કુર્આન

Published on May 12th, 2017 | by Shakil Ahmed Rajput

0

મનને અશુદ્ધિઓથી પવિત્ર કરો

“અને લોકોથી મોઢું ફેરવીને વાત ન કર, અને ન ધરતી પર અકડાઈને ચાલ, હકીકતમાં અલ્લાહ કોઈ સ્વચ્છંદી અને અહંકારી વ્યક્તિને પસંદ નથી કરતો.”  (સૂરઃ લુકમાન-૧૮)

માનવને માનવતાના ઉચ્ચ દરજ્જા પર બિરાજમાન કરવા માટે નૈતિક સીંચન પર ખાસ ભાર મુક્યો છે. જેની ભીતરમાં સેંકડો બુરાઈઓ છુપાયેલી છે. બલ્કે ઘણાં બધા દૂષણોની જનની છે. તેનાથી ચેતવો જરૃરી છે.

વ્યક્તિને માત્ર પોતાના વ્યક્તિત્વ, જેમકે પોતાની પ્રતિભા, સુંદર ચહેરા કે પોશાક, ધન દોલત, સાધન સામગ્રી વગેરે ઉપર અહંકાર હોતો નથી, બલ્કે પોતાના કુળ, પોતાના વર્ણ, પોતાના પૂર્વજો, પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાનો ધર્મ વગેરે પર પણ ગર્વ અને અહંકાર હોય છે. આ અહંકાર વ્યક્તિને આધ્યાત્મિક અને નૈતિક રીતે આંધળો કરી દે છે. પોતાના સિવાય તેને કઈ દેખાતું નથી. આટલું જ નહીં આ દુષણ જ્યારે વધે છે ત્યારે વ્યક્તિ બીજાને પોતાનાથી નિમ્ન, તુચ્છ અને તિરસ્કાર પાત્ર સમજે છે. આજે દુનિયાભરમાં જોવા મળતા રંગભેદ, વર્ણવ્યવસ્થા, વંશવાદ, રાષ્ટ્રવાદ, સંપ્રદાયવાદ, જ્ઞાતિવાદ વગેરે અહંકારના વિષેલા વૃક્ષ ગંદા ફળો છે, જેની દુર્ગંધથી સમગ્ર માનવતા ત્રાહિમામ પોકારી રહી છે.

ઘમંડ એવી બુરાઈ છે જેના લીધે વ્યક્તિ સત્યના પ્રકાશથી પણ વંચિત થઈ જાય છે. આ અહંકારના કારણે જ શેતાન કયામત સુધી અલ્લાહની લઅનતનો પાત્ર ઠર્યો. અહંકાર વ્યક્તિને નિષ્પક્ષતા અને ન્યાયપ્રિયતાને બાળી રાખ કરી નાખે છે. તેથી તે બીજા સમૂહો, બિરાદરીઓ, ધર્મો કે સંપ્રદાયના લોકો માટે કે તેમની રીતી નીતિ ઉપર તટસ્થ મને વિચાર કરી શકતો નથી અને જેના લીધે તેવો સચ્ચાઈને પામી શકતો નથી. કુઆર્નમાં છે, “બલ્કે આ જ લોકો, જેમણે માનવાનો ઇન્કાર કર્યો છે, ઘોર અભિમાન અને દુરાગ્રહમાં ગ્રસ્ત છે.” (સૂરઃ સૉદ -૨)

એટલે જ ઇસ્લામે તેને જડમૂળથી ઉખેડી નાખવાનું શિક્ષણ આપ્યું છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું કે જે વ્યક્તિના મનમાં રજમાત્ર અહંકાર હશે તે જન્નતમાં દાખલ થઈ શકશે નહીં. અને જેના દિલમાં રજમાત્ર ઈમાન હશે તે જહન્નમમાં દાખલ થશે નહીં, એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે હે અલ્લાહના રસૂલ સ.અ.વ. હું આ પસંદ કરૃં છું કે મારા વસ્ત્રો અને જૂતા સુંદર હોય, આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે અલ્લાહ સુંદરતાને પસંદ કરે છે અહંકાર આ છે કે અલ્લાહે અજ્ઞાનતાકાળની જેમ અહંકાર અને પોતાના પૂર્વજો પર ગર્વ કરવું તમારાથી દૂર કરી દીધું છે. હવે બે પ્રકારના લોકો છે સંયમી મોમીન અથવા ગુનેગાર અને દુષ્ટ. બધા લોકો આદમની સંતાન છે અને આદમ માટીથી પેદા થયા હતા. (મિશ્કાત).

મુહમ્મદ સ.અ.વ. અહંકારને એટલા નાપસંદ કરતા હતા કે આપે વ્યક્તિ પગની ઘૂંટીથી નીચે વસ્ત્રો પહેરવાની પણ મનાઈ ફરમાવી. દુનિયામાં અહંકારી વ્યક્તિ પોતાને મોટી વસ્તુ સમજે છે પરંતુ તેનું અંતિમ પરિણામ શરમજનક હોય છે.

“તમારો રબ (પ્રભુ) કહે છે, ”મને પોકારો, હું તમારી દુઆઓ (પ્રાર્થનાઓ) કબૂલ કરીશ, જેઓ અભિમાનમાં આવીને મારી બંદગીથી મોઢું ફેરવે છે, ચોક્કસ તેઓ અપમાનિત અને વ્યાધિગ્રસ્ત થઈને જહન્નમ (નર્ક)માં દાખલ થશે.” (સૂરઃ મુ’મિન-૬૦)

ઈમામ ગઝાલીએ સુંદર વાત કરી છે. તમામ માનવો મડદા છે સિવાય તેમના જેઓ જ્ઞાન વાળા છે. તમામ જ્ઞાનવાળા સુવેલા છે. જાગૃત તે છે જે અમલવાળો છે, બધા જ અમલવાળા નુકસાનમાં છે. ફાયદામાં તેઓ છે જે નિખાલસતાવાળા છે. બધા નિખાલસતાવાળા ખતરામાં છે સફળ તે છે જેઓ અહંકારથી પર છે.

ઉપરની આયતથી આપણને બોધ મળે છે કે અહંકાર અને ઘમંડને ત્યજી પોતાના મનને અશુદ્ધિઓથી પવિત્ર કરવું જ રહ્યું. /

Tags:


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review