ઓપન સ્પેસ

Published on March 8th, 2018 | by Mohammad Farooque Khan

0

સમાજ

માનવી એક સામાજિક અસ્તિત્વ છે. સમાજમાં જ તે જન્મે છે, ઉછેર પામે છે અને યુવાન થાય છે. આ પ્રાકૃતિક છે કે જે પ્રકારનો સમાજ હશે તેમાં એ જ પ્રકારના લોકો જન્મશે, જે વિચાર અને આચરણની દૃષ્ટિએ એ સમાજનો ભાગ બની શકે. કેમકે માનવીને બનાવવામાં અને બગાડવામાં એ સમાજનો ઘણો મોટો ફાળો હોય છે જેમાં તે જન્મે અને શ્વાસ લે છે. આથી એક સારા અને આદર્શ સમાજની જરૃરતને દરેક  વ્યક્તિ અનુભવે છે. પરંતુ પ્રશ્ન આ છે કે એક આદર્શ સમાજ આપણે કોને કહી શકીએ છીએ. કદાચ કોઈ માણસ આનો ઇન્કાર નહીં કરી શકે કે આદર્શ સમાજ એ જ હોઈ શકે છે કે જેમાં વૈચારિક તથા આચરણની દૃષ્ટિએ આગળ વધવા અને વિકાસ કે પ્રગતિ સાધવાનો અધિકાર દરેક વ્યક્તિને પ્રાપ્ત હોય. કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિની પ્રગતિના માર્ગમાં અવરોધરૃપ ન બની શકે. આ ત્યારે જ શક્ય બની શકે છે કે જ્યારે સમાજમાં ન્યાયની કલ્પના સ્પષ્ટરૃપે જોવા મળતી હોય અને દરેક વ્યક્તિ તેનો આદર કરતી હોય. દા.ત. દરેક વ્યક્તિનો આ અધિકાર છે કે જીવનને લગતા જે પણ દૃષ્ટિકોણ કે કલ્પનાને તે સત્ય સમજતી હોય તેને તે રાજીખુશીથી અપનાવી શકે, બલ્કે તેને આ સત્તા પણ પ્રાપ્ત હોય કે જે વસ્તુમાં તે પોતાની તથા સમગ્ર માનવોની ભલાઈ સમજતી હોય તેના પ્રચાર-પ્રસારની પણ તેને આઝાદી હોય.

સમાજમાં દરેક વ્યક્તિ માટે રોજી પ્રાપ્તિના જાઇઝ માર્ગો ખુલ્લા હોય, પોતાની આર્થિક સ્થિતિને સારી રાખવા માટે દરેક વ્યક્તિ કાનૂની રીત અપનાવી શકતી હોય. બલ્કે આદર્શ સમાજ તો એ છે જેમાં ફકત આ જ નહીં કે દરેકને આર્થિક ક્ષેત્રમાં પ્રયત્નો અને સંઘર્ષ કરવાનો અધિકાર પ્રાપ્ત હોય, બલ્કે સમાજના લોકો અને સમાજના તમામ વર્ગો એ પ્રયત્ન તથા સંઘર્ષમાં એકબીજાના મદદગાર બનીને રહે, અને સૌ એકબીજાના વિકાસ કે પ્રગતિમાં સહાયક પુરવાર થાય. સમાજનો કોઈ વર્ગ જો આર્થિક દૃષ્ટિએ પરેશાનીઓનો ભોગ બનેલ છે તો તેનાથી સમગ્ર સમાજ પ્રભાવિત થશે, અને સમાજના એક વર્ગમાં સ્વાભાવિક રીતે બેચેની પેદા થશે, જેનું પરિણામ સારૃં નથી હોઈ શકતું.

જોડ (Joad)એ લખ્યું છે કે આદર્શ સમાજ એ છે કે જેમાં દરેક વ્યક્તિ એ કાર્ય કરવા ઇચ્છતી હોય જેને તે સત્ય સમજે છે અને દરેક વ્યક્તિ સત્ય તેને જ સમજે જે વાસ્તવમાં સત્ય હોય. સત્ય એ જ હોઈ શકે છે જેના સારા પરિણામો સામે આવે છે, જે સ્થિર મૂલ્યો, નૈતિક ગુણો અને સારા પાસાઓ તથા સત્યના પ્રતીક હોય, જે સમાજના લોકો આ મૂલ્યોને વધુમાં વધુ મહત્ત્વ આપશે અને તેમને આચરણમાં મૂકશે તે સમાજ ઉમદા અને આદર્શ સમાજ કહેવડાવવાને પાત્ર છે. (The Philosophy of Moral and Politics – Page No. 467-469)

જોડ (Joad) જે આદર્શ સમાજની વાત કરી રહ્યો છે, તેના માટે જરૃરી છે કે લોકોની ભાવનાઓમાં એકરૃપતા પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવે અને આ વાતનો પ્રયત્ન કરવામાં આવે કે સમાજના લોકો એક ઉચ્ચ જીવન-ધ્યેયથી પરિચિત હોય અને એ ધ્યેય-પ્રાપ્તિ માટે એકબીજાની સાથે મળીને કાર્ય કરે. બ્રાઇટ મેન (Brightman)ની દૃષ્ટિએ આ પ્રકારના જીવન-ધ્યેયની બુનિયાદો અલ્લાહે બતાવેલા સિદ્ધાંતો ઉપર રચાશે. (A Philosophy of Religion).

પછી આ પ્રકારના આદર્શ સમાજ માટે આ પણ જરૃરી છે કે સમાજની દરેક વ્યક્તિમાં ત્યાગ અને બલિદાન તેમજ સેવાની ભાવના એકબીજાથી વધીને જોવા મળતી હોય, સમાજની દરેક વ્યક્તિને એકબીજાની પ્રગતિની ચિંતા હોય અને તેને જ તે પોતાના માટે પણ લાભદાયી સમજે. સમાજના લોકો સામાન્ય રીતે એક જેવા નથી હોતા. તેમના વિચારોમાં પણ ઐકય કે સમાનતા નથી જોવા મળતી. આથી જ ગુર્જેફનો અભિપ્રાય આ છે કે માનવતાની પ્રગતિ એક વિશેષ સમૂહ દ્વારા જ શક્ય હોઈ શકે છે. આ જ સમૂહ બાકીના તમામ માનવો પર પ્રભાવ પાડશે અને તેમનું માર્ગદર્શન કરશે. પરંતુ આ મહાન કાર્ય મોટી કુર્બાની-બલિદાન ચાહે છે, આ કાર્ય ત્યારે જ પાર પડી શકે છે કે જ્યારે માણસ પોતાના જ સ્વાર્થમાં ડૂબીને ન રહી જાય, બલ્કે તેનાથી આગળ તે સમગ્ર માનવજાત સાથે પ્રેમ કરી શકે. બરાબર એવી જ રીતે કે જેવી રીતે એક માતા પોતાની ઇચ્છાઓ અને તમન્નાઓને પોતાના બાળકોના ઉછેર તથા દેખભાળ તરફ વાળી દે છે. આ પ્રસંગે વ્હાઇટહેડ (Whitehead)ની વાત યાદ આવે છે કે આ સત્યને સમજી લેવાની આવશ્યકતા છે કે જીવનના પરિપૂર્ણ હોવાનું રહસ્ય એ ધ્યેયોની પ્રાપ્તિ હોય છે જે પોતાની જાતથી પર હોય છે.

સમાજના નિર્માણ તથા પ્રગતિ માટે વાસ્તવમાં એ જ વ્યક્તિ કાર્ય કરી શકે છે જેનો સમાજ સાથે ગાઢ સંબંધ અને એકાત્મતાનો સંબંધ હોય. સમાજથી અજાણ તથા દૂર રહીને તેના હિતોથી વિમુખ થઈને કોઈ પણ વ્યક્તિ સામાજિક જવાબદારીઓને પૂરી ન કરી શકે. આપણે જન્મથી પોતાના સમાજના ઉપકારના બોજા હેઠળ છીએ. અને તેના પ્રત્યે ઘણી બધી જવાબદારીઓ બને છે. આપણી ફરજ છે કે આપણે સમાજના લોકોને ઉચ્ચ વિચારોથી પરિચિત કરાવીએ, અને તેમને વિચાર કે ચિંતન અને ચારિત્ર્યની દૃષ્ટિએ ઊંચા ઉઠાવવાનો પ્રયાસ કરીએ. આના માટે ખૂબ જ ધૈર્ય અને ઉદારતા તેમજ દૂરદર્શિતાની આવશ્યકતા છે. આ અંગે પયગમ્બરો (ઈશદૂતો, સંદેશવાહકો)ની જદ્દોજહદમાં આપણા માટે મોટું માર્ગદર્શન જોવા મળે છે. પયગમ્બરોએ જે સમાજમાં પણ પોતાનું કાર્ય શરૃ કર્યું, એ સમાજને બૂરા અંજામથી બચાવવાનો તેમણે પૂરો પ્રયાસ કર્યો. સમાજમાં જોવા મળતી બૂરાઈઓ તેમની નજરોમાં હતી. તેઓ એ બૂરાઈઓને દૂર કરવા માટે પણ પ્રયત્નશીલ રહ્યા. તેમનો ખાસ હેતુ આ રહ્યો કે સમાજના લોકો એ સત્યથી પણ વાકેફ થઈ શકે અને તેનાથી લાભાન્વિત પણ થઈ શકે જેનું જ્ઞાન અલ્લાહે તેમને એેનાયત કર્યું હતું, અને જેનાથી લોકોને વાકેફ કરાવવા એ તેમની પયગમ્બર તરીકેની જવાબદારી પણ હતી.

સમાજની સેવાનું કાર્ય એ જ લોકો કરી શકે છે, જેઓ ત્યાગ અને કુર્બાની બીજાઓથી આગળ હોય. ઇતિહાસની સાક્ષી પણ આ જ છે કે સમાજ માટે કોઈ મોટું મહત્ત્વનું કાર્ય એ જ લોકોએ કર્યું છે જેમણે દરેક પ્રકારની કુર્બાનીઓ આપી અને જે મુસીબતો પણ તેમની સામે આવી તેમની તેમણે કોઈ પરવા ન કરી. કોઈ પણ પરેશાની અને મુસીબત તેમને તેમના કાર્યોથી અટકાવી ન શકી. આ કુર્બાની શક્ય ન હતી જો સમાજ સાથે તેમનો પોતીકાપણાનો સંબંધ ન હોત.

એક અન્ય વસ્તુ આ અંગે તેમણે યાદ રાખવી જોઈએ અને તે છે ભલાઈની ભાવના, જે સમાજ સંબંધે આપણા દૃદયમાં હોવી જોઈએ. સમાજ સાથે એકાત્મતાનો સંબંધ જોવા મળશે તો ભલાઈની ભાવના હંમેશાં બળવત્તર રહેશે. આ જ ભાવના માનવોને હંમેશ સામાજિક સેવામાં આગળ વધારતી રહેશે અને તે ક્યારેય પણ પોતાની એ ફરજોથી ગાફેલ નથી હોઈ શકતો જે સમાજ પ્રત્યે તેની જવાબદારીમાં આવે છે.

આ વાત પણ સમજી લેવાની છે કે સમાજ એ અરીસો છે જેના દ્વારા લોકોની ખૂબીઓ અને ખામીઓ લોકો સામે જાહેર થતી રહે છે. આ અરીસામાં આપણે ગમે ત્યારે પોતાનો ચહેરો જોઈ શકીએ છીએ. સામાજિક સભાનતા અને જાગૃતિ સ્વયં આપણા ચારિત્ર્યનું પ્રતિબિંબ છે. આનાથી ઊલ્ટું જો આપણને આપણી જવાબદારીઓનો ખ્યાલ નથી તો આનો અર્થ આ છે કે ક્યાં તો સમાજ પ્રત્યેની આપણી ફરજોનું આપણને જ્ઞાન નથી, અથવા તો પછી આપણામાં હિંમત અને સંકલ્પની શક્તિ નથી જોવા મળતી.

ઉપરના વિશ્લેષણથી જણાય છે કે કોઈ વ્યક્તિમાં સમાજ પ્રત્યે આ ત્રમ વસ્તુઓ ફરજિયાતરૃપે હોવી જોઈએઃ (૧) એકાત્મતા (Unity), (૨) ત્યાગ અને કુર્બાની (Sacrifice) અને (૩) ભલાઈ, શુભેચ્છા (Well Wishing)  /


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review