આ વાર્તા અમારા ચાચાએ અમને સંભળાવી હતી. અમે તેમનાથી એ પૂછવા ગયા હતા કે ચાચામીયાં! તે ખેરાત (દાન) કેવી હોય છે જે જમણા હાથથી અપાય તો ડાબા હાથને પણ ખબર ન પડે. જરા આનો અર્થ તો સમજાવો. ચાચામીયાંએ આ જ વાત સમજાવવા માટે અમને આ વાર્તા સંભળાવી હતી – આ વાર્તા આ પ્રકારની છે…

કોઈ શહેરમાં એક ખૂબ જ માલદાર માણસ રહેતો હતો તે માલદાર માણસ રોઝા અને નમાઝનો અત્યંત પાબંદ હતો. તે હજ પણ કરી ચૂક્યો હતો. દર વર્ષે ઇદુલઅઝ્હા પર કુર્બાની પણ કરતો હતો. રમઝાનમાં ઝકાત પણ કાઢતો હતો. તે સિવાય જો કોઈ તેનાથી બે ચાર રૃપિયા તો મોટી વાત છે. બે ચાર પૈસા પણ માંગવા જતો તો ઘરાર ઇન્કાર કરી દેતો હતો. શહેરમાં કોઈ ગરીબ કે બિનવારસ વ્યક્તિનું મૃત્યુ થઈ જતુ અને તેના કફન-દફન માટે ચંદો કરવામાં આવતો તો તે માલદાર વ્યક્તિ એક પૈસો પણ ચંદામાં ન આપતો. કોઈ મુસાફર મસ્જિદમાં આવતો અને મદદ માટે લોકોને પોકાર પાડતો તો તદ્દન સામાન્ય ઘરથી પણ બે ચાર પૈસા તેને મળી જતા પણ તે માલદાર વ્યક્તિ કંઇ જ ન આપતો. એક વખત તો તેણે ખૂબજ ગજબ કરી નાંખ્યું. ખુદ તેના મોહલ્લામાં એક અનાથ દીકરીની શાદી મોહલ્લાના લોકોએ એક જગ્યાએ નક્કી કરી અને પછી બધાએ ભેગા મળીને શાદીના પૈસા ભેગા કર્યા. કોઈ ઘર એવું ન બચ્યું જેણે આ નેક કામમાં દીલચશ્પી ન લીધી હોય. જો કોઈએ જરાપણ રસ ન લીધો હોય તો તે માલદાર માણસ હતો જે મોટો નમાઝી અને હાજી હતો. મોહલ્લાના ચાર છ મોટા માણસો તેની પાસે ગયા તેમને હતું કે, ભલે ક્યારેય ન આપતા હોય પણ આ તો મોહલ્લાનો મામલો છે અને અનાથ છોકરીનો સવાલ છે તો જરૃર સો બસો તો આપશે જ. પરંતુ તેણે આ મોટા વૃદ્ધોને પણ સાફ ના પાડી દીધી કે હું કંઇ આપી શકતો નથી.

તેના આ વખતના ઇન્કાર ઉપર આ લોકો અચરજ પામી ગયા. પરસ્પર કહેવા લાગ્યા આવો દીનદાર માણસ તો ક્યાંય પણ જોયો નથી ન સાંભળ્યો છે. અલ્લાહે આટલું બધું આપ્યું છે ને પાછો દીનદાર પણ કહેવાય છે. નમાઝ જમાઅત સાથે જ પઢે છે ક્યારેય નથી છોડતો પરંતુ પૈસા એવી રીતે દાંતથી પકડી લે છે કે કોઈની તાકત નથી કે દાન કે સદ્કા માટે તેના પાસેથી પૈસા લઈ આવે.

આ અનાથ છોકરીની શાદીમાં તે માલદાર ખૂબજ બદનામ થયો અને લોકોએ તેની નિંદા કરતા ત્યાં સુધી કહી દીધું કે, શું કામની નમાઝ જે અનાથોને પણ ધકકા મારીને કાઢી મુકે છે. જગજાહેર હતું કે કોઈ ફકીરને તેના દરવાજેથી ક્યારેય ભીખ નથી મળી. ફકીરોએ તો તેના દરવાજા પર જવાનું જ છોડી દીધું હતું.  આ શહેરમાં એક બીજો વ્યક્તિ પણ રહેતો હતો. તે વધારે માલદાર તો ન હતો પણ ખાતો પીતો માણસ હતો. તે એટલો માલદાર પણ ન હતો કે હજ કરી શકતો પરંતુ એ જરૃર હતું કે ખૈરાત-દાન આપવામાં તે આગળ વધીને ભાગ લેતો હતો. કોઈ ફકીર તેના દરવાજેથી ખાલી જતો ન હતો. જ્યાં પણ સાંભળે કોઈ બિનવારસી મરી ગયો છે તરત જ પહોંચી જતો તેના કફન-દફનની વ્યવસ્થા કરી નાંખતો. મુસાફરના ખાવા પીવાનો બંદોબસ્ત કરતો. ગરીબ બાળકોની સ્કૂલ ફી ભરી આપતો. પુસ્તકો ખરીદી આપતો. અનાથ દીકરીની શાદીમાં જો તે રૃપીયા ન આપતો તો શાદીનો ખર્ચ જ મુશ્કેલીથી આપતો. લોકોનું કહેવું હતું કે જો આ વ્યક્તિ આટલી બધી ખેરાત ન કરે તો એક વર્ષમાં જ એટલી રકમ બચી જાય કે તે હજ કરી શકે.

લોકો તે મોટા માલદાર માણસની તુલનામાં આ વ્યક્તિની ખુબ ઇઝ્ઝત કરતા હતા. આ જ્યાં પણ જતો લોકો માનથી બેસાડતા. તેની પ્રશંસા કરતા તેના માટે દુઆ કરતા.

હવે સાંભળો, તે મોટો માલદાર વ્યક્તિ બિમાર પડયો. લોકો તેનાથી નાખુશ હતા પણ અલ્લાહના રસૂલ સ.અ.વ.એ બિમારની ખબર કાઢવાની તાકીદ ફરમાવી છે એટલે સવાબની નિયતથી લોકો તેમની પુછપરછ કરવા જતા. લોકોની નવાઈની કોઈ સીમા ન રહી જ્યારે તે નાના માલદાર માણસને તેમણે પેલા મોટા માલદાર માણસની સેવા કરતા જોયો. કોઈકએ તો મોઢા પર કહી દીધું કે માણસ હોય તો આવો જે આવા કંજુસ માણસની ખિદમત કરતા પણ અચકાતો નથી.

મહીનો બે મહિના બિમાર રહ્યા પછથી તે મોટા માલદાર વ્યક્તિનું મૃત્યુ થયું લોકો તેના જનાઝાની નમાઝમાં હાજર તો થયા તેની મગફિરતની દુઆ પણ કરી પણ સાચી વાત એ હતી કે દીલી કોઈ દુઆ નહોતી કરી રહ્યા બસ જીભથી જ હતું જે કંઇ હતું.

તેના કફન-દફન ક્રિયા પછી તે નાના માલદાર વ્યક્તિએ એલાન કર્યું કે બધા લોકો મસ્જિદમાં એકઢા થજો. હું આજે એક એવી વાત સંભળાવીશ જે કોઈએ ક્યારેય સાંભળી નહીં હોય – લોકો એલાન સાંભળીને ભેગા થઈ ગયા.

તેમણે કહ્યું, “ભાઈઓ હાજી સાહેબનો ઇન્તકાલ થઈ ગયો. અલ્લાહ તેમને માફ કરી દે. તેઓ ઘણી ખુબીઓના માલિક હતા. આ તો તમે જાણો જ છો કે જેઓ નમાઝ રોઝાના પાબંદ હતા – તહજ્જુદ પણ પઢતા હતા – હજ પણ અદા કરી અને ઝકાત પણ કાઢતા હતા.”

હાજી સાહેબની પ્રશંસામાં એટલી હદે કહેવાયુ કે અમુક નવયુવાનો કંટાળીને બોલ્યા. બસ હવે રહેવા દો સાહેબ! બસ વાત પુરી કરો – અમે હાજી સાહેબને સારી રીતે જાણીએ છીએ…

નવયુવાનોએ આ રીતે બુમરાણ મચાવી પણ વાત કહેનારે એમ કહેવાનું શરૃ કર્યું કે હાજી સાહેબના મરવાથી ઘણા બાળકો અનાથ થઈ ગયા ઘણી વિધવાઓ ખરેખર હવે જ વિધવા થઈ ગઈ – તો બધા આ સાંભળીને અવાચક થઈ ગયા.

અરે… ભઇ આવુ કેવી રીતે!!??

પેલા નાના માલદાર માણસે કહ્યું કે આ એ રીતે કે વાસ્તવમાં હાજી સાહેબ ખૂબજ સખીદાતા માણસ હતા. સખાવતમાં તો તેમણે હાતિમ તાઈને પણ પાછા પાડી દીધા. તેઓ છૂપાઈને ખેરાત કરતા હતા એવી રીતે છૂપી રીતે આપતા હતા કે ડાબા હાથને પણ ખબર પડતી ન હતી. તેમની પોતાની ખેરાત અને દાન છુપાવવાની રીત એ હતી કે ખેરાતની હજારોની રકમ તેઓ મને આપી દેતા હતા અને કહેતા, “ભાઈ તમે જરૂરતમંદોને આનામાંથી આપતા રહો.” સાથે મને તાકીદ કરતા કે જુઓ, ખબરદાર કોઈને પણ જાણ ન થવી જોઈએ કે અસલ દાન આપનાર કોણ છે.

હકીકતમાં હાજી સાહેબ પોતાના નામ માટે ખેરાત કરવા ઇચ્છતા ન હતા. બલ્કે માત્ર અલ્લાહને ખુશ કરવા માટે કરતા હતા જે કારણથી જ મારા દ્વારા આપતા હતા.

“અચ્છા, તો તમે જે હજારોની રકમ ખેરાત કરતા હતા તે હાજી સાહેબ આપતા હતા.” લોકોએ નવાઈ પામતા પુછ્યું – અને જ્યારે સારી વાત બધાને જાણવા મળી તો હવે તમામ લોકોના હાથ દુઆ માટે ઉંચા થઈ ગયા જે સાચા દીલની દુઆ હતી.

આ વાર્તા સંભળાવીને ચાચામીયાંએ અમને પૂછ્યું કે હવે તો તમને એ હદીસનો અર્થ અને મર્મ સમજાઈ ગયો જ હશે જેમાં કહેવામાં આવ્યું છે કે દાન એવી રીતે કરો કે ડાબા હાથને પણ જાણ ન થાય.

અમે બધા ચાચામીયાંની આ વાર્તાથી એ હદીસનો અર્થ સારી રીતે સમજી ગયા. /

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here