Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસિધ્ધી તેને જઇ વરી જે પરસેવે નહાય

સિધ્ધી તેને જઇ વરી જે પરસેવે નહાય

મિત્રો, આપણે વારંવાર અનેક જગ્યાએ કેટલીક પરિસ્થિતીમાં અને કેટલાક મારા જેવાઓની વણમાગી સલાહ આપનારાઓના મોઢે સાંભળતા હોઇએ છીએ કે, અથાગ મહેનતનો કોઇ વિકલ્પ નથી, પરિશ્રમ એજ પુરૃષાર્થ, કર્મ વિના ફળ નથી વગેરે… સલાહ સૂચક વાક્યો આપણને ક્યારેક હથોડા જેવા પણ લાગે છે અને જેથી આપણે જો તેમાં મહદ્ંશે બંધબેસતા ન હોય એ તો આપણને એમ પણ લાગે કે આ બધા ‘બ્રહમવાક્યો’ મારા માટે નથી આ તો ટેન્શન વધારવાની ‘મિસાઇલો’ માત્ર છે.

આજે આપણે જોઇએ છીએ કે સમાજનો એક બહોળો વર્ગ જે પોતાની યુવાની ના ‘સુવર્ણકાળ’માંથી પસાર થઇ રહ્યો છે તેને દરેક બાબતોને લઇને માત્ર શોર્ટકર્ટ અપનાવવામાં જ રસ છે. જલ્દીથી પૈસાદાર થવામાં પણ શોર્ટકર્ટ, કોઇ કાનુની કામ નિપટાવવામાં પણ કોઇ કર્મચારી કે અધિકારી સાથે પણ શોર્ટકર્ટ. આ શોર્ટકર્ટની ભૂતાત્મા આજના યુવાવર્ગને વળગણ થઇ છે. અને હા, આ બાબત એક વાત ચોક્કસ છે કે, તેમાં યુવતીઓ કરતા યુવાનો ચોક્કસ ચાર ડગલા આગળ પ્રગતિ કરતાં જણાય છે. આજે આપણને આવી યોગ્ય સલાહ આપનાર એક જુનવાણી વિચારધારા વાળો માનવી લાગે છે કે હજુ આ ભાઇ ૨૦મી સદીમાં જ જીવે છે. આજે તો ટેકનોલોજીનો આ યુગ આટલી હરણફાળ ભરી રહ્યો છે. મોબાઇલ – ઇન્ટરનેટના એવા યુગમાં મહેનત અને સમાજ તેમજ ઇમાનદારી અને ઇશભય, સંયમ અને સમાજપ્રત્યેની આપણી જવાબદારી વગેરે બાબતોથી ભરેલી વાતો આપણને વાહીયાત અને મતલબ વગરની પ્રતિતી કરાવે  છે.

એક ફીલ્ડ વર્કરની હૈસિયતથી જ્યારે મેં યુવાવર્ગને આવી માનસિક્તાગ્રસ્ત અને આવા ગંભીર મનોરોગથી પિડાતા જોયા છે ત્યારે હું એક નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે સમાજ આજે જે દુર્દશાની ગર્તામાં ધકેલાયો છે અને જે કોઇપણ સામાજિક અદ્યોગતિ આજે સમગ્ર જગતભરમાં નિહાળી રહ્યા છીએ તેનું સૌથી મોટુ કારણ યુવાઓની સમાજ તેમજ રાષ્ટ્ર પ્રતિ બેજવાબદારી ભર્યું વલણ તેમજ માત્ર ભૌતિકવાદ પાછળ આંધળી દોટ અને માત્ર પોતાના અને પોતાનાઓના જ બાબતની ચિંતા કરવામાં એટલે કે સંપૂર્ણ સેલ્ફ સેન્ટર્ડ માનસિક્તા.  અને હા, રહ્યો સલાહકાર અને સમાજનો મોભી વર્ગ એવા આગેવાનોમાં પણ કેટલાક લોકો એવા પણ હોય  છે જે સમાજની ધોરી નસ સમા આ તરવરીયા યુવાઓમાં પ્રવર્તી રહેલી ખરાબીઓને નિહાળીને ખરાબને ખરાબ કે ખોટા ને ખોટુ કહેવાની હિંમત સુધ્ધા ગુમાવી બેઠા છે અને તે ના હિંમતીનું પણ મુખ્ય કારણ એ જ કે આપણે શું કામ આ લોકો વચ્ચે ‘અળખા’ થઇએ. અને હા, મે સમાજમાં આવા અનેક વડીલોને જોયા છે જેઓ આવી માનસિક્તામાં ગળાડૂબ છે જેઓ પોતાની બનાવટી લોકપ્રિયતા જાળવી રાખવાનો મિથ્યા પ્રયત્ન કરે છે અને હું આવા નામના આગેવાનો ને કે જેઓ પોતાની રોટલી શેકવા માટે સમાજ કે રાષ્ટ્રની ઘોર ખોદે છે તેમને જાહેરમાં આ લેખ દ્વારા ધિક્કારૃં છું અને આ વાંચનારા સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યે જાગૃત યુવાઓ અને નાગરિકોને પણ વિનંતી સહ અપીલ કરૃં છું કે જો આપ સમાજમાં કે કંઇક નાવિન્યતા કે હકારાત્મક બદલાવ ઇચ્છો છો કે જેથી સમાજમાં પોતાની જવાબદારી સમજનારો યુવાવર્ગ ઉભો થાય તો આવા બનાવટી અને છળકપટધારી લોકપ્રિયતા ઉભી કરનારા બની બેઠેલા નામના વડીલો કે આગેવાનોને ઓળખી તેમની મર્યાદિત આમન્ના જાળવી તેમનું તેમના પુરતું જરૂરી માન-સન્માન  જાળવી સહજ પણે બાજુમાં હળસેલી દેવાએ આજના સમયની તાતી જરૂરીયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહિં સમાજના બધા જ આગેવાનો કે વડીલો બાબતે નહીં પરંતુ ઉપર્યુક્ત હલકી માનસિકતા ગ્રસ્ત નામના આગેવાનો જ મારા તોપના નાળચે છે.

મિત્રો, આજે સમાજ જે પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યો છે તેને નિહાળીએ તો આજે આપ જેવા યુવાઓની આ સમાજને તાતી જરૂરીયાત છે કે જેઓ ઉભા થાય અને પોતાનામાં સંયમ, ઇશભય, સમાજપ્રતિ જવાબદારીનો અહેસાસ, પોતાના પ્રતિ સમાજની અપેક્ષાઓ, પોતાનું સમાજ પ્રતિ ઋણ, આપણા સર્જનહાર – પાલનહાર માલિક દ્વારા આપણને આપવામાં આવેલી વિશેષ સલાહિયતો આવડતો વગેરે બાબતો પર ગહનચિંતન મનન કરી આપણે અચુક આ બાબતે યથાયોગ્ય પરિશ્રમ કરવો જ રહ્યો અને હા, આ પરિશ્રમ આપને ચોક્કસ આલોક અને પરલોકની સફળતા માટે અચુક સહભાગી અને ફળદાયી નિવડશે. આપણે ઇશભય રાખી પોતાનું જીવન એવી રીતે પસાર કરીએ કે, જબ મેં દુનિયામે આયા, મે રોતા થા દુનિયા હસતીથી, જબ મે દુનિયાસે ઉઠા, તો મે હસતાથા દુનિયા રોતી થી.

આપણે આજકાલ જોઇએ છીએ કે પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મીડિયા, મિત્રમંડળીમાં કે ચાની કિટલી પર કે પછી આપણા ઓફિસ કે દુકાન પર તેમજ શોશિયલ મીડિયામાં એટલે કે અત્ર,તત્ર સર્વત્ર બધે જ સચિન તેન્ડુલકર ચર્ચાની એરણે ચડ્યા છે. સચિન તેન્ડુલકર, આધુનિક ક્રિકેટનું સૌથી મોટુ નામ અને આ રમતનો સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક ૧૬ નવેમ્બર ૨૦૧૩નો દિવસ ક્રિકેટના ઇતિહાસમાં ખાસ બની ગયો છે. કારણ કે સચિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આ અંતિમ દિવસ હતો. હજુ પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે સચિને ક્રિકેટને અલવિદા કહી દિધું. ખરેખર કોઇએ સાચે જ કહ્યું છે કે સચિન વિનાની ટીમ ઇન્ડિયાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેન્ડુલકરે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કરીને સાબિત કરી દિધું કે તેને જીનીયસ કેમ કહેવામાં આવે છે. સચિનને નિવૃતિ પર જે માન સન્માન મળ્યું છે તે લાજવાબ છે. રમતોના ઇતિહાસમાં આવુ સન્માન કોઇને નથી મળ્યું. એટલે એમ કહી શકાય કે તેન્ડુલકરનો સન્યાસ પણ ઇતિહાસ બની ગયો. કારકિર્દીની પ્રથમ યાદગાર સદી બનાવી ૧૯૯૦માં ઇંગ્લેન્ડ સામે ભારતનો પરાજય ટાળનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે તે સમયે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તે સદીઓની સેન્ચુરી પુરી કરશે. શિક્ષક પિતાનો પુત્ર સચિન સાધારણ પરિવારથી હોવા છતાં જે શિખરે પહોંચ્યો છે તે દરેક માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે.

પ્રતિભા, માનસિકક્ષમતા, સમર્પણ, શિસ્ત, વિજયની ભુખ તેમજ રોજ કલાકો પ્રેકટીસમાં પરસેવો પાડતા  રહેવું વગેરે   બધી બાબતો મળીને સચિનને સુપરસ્ટાર બનાવે છે. આ સ્ટારની કારકિર્દી આ વાતનો પુરાવો છે કે સફળતા માટે કોઇ શોર્ટકર્ટ અપનાવી શકાય નહીં.  અને આજ કારણોસર દેશના સર્વોચ્ચ સન્માન માટે પસંદગી પામનાર સચિન સૌ પ્રથમ રમતવીર બન્યો છે. આ ઉપરાંત પણ તેને અર્જુન પુરસ્કાર (૧૯૯૪), રાજીવગાંધી ખેલરત્ન (૧૯૯૭-૯૮), પદ્મશ્રી એવાર્ડ (૧૯૯૯), મહારાષ્ટ્ર ભૂષણ (૨૦૦૧) તેમજ પદ્મ વિભૂષણ (૨૦૦૮) જેવા અનેક સન્માનોથી પણ સચિન તેન્ડુલકરને નવાજવામાં આવ્યા છે. અત્રે એ બાબત પણ જાણવી જરૂરી છે કે ક્રિકેટમાં નિષ્ણાંત સચિન તેન્ડુલકર ટેબલ ટેનિસમાં પણ માસ્ટર હતો તે ટેબલટેનિસ બન્ને હાથથી રમી શકતો હતો. ક્રિકેટના ટાઇટ શિડ્યુલમાં સતત ટાઇટ રહેતા સચિન તેન્ડુલકર આ સાથે પોતાના ઘર અને સમાજ પ્રતિ પણ પોતાની જવાબદારી એટલી જ ચેમ્પિયનશીપ સાથે નિભાવતા રહ્યા છે.

આપણે જાણીએ છીએ સચિન  તેન્ડુલકરને ભારતનું આ ૪૩માં નંબરનું ભારત રત્ન એવોર્ડ આપવામાં આવી રહ્યું છે. સચિનના નામની સાથે બીજી એક મોટી વિભૂતિ શ્રી. સી.એન. આર.રાવ પણ ભારત રત્નથી પુરસ્કૃત થવા જઇ રહ્યા છે. ભારતના મંગળમિશનને સફળ બનાવવામાં સી.એન.આર. રાવની મહત્વની ભૂમિકા રહેલી છે. રાષ્ટ્રપતિભવનની આ બન્ને વિભૂતિઓના નામની સાથે જ જાહેરાત કરવામાં આવી છે. આ ભારતરત્નથી ભારતના જવાહરલાલ નહેરૃ, ઇન્દિરાગાંધી, રાજીવગાંધી, સરદાર પટેલ, સર્વપલ્લી રાધાકૃષ્ણ સહિત અનેક એવી ૪૧ વિભૂતિઓને પુરસ્કૃત કરવામાં આવી છે. સૌ પ્રથમ ભારતરત્નથી ઇ.સ. ૧૯૫૪માં ચક્રવર્તી – રાજગોપાલચારીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આપણે સૌ આપણામાં સર્જનહાર પાલનહારનો ઇશભય અને સમાજપ્રતિ પોતાની જવાબદારીનો અહેસાસ ઉભો કરી ન માત્ર પોતાની જાત વિશે જ વિચારીએ પરંતુ સાથે સાથે સમાજ પ્રત્યે પણ એટલા જ જવાબદાર બનીને અને અથાગ મહેનતનો કોઇ વિકલ્પ નથી તે બાબતને બરાબર સમજીને પોતાની જીવનનૈયા આગળ હલેસીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments