Friday, April 19, 2024
Homeલાઇટ હાઉસઅલી જાહઇઝ્ઝત બગોવિચ

અલી જાહઇઝ્ઝત બગોવિચ

યે નૂર ખુદા કા હય, બુઝાયે ન બુઝેગા

કુછ દમ હય અગર તુઝમેં, તો આ તૂભી બુઝા દેખ

હય સુન્નતે અરબાબ વફા, સબ્ર વ તવક્કલ

  છૂટે ન કહીં હાથસે, દામાને ખુદા દેખ

“જો આપણે દુનિયામાં આપણા સ્થાનને સાચી રીતે સમજવા માગતા હોઈએ તો તેનો એક જ માર્ગ છે કે આપણે અલ્લાહની ફરમાબરદારીને સ્વીકારી લઈએ અને આ રીતે આપણે શાંતિ અને સલામતિના કિલ્લામાં આવી જઈએ. આપણા પ્રયત્નોની દિશા એ ન હોવી જોઈએ કે આપણે દરેક વસ્તુ ઉપર પ્રભુત્વ મેળવી લઈશું. પરંતુ એ પ્રયત્ન હોવો જોઈએ કે આપણે આપણું અસ્તિત્વ આપણી સ્થિતિ અને આપણા વર્તમાન સમયને સમજીએ અને આ સમય અને જમાનાને ઓળખીએ જેમાં આપણએ અલ્લાહની રજામંદીથી જિંદગી ગુજારીએ છીએ. જિંદગીની અતૃપ્ત મનેચ્છાઓનો એક જ શ્રેષ્ઠ અને સાચો ઇલાજ છે, અને તે એ કે અલાહની પૂર્ણ તાબેદારી અપનાવી લેવામાં આવે. આ એ કે એવો માર્ગ છે જેમાં કોઈ બંડ, નિરાશા કે આત્મહત્યાને સ્થાન નથી. આ એક નમૂનારૃપ લાગણીસભર જોશ છે, એક હીરોનો નહી ંપરંતુ એક સામાન્ય વ્યક્તિનો જોશ છે જેણે પોતાના ફર્ઝને પુરૃ કર્યું છે અને જેણે પોતાની તકદીરને પણ સ્વીકારી લીધી છે. ઇસ્લામ, ફકત તેના નીતિ-નિયમો, મનાઈ હુકમો અને આજ્ઞાઓનું જ નામ નથી અને ન જ તે શારીરિક અને આત્મિક શક્તિઓથી ધારણ કરવામાં આવ્યું છે, પરંતુ ઇસ્લામ તો એ સઘળા કાર્યોને સાંકળી લે છે અને તે સર્વથી ઉચ્ચ છે. જ્ઞાન અને આત્માની શક્તિથી અલ્લાહની તાબેદારીની સચ્ચાઈથી ઈમાનની વૃદ્ધિ થાય છે. અલ્લાહની ઇતાઅતનું નામ જ ઇસ્લામ છે.”  

– અલીજાહઇઝ્ઝત બગોવિચ

જન્મ અને બાળપણ: અલીજાહ બેગોવિચ ૧૮ ઑગસ્ટ ૧૯૨૫ના દિવસે બોસાન્સ્કી સામાકના ઉત્તરીય બોસ્નીયામાં પેદા થયા. પ્રાથમિક શિક્ષણ સારાજીયોમાં પ્રાપ્ત કર્યું. બાળપણથી જ બુદ્ધિપ્રતિભા અને સમસ્યાઓ ઉપર ચિંતન-મનન કરવાનું માનસ ધરાવતા હતા. નેતૃત્વની યોગ્યતાઓ કૂટી-કૂટીને ભરેલી હતી. તેમણે પશ્ચિમી સંસ્કૃતિ અને તેની વિચારધારા ખાસ કરીને કોમ્યુનિઝમનો ઊંડો અભ્યાસ કર્યો. આ વિચારધારાની તેમણે જોરદાર ટીકા ટીપ્પણી કરી. આ ગુના માટે તેમને બે વખત જેલની હવા ખાવી પડી. હજુ તે ૧૯ વર્ષની ઉંમરના જ હતા કે નવયુવાનોની એક સંસ્થાની સ્થાપના કરી. જેના દ્વારા પશ્ચિમી વિચારધારા તથા શસ્ત્રોના આક્રમણનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પોતાના વિચારોને પ્રગટ કરવા માટે તેમણે એક અખબાર પણ શરૃ કર્યું.

૧૯૪૨માં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને તેમણે કાયદાશાસ્ત્ર તરફ ધ્યાન આપ્યું અને ૧૯૫૬માં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી. અલીજાહઇઝ્ઝત એક સર્વગ્રાહી વ્યક્તિત્વના સ્વામી હતા. ભલે તે શરૃઆતથી જ રાજનીતિમાં સક્રિયપણે ભાગ લેતા હતા તેમ છતાં તેમણે કદાપિ અભ્યાસ પ્રત્યે બેદરકારી દાખવી નહીં. તેમની શૈક્ષણિક વિશેષતા અને શોખને જાણવા માટે આ શું ઓછું છે કે તેમણે કેટલાક વિષયોમાં ડૉકટરેટની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.

ધારધાર કલમ: અલી જાહઇઝ્ઝતની રાજકારણમાં કારકિર્દીનો પ્રારંભ યુગોસ્લાવિયાની કોમ્યુનિસ્ટ સરકાર પર ટીકા ટીપ્પણી અને ઇસ્લામી રાજ્ય વ્યવસ્થાને શ્રેષ્ઠ બદલ તરીકે રજુ કરવાથી થયો. તેમના ઘણા ખરા પુસ્તકોના વિચારોની શ્રેષ્ઠતાથી પ્રભાવિત થવા છતાં જ્યારે દલીલોને તેઓ પચાવી ન શકયા તો તેના ઉપર પ્રતિબંધ લગાવી દીધો. ૧૯૮૩માં તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે તે સરકારના વિરુદ્ધમાં ષડયંત્ર રચીને એક અલગ રાજ્ય બનાવવા ઇચ્છે છે અને આ વાતની સાબિતીમાં તેમનું પુસ્તક ‘ઇસ્લામી મન્શૂર’ને રજુ કરવામાં આવ્યું. ૧૪ વર્ષની જેલની સજા પણ તેમના મક્કમ ઇરાદાને ઠંડો પાડી શકી નહીં અને કેદ દરમ્યાન જ વિયેનાથી પ્રકાશિત થનાર તેમનું બીજુ પુસ્તક ‘ઇસ્લામ અને પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિની ટક્કર’એ પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચાવી દીધો.

લડાઈના મેદાનો સાથે સંબંધઃ અલીજાહઇઝ્ઝત એક જ સમયમાં એક રાજનીતિજ્ઞ, યુદ્ધ સેનાપતિ અને સમગ્ર મુસ્લિમ કોમના નેતા હતા. યુગોસ્લાવિયાના ભાગલા પડયા પછી ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૨માં રેફરન્ડમ બોસ્નીયાની આમ જનતાએ સ્વતંત્રતાનો નિર્ણય કર્યો. પરંતુ સર્બોને આ નિર્ણય પસંદ પડયો નહીં. તેના પછી એક લોહીયાળ ઇતિહાસ રચાઈ ગયો. જેના વર્ણન માટે જીભ અને કલમ લાચાર છે. સામુહિક રીતે બે લાખ અને સાઇઠ હજાર લોકો માર્યા ગયા. અઢી કરોડ ઘરબાર વિહોણા થયા અને કેટલાય લાખ બોસ્નાઈ મુસલમાનો ઘાયલોના કેમ્પમાં ડુસકાં ભરતા રહ્યા. ૫૦ હજારથી વધારે સ્ત્રીઓની અસ્મતો લૂંટવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘના કાનો ઉપર જૂ સુદ્ધાં સરવળી નહીં. આ વિનાશાજનક વાતાવરણમાં કોમના મહાન નેતા અલીજાહઇઝ્ઝતે કોમની હિમ્મતને તૂટવાથી બચાવી લીધી. જ્યારે પશ્ચિમી દેશોએ હાથ અધ્ધર કરી દીધા તો તેમની પાસે શાંતિની ભીખ માગવાના બદલે અલીજાહઇઝ્ઝતે આ વંશેચ્છેદ વિરુદ્ધ ખુદ બોસ્નાઈ અને બીજા મુસ્લિમ દેશોમાંથી આવનાર મુજાહિદોની સફબંદી કરી અને સર્બોને આ વંશોચ્છેદનો જડબાતોડ જવાબ આપ્યો. જ્યારે મુજાહિદોએ ઘણા ક્ષેત્રોમાં સફળતાના ઝંડા રોપી દીધા ત્યારે રાષ્ટ્રસંઘના કાન અધ્ધર થયા અને વેનિટનનો કરાર કરવામાં આવ્યો. કોમ્પ્યુનિસ્ટ યુગની પૂર્ણાહુતિ પછી બોસ્નાઈ પ્રજાના જબરદસ્ત આગ્રહથી તે આઝાદ બોસ્નીયાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પરંતુ એક ઇસ્લામી જીવન વ્યવસ્થા ઉપર અમલ કરવાવાળા ઇસ્લામી રાષ્ટ્રને પશ્ચિમના ઠંડા પેટવાળા ક્યાંથી સહન કરવાના હતા? આથી અંતે રાષ્ટ્રસંઘના દબાણ હેઠળ અલીજાહઇઝ્ઝતે તે કરાર ઉપર દુઃખી હૃદય અનિચ્છાએ હસ્તાક્ષર કરી દીધા. જેના અંતર્ગત બોસ્નીયાને દસ ભાગોમાં વહેંચીને ૪ મુસલમાનોને સોંપવામાં આવ્યા અને એખ સરાજીયોને સામાન્ય શહેર ઠરાવવામાં આવ્યુ તો પણ સર્બોને એગ્રીમેન્ટના મેજ ઉપર લાવીને બેસાડયા એ પણ અલીજાહ-ઇઝ્ઝતની મહત્ત્વપૂર્ણ સિદ્ધી છે. પરંતુ આ અત્યાચારી અને એક તરફી એગ્રીમેન્ટ ઉપર સહી કરવા બદલ તેમને જીવન ભર પસ્તાવો રહ્યો અને એટલા જ માટે તેમણે જુન ૨૦૦૦માં પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું.

દમે વાપસી: એક લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત અલીજાહઇઝ્ઝત ૧૯ ઓકટોબર ૨૦૦૩ના દિવસે સરાજીયોની સેન્ટ્રલ હોસ્પીટલમાં સંતોષની સાથે બે રકાત નમાઝ પઢયા પછી દાઈએ અજલસને લબ્બૈક કહી દીધું અને ઇસ્લામી દુનિયામાં મૃત્યુનો શોક પાળવાની લાઈન લાગી ગઈ. અલ્લાહ તઆલાથી દુઆ છે કે તે આ તલવાર અને કલમના ઘણી, કોમના લીડર અને પરાક્રમી મુજાહિદને અજરે અઝીમથી નવાજે અને તેમની વફાતથી ન ફકત બોસ્નીયા પરંતુ ઇસ્લામી જગતમાં જે ખાલીપો ઉત્પન્ન થયેલ છે, તેને એક સર્વોત્તમ નેઅમત દ્વારા પૂર્ણ કરી દે. (આમીન)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments