પયગામ

Published on June 1st, 2018 | by Shakil Ahmed Rajput

0

શિક્ષણ ધામોમાં ખોવાયેલ બાળપણ

આજના બાળકો કાલના ભવિષ્ય છે. આ ભાવિ પેઢીનું નિર્માણ તેમના વાલીઓના શિરે છે. દરેક માતા-પિતાને તેમના વ્હાલસોયા બાળકમાં મહાન પુરુષ દેખાય છે. તેમના માટે સંતાન આકાશના તારલાસમ હોય છે. તેઓ તેમની નાની નાની કળીઓને જીવનના દરેક ક્ષેત્રમાં પુષ્પ બની ખીલતા જાેવા ઇચ્છે છે. એટલે જ દરેક માતા-પિતાને માટે તેમની સંતાન વિશેષ મહત્વ ધરાવે છે. તેમના આ જ લક્ષણ બાળકના ભાવિ ઘડતર માટે પ્રેરણારૂપ બને છે. જાગૃત વાલીઓની નિશાની પણ આ જ છે કે તેઓ બાળકની સારી કેળવણી કરે ને તેમને જીવનમાં આવતા પડકારો ઝીલવા માટે તૈયાર કરે. પરંતુ જરા થોભો, અને વિચાર કરો કે તમે તમારા બાળકનું ઘડતર કેવી રીતે કરવા માગો છો. શું તમે તમારી સંતાનને કોમોડિટી બનાવવા ઇચ્છો છો કે એક સારો માનવી?!! કદાચ મારો પ્રશ્ન આપને આશ્ચર્ય ઉપજાવનાર લાગે પરંતુ હું એક મહત્ત્વના પાસા તરફ આપનું ધ્યાન કેન્દ્રિત કરાવવા માગું છું.

મોટા ભાગે વાલીઓ જે પોતે ન કરી શક્યા અથવા તેમને ન કરવા દેવામાં આવ્યું હોય કે તેમનામાં તે કરવાની ક્ષમતા જ ન હોય, તેઓ એ બધી અપેક્ષાઓ પોતાના બાળકોથી પૂર્ણ કરાવવા માંગે છે. ઘણા વાલીઓ હશે જેમણે ભૂતકાળમાં પોતાના રસ-રુચિ મુજબ ભણવાનું અવસર ન મળ્યું હોય, તેમનું જીવન તેમના માતા-પિતાના સ્વપ્ન સાકાર કરવામાં જ ખપી ગયુ હોય. આ માનસિકતાના કારણે તેઓ પોતાને કોઈ પણ વિષયમાં નિષ્ણાત ન બનાવી શક્યા કેમકે જે વિષયમાં તેમને ભણવાની મજા આવતી હતી તેમના માતા-પિતા નજીક તેમાં કોઈ સામાજિક પ્રતિષ્ઠા કે પૈસા ન હોતા. જે ભૂલ તેમના માતાના ઘડતરમાં તેમના માતા પિતાએ કરી હતી તે જ ભૂલ તેઓ પોતાની સંતાન માટે કરે છે. મારૂં બાળક તો ડાકટર જ થશે, હું તો એન્જીનિયર જ બનાવીશ, મારો દીકરો તો કલેકટર જ થશે વગેરે. જે કઈ આપણે ન કરી શક્યા એ બધા સ્વપ્નોના પર્વત નાના નાના ભૂલકાઓના ખભા પર મૂકી દેવામાં આવે છે. અને આપણે સમજીએ છીએ કે આપણે આપણા સંતાનને ખૂબ પ્રેમ કરી રહ્યા છીએ અને તેને એક સફળ વ્યક્તિ બનાવવા તેની પાછળ પ્રયત્નો કરી રહ્યા છીએ.

પરંતુ માફ કરજા બાળ કેળવણીની આ રીત યોગ્ય નથી. વધુ પડતી આશાઓ હંમેશા નિરાશામાં પરિણમે છે. અને એ અપેક્ષાઓ પૂર્ણ ન કરી શકવાના કારણે આપણે તેને ડફોળ, મંદબુદ્ધિ જેવા ઇલ્કાબો આપવાથી ચૂકતા નથી, જેના પરિણામે બાળકમાં નકારાત્મકતા ઉદ્‌ભવે છે. ભણવામાં તેની રુચિ નાશ પામે છે અથવા તે ડિપ્રેશનમાં સરી પડે છે. આપણે યાદ રાખવું જોઈએ દરેક બાળક એક સરખો હોતો નથી, તેમનો રસ રુચિ જુદી જુદી હોય છે. તેમની અભિરુચિ મુજબ તેમની કેળવણી થાય તો તેઓ તે ક્ષેત્રમાં સફળતાના શીખરો સર કરી શકે છે. તેથી વાલીઓએ સ્વતંત્ર વાતાવરણમાં બાળ કેળવણીની જવાબદારી નિભાવવી જાઈએ.

પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાએ પણ બાળકોમાં સ્પર્ધાની માનસિકતા પેદા કરી છે. એકંદરે આપણી શિક્ષણ-પ્રણાલી મૂડીવાદીઓ માટે કુશળ કારીગરોનું નિર્માણ કરવાની છે. બજારમાં એ જ કેન્ડીડેટની માગ છે જે પ્રોડક્શનની વધુ ક્ષમતા ધરાવતો હોવ. આપણી વ્યવસ્થામાં સંસ્કારને કોઈ મહ¥વ પ્રાપ્ત નથી. ન વાલીઓ તેના પ્રત્યે સભાન છે ન શાળાઓમાંથી નૈતિક મૂલ્યોનું જ્ઞાન મળે છે. અને ન જ બજારમાં તેની કોઈ કીમત છે. પરિણામે સમાજમાં લાગણીહીનતા અને અસંવેદનશીલતા ફેલાઈ રહી છે. આજે સમાજમાં જાેવા મળતી અનૈતિકતા અને મૂલ્યહીનતા વાલીઓની બેદરકારી અને શિક્ષણ-વ્યવસ્થાની નિષ્ફળતાની નિશાની છે.

શિક્ષણ સાથે પ્રશિક્ષણ કે કેળવણી સરકાર અને વાલીઓની પ્રાથમિક જવાબદારી છે. દરેક બાળકને ગુણવત્તા સભર શિક્ષણની સાથે સાથે સારા સંસ્કારો પણ મળવા જોઈએ. ભારત જેવા ધર્મ પ્રિય અને બહુસાંસ્કૃતિક સમાજમાં જા શિક્ષણ મશીન રૂપી માનવોના નિર્માણનું ઉદ્યોગ બની જશે તો આપણા દેશનું ભવિષ્ય ખતરામાં સપડાઈ જશે. ભૌતિકવાદે વિચારવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. સમાજમાં મૃતપ્રાય બનેલી માનવતા આપણી માનસિકતાનો અરીસો છે. સંસ્કાર ધર્મગુરુઓના પ્રવચનમાં અને મૂલ્યો પુસ્તકોના પૃષ્ઠો પર જ જાવા મળે છે, વાસ્તવિક જીવનથી તેને કોઈ લેવા દેવા નથી. જીવનના દરેક વિભાગમાં લોહીની જેમ ભ્રમણ કરતો ભ્રષ્ટાચાર ધનની ગુલામીનું પ્રતિક છે.

કહવાતો પદ-પ્રતિષ્ઠા, ધન-દોલત કે નેતૃત્વ માટે સ્પર્ધામાં ઊતરવું જરૂરી બની ગયું છે. જેની પાસે આ બધું છે તે આજની પરિભાષામાં સફળ છે ભલે તેની પાસે જીવવાની કળા હોય કે ન હોય. આ જ માનસિકતા કે માનવીય કમજારીનું મૂડીકરણ પુન્જીપતિઓ કરી રહ્યા છે. અને સરકાર પણ તેમના હાથોનું રમકડું બની ગઈ હોય તેમ પોતાની જવાબદારીથી મુક્ત થઈ નિરંકુશ રીતે શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે. ઢગલે ને પગલે  શિક્ષણની હાટડીઓ ખોલાઈ ગઈ છે. મોટી મોટી લોભામણી જાહેરાતો થકી વાલીઓને આકર્ષિત કરવામાં આવે છે. અને સુવિધાના નામે તેમના ખિસ્સા ખાલી કરાવવામાં આવે છે. સરકાર કોઈ લગામ મૂકતી નથી. અને કોઈ નિયંત્રણ મૂકવામાં આવે તો તે માત્ર કાગળ પરની શોભા બની રહે છે બધી સેટીંગ ટેબલની નીચેથી થઈ જાય છે.

બાળકોના ભવિષ્યને લઇને વાલીઓમાં પણ સારી શાળાઓમાં પ્રવેશ માટે હોડ લાગે છે. બાળકની શાળામાં પ્રવેશ માટે કાયદાકીય ઉમર ૫ વર્ષ છે. પરંતુ ઘણી શાળાઓ પ્રવેશ પહેલાં બાળકનું ઇન્ટરવ્યુ લે છે. જે બાળકને હવે ભણવાનું શરૂ કરવાનું છે તેનો શેનો ઇન્ટરવ્યુ? બાળક તેના માટે તૈયાર થાય તેના માટે કે.જી. શરુ કરવામાં આવી, હવે તો જુનિયર કે.જી. અને પ્લે.ગ્રુપની વ્યવસ્થા પણ મોજૂદ છે. કેટલાક વાલીઓ મજબૂરીમાં તો કેટલાક શોખમાં ૩ વર્ષના બાળકોને ભણવા મૂકી દે છે. અને ભાર વિનાનું ભણતરના સૂત્ર હેઠળ શિક્ષણનું ભાર તેમના માથે મૂકી દેવામાં આવે છે. નાના ભૂલકાઓનું બચપણ પુસ્તકોની વચ્ચે ક્યાંય દટાઈ ગયો છે, જેનાથી બાળકોને સ્વતંત્ર કરાવવાની જરૂર લાગે છે.

દૃષ્ટાંત વિવિધ પ્રકારના છે, જેમ ઘણા સમજુ વાલીઓની ઈચ્છા ન હોવા છતાં પણ બાળકને ૨.૫-૩ વર્ષની ઉંમરે શાળામાં મૂકવા પડે છે કેમકે આગળ જઈને પહેલા ધોરણમાં પ્રવેશમાં તકલીફ પડે છે. તેમ કેટલીક શાળાઓને પણ પ્લેગ્રૂપ અને નર્સરી શરુ કરવી પડી છે કેમકે એવું ન કરતાં સારા બાળકો બીજી શાળામાં જતા રહે છે.

એકંદરે શાળાઓ વચ્ચેની હરીફાઈ હોય કે પોતાની સંતાનને આગળ રાખવાની હરીફાઈ, શોષણ તો બાળકોનું જ થાય છે. ધોરણ ૧ પહેલાં આંગણવાડીની જેમ એકાદ વર્ષ થોડું ઘણું શીખવવા માટે ક્લાસ ચાલે તો કદાચ વાંધો ન આવે પરંતુ પરિસ્થિતિ આ છે કે બાળકને ધોરણ ૧માં આવતા ૩ વર્ષ લાગે છે. જે ઉંમરમાં બાળક તેની પ્રાકૃતિક જરૂરિયાત વિષે ન કહી શકતો હોય,પેન્સિલ પકડવાનું ન જાણતો હોય તે શું ભણશે.!! આ વાત બરાબર છે કે આજના બાળકો આપણી પેઢી કરતાં વધારે ફોરવર્ડ છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તેમની ઉપર તેમની ક્ષમતા કરતાં વધુ બોઝ નાખીએ. આ ઉમર બાળકોને સંસ્કાર આપવાની ઉમર છે. તેના મગજની કોરી સપાટી ઉપર નૈતિક્તાના પાઠ અંકિત કરવાની જરૂર છે પરંતુ આપણે આંગળી પકડતાં જ હરીફાઈના દરિયામાં ધકેલી દઈ એ છીએ. ચેતવજા, વધુ પડતો શિક્ષણનો ભાર બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં અડચણરૂપ નીવડી શકે છે. એ દિવસ દૂર નથી કે બાળકને જન્મતા જ શાળાએ મૂકવામા આવશે બલ્કે શક્ય છે કે ગર્ભમાં રહેલ બાળકનું પહેલાંથી શાળા પ્રવેશ કરાવી દેવામાં આવે. !!

સમાજનું બીજું એક ચિત્ર છે જ્યાં બાળકોના ભાગ્યમાં શિક્ષણ જ નથી. ગરીબી, દરિદ્રતા અને અજાગૃકતા બાળકોને હોશ સંભાળતાં જ કાળી મજૂરી કરવા મજબૂર કરે છે. તેમના માટે સંવિધાનમાં વિશિષ્ટ ઉપબંધ છે, નીતિ નિર્દેશક તત્વો છે, બાળ વિકાસ વિભાગો, ચાઈલ્ડ હેલ્પ લાઈન, ચિલ્ડ્રન-ડે, વગેરે ઘણું બધું છે, જેનો ઉદેશ્ય બાળકોનું સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સ્વસ્થ વિકાસની તકો અને સુવિધાઓ આપવામાં આવે, શોષણ તથા નૈતિક આર્થિક પરિત્યાગથી રક્ષા કરવામાં આવે, શિક્ષણ હેતુ પ્રબંધ કરવામાં આવે.

આટલા બધા બંધારણીય કાયદાઓ, નિયમો અને આયોગો  હોવા છતાં બાળઅધિકારોનું હનન થઇ રહ્યું હોય તો ક્યાંયને કયાંય સમાજ પણ દોષી છે. જરૂર છે કે બાળકોને સંપૂર્ણ કૌટુંબિક, સામાજિક અને નૈતિક સમર્થન આપવામાં આવે કે જેથી તેઓ રાષ્ટ્રની બુનિયાદ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે.

પરિસ્થિતિ જુદી છે, પરંતુ એક વસ્તુ બંને પ્રકારના પરિવારોમાં સમાન છે. માલદારનું બાળક શૈક્ષણિક મજૂરી કરી રહ્યો છે ને ગરીબનો બાળક આર્થિક મજૂરી કરી રહ્યો છે. નાના બાળકોને રમતાં રમતાં સંસ્કાર શીખવાડો, તેમને સ્વતંત્ર રીતે વિકસવા દો, તેમની પ્રવૃત્તિને યોગ્ય દિશા આપો, તમારા પોતાના સ્વપ્નનું ભાર બાળક પર ન મૂકો બાળકનું સ્વપ્ન પૂર્ણ કરવા સહકાર આપો.

તમન્નાઓકે પેચમેં ન ઉલ્ઝાઓ મુઝે

મુઝે જીવનકો જરા સમઝને તો દો

ચલતી હવાઓકે રુખ પર ન ઉડાઓ મુઝે

મુઝમેં ઉડનેકા હોસલા ભરને તો દો.

મેરી હસીકો અભી સંવરને તો દો

મેરે બચપન કો જરા ખિલને તો દો

•••••


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review