Friday, March 29, 2024
Homeપયગામઅભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીની કરોડરજ્જુ

અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીની કરોડરજ્જુ

જમાઅતે ઇસ્લામી હિંદ – ગુજરાત, પી.યુ.સી.એલ – ગુજરાત અને એસ.આઈ.ઓ. ગુજરાત તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અહિંસાશોધ ભવન, ગુજરાત વિદ્યાપીઠ ખાતે “લોકશાહી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય” વિષય ઉપર એક ચર્ચાગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીચે અમે અમીર, જમાઅતે ઇસ્લામી હિન્દ – ગુજરાત
જનાબ શકીલઅહમદ રાજપૂતનું એ વ્યાખ્યાન, જે તેમણે ચર્ચાગોષ્ટીમાં રજૂ કર્યું હતું. વાંચકોના રસ હેતુ લેખ લાંબો ન થાય તે માટે એનો સાર પ્રસ્તુત છે. (તંત્રી)

પેડ ખામોશ હોના ચાહતેં હે,   મગર હવાયે હેં કી રુકતી નહીં   (જોસ મારિયએ કહ્યું હતું) શું આપણા બુદ્ધિજીવીઓ એમ સમજી રહ્યા છે કે કન્હૈયા અને ઉમર જેલથી બહાર આવી ગયા છે તો સમસ્યા ખતમ થઈ જશે અને શાંત દરિયામાં જે તોફાની મોજા ઉઠતા હતા તે સમી જશે, ભારતની લોકશાહીમાં જે કંપન ઉભા થયા છે, આપમેળે થંભી જશે ? આજે સ્વઘોષિત રાષ્ટ્રવાદના બણગા વાણી સ્વાતંત્રતા ઉપર તરાપ મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બંધારણીય અધિકારનું હનન કરી રહ્યા છે અને વિચારથી અસંમતિને રાષ્ટ્રદ્રોહના ખાનામાં મુકવામાં આવી રહ્યું છે. દેશમાં બની રહ્યા બનાવોની સમીક્ષા કરીએ તો એવું લાગે છે કે રમતની સ્ક્રિપ્ટ પડદાની પાછળથી લખવામાં આવી રહી છે અને યોજના મુજબ તેનું અમલ થઈ રહ્યું છે. ફાસીવાદના ઓથા હેઠળ આપણી લોકશાહી ટોળાશાહી બલ્કે જંગલરાજ તરફ કૂચ કરતી દેખાઈ રહી છે. દેશના સામાન્ય નાગરિકની સમસ્યાઓને પહોંચી વળવામાં સફળતા નથી મળી તો નોન ઇસ્યૂ બનાવીને ચગાવવામાં આવી રહ્યા છે.

ગાંધીજી લખે છે, ‘વાણી અને લેખનની આઝાદી સ્વરાજનો પાયો છે.’ (હરીજન ૨૯-૪-૪૦). ‘ફકત વ્યક્તિની આઝાદી જ સમાજને પ્રગતિશીલ બનાવે છે. જો તેની પાસેથી તે ખૂંચવી લેવામાં આવે તો તે રમકડૂં બની જાય અને સમાજનું અસ્તિત્વ જ મટી જાય. વ્યક્તિ સ્વાતંત્ર્યને નકારીને કોઈ સમાજ બની શકતો નથી, તે માનવીની પ્રકૃતિની વિરુદ્ધ છે.’ (હરીજન ૩ ફેબ્રુ. ૧૯૪૨)

પ્રોફેસર મેમનના વ્યાખ્યાનો કો તોડી મરોડીને સંદર્ભથી જૂદું કરી રજૂ કરવામાં આવ્યું કે જેથી તેમને રાષ્ટ્રદ્રોહી ઘોષિત કરી શકાય. આ જ રીતે ગોહર રઝાને પણ નિશાન બનાવવામાં આવ્યા.

આ તેમની બાળ-સમઝ છે કે તેઓ કથિત રાષ્ટ્ર દ્રોહીયો વિરુદ્ધ પોતાની શક્તિનો ઉપયોગ કરી આઝાદીના સાચા સેનાનીઓના તેમના દાવેદાર બની શકશે.

અંગ્રેજી અખબાર ‘ધ ટીબયુન’નું સંપાદકીય ‘એ એનીમી વિથઈન’માં લખે છે કે એક પછી એક સેકયુલર લોકોને નીશાન બનાવવાના પ્રાથમિક કારણોને સંઘની વાર્ષિક બેઠકમાં ઉજાગર કરવામાં આવ્યો. વાસ્તવમાં વિશ્વ વિદ્યાલયોમાં રાષ્ટ્ર વિરોધીઓ પર અને દેશની બરબાદીના સૂત્રોના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરીને ભગવા એજન્ડાની સામે જે રચનાત્મક અને તર્કશીલ વિરોધ ઊભો થઈ રહ્યો છે તે માર્ગને બંદ કરવાનો સ્પષ્ટ પ્રયત્ન છે. આજે હિંદુત્વના હિમાયતીઓના ‘અચ્છે દિન’ આવ્યા છે ત્યારે તેમની હામાં હા ના કરવી અથવા સરકારી નોકર તરીકે સંવૈધાનિક પર ટકી રહેવું તેમના અત્યાચારનું કારણ બની શકે છે.

દા.ત. અરવિંદ સુબ્રમણ્યમ કે જે પ્રધાનમંત્રીજીના ચીફ ઈકોનોમી એડવાઈઝર છે. મુંબઈના એક કાર્યક્રમમાં તેમને બીફ બેનનો અર્થતંત્ર પર શું પ્રભાવ પડયો એવા પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, ‘આપ જાનતે હૈ કે અગર મેને આપકે સવાલ કા જવાબ દિયા તો મેરી નોકરી ચલી જાયેગી, લેકિન ઈસ એહસાસ કે બાવજૂદ મેં આપકે સવાલ કી કદર કરતા હું.’

કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે રોહિત વેમુલા જેવા રિસર્ચ સ્કોલરને આત્મહત્યા કરવાની ફરજ પડે, અને પ્રદર્શનકારીઓને પોલીસના ડંડા ખાવા પડે, લોકશાહીઅને વાણી સ્વાતંત્રતા ઉપર કલંક સમાન જેેએનયુમાં જે ઘટના બની તેનાથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. જેના વિશે રાજનાથજીએ કીધું હતું કે, ‘યે હાફીઝ સઈદ કે ઈશારે પર હુવા હૈ. જો કે જે વીડિયોને સરકાર સાબિતી રૃપે મૂકી રહી હતી તે બનાવટી સાબિત થયા. જેના આધાર પર કનૈયાને જામીન મળી ગયા. કનૈયાએ તો વાણી સ્વાતંત્રતા અને બંધારણની સીમામાં રહીને જે સૂત્રો પોકાર્યા હતા પરંતુ સત્તા પક્ષના એક નેતાએ કુલદીપ, જિલ્લા અધ્યક્ષ, બદાયુ) કનૈયાની જીભ કાપનારાને પ લાખનું ઈનામ ઘોષિત કર્યું, અને એવા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા કે તેને ગોળી મારનારને ૧૧ લાખ ઈનામ આપવામાં આવશે. અહીં સુધી કે કોર્ટ પરિસરમાં કાળા કોટમાં સજ્જ લોકો દ્વારા ધોલાઈ કરવામાં આવે. એફટીઆઈઆઈ (ફીલ્મ એન્ડ ટેલિવિજન ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા)માં ગજેન્દ્ર ચૌહાણને ચેરમેન બનાવવા બદલ વિદ્યાર્થીઓના પ્રદર્શનને કચડવામાં આવે અને કેરળમાં એસઆઈઓના વિદ્યાર્થીઓ ઉપર અમાનવીય લાઠીચાર્જ કરવામાં આવે. ‘દેશભકતો’ની આ કેવી દેશભક્તિ છે કે એશિયાનેટની એન્કર સિંધુ સૂર્યકુમારને દેશદ્રોહના મામલામાં રાખેલ એક ટોક શોમાં મહીશાશુર જયંતીનો પત્ર વાંચી સંભળાયો જે સ્મૃતિ ઈરાનીએ કેટલાક દિવસો પહેલાં સંસદમાં વાંચ્યો હતો, તે બદલ તેને ર હજાર ધમકીભર્યા ફોન કોલ આવ્યા. વધી રહેલા આવા બનાવો પાછળ કોમવાદી અને ફાસીવાદી શક્તિઓની માનસિકતા છતી થાય છે, જે દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશ માટે ચિંતાનો વિષય છે.

એકબાજુ બંધારણીય હદોમાં શાંતિપ્રિય રીતે પોતાના વિચાર રજૂ કરનારા લોકોની અવાજને સામ-દામ, દંડની નીતિ દ્વારા કચડવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ હેટ સ્પીચ કરનારા અને કાનૂન વ્યવસ્થાના ભંગ કરનારા લોકોને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ વાણી સ્વતંત્રતાના રક્ષક ‘મોનેન્દ્રજી’ વાણીના સદ્ભાવના ઉપવાસ ઉપર બેસેલા હોય એવું લાગે છે.

રપ વર્ષ પહેલા જ્યારે બાબરી મસ્જિદ વિધ્વંશની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે એક કવિતા લખી હતી ‘જો ઈસ પાગલપન મેં શામિલ નહીં હોંગે મારે  જાયેંગે, આ વાત તે સમય કરતા આજે વધારે પ્રાસંગિક લાગી રહી છે.

વારીસ પઠાણને ‘ભારત માતા કી જય’ ના બોલવા પર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે જ્યારે કે તેમને જયહિંદ બોલવામાં કોઈ વાંધો નથી, આ ખૂબ જ ગંભીર બાબત છે અને તેમાં સત્તા પક્ષ જ નહીં વિપક્ષએ પણ વિચારવું જોઈએ કેમ કે આ બનાવમાં કોંગ્રેસના ધારાસભ્ય રાધાકૃષ્ણએ જણાવ્યું કે, ‘કોઈ પણ રાષ્ટ્રવાદી લાગણીઓ પર કુઠારાઘાત કરે તો તેને સહન નહીં કરી લેવાય, હું તેની સામે કડક પગલા લેવાની માંગ કરૃં છું.’ જેનાથી કોંગ્રેસ ઉદારવાદી હોવાના રાહુલના દાવાનો છેદ ઉડી જાય છે. તિમલોએ ૧૯૬પમાં હિન્દી ભાષા લાવવા સામે આંદોલન કર્યું હતું અને છેવટે સરકારને તે સ્વીકારવાની ફરજ પડી હતી કે હિન્દી ફરજિયાત નથી, મરજિયાત છે. આજ રીતે કોઈપણ પક્ષ કોઈ ખાસ સૂત્રને લાદી શકે નહીં તે સ્વૈચ્છિક રહેવું જોઈએ. સ્વામીનાથને નવગુજરાતમાં લખેલ એક આર્ટિકલમાં લખ્યું છે કે ભારતીય બંધારણમાં ઇન્ડિયા એટલે ભારત એવો ઉલ્લેખ છે, તેમાં માતાની વાત નથી. પ્રાચીન સમયમા ભારત પર ભરત રાજા રાજ્ય કરતા હોવાથી તેને ભારતવર્ષ (ભારતની ભૂમિ) કહેવામાં આવ્યું. હવે આ ભારત માતા કેવી રીત બની ગઈ ? તેનું મને આશ્ચર્ય થાય છે.’ લોકશાહીમાં તો વ્યક્તિને કોઈપણ ભાષામાં તેના વિચાર વ્યકત કરવાની આઝાદી હોય છે પરંતુ આજે કમનસીબે ભાષાને પણ અમુક લોકોએ કોમવાદી રંગ આપી દીધો છે, ઉર્દૂ સંપૂર્ણપણે ભારતીય ભાષા છે. આઝાદીની ચળવળમાં પણ ઉર્દૂએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ‘ઇન્કિલાબ ઝીંદાબાદ’ ખૂબ ગાજ્યો હતો અને સુભાષાચંદ્ર બોઝે બ્રિટિશ રાજને ઉખેડી ફેંકવા જે આર્મીની રચના કરેલી તેનું નામ ‘આઝાદ હિંદ ફોજ’ હતું હવે શું તેમને પણ કોમવાદી માનસિકતાથી પીડાતા લોકો પાકિસ્તાની ભાષા વાપરવા બદલ દેશદ્રોહી કહેશે ? અભિવ્યક્તિની સ્વતંત્રતાને બળજબરીપૂર્વક રૃંધી શકાય નહીં. Freedom of expression is a opportunity to audit our self.

અભિવ્યક્તિની સ્વતંત્રતા એ માનવીની ઓળખ છે, ધર્મોએ પણ તેને માન્ય રાખી છે. જ્યાં સુધી ઇસ્લામ ધર્મની વાત છે તે મુજબ અલ્લાહ દરેક માનવીને વિચારવાની, આચરણ કરવાની અને બોલવાની સંપૂર્ણ આઝાદી આપી છે, શરત એટલી જ છે કે કોઈને પીડા પહોંચાડવાનો  આશય ના હોય. માનવી માત્ર શારીરિક અસ્તિત્વ જ નથી બલ્કે મનોવૈજ્ઞાનિક existence પણ છે, તેથી તેનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે. એક અનાથ બાળક જે તેના મિત્રો સાથે રમતો હતો, કોઈ કામથી તેને પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) તેને ટોકવા ગયા, આપે તેને આ ખ્યાલ માત્રથી ન બોલાવ્યો કે કયાંક બાળક એમના વિચારે કે બીજા બાળકો રમી રહ્યા છે, જો કદાચ મારા માતા-પિતા હોત તો મને પણ રમવા દીધો હોત. ઇસ્લામ ધર્મ મુજબ આ દુનિયા એક પરીક્ષા ખંડ છે, અને પરીક્ષા ત્યારે જ શકય છે જ્યારે વ્યક્તિને ગમે તે લખવાની આઝાદી હોય. માનવીની વાણીની સ્વંત્રતા ઝૂંટવી લેવી એ એક પ્રકારની ગુલામી છે, અને ઇસ્લામે ગુલામીની નિંદા કરી છે. હઝરત ઉમર (ઈસ્લામના બીજા મહાન ખલીફા) કે એકવાર કહ્યું હતું કે ઈન કી માઓ ને ઇન્હેં આઝાદ પેદા કિયા થા તુમને ઇન્હેં કેસે ગુલામ બના લિયા. તે જ ઉમર જેમના ખિલાફત કાળથી પ્રભાવિત થઈ ગાંધીજીએ કહ્યું હતું કે, ભારતમાં ઉમર જેવું શાસન સ્થાપિત કરીશું. આ ખલીફા જ્યારે સત્તા ગ્રહણ કરતા ત્યારે લોકોને સાચા માર્ગે ચાલવાની અને લોકો વચ્ચે ન્યાય સ્થાપિત કરવાના શપથ લેતા અને કહેતા કે જો તમે મને ખોટા માર્ગે જુઓ તો આ તમારી ફરજ છે કે તમે મને સાચા રસ્તે લઈ આવો. આ પ્રક્રિયા ત્યારે જ શકય બની શકે જ્યારે નાગરિકોની વાણી અને અભિવ્યક્તિની આઝાદી હોય.

વિચારોના મતભેદ જ વ્યક્તિમાં બુદ્ધિમત્તા અને તાર્કિકતાનો વિકાસ કરે છે, વિચારો થકી જ માનવ સમાજ પ્રગતિ કરે છે, બીજા સજીવોની સરખામણીમાં આ જ વસ્તુ તેને શ્રેષ્ઠ બનાવે છે. વ્યક્તિ વાણી અને અભિવ્યક્તિ દ્વારા જ પોતાના વિચારો રજૂ કરે છે, સામાન્ય જનની સમસ્યાઓ,  સરકારની નબળાઈઓ, ટ્રાન્સપરન્સી, અન્યાયી નીતિઓ, સમાજની વાસ્તવિકતા, સંભાવનાઓ, અર્થતંત્ર તેમજ ન્યાયતંત્રના સુધારા વધારા વહીવટીતંત્રની ખામીઓ, વગેરે અભિવ્યક્તિની સ્વતંત્રતા દ્વારા રજૂ કરી શકાય છે. હવે જો આ જ વસ્તુને સમાપ્ત કરી દેવામાં આવે તો સભ્યતા અને સંસ્કૃતિ જ નહીં વિજ્ઞાનની વિકાસની ગાડી પણ ખોરવાઈ જાય. બેન્ઝામિન ફ્રેન્ક્લિન કહે છે,  વિચારવાની સ્વતંત્રતા સિવાય શાણપણ જેવું કશું હોઈ શકે નહીં, વાણી સ્વતંત્રતા જાહેર સ્વતંત્રતા જેવું કશું હોઈ શકે નહીં.

લોકશાહીને આપણે to the people, for the people, by th people  તરીકે ડિફાઈન કરીએ છીએ પરંતુ તેનો અર્થ કોઈ સમુદાય કે વર્ણની જોહુકમી નથી, બલકે કાનૂનની સર્વોપરિતા છે. લોકશાહીનો અર્થ એ પણ નથી કે લોકોની લાગણીને સંતોષવા ચુકાદા આપવામાં આવે, બલ્કે ન્યાયની સ્થાપના છે. લોકશાહી એટલે કોઈ ખાસ વર્ણ કે જાતિ, ધર્મ કે સમુદાય, ધરાવતા બહુમતી લોકોની શાસન વ્યવસ્થા નથી, બલ્કે દરેક ધર્મ, સંસ્કૃતિ, જાતિ, વર્ણ અને સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી વ્યવસ્થાનંુ નામ છે. કોઈપણ દેશમાં એ જ લોકશાહી વ્યવસ્થાને મજબૂત કહી શકાય જેમાં લઘુમતીઓના હકો સુનિશ્ચિત અને સુરક્ષિત હોય. કોઈ એક ખાસ સંસ્કૃતિ અથવા વિચારધારાને બળજબરીપૂર્વક લાદવાનું નામ ડેમોક્રેસી નથી, ફાસીવાદ છે. જે આંધળા રાષ્ટ્રવાદમાંથી જન્મે છે, એટલે જ આંધળો રાષ્ટ્રવાદ લોકશાહી માટે ઘાતક છે. જર્મનીમાં આ ફાસીવાદ racismના બીજથી ફૂટયું હતું ભારતમાં તે સંસ્કૃતિના પેટમાંથી નીકળ્યું છે.

લોકશાહી અને વાણી સ્વાતંત્ર્યનો સંબંધ પાણી અને માછલી જેવો છે. તેના માટે સ્વતંત્ર વાતાવરણ ફરજિયાત છે તે સખત માહોલમાં વિકસિત થઈ શકતી નથી.

આ આપણી સિદ્ધી છે કે આપણે લોકશાહીને ટકાવી રાખી છે, પરંતુ કમનસીબી આ છે કે છેવાડાનો નાગરીક અનુભવી શકે તેવી લોકશાહીને પામી શકયા નથી. વાણી સ્વતંત્રતા આપણો હક છે પરંતુ તેની સાથે ઘણી જવાબદારી પણ છે, અને તે છે દેશની અખંડિતતા, ભાઈચારા, સમાનતા અને પ્રેમનું વાતાવરણ બનાવી રાખવાનું, લોકશાહીનું જતન ત્યારે જ કરી શકાશે જ્યારે આપણે પીડાતા કરોડો દરિદ્ર અને મજૂર લોકોના આંસુ લૂછીશું, અજ્ઞાનતા, અસ્વસ્થ, અસમાનતાનું પતન થશે. બંધારણના ઘડવૈયા ડૉ. આબંડકર લખે છે, ‘Democracy is not merely a form of Goverment. It is primarily a mode of associated living, of conjoint communicated experience. It is essentially an attitude of respect and reverence towards our fellow men.’ – B.R. Ambedkar, Writings and Speeches

ડેમોક્રેસીનો ચોથો સ્થંભ મીડિયાને કહેવામાં આવે છે. આર્ટિકલ ૧૯-૧-એ હેઠળ માહિતી પૂરી પાડે છે બંધારણે અભિવ્યક્તિની આઝાદી ભલે જ આ કલમમાં આપી હોય પરંતુ તેમાં કયાંય પ્રેસ શબ્દનો ઉપયોગ થયો નથી પણ મૂળભૂત રીતે મીડિયા આ જ  axis ઉપર કામ કરે છે, આર્ટીકલ ૧૯ ર(બે)માં આ આઝાદી સિવાય ૮ શરતો પણ વર્ણવવામાં આવી છે, જેમાં ૧. દેશની અખંડિતતા અને ભાઈચારાને નુકસાન ન પહોંચાડવું, ર. દેશની સુરક્ષા પર આંચ ન આવવા દેવી, ૩. પબ્લિક ઓર્ડર અકબંધ રાખવો, ૪. દેશની પ્રતિષ્ઠા અને નૈતિકતા અકબંધ રાખવી, પ. કોઈપણ પરિસ્થિતિમાં કોઈની બદનામી ન કરવી, ૬. કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન ન કરવું, ૭. પાડોશી દેશથી સંબંધો ન બગડે તેનો ખ્યાલ રાખવો, ૮. કોઈને આત્મહત્યા માટે ઉશ્કેરણી ન કરવી.

આ બધી શરતો જોતા એવું કહી શકાય કે દેશમાં સૌથી વધુ મીડિયા એ જ આ શરતોનું ઉલ્લંઘન કર્યં છે. કોર્પોરેટ અને બીકાઉ મીડિયા આજે સરકારની ખુશામદખોર બની ગઈ છે. તેણે પોતાની હદો વટાવીને ન્યાયતંત્રમાં પ્રવેશ કર્યો હોય તેવું લાગે છે, તે માહિતી કે જાણકારી નહીં નિર્ણયો આપી રહી છે, સામાન્ય જનની વાચા બનવાને બદલે મૂડીવાદીઓની કઠપૂતળી બની ગઈ છે, વિચારો આપવાના બદલે માનસિકતા બનાવવાનું કાર્ય કરી રહી છે. દેશની વિવિધ મૂળ સમસ્યાઓને ઉજાગર કરી મીડિયાને સરકાર અને જનતા વચ્ચેનું માધ્યમ બનવું જોઈતું હતું પરંતુ તે સરકારની પ્રચારક બની ગઈ છે. અમુક લોકોને બાદ કરતા મીડિયા જગત આજે લોકશાહી અને બંધારણીય મૂલ્યોને સીધું નુકસાન પહોંચાડવાનું જ કાર્ય કરી રહ્યું છે.

૧પ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પં.જવાહરલાલ નેહરૃએ પાર્લામેન્ટમાં જે વ્યાખ્યાન આપ્યું હતું  મારી વાતને વિરામ આપીશ. તે આપણા સહુને યાદ રાખવું જોઈએ જેમાં તેમણે ધર્મ, કોમવાદ, સંકુચિત માનસિકતાથી ઉપર ઉઠી શાંતિ, સ્વતંત્રતા અને લોકશાહીને ટકાવી રાખવા સખત મહેનત કરવાની વાત કહી હતી. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments