ માટે કહે છે કે તેઓ મુહમ્મદ સલ્લ.ની સોબત પામેલા હતા. સહાબા રદી. આવી રીતે ઇલ્મ નહોતા પ્રાપ્ત કરતા કે કોઈ પુસ્તક સામે ખુલ્લુ છે અને રાત-દિવસ તેનું અધ્યયન કરતા રહેતા હોય, જેવી રીતે આપણે અધ્યયન કરીએ છીએ તે મુહમ્મદ સલ્લ.ની સંગતમાં બેસીને સોબતનો ફાયદો ઉઠાવતા. સોબતની બરકતથી તેઓ આલિમ, આરીફ, કામિલ, ઝાહિદ અને દુરવેશ બની ગયા.” (ખુત્બાતે હકીમુલ ઇસ્લામ, ભાગ-૩, પા. ૧૫૪)

તઝકિયા (આત્મશુદ્ધી)નો વિરોધાર્થી શબ્દ છે ‘તદ્સિયા’. તઝકિયા માટે સારી સોબત દ્વારા મનુષ્ય જ્ઞાન અને સદ્વર્તન શીખે છે. આવી જ રીતે ખરાબ સોબતથી મનુષ્યના મનનો તદ્સિયા (અધઃપતન) થવા માંડે છે. અર્થાત્ તેના મનમાં અચ્છાઈ (સત્યમાર્ગ) તરફ આગળ વધવા, સારા થી અતિસારા બનવા, સુંદરથી સુંદરતમ બનવા માટેની જે સંભાવનાઓ રાખવામાં આવી છે તે દબાઈને રહી જાય છે. તેનું દૃષ્ટાંત કુઆર્નમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે; “ખરેખર સફળ થઈ ગયો તે જેણે આત્માને વિશુદ્ધ અને વિકસિત કર્યો, અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધો. સમૂદે પોતાના વિદ્રોહના જ કારણે ખોટું ઠેરવ્યું. જ્યારે તે જાતિનો સૌથી વધુ દુર્ભાગી માણસ વીફરીને ઊભો થયો,” (સૂરઃ શમ્સઃ૯-૧૨)

આ આયતોમાં તદ્સિયાનું એક જબરદસ્ત દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. અલ્લાહવાળાઓની સોબતથી તઝકિયા થાય છે, તો બીજી તરફ નિષ્ઠુર, નિર્દયી માણસોના અનુસરણ અને માર્ગદર્શનથી તદ્સિયા થાય છે. આ માટે વધારે સ્પષ્ટ દલીલ સમુદ કોમની છે જ્યારે તેમણે આભાગી દુષ્ટ આગેવાનની સોબત ગ્રહણ કરી, તેનું અનુસરણ કર્યું તો ભલાઈ તરફ વધવાની સઘન શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ અને પોતાની જાતને અલ્લાહના ગઝબના પાત્ર બનાવી દીધા.

હદીસમાં નેક (સદાચારી) લોકોની સોબત :

નેક લોકોની સોબતના વિષયમાં ઉપરોક્ત કુઆર્નની દલીલો હતી. હદીસોની રોશનીમાં આ વાત વધારે પ્રમાણિત થઈ જાય છે. મુહમ્મદ સલ્લ.એ ફરમાવ્યું; “અત્તર વેચનારની મિત્રતા કરો, લુહારની મિત્રતા ન કરો.”

એટલા માટે કે અત્તર વિક્રેતાની સોબત અને અત્તરની દુકાનમાં બેસવાનો ફાયદો એ છે કે અત્તરના થોડા ટીપા અને છાંટા સેમ્પલના રૃપે લાગી જ જશે. ઓછામાં ઓછું અત્તરની ખુશ્બુમાં રહેવાથી મગજ સુગંધથી તર થઈ જશે. તબિયતમાં પ્રસન્નતા અને આનંદની લાગણી પેદા થઈ જશે. તેનાથી વિપરીત લુહારની સોબત નુકસાન એ થશે કે લુહાર જ્યારે લોખંડ ગરમ કરીને હથોડો મારે છે તો તેનાથી માથુ ચડી જાય છે. થોડાક તણખા કપડા ઉપર પડી જાય તો કપડા ઉપર કાણા પડી જશે. ધુમાડાથી ચહેરો કાળાશ પડતો થઈ જશે. આ દૃષ્ટાંત મુહમ્મદ સલ્લ.એ સરળ વાણીમાં સારી સોબત અને ખરાબ સોબતના ફાયદા અને નુકસાન વર્ણવ્યા છે… (વધુ આવતા અંકે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments