Thursday, March 28, 2024

સમયનું આયોજન

સવારમાં જ્યારે આપણે જાગીએ છીએ તે સાથે જ ઇશ્વર આપણને એક અનમોલ ભેટ આપી દે છે- ર૪કલાકના દિવસની ભેટ. આ ભેટને- સમયને કોઈ આપણાથી છીનવી શકતું નથી. જો કે આ ભેટ આપણા બધાને મળે છે. પણ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ મહત્ત્વનું છે. ભવિષ્યને સુધારવું હોય તો વર્તમાનને સુધારવું જોઈએ. આજે કરેલા કાર્યોનું ફળ આવતીકાલે મળવાનું છે. જે માણસ વર્તમાનને બગાડી રહ્યો હોય એ ભવિષ્યને પણ બગાડી રહ્યો છે.

એવું કહેવાય છે કે (અનુભવસિદ્ધ સત્ય પણ છે) કમાનમાંથી છૂટેલું તીર, જીભમાંથી નીકળેલા શબ્દો, નદીમાંથી વહી ગયેલું પાણી જેમ પાછા આવતા નથી એમ વહી ગયેલ સમય પણ પાછો આવતો નથી. જે ક્ષણ વીતી ગઈ એ હંમેશ માટે જતી રહી. રીસાયેલા પ્રેમીને પાછો બોલાવી શકાય છે, પસાર થઈ ગયેલી ક્ષણોને પાછી બોલાવી શકાતી નથી ! આવા કીંમતી સમયને નિરર્થક વાતો અને બિનઉપયોગી કાર્યોમાં વેડફી નાખવાને બદલે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એનું આયોજન કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે.

હેનરી ફોર્ડને એક માણસે કહ્યું મારી પાસે સફળતાના બે સૂત્રો છે પણ એની કિંમત રપ૦૦ ડોલર છે. જો એ તમે આપો તો આ સૂત્રો હું તમને આપી શકું છું. હેનરી ફોર્ડે કબૂલ રાખ્યું. એને રપ૦૦ ડોલર આપ્યા અને એની પાસે લખેલા સૂત્રોનું કાગળ લઈ લીધું. એમાં લખ્યું હતું.

(૧) દિવસભરમાં જે કાર્યો કરવાના છે એનું લિસ્ટ બનાવો

(ર) એ જ દિવસમાં એ કાર્યોને પૂરા કરો.

હેનરી ફોર્ડે તો રપ૦૦ ડોલર ખર્ચ્યા પરંતુ આપણને આ સૂત્રો મફતમાં મળી ગયા.

આખા દિવસનું આયોજન સવાર સવારમાં જ કરી લેવામાં આવે તો સમયનો દુરૃપયોગ ટળી જાય છે. દિવસભરના મહત્ત્વના કાર્યો માટે લિસ્ટ બનાવવું જોઈએ. મહત્ત્વના કાર્યો પહેલા કરવા જોઈએ પછી ઓછા મહત્ત્વના કાર્યો હાથમાં લેવા જોઈએ. જો કે મારી દૃષ્ટિએ તો કોઈપણ કાર્ય ઓછા મહત્ત્વનું હોતું જ નથી. નાનાથી નાનું કામ પણ મહત્ત્વનું જ હોય છે. કારણ કે નાના કાર્યો દ્વારા જ મોટા કાર્યો પૂર્ણ થાય છે. એ રીતે દરેક નાનું મોટું કાર્ય મહત્ત્વનું છે.

આ કાર્યો કરવામાં નિરસતા કે આળસ કરવામાં આવે તો સમયનો સદુપયોગ થઈ શકે નહીં. ગઈકાલને પાછી બોલાવી શકાતી નથી, આવતીકાલ નિશ્ચિત નથી, એકમાત્ર ‘આજ’ છે, એને પણ આળસમાં ખોઈ નાખવામાં આવે તો એ હંમેશ માટે ખોવાઈ જવાની. ફ્રાન્સનો મહાન યોધ્ધો અને રાજા નેપોલિયન બોનાપાર્ટે યુવાનોની શાળામાં એમને એક બોધ આપ્યો હતો. ‘તમારી તકોને વધારો, આજના દરેક કલાકને ગુમાવશો તો ભાગ્ય દુર્ભાગ્ય બની જશે.’ પીટમેને પણ યોગ્ય જ કહ્યું હતું કે, ‘સમયનું યોગ્ય આયોજન એ બુદ્ધિશાળીની નિશાની છે.’

આજે આપણી વિચારસરણી એટલી કુંઠિત થઈ ગઈ છે અને આપણી લોભવૃત્તિ એટલી પ્રબળ બની ગઈ છે કે દરેક બાબતને, દરેક વસ્તુને આપણે પૈસાના સંદર્ભમાં જ જોઈએ છીએ. દરેક બાબતને આર્થિક રીતે મૂલવવાનો જાણે એક રિવાજ થઈ ગયો છે. પરંતુ વાસ્તવિકતા આ છે કે આપણા જીવનનું મૂલ્ય પૈસાથી નથી, પરંતુ આપણે કરેલા કાર્યોથી છે. જેટલા આપણા કાર્યો મહાન એટલા આપણે વધુ ધનવાન. પરંતુ આજે જેની પાસે પૈસા છે, ધનદોલત છે એ જ મહાન ગણાય છે. કર્મવીરોની કોઈ પ્રતિષ્ઠા નથી. હેનરી ફોર્ડ એમના કારીગરો અને મજૂરોના સમયની કદર જાણતા હતા. એ કહેતા કે હું મારા કારીગરો-મજૂરો અને ટેકનીશીયનોનો સમય ખરીદું છું- બદલામાં પગાર આપું છું. કારણ કે સમય સૌથી કિંમતી વસ્તુ છે. જગતમાં સૌ પ્રથમ લાઈન એસેમ્બલીંગ દ્વારા કારોનું ઉત્પાદન કરવાનું શ્રેય હેનરી ફોર્ડને ફાળે જાય છે. આ રીતથી ઓછા સમયમાં અને ઓછા માણસોથી વધારે ગાડીઓનું ઉત્પાદન થતું હતું.

હેનરી ફોર્ડની જેમ જે માણસ સારા પુસ્તકો ખરીદે છે અને જ્ઞાન મેળવે છે એ માણણ પણ સમય ખરીદે છે એમ કહી શકાય. કેમ કે અનુભવી અને જ્ઞાનીઓ દ્વારા લખાયેલ પુસ્તકો દ્વારા એમના અનુભવો અને ડહાપણનો લાભ ઓછા સમયમાં લઈ શકે છે અને પોતે ધારેલા લક્ષ્ય ઉપર ઝડપથી પહોંચી શકે છે.

આજે કરવાના કાર્યો આજે જ કરવા જોઈએ. આવતીકાલ ઉપર છોડવા ન જોઈએ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સમયનું ચક્ર, સતત ફરતું રહે છે. આપણા ર૪ કલાકના દિવસમાંથી આપણે સમયને ગુમાવતા જઈએ છીએ. જે લોકો સફળ થવા ઈચ્છતા હોય એમણે તો બેન્જામીન ફ્રેન્કલીનનું વાકય યાદ રાખવું જોઈએ. ‘શું તમે જીવનને પ્રેમ કરો છો ? તો સમયને છુટા હાથે વાપરવાનું બંધ કરો. (સમય વેડફવાનું છોડો) કારણ કે જીવન સમયથી બનેલું છે.’ દિવસમાં આપણે કેટલો સમય વેડફી નાંખ્યો જો એની નોંધ કરવામાં આવે તો માણસને ખરેખર આઘાત લાગે ! આવા આઘાતથી બચવું હોય તો સમયનો સદુપયોગ કરો. કેમ કે વર્તમાન કાચા માલ જેવો છે, ભવિષ્યમાં તમારે જે બનવાનું છે એ આજ- વર્તમાનમાંથી જ બનાશે. એક ચાઈનીઝ કહેવત છે કે એક ગ્રામ ખોવાયેલું સોનું પાછું મળી શકે છે પરંતુ સમયની એક ક્ષણ કયારેય પણ પાછી મળતી નથી. આવી કિંમતી ક્ષણોથી આપણું જીવન બનેલું છે. આપણું જીવન એમ પણ બહુ નાનું છે, સમય વેડફીને આપણે એને વધુ ટૂંકું બનાવી દઈએ છીએ. એટલે જ ઈમર્સને કહ્યું હતું, ‘જે દિવસને બગાડે છે, એ જીવનને બગાડે છે.’

જીવનને સુધારવું હોય તો સમયને યોગ્ય રીતે બચાવતા શીખવંું જોઈએ. એનું યોગ્ય આયોજન કરવું જોઈએ. જીવનની દરેક ક્ષણને આપણે માણી શકતા નથી. પરંતુ શકય હોય એટલી ક્ષણોને સારી રીતે પસાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ ક્ષણો જીવનમાં બદલાવ લાવશે.

સમયનું આયોજન કરવાનો અર્થ છે કે કાર્યોની યાદી બનાવવી જોઈએ. કેલેન્ડરને વ્યવસ્થિત તાલમેલ મેળવતા રહેવું જોઈએ.

વિશ્વપ્રસિદ્ધ મેનેજમેન્ટ ગુરૃ પીટર ડ્રકરે કહ્યું હતું કે, સમય એક અમૂલ્ય અને બહુ ઓછું મળતું સ્ત્રોત છે, એનું આયોજન કરવામાં ન આવે તો કોઈપણ વસ્તુનંું આયોજન થઈ શકે નહીં.

બેરી ફાર્બરે ‘ડાયમંડ પાવર’માં સમયના આયોજન માટેની છ રીતો બતાવી છે, એ અનુસરવા જેવી છે.

૧. યાદી બનાવો ઃ કયા કાર્યો કરવાના છે એની યાદી બનાવો, તમારા કામ કુટુંબ અને તમારા અંગત રસને ધ્યાનમાં રાખી આવતા ૧ર મહિનામાં કયા મહત્ત્વના કાર્યો કરવાના છે એવી ટોપની દસ બાબતોનું લીસ્ટ બનાવો અને એ મુજબ કાર્યો કરો.

ર. દૈનિક કાર્યનોંધ ઃ દરરોજના કરવાના મહત્ત્વના કાર્યોને ટપકાવી લો. બની શકે તો સવારમાં જ લીસ્ટ બનાવો જેથી દિવસભર તમે સરળતાથી એ મુજબ કાર્ય કરી શકો. યાદ રાખો. સમય કોઈને મળતો નથ, કાઢવો પડે છે.

૩. દિલથી કામ કરો ઃ સ્વામી શિવાનંદે કહ્યું હતું, ‘તમારા નાનાથી નાના કાર્યમાં પણ તમારા દિલ, દિમાગ અને આત્માને લગાવી દો. સફળતાનું આ જ રહસ્ય છે.’ સજાગ રહો. દરેક ક્ષણનો સદુપયોગ કરો. નાનામાં નાની બાબત પણ મહત્ત્વની હોય છે.

૪. તમારા વાતાવરણને પુનઃ ગોઠવો ઃ જેવી રીતે કામ કરવું જોઈએ એ પ્રમાણે તમે કામ કરો છો ? જો તમે એ પ્રમાણે કરતા હોવ તો સારી બાબત છે પરંતુ તમને તમારી આજુબાજુનું વાતાવરણ ખલેલ પહોંચાડતું હોય કે તમારી આસપાસ ગોઠવેલી વસ્તુઓ સુવ્યવસ્થિત ન હોય તો એને વ્યવસ્થિત ગોઠવો. જ્યારે જે વસ્તુની જરૃર પડે એ તરત મળવી જોઈએ. એવું ન થાય કે એક નાનકડી વસ્તુની જરૃર હોય અને અર્જન્ટ કામ હોય ત્યારે એ મળે જ નહીં ! વસ્તુઓ એવી રીતે ગોઠવેલી હોવી જોઈએ કે ઓછા સમયમાં તરત જ મળી જાય. જેથી તમારા સમય આયોજન ઉપર કોઈ અસર ન થાય.

પ. અનુકૂળતા મુજબ આયોજન કરો ઃ આજે કોમ્પ્યુટર, નોટબુક, સ્માર્ટફોન ઉપલબ્ધ છે. સમયના આયોજન માટેની અસંખ્ય એપ્લીકેશન્સ ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ હાથવગું છે, એના ઉપરથી ટૂ ડુ વર્ક, ટુ ડુ લીસ્ટ, નોટબુક, ટાઈમ મેનેજમેન્ટ જેવી ઘણી એપ્સ કે સોફટવેર ડાઉન્ડલોડ કરી શકાય છે. આના દ્વારા સમય આયોજનને વધુ અસરકારક બનાવી શકાય છે. ડીજીટલ ન ફાવતું હોય નાનકડી ડાયરી પણ ગજવામાં રાખી શકાય. આ એપ્લીકેશન કે સોફટવેરમાં કાર્યોની નોંધ, મીટીંગ વગેરેની નોંધ કરી યોગ્ય સમય આયોજન કરી શકાય છે.

૬. કાર્યોની સમીક્ષા કરો ઃ દરેક દિવસે તમે સવારે કાર્યોનું લીસ્ટ બનાવો, એ પ્રમાણે કાર્યો કરો અને દરેક સાંજે એની સમીક્ષા કરો., કેટલા કાર્યો કરવાના હતા, કેટલા પૂરા થયા, કેટલા અધૂરા રહ્યા, કેટલા સમયમાં એ પૂરા થવા જોઈતા હતા અને કેટલા સમયમાં થયા, કામ અધૂરા રહ્યા તો શા માટે ? કઈ બાબતમાં જરૃર કરતાં વધારે સમય ગયો ? આ બધી બાબતોની સમીક્ષા કરશો તો ભવિષ્યમાં સમય આયોજન વધારે સારી રીતે કરી શકશો.

આ ઉપરાંત પણ દરેક માણસ પોતાની રીતે પણ લીસ્ટ બનાવી શકે છે. પોતાની રીત મુજબ પણ કાર્ય કરી શકે છે. ધ્યાન એ વાતનું રહે કે સમયનો દુરૃપયોગ ન થાય, સદુપયોગ થાય. આમાં જ સફળતાના રહસ્યો છુપાયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments