ઇસ્લામ સૌના માટે

Published on January 1st, 2014 | by yuvaadmin

0

‘સત્ય’ની પ્રાપ્તિ જ મનુષ્યને અપાર સુખ અપાવે છે

ક્યારેય એ પ્રશ્નોનો જવાબ મેળવવા પ્રયત્ન કર્યો છે કે હું કોણ છું? ઈશ્વર છે કે નહીં ? એક છે, ત્રણ છે કે તેનાથી વધારે ? અને ઈશ્વર છે તો તે કેવો છે ? આલોકના આ જીવનનું રહસ્ય શું છે ? અને મૃત્યુ પછી શું થશે ?

મનુષ્ય કંઈ ઈંટ-પથ્થરની જેમ કોઈ લાગણીહીન વસ્તુ નથી, ન કોઈ યંત્ર છે, જે ઘસાઈને છેવટે નાશ થઈ જાય, ન કોઈ પશુ કે પક્ષી છે, જે આ સંસારને માત્ર ખાવા-પીવાનું મેદાન સમજે છે. તે આ સંસારમાં જોવા મળતી સૃષ્ટિઓમાં સૌથી શ્રેષ્ઠ અને સુંદર અસ્તિત્વ છે. તેની આ શ્રેષ્ઠતા વાસ્તવમાં તેની બુદ્ધિ, તત્વદર્શિતા અને જ્ઞાનના કારણે છે. તેને માનવતાના ઉચ્ચ અને અન્ય સજીવોની સાપેક્ષમાં શ્રેષ્ઠ સ્તરે પહોંચવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જ રહ્યો. આ સત્ય જાણતા હોવા છતાં આપણે બુદ્ધિનો ઉપયોગ, જેવી રીતે કરવો જોઈએ એ રીતે કરતા નથી. આપણે જે દેશમાં રહીએ છીએ, ત્યાં વિવિધ ધર્મોના લોકો વસે છે. તેમની જુદી-જુદી શ્રદ્ધાઓ અને માન્યતાઓ, ધાર્મિક વિધિઓ, અને નીતિ નિયમો છે. તેમના વચ્ચે અમુક બાબતોમાં સમાનતા પણ જોવા મળે છે અને કેટલીક બાબતોમાં વિરોધાભાસ. તમે ઘણા ધાર્મિક ગુરુઓ અને વિદ્વાનોને સાંભળ્યા હશે અને ઘણા પુસ્તકો પણ વાંચ્યા હશે. તે હમેશા ‘સત્ય’ને વળગી રહીને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે. દરેક માણસ ‘સત્ય’ ને ઇચ્છે છે. તેને પામવા કે સુરક્ષિત રાખવા સક્રિય હોય છે. ‘સત્ય’ની પ્રાપ્તિ જ મનુષ્યને અપાર સુખ અપાવે છે. સત્ય એ શક્તિનું નામ છે, જેની સામે મોટી-મોટી યાતનાઓ પણ ફૂલ જેવી હળવી થઇ જાય છે અને વ્યક્તિને દુઃખના વાદળોમાં પણ સુખની વર્ષાની અનુભૂતિ થાય છે. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સારી એવી પ્રગતિ કરી છે. ચંદ્રથી આગળ વધીને મંગળ ગ્રહને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. યંત્રોના આ યુગમાં, જે હકીકતમાં મનુષ્યોને સગવડ અને આરામ પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે, પણ તેને ડિપ્રેશનથી રોકવા માટે કોઈ યંત્ર હજુ સુધી બની શક્યું નથી. સૃષ્ટિમાં નવી-નવી શોધો કરનાર આ માણસ જીવનના પાયાના પ્રશ્નોનો ઉત્તર આપી શકયો નથી. પરિણામે, બધું હોવા છતાં તે ક્યાંક ખાલીપો અનુભવી રહ્યો છે. આ ખાલીપો ‘સત્ય’ દ્વારા જ ભરી કરી શકાય. સત્યની પ્રાપ્તિ વ્યક્તિના જીવનનો પ્રથમ અને અંતિમ ધ્યેય હોવો જોઈએ. પ્રથમ એટલા માટે કે તેનાથી તેને જીવનનો સાર સમજાય, વિશ્વની વાસ્તવિક્તા સમજાય અને ઈશ્વરનો સાચો પરિચય થાય, અને અંતિમ એટલા માટે કે તેને મૃત્યુુનું રહસ્ય સમજાય અને પરલોકનું સાચું જ્ઞાન થાય, જીવનમાં તે સત્યને પામી શકે અને જીવન-પર્યંત સત્યથી વળગી રહે કે જેથી તેનું લૌકિક અને પારલૌકિક જીવન સફળ થાય. સત્યની આ શોધ વિજ્ઞાનની શોધો કરતા પણ સરળ છે. પણ તેને માટે બે શરતો છે. એક શરત છે, ઇચ્છા-શક્તિ અને બીજી છે, સત્યને સ્વીકારવાની નૈતિક શક્તિ. સત્યને વળગી રહેવાનો દૃઢ સંકલ્પ અને સત્યના પ્રચારની ધૈર્યશક્તિ. આ સંસારમાં ત્રણ પ્રકારના લોકો હોય છે.

પ્રથમ એ જેઓ પોતાને જ ‘સત્યવાદી’ સમજે છે અને બીજા બધા ધર્મો, પંથો અને સંપ્રદાયને અસત્ય સમજે છે. આ સમજણ કોઈ શોધના પરિણામ સ્વરૃપે નહીં, પણ કૌટુંબિક કે સામાજિક પ્રભાવના કારણે હોય છે કે પછી બીજા ધર્મો પ્રત્યે ‘આરક્ષિત મતવિચાર’ (Reserve mind set)ના કારણે હોય છે. માણસને બિનસાંપ્રદાયિક હોવું જોઈએ એવી મસમોટી ડંફાસો મારવામાં આવે છે. જાહેરમાં તેનું પ્રદર્શન કરવામાં આવે છે, પણ તેનું અંતઃકરણ તો પક્ષપાત કે સાંપ્રદાયિકતાની સાંકળોમાં જકડાયેલ હોય છે. આપણે બધા જ સાંપ્રદાયિક અને કોમવાદી છીએ, એટલું જ નહિં, આપણો દેશ ભારત પણ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક નથી. બંધારણીય રીતે કદાચ હોઈ શકે પણ વ્યવહારિક રીતે સંપૂર્ણ બિનસાંપ્રદાયિક નથી. તમને મારાથી મતભેદ રાખવાનો અધિકાર છે. જે રીતે ૧૮ વર્ષની કન્યાને પોતાની મરજીથી લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે અને ૧૮ વર્ષની ઉંમરે મનુષ્ય એટલો પુખ્ત થઈ જાય છે કે તેને મતદાનનો અધિકાર આપવામાં આવે છે; એ જ રીતે આ ઉમરે ગમે તે ધર્મને સ્વીકારવાનો કે ધર્મ-પરિવર્તનનો કાયદાકીય અને વ્યવહારિક અધિકાર પણ આપવો જાઈએ. આ ઉંમરે વ્યક્તિ બૌદ્ધિક રીતે એટલો પુખ્ત થઈ જાઈ જાય છે કે સત્ય અને અસત્ય, સાચા અને ખોટાને સારી રીતે પારખી શકે છે.

જન્મજાત જે કંઈ મળ્યું છે એ જ સત્ય છે એ વિચારધારાનો ત્યાગ કરવો પડશે. મેં મારા હિંદુ મિત્રને એક વાર કહ્યું કે શું તમે કુઆર્ન વાંચવાનું પસંદ કરશો ? ત્યારે તેણે મને એટલું જ કહ્યું, ‘આઈ લવ માય રીલિજીયન.’ એ જ રીતે એક મુસ્લિમ મિત્રને પૂછ્યું કે શું તમે ક્યારેય ગીતા વાંચી છે, તો એમણે કહ્યું કે એ તો હિંદુઓનું પુસ્તક છે, ના વંચાય. તમે ગમે તે ધર્મ કે સંપ્રદાયથી સંબંધ ધરાવતા હોવ, પહેલા તેનું વિસ્તારપૂર્વક જ્ઞાન મેળવી લો. એમાં કંઈ વાંધાજનક નથી કે બીજા ધર્મોનું પણ અધ્યયન કરવામાં આવે. શક્ય છે કે તમે જેને બીજાનું સમજીને અધ્યયન ન કરતા હોવ, તે તમે જેને માનો છો તેના કરતા વધારે સારું હોય. ભૌતિક જગતમાં આપણે આ સિદ્ધાંતને જ અનુસરીએ છીએ. કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપણે ચકાસી-પારખીને લઈએ છીએ. આપણી સામે સામાન્ય કંપનીની વસ્તુ હોય તો સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ (ખરીદશક્તિ હોવા છતાં) એમ કહીને નથી છોડી દેતા કે બધી વસ્તુઓ સરખી જ હોય છે ને. વસ્તુઓ તો અમુક મહિના કે અમુક વર્ષો જ આપણને સાથ આપવાની છે; તેમ છતાં આપણે ધર્મ, જે આપણા આખા જીવનનો આધાર છે, તેના વિષયમાં આ સિદ્ધાંત લાગુ નથી પાડતા. ધર્મ પણ એક વિજ્ઞાન છે. તેના માટે પણ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. જે રીતે વિજ્ઞાનમાં સમજી-વિચારીને કોઈ વસ્તુ સ્વીકારવામાં આવે છે, એવો જ અભિગમ ધર્મ વિષે પણ રાખવો જોઈએ. જે રીતે વસ્તુને ખરીદ-શક્તિની જરૃર છે, એ જ રીતે કોઈ ધર્મ સ્વીકારવા કે પરિવર્તન કરવા માટે પણ નૈતિક શક્તિની જરૃર હોય છે.

બીજા પ્રકારના લોકો એ હોય છે, જેઓ બધાને ‘સત્ય’ કહે છે. કોઈ વસ્તુને એક માણસ લાલ, બીજો પીળી, ત્રીજોે લીલી કોઈ કાળી-સફેદ વગેરે કહે તો શું આપણે એમ માનીશું કે રંગોમાં આટલો તફાવત હોવા છતાં બધી વસ્તુઓ સાચી છે. વાસ્તવમાં સત્ય તો કોઈ એક હશે. આવું અસત્ય લોકો દંભના કારણે, સહિષ્ણુતાના નામે કે પછી કોઈ વર્ગ વિશેષને ખુશ કરવા માટે બોલતા હોય છે. એ વાત યાદ રાખવી જોઈએ કે અસત્ય ઉચ્ચારવાનું નામ સહિષ્ણુતા નથી, પણ બીજાને અસત્ય પર સમજીને, તેની માન-મર્યાદાનો ખ્યાલ રાખીને તેને સહન કરવાનું નામ સહિષ્ણુતા છે. અમુક લોકો ધર્મોનો ઉપરછલ્લો અભ્યાસ કરે છે. તેમાં તેમને સમાનતા લાગતી હોવાથી બધા ધર્મોને પણ સમાન ગણે છે, કે પછી બધા ધર્મોમાં મળતી નૈતિક અને મૂલ્યોની વાતોને લઈને ‘ધર્મના સાર’ રૃપે ‘માનવતા’ની વાતો કરે છે. કેટલાક એવા પણ હોય છે જેઓ ભોળા લોકોને પોતાની ચુંગાલમાં રાખવા કે સત્ય શોધક બનતા કે ધર્મ પરિવર્તન થતા અટકાવવા માટે આવી પાયાવિહોણી વાતો કરતા હોય છે કે બધા જ ધર્મો એક જ પ્રકાશ સ્તંભના કિરણો છે, પ્રકાશ તો આખી દુનિયામાં એક જ પ્રકારનો હોય છે, શરત એ છે કે તમે નરી આંખે જૂઓ. જો તમે વિવિધ રંગના ગોગલ્સ પહેરીને પ્રકાશ જોશો તો તમને તે જ રંગનો દેખાશે. કેટલાંક કહે છે કે આ ધર્મો વિવિધ નદીઓ છે જે છેલ્લે એક જ સાગરમાં વિલીન થઈ જાય છે. નદીઓ તો જુદી હોઈ શકે પણ બધાના પાણી ‘ઝમઝમ’ જેવા પવિત્ર નથી હોતા. હિંદુ ધર્મમાં પણ ગંગાને જે સ્થાન આપવામાં આવ્યું છે તે બીજી નદીઓને નથી અપાયું. ટૂંકમાં એટલું કે આપણે તો સૌથી સ્વચ્છ, સુંદર વસ્તુ (અર્થાત્ સત્ય)ને પસંદ કરવાની વાત કરી રહ્યા છીએ. જો ધર્મો, પંથો અને સંપ્રદાયો વિશે અભ્યાસ કરશો ત્યારે જ તેમના વચ્ચેના મત-મતાંતરનો ખ્યાલ આવશે. કેટલાક લોકો ઈશ્વરને એક માને છે, કેટલાક ત્રણમાંનો એક માને છે, કેટલાક એકથી વધારે, કેટલાક ૩૩ કરોડ સુધીના દેવી-દેવતાઓમાં વિશ્વાસ ધરાવે છે; તો અમુક વર્ગ એવો પણ છે જે ઈશ્વરમાં માનતો જ નથી. હવે આકાશ-પાતાળનો આવો વિરોધાભાસ હોવા છતાં બધાને સમાન કઈ રીતે કહી શકાય ? સત્ય તો કેવળ એક જ હોઈ શકે. એવી જ રીતે મુસ્લિમો પુનર્જીવનમાં, હિંદુઓ સાત જન્મ, સિત્તેર કોટીમાં કે આવાગમનમાં અને કેટલાક માત્ર આ જ લૌકિક જીવનને જ સત્ય માને છે. શ્રદ્ધા અને માન્યતામાં આટલો તફાવત હોવા છતાં બધાને સમાન કેવી રીતે કહી શકાય ? એક બગીચામાં જુદા-જુદા પ્રકારના ફૂલો હોય છે, પણ બધા ફૂલો સુગંધ, સુંદરતા અને કદમાં સમાન નથી હોતા. તો પછી સત્ય શું છે ? તેના માટે તો શોધ કરવી જ રહી. તમે જે પરિણામ પર પહોંચો, તેને આનંદપૂર્વક અને હિંમતથી સ્વીકારો. વૈજ્ઞાનિક ઢબે વ્યક્તિ બીજા ધર્મો પ્રત્યે સદભાવ તો રાખી શકે (અને રાખવો જોઈએ), પણ સમભાવ ન રાખી શકાય; અને જો વિરુદ્ધમાં મંતવ્ય રાખવા છતાં સમભાવની વાત કરતો હોય તો એ સ્પષ્ટ દંભ છે. એની પુષ્ટિ એ રીતે પણ કરી શકાય કે કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે તો આવા જ સમભાવની વાતો કરનાર વ્યક્તિ જ તેનો વિરોધ કરે છે. તેમના નજીક જો બધા સમાન છે, તો પછી આટલો ઊહાપોહ કેમ કરે ? ધર્મ-રક્ષાના નામે આવી વાતો ચલાવી ન લેવાય. ધર્મ-રક્ષાનો સૌથી સરળ અને સુંદર ઉપાય એ જ છે કે તમે જેને સત્ય માનો છો, તેનું પાલન કરો. વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવી, તેને ધર્મ પરિવર્તન કરતા અટકાવવું એ કોમવાદ, સાંપ્રદાયિકતા, અસહિષ્ણુતા અને ધર્માંધતા છે. આવું વર્તન સ્વયં ધાર્મિક શિક્ષણની વિરુદ્ધ છે, કેમ કે ધર્મ તો ન્યાય અને સત્યવાદી બનવાની શીખ આપે છે. એક વાત સમજી લેવી જોઈએ કે ધર્મ મનુષ્યના કલ્યાણ, સમાજના નિર્માણ, નૈતિક અને આધ્યાત્મિક વિકાસની વાત કરે છે. ધર્મ કોઈ ધંધો કે વ્યવસાય નથી કે વ્યક્તિ એવુ વિચારવા લાગે કે બીજાની દુકાન કરતા મારી વધારે ચાલે, કે પછી મારી દુકાન ચાલે કે ન ચાલે પણ તેની દુકાન તો ન જ ચાલવી જોઈએ. આને ઈર્ષ્યા કહેવાય, ધર્મ ન કહેવાય. ધર્મોની શરૃઆત એક જ હતી, પણ વ્યક્તિઓના સ્વાર્થના કારણે આટલા બધા પંથો અને સંપ્રદાયો બની ગયા છે. તેમાંથી મૂળ અને શુદ્ધ સ્વરૃપમાં જે બાકી હોય તે જ સત્યધર્મ છે.

બધા ધર્મો એક બગીચાના ફૂલોેની જેમ સાથે રહી શકે છે. જે રીતે ફૂલોને પોતાની સુગંધ પ્રસારવાની સ્વતંત્રતા છે એ જ રીતે લોકોને ધર્મોના પ્રચાર-પ્રસારની પણ સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. વાસ્તવમાં કાયદાકીય રીતે બધા ધર્મોના અભ્યાસનું ઉચિત વાતાવરણ મળવું જોઈએ એ મનુષ્યનો મૌલિક અધિકાર છે. શિક્ષણ વ્યવસ્થામાં આવી કલમનો ઉમેરો થવો જોઈએ. એવા ઘણા બધા લોકો મને મળ્યા છે, જેઓ જન્મજાત જે પરંપરા, નીતિ-નિયમ અને ધર્મ તેમને મળ્યો છે, તેમાંથી નીકળવા માંગે છે; પણ એવું વાતાવરણ ન હોવાના કારણે તેઓ હંમેશા તેમાં જીવતા રહેવા વિવશ છે. તેમનું જીવન યાતનામય અને કઠોર થઈ જાય છે. તેમને દરરોજ તેમના જ અંતઃકરણ સાથે યુદ્ધ કરવું પડે છે. તેમનું જીવન નર્કરૃપી બની જાય છે. સામાજિક અને કૌટુંબિક દબાણ પણ કેટલીક વખત તેમને સત્ય સ્વીકારતાં રોકે છે. આવા લોકોના શરીર જન્મજાત ધર્મમાં અને આત્મા સત્ય ધર્મમાં વાસ કરે છે. વ્યક્તિ-સ્વતંત્રતા અને સત્ય સ્વીકારવાનું જેવું અનુકૂળ વાતાવરણ પશ્ચિમમાં જોવા મળે છે, તેવું આપણા પ્રિય દેશમાં પણ ઊભું થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. પશ્ચિમથી અશ્લીલતા, અનૈતિકતા અને ભૌતિકવાદને અપનાવવા કરતાં આવા નીતિ-નિયમોને અપનાવવા જોઈએ. આપણે પણ સત્ય સ્વીકારવાની ડૉ. ભીમરાવ આંબેડકર જેવી નૈતિક શક્તિ પોતાનામાં વિકસાવવી જોઈએ.

”સચ કો સચ કહને વાલે મિલ જાતે હૈ લોગ બહુત,
સચ્ચાઈ કા સાથ નિભાના સબ કે બસ કી બાત નહીં.”

એક વારનો નિર્ણય વ્યક્તિના સમસ્ત જીવનને આનંદિત અને સુખી બનાવી શકે છે. સત્ય કોઈની સંપત્તિ નથી. જે રીતે સૂર્યના પ્રકાશ, હવા અને જળ ઉપર સૌનો અધિકાર છે; એ રીતે સત્ય પર પણ બધાનો અધિકાર છે. પ્રકાશ, વાયુ અને જળનું જીવનમાં જે મહત્ત્વ છે, તેના કરતા વધારે મહત્ત્વ ‘સત્ય’નું છે; કેમ કે આ વસ્તુઓ તો જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી સાથ નિભાવેે છે, પણ સત્ય તો જીવન પછી સાથે રહે છે. સત્ય માણસમાં સંઘર્ષની ભાવના પેદા કરે છે, દરેક સંજોગોમાં સુખી અને આનંદમય જીવન જીવવા પ્રેરે છે, સફળતાના શિખરો સર કરવાની શક્તિ અને મનોબળ પૂરા પાડે છે; એટલું જ નહીં મૃત્યુ પછી પણ મોક્ષ (મુક્તિ) માટે વફાદાર મિત્ર સાબિત થાય છે. એમ તો શાસ્ત્રોમાં સત્ય પર ચાલવાની ક્રિયાને તલવારની ધાર પર ચાલવા જેટલું કઠિન કહેવામાં આવ્યું છે. પણ એ લોકો માટે કઠિન નથી, જેઓ હઠાગ્રહ, સ્વાર્થ, ઈર્ષ્યા, અહંકાર, લોભ-લાલચ જેવા દૂષણોના સાગરને પાર નીકળી જાય છે. સત્યની શોધ, સત્ય સ્વીકાર અને સત્યના પ્રચારના આ પ્રશ્નને ભૌતિકવાદની આ દોડમાં આળસ, વ્યર્થ કે બિનજરૃરી સમજીને વેડફી ના નાંખતા. મારી દૃષ્ટિએ જીવનનો આ એવો મૂળ પ્રશ્ન છે, જેમાં અસીમ અને અનંત સુખનો સાગર છુપાયેલો છે. સદભાગ્યે હું મુસ્લિમ કુટુંબમાં પેદા થયો, પણ બીજા ધર્મોનો અભ્યાસ કરવાની તક મળી છે અને આજે હું મને જન્મજાત મુસ્લિમ નહીં, બલ્કે Muslim by Choice છંુ. તમારો જન્મ ગમે ત્યાં થયો હોય તે ધર્મ કે સંપ્રદાયનું આંખો બંધ કરીને અનુકરણ કર્યે જવું એ તર્કબદ્ધતા અને સમજદારી નથી. મુસ્લિમ હોવ તો એટલું વિચારજો કે તમે મુસ્લિમ કેમ છો ? મુસ્લિમ કોને કહેવાય અને એક મુસ્લિમ તરીકે તેમની જવાબદારી શું છે ? અને બિનમુસ્લિમ હોવ તો જીવનમાં તમારી સત્ય-શોધની યાત્રામાં એકવાર ઇસ્લામ વિષે અધ્યયન જરૃર કરજો કે જેથી તમે કહી શકો કે હું જન્મજાતે આંધળો ધાર્મિક, (અંધશ્રદ્ધાળુ) નહીં, પણ બુદ્ધિવત્ત ધાર્મિક (શ્રદ્ધાળુ) સત્યવાદી છું.

Email : sahmed.yuva@gmail.com


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review