વ્યક્તિત્વ વિકાસ

Published on December 31st, 2016 | by Saeed Shaikh

0

વ્યક્તિત્વનો નિખાર

સમાજમાં માણસને મળતા માન સન્માન અને પ્રતિષ્ઠા એના કાર્યો, ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઉપર નિર્ભર હોય છે. જીવનમાં સફળતા માટે ઉચ્ચ ચારિત્ર્યની સાથે સાથે આકર્ષક વ્યક્તિત્વ પણ મોટો ભાગ ભજવે છે. એક જેવી લાગતી બે બાબતો – ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. ચારિત્ર્ય માણસના આંતરિક સૌંદર્ય સાથે તો વ્યક્તિત્વ એના બાહ્ય દેખાવ અને ચાલચલગત સાથે સંબંધ ધરાવે છે. માણસનું વ્યક્તિત્વ દેખાય છે, ચારિત્ર્ય દેખાતું નથી મહેસૂસ કરી શકાય છે. ચારિત્ર્ય સહજ પ્રાકૃતિક છે, માનવ સ્વભાવ સાથે ગુંથાયેલું હોય છે. વ્યક્તિત્વ સહજ હોઇ શકે કે બનાવટી હોઇ શકે છે.

માણસ પોતાના સારા વ્યક્તિત્વથી બીજાને આકર્ષી શકે પરંતુ ખરૃં મુલ્યાંકન એના ચારિત્ર્યથી થાય છે. ચારિત્ર્ય વિશે એક લેખ પહેલા લખાઇ ચુક્ય છે એટલે અહીં વ્યક્તિત્વ નિખાર વિશે જ ચર્ચા કરીશું.

ચારિત્ર્ય આપણા મા-બાપના સંસ્કારો આપણું શિક્ષણ વિચારો અને કાર્યોથી ઘડાય છે. એ કદાચ બદલી શકાતું હશે. ખરેખર કેટલા લોકો ચારિત્ર્ય સુધારતા હશે એ આપણને ખબર નથી. શેતાન સાધુ બની જાય એ એના પહેરવેશથી ખબર પડે પણ એના માનમાં રહેલી વિકૃતિઓ બદલાઇ કે નહીં એ તો એને પોતાને જ ખબર હોઇ શકે છે પણ એના મનમાં રહેલી વિકૃતિઓ,દુસ્વપ્નો કે દુષ્ટ વિચારો તો એના સંપર્કમાં કે રંગતમાં આવેલા લોકો જ કહી શકે. મને નથી લાગતું કે ચારિત્ર્ય સુધારી શકાતું હોય. મનોવિજ્ઞાાનીઓએ આજદિન સુધી એવું ઉપકરણ બનાવ્યું નથી કે માણસની ચારિત્ર્યની સારપ કે શૈતાનની દુષ્ટતા માપી શકે. સજ્જનતા દુર્જનતા પરોક્ષ જ હોઇ શકે. અંદરખાનેથી સારી વ્યક્તિ પોતાને સારી માને તો સમજી શકાય પરંતુ દુર્જનો પણ પોતાની જાતને સારા જ માનતા હોય છે. એટલે આપણે ધર્મ અને સમાજે નક્કી કરેલા નીતીશાસ્ત્રો અને નીતિનિયમોને આધારે માણસની સજ્જનતા કે દુર્જનતા ને નક્કી કરીએ છીએ. એમાં આપણે કેટલા સાચા કે ખોટા હોઇએ છીએ એ અલગ ચર્ચાનો વિષય છે.

રોજબરોજના ધંધા વ્યવસાયમાં ઘણા લોકો સાથે સંપર્કમાં આવવાનું થાય છે. આકર્ષક વ્યક્તિત્વના નિખાર માટે બે લોકો મહત્વનો ભાગ ભજવે છે. એક તો નાઇ અને બીજો દરજી. માણસે વ્યવસ્થિત વાળ કપાવીને કાંસકો કરવો જોઇએ. વિખરાયેલા વાળ ફેશન માટે કલાકારો કે ફિલ્મ સ્ટારો રાખે એ એમના વ્યક્તિત્વનો ભાગ હોઇ શકે. પરંતુ સામાન્ય માણસો માટે જરૃરી છે કે વાળ વ્યવસ્થિત ઓળેલા રાખે. તેલ નાખીને ચીપચીપ થતા વાળ પણ સામેવાળી વ્યક્તિ માટે  અસહ્ય હોઇ શકે છે. એટલે મધ્યમમાર્ગ અપનાવી વાળ તેલથી તરબોળ પણ ન હોવા જોઇએ કે એકદમ સુકા પણ ન હોય એનું ધ્યાન રાખવું જોઇએ. બીજું મોટાવાળ હોય એ સભ્ય સમાજમાં સ્વીકૃત નથી ગણાતા મિલીટરી કટ અર્થાત એકમદ ખસખસી વાળ પણ ન હોવા જોઇએ.

વ્યક્તિત્વને નિખારનારી બીજી મહત્વની બાબત છે સુવ્યવસ્થિત કપડા. કપડા હંમેશા નવા અને મોંઘા જ પહેરવા જરૃરી નથી. કપડા  ભલે જૂના હોય પરંતુ સ્વચ્છ અને ઇસ્ત્રી કરેલા કપડાં વ્યક્તિત્વને નિખાર આપે છે. આમ તો આપણે આપણી પસંદગીના જ કપડાં પહેરવા જોઇએ કે વાળ કપાવવા જોઇએ પરંતુ એ પસંદગી એવી હોવી જોઇએ જેથી બીજી લોકોની વચ્ચે આપણે અજુગતા ન લાગીએ. કપડા પ્રસંગ, સ્થળ અને ઋતુ પ્રમાણેના હોવા જોઇએ. ઓફીસ કે ધંધા વ્યવસાયમાં તમે ચમકદાર એકમદ ભડકાઉ કલરના રંગબેરંગી કાબર ચિતરા કપડા પહેરો તો તમે થોડા વિચિત્ર લાગશો. એટલે ધંધા વ્યવસાયમાં સોબર સીધા સાદા કપડા પહેરવાનો રિવાજ છે. લગ્ન કે અન્ય કોઇ પ્રસંગે તમે ભડકાઉ કપડાની સાથે ફોર્મલ કપડા પહેરો તો ચાલી જાય. ઉનાળામાં વુલન સૂટ પહેરીને જાવ તો લોકો તો કદાચ કશું ન કહે પણ તમારૃં શરીર ગરમીમાં લથપથ થઇ જશે અને તમે જ અકળામણ અનુભવશો એવી રીતે શિયાળામાં શરીરને ઢાંકતા કપડા પહેલાં જોઇએ. કપડા એવા પહેરવા કે તમારા કપડાથી તમને બીજાની સરખામણીમં લઘુતાગ્રંથી ન ઉદ્ભવે એવી જ રીતે એટલા મોંઘા કે એટલા જબરદસ્ત કપડા પણ ન પહેરવા કે ગરીબ લોકો તમને જોઇએ લઘુતાગ્રંથી અનુભવે. બની શકે તો અત્તર કે સ્પ્રે લગાડવું જોઇએ. આપણા અંદરની વાસથી બીજાને તકલીફ આપવાનો આપણને કોઇ અધિકાર નથી. ચંદ્રકાંતબક્ષીએ ક્યાંક લખ્યું હતું કે સેન્ટ એ ગુજરાતીઓ માટેની વસ્તુ નથી. અત્તર મોટાભાગે મુસ્લિમો લગાવે છે. હિંદુઓ અત્તર લગાવતા નથી. એ  માટેનું એક કારણ એ પણ છે કે કેટલાક હિંદુઓ એવું માને છે કે આ લગાડવાથી ભૂત ચોંટી જાય છે. અમે તો ઘણા વર્ષોથી અત્તર લગાવીએ છીએ આજ દિન સુધી કોઇ ભૂત પ્રેત ચોટયું નથી. જો કે ઘણા લોકો પરફ્યુમ તો લગાવે છે એનાથી કદાચ ભૂતપ્રેત નહિં હોય એવું અનુમાન આપણે કરી શકીએ. સુગંધ એટલા માટે લગાડવી જોઇએ કે કપડા સુગંધિત હશે તો દિમાગ પણ તરોતાજગી અનુભવશે. એનાથી કાર્યક્ષમતા વધે છે. જો શરીર અને કપડામાંથી દુર્ગંધ આવતી હોય તો તમને પોતાને જ બેચેની લાગશે અકળામણ થશે. જો તમે જ તમારી દુર્ગંધ સહન કરી શક્તા ન હોવ તો બીજા કેવી રીતે સહન કરશે. અને બીજાઓએ શા માટે સહન કરવી જોઇએ? એટલે બીજા લોકો ખાતર પણ માણસે સુગંધ લગાડવી જોઇએ એવી મારી અંગત માન્યતા છે.

વ્યક્તિત્વને મોહક બનાવનાર ત્રીજી બાબત છે  સારી રીતભાત માણસ ઉંચા હોદ્દા ઉપર હોય એનાથી સારી રીતભાત અપેક્ષિત હોય છે. જો એનું વર્તન એ પ્રમાણે ન હોય તો લોકો એનાથી છેટા રહેવાનું પસંદ કરશે. સારી બોડીલેંગ્વેજ જરૃરી હોય છે. સારી રીતે ઉઠવું, બેસવું,બોલવું, વાતચીત કરવી એ શિષ્ટાચારનો ભાગ છે. સારો શિષ્ટાચાર વ્યક્તિત્વને નિખારે છે. એનાથી વિરૃધ્ધ દુષ્ટાચારને લીધે લોકો તેમને ધિક્કારે એવું બની શકે.

સ્પષ્ટ ઉચ્ચારણ સાથે મધ્ય ટોનમાં એક એક અક્ષર સ્પષ્ટ સંભળાય એ રીતે વાતચીત કરવી જોઇએ. ગાળાગાળી કરવાથી ચારિત્ર્યની ઝાંખી થઇ જશે. એટલે મીઠાશપૂર્વક વાતચીત કરવાની કળા માણસે શિખવી જોઇએ. એ સાથે મોઢા ઉપર સાહજિક સ્મિત ફરકાવવાથી ચહેરો વધારે આકર્ષક લાગે છે.

ચપ્પલ પહેરવા કરતાં બૂટ પહેરવા વધુ સલાહભર્યું છે. જો કે આજના સમયમાં સ્લિપર કે ચપ્પલ કે સેન્ડલ પહેરો કે બૂટ પહેરો બધુ ચાલે છે પરંતુ ધંધા વ્યવસાયમાં હજી પણ એવી માન્યતા છે કે બૂટ પહેરવાથી તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લાગે છે.

કોઇની સાથે વાત કરો તો નમ્રતા અને મીઠાશથી કરો. ટૂ ધ પોઇન્ટ વાત કરવી જોઇએ. વાતોડિયા લોકોને મોટા ભાગના લોકો પસંદ કરતા નથી. આપણી ભાષામાં કહેવત છે ન બોલવામાં નવ ગુણ. ન બોલીને માણસ ઘણી મુશ્કેલીઓમાંથી બચી જાય છે. જો કે આની વિરોધી અને આના જેટલી જ પ્રચલિત કહેવત આપણે ત્યાં છે ” બોલે એના બોર વેચાય” આનો મધ્યમમાર્ગ એ જ છે કે આવશ્યકતા અનુસાર જ બોલવું જોઇએ. માણસ મિતાહારીની સાથે મિતભાષી પણ બનવું જોઇએ.

આત્મવિશ્વાસ : જીવનની સફળતા માટે આત્મવિશ્વાસ પણ જરૃરી છે. કોઇની સાથે વાત કરતી વખતે, ધંધા વ્યવસાયમાં નેગોસીએશનમાં ઇન્ટરવ્યુમાં કે ક્યાંક પ્રવચન આપવાનું કહેવામાં આવે ત્યારે આત્મવિશ્વાસ હશે તો જ આ કાર્યો સફળતાથી પાર પડશે.

આ ઉપરાંત માણસ જે તે ક્ષેત્રમાં હોય એનું જ્ઞાાન હોવું ખૂબ જરૃરી છે. બીજા ક્ષેત્રોનું જ્ઞાાન ન હોય તો ચાલે પરંતુ વ્યવસાયમાં હોય એ ફિલ્ડની મોટા ભાગની માહિતી અને જ્ઞાાન જરૃરી છે.

આબ્રાહમ લિંકને કહ્યું હતું કે ચાળીસ વર્ષ પછી ચહેરાને સુંદર માત્ર સ્મિત દ્વારા જ બનાવી શકાય. એમણે ચહેરાના ખીલને છુપાવવા માટે દાઢી રાખી હતી એ લઘુતાગ્રંથિને લીધે નહીં પરંતુ બીજા લોકો એમના ચહેરાને જોઇ ગ્લાનિ ન અનુભવે  એટલા માટે. વ્યક્તિત્વને નિખારવું માણસના પોતાના હાથમાં છે. એ માટે જેટલા પ્રયત્નો કરવા પડે એ કરવા જ જોઇએ. *


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review