ઓપન સ્પેસ

Published on July 1st, 2019 | by yuvaadmin

0

પોલીસ ઓફિસરની ઈદ

અંદર ફ્‌લેટમાંથી કઈંક લયબધ્ધ ગણગણાટ સંભળાતો હતો પણ કોઈને કઇં સમજણ પડતી ન હોતી. પણ એમને કોઈ શ્લોક જેવું લાગ્યું. દિવ્યા તરત શીલા માસીને બોલાવવા ગઈ કે એ મુસલમાનના ગામમાં રહેતા તો એમની ભાષા સમજતા હતાં થોડીવારે એ શીલા માસીને લઈને આવી અને એ ચારપાંચ બાઈઓ રાહ જોઈને ઊભી રહી કે હમણાં એ શ્લોકનું પઠન ફરી ચાલુ થશે અને અંદર ગણગણાટ શરૂ થયો.

હા બઈ આ મુસલમાનનો કુઆર્ન પઢવાનો અવાજ છે. આ સાહેબ નક્કી મુસલમાન છે… શીલા માસી શ્વાસ રોકીને આંખો બહાર નીકળી જાય એટલી પહોળી કરી સાદ નીચો રાખી એકધારૂં બોલતા હતાં… દિવ્યા ગુસ્સાના સ્વરમાં બોલી કે આ પેલી બકુડી રહીને, એનો ઘરવાળો જમાદાર છે તો એનો આ સાહેબ છે. એમને તો સરકારી ક્વાર્ટર પણ મળે છે અને એને ખબર છે કે આપણે કોઈ મુસલમાનને સોસાયટીમાં મકાન નથી આપતા તોય લઈ આવ્યો.

પૈસા ખાવા આવી ભાઈબંધી રાખે અને ધર્મ ભ્રષ્ટ કરે પણ નામ તો મલિક સાહેબ કહેતો હતો કે તેને હવે ખબર પડી કે મુસલમાનમાં પણ મલિક હોય… પણ હવે આપણે સાંજે પુરુષ લોકો આવે ત્યારે કહીને છૂટા એમને જે નિર્ણય લેવો હોય લઈ લે, એમ કહી એ ટોળું વિખેરાયું પણ અંદર કુઆર્નની તિલાવત ચાલુ રહી.

સાંજે બારણું ખુલ્યું અને ચંદન રાહ જ જોતો હોય એમ તમારૂં નામ? તો પેલા સાહેબ પટાનું બકલ વચ્ચોવચ્ચ લેવા પેટ અંદર કરીને પટો ફેરવ્યો અને તરડાયેલા સાદે બોલ્યાં કે, કે. એસ. મલિક. એમ નહીં આખું નામ બોલો, અલ્યા કહ્યું તો ખરું તું તો કાંઈ મારો સાહેબ છે…? એમ નહીં સાહેબ પણ નામ કહી દો એટલે ખબર પડે. સાહેબે જવાબ આપ્યો કે કરીમખાન નામ છે એમ કહી નીચે ઊતરી બુલેટને કિક મારી ઓફિસે રવાના થઈ ગયાં.

પ્રેરણા સોસાયટીમાં અજંપો વ્યાપી ગયો. વીસ-વીસ વર્ષની એમના નીતી નિયમો  આજે  ધ્વંસ થઈ ગયા .એક જમાદાર એના અંગત સ્વાર્થ ખાતર મુસલમાન ફોજદારને ખાલી ફ્‌લેટમાં રહેવા લઈ આવ્યો અને હવે કાલે એની બૈરી આવશે અને માંસ મચ્છી રાંધશે અને બધાને અભડાવશે પણ અહીંતો કાળો કેર વ્યાપી ગયો, બધા જ સવર્ણ હતાં. હિંદુમાં પણ કુળ જ્ઞાતિ જાઈને આ લોકો મકાન ભાડે આપતાં તો મિયાં ને તો ક્યારેય નઈ.

આખી રાત ડ્‌યુટી કરી ફોજદાર સાહેબ ફ્‌લેટ પર આવ્યાં. આજે રવિવાર હતો. પુરૂષ વર્ગ ઘરે હતો અને સાહેબના બારણે વીસેક જણનું  હમચુડું જઈ ઊભું. એ જ ચંદને જારથી બારણું ઠોકયું. સાહેબ લૂંગી બાંધતા આવ્યાં અને દરવાજા ખોલ્યો… શું છે આટલા જારથી બારણાં ઠોકો છો તે ? અને હમચુડું અંદર… મલિક સાહેબ અમે મુસલમાનને મકાન નથી આપતાં અને તમે ભળતી અટકના કારણે આવી ભરાણા છો તે ફ્‌લેટ ખાલી કરો.

દાદાગીરી ના કરશો ભાઈઓ. પ્રેમથી કહો જે કહેવું હોય એ… મારે રોઝો છે. હું જારથી કે ગુસ્સામાં બોલું તો મારો રોઝો તૂટી જાય… બસ આ મકાન ખાલી કરી દો એટલે અમારે જાેરથી કે ધીમે બોલવું જ નથીને… ઠીક છે મને ઈદ સુધીનો સમય આપો. હવે દશેક દિવસ બાકી છે પછી હું બીજે કયાંક બંદોબસ્ત કરી લઈશ અને બહુ ઉતાવળ હોય તો ત્રણ દિવસ આપો.

અનિલકુમાર બોલ્યાં ના ના સાહેબ, ઈદ કરીને ખાલી કરી દેજા અમે પણ એવા નિષ્ઠુર નથી કે કોઈની ભક્તિમાં અડચણ રૂપ બનીએ… ઠીક છે કહી એ હમચુડું વેરાયું અને સાહેબને ઈદ સુધીની મહેતલ મળી ગઈ. સાહેબ નિયમિત નમાઝ પડતાં અને રોઝા રાખતા એટલે આ સોસાયટીથી મસ્જિદ દૂર હોઈ થોડી અગવડ રહેતી એટલે એમણે પણ ધીરજ જમાદારને કહેલું કે ઈદ પછી મકાન ફેરવી નાખવું છે.

ધીરજ ડ્‌યુટી ના હોય ત્યારે સાહેબ પાસે બેસતો ધીર ગંભીર સ્વરે કુઆર્ન પઢતાં સાહેબને જોઈ રહેતો. એણે એક દિવસ પૂછી લીધું કે સાહેબ કુઆર્નમાં શું લખેલું છે? તો સાહેબે થોડું પઢીને એનો અનુવાદ કરી ધીરજને સંભળાવ્યો. એને મજા પડી. પછી તો સોસાયટીના ત્રણ ચાર જણ સાહેબના કુઆર્નની તિલાવત કરવાના સમયે હાજર થઈ જતાં અને કલાકો બેસતાં. સાહેબ ઘણું ફ્રુટ લાવતાં અને બાળકોને વહેંચી દેતાં.

મિ.મલિક ઈદની કે દિવાળીની રજાઓ પોલીસમાં  ના હોઈ આપણે તકલીફ ભોગવીએ તો જ લોકો શાંતિથી તહેવારો કરી શકે એટલે રજાની વાત લઈ મારી ચેમ્બરમાં નહીં આવવાનું. Do You Understand?? વૈશાખની ભયંકર ગરમી અને મલીક સાહેબને રોઝો અને ઘરેથી ફોન પર ફોન આવે કે ઈદ પર આ લાવજો ને પેલું લાવજા, અને ક્યારે નીકળો છો અને એમાં એક ઝાટકે રજા કેન્સલ થઈ જાય તો એ માણસ પર શું વીતે ?

મલિક સાહેબે ભારે બુટે જારથી સેલ્યુટ મારી ત્યારે સાહેબની ચેમ્બરના ટેબલ પર રહેલી તમામ ફાઈલો થરથરી ગઈ અને સાહેબ પણ કઈંક બોલવા જતા હતાં એ પહેલાં મલિક ચેમ્બર બહાર નીકળી ગયાં. પણ મલિક આજે રોઝો ખોલતાં ઉદાસ થઈ ગયાં કે અય ખુદા! મેં કોઈ દિવસ સુખે ઈદ ના કરી અને આજે મારી પોઝિશન સારી છે તો એ કસર મારે મારા બાલ-બચ્ચાંમાં પૂરી કરવી હતી. પણ ખેર એમાંય કઈં તારો રાઝ હશે… કહી મન મનાવી અને સ્વગત બોલ્યાં કે નિષ્ઠાપૂર્વક સરકારી ફરજ બજાવવી એ પણ ઈસ્લામની બંદગીનો એક ભાગ જ છે અને હું બજાવીશ.

ધીરજે એની પત્ની બકુને આ વાત કરી કે પોલીસની નોકરી જા… સાહેબ બિચારા ઘરે નઈ જઈ શકે અને કેટલા દુઃખી થઈ ગયાં; અને આ વાત બકુડીએ દિવ્યાને અને દિવ્યાએ શીલા માસીને કહી અને એ સાંજે સાહેબ ભગ્નહૃદયે સોસાયટીમાં આવ્યાં. હળવે રહી ફ્‌લેટના પગથિયાં ચડ્‌યાં આ બધું શીલામાસી જાઈ રહેલાં. એમના મગજમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. સૂર્યાસ્તને થોડીવાર હતી અને ઢાંકેલી થાળી લઈને શીલા માસી મલિક સાહેબના બારણે આવી ઊભા અને બૂમ મારી ‘કરીમ’

સાહેબ પણ વિચારે ચડી ગયા કે કોણ નામથી અને એય તુંકારે બોલાવે છે. ચીકુ કાપતા હાથ એવા જ લઈ એમણે બારણું ખોલ્યું… સામે શીલા માસી… એ તો સીધા અંદર જ ઘુસી ગયાં અને થાળી નીચે મૂકીને ચપ્પુ લઈને ચીકુ કાપવા બેસી ગયાં અને કહ્યું કરીમ મને કુઆર્ન સંભળાવ… મારે કોઈ કામ નથી. હું તને બધું  ફ્રુટ સમારી આપું છું… અનાયાસ કરીમખાનના મુખે પણ માં તમે શું લાવ્યાં ? ના શબ્દો સરી પડ્‌યાં ત્યારે શીલા માસી બોલ્યાં કે ગામડે ઘણીવાર મારા બાપા સૈદુબાપુને રોઝો ખોલવા બોલાવતા ત્યારે હું બધું બનાવતી, તો થયું કે લાવ બનાવી જોઉં ભૂલી તો નથી ગઈને ?

અને કરીમખાનના જૂના સંભારણા તાજા થઈ ગયાં. કુઆર્ન પઢતાં પઢતાં એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, મા મારી મા અલ્લાહને પ્યારા થઈ ગયા. એમને પણ મારી તિલાવતનો રાગ ખૂબ પસંદ હતો. પણ આજે તમે મારી મા યાદ કરાવી દીધાં… તો હું તને મા નથી દેખાતી? કેમ નઈ આવું બધું તો માં જ કરે ને અને એ બન્ને રોઝો ખોલવા બેઠાં ત્યારે કરીમખાન બાળપણમાં સરી ગયાં.

છેલ્લા ત્રણ રોઝા ખોલવાનો સામાન પેલા બેસવા આવતાં એ ત્રણેય તરફથી આવ્યો અને સહેરી શીલામાસી બનાવવા પણ આવતાં બંને સમયે રોઝો મૂકવા અને છોડવાના સમયે માસી હાજર રહેતા.

આમ ઈદ આવી અને એ દિવસે સોસાયટીના તમામ લોકોએ રજા મૂકી અને એક જ જગ્યાએ જમવાનું બનાવવાનું નક્કી કર્યું અને સવારે વહેલાં મલિક જાગ્યા ત્યારે શીલા માસી અને ચંદન ખીર અને પૂરી બનાવીને લાવ્યા હતાં અને નીચે કમ્પાઉન્ડમાં ત્રણ ગાડીઓ તૈયાર ઊભી હતી જ્યારે મલિક ઝભ્ભો લેંઘો માથે ટોપી પહેરીને પગથિયાં ઊતર્યા ત્યારે એ ટોળાએ બુલેટ ના ચાલુ કરવા દીધું અને ગાડીમાં બેસાડી દીધાં.

આખું હમચુડું ઈદગાહ પર મલિક નમાઝ પઢીને બહાર નીકળ્યાં ત્યારે એ પ્રેરણા સોસાયટી અડધી ગળે મળી અને પાછા એ જ ગાડીઓમાં એ લોકો સોસાયટીમાં આવ્યાં અને આજે પ્રથમવાર પ્રેરણા સોસાયટીમાં ઈદ મનાવવામાં આવી અને મલિક સાહેબની આંખો રડીને લાલ થઈ ગઈ. આજે કેવા ભાવ મનમાં આવતાં હતાં. ઘર યાદ આવતું હતું, પણ અહીંંયા તદ્દન અંજાન લોકોએ કેવું હેત મમત્વ પૂરૂં પાડ્‌યું હતું કે ઘર ભુલાઈ જતું હતું.

ચાર દિવસ પછી મલિક સાહેબ ગાડી લઈને આવ્યાં અને સામાન એમાં મુકવા લાગ્યાં. સૌથી પહેલી બૂમ દિવ્યાએ પાડી શીલા માસી… અને સોસાયટીમાં એના પડઘા પડી રહ્યાં અને શીલા માસી યુધ્ધ કરવાનું હોય એમ ધસમસતા બહાર આવ્યાં… કોની ગાડી છે શું છે આ બધું ? મલિક ગંભીર સ્વરે બોલ્યાં કે મા મને મસ્જિદ પણ દૂર પડે છે અને અહીં સોસાયટીનો પણ નિયમ છે કે બીજું કોઈ ના રહે અને મેં લોકોને વાયદો પણ કર્યો છે કે હું ઈદ પછી નીકળી જઈશ…

ચાર પાંચ બાઈઓ આવીને ગાડીમાંથી સામાન ઊંચકીને પાછો પગથિયાં ઉપર ચડી ફ્‌લેટમાં મૂકી આવી અને શીલા માસી ખૂબ ગુસ્સે કોને પૂછીને તેં નિર્ણય લીધો કયો સોસાયટી વાળો તને અહીં રહેતા રોકે છે… બતાવ… અને વાતાવરણ તંગ બની ગયું તમામ બાઈઓ પણ ગાડી ખાલી કરીને હજુ પણ કછોટા વાળીને ઊભી હતી કે જાણે હમણાં શીલા માસીનો ઓર્ડર છૂટે  ને ગાડીના કાચના ભુક્કા બોલાવી દેવા અને ગાડી વાળો પણ સમજી ગયો હોય એમ સાહેબ ફોન કરજા કહીને હંકારી ગયો.

ખબરદાર! કોઈ કામ મને પૂછ્યા વગર કર્યું છે તો…? કોઈ કહેનાર નથી તને ફોજદાર હોય તો શું થઈ ગયું… ચાલ ઉપર જા… અને એ કરીમખાન મલિક ઊભા થયાં અને અચાનક શીલા માસીને ઊંચકી લીધાં અને ફ્‌લેટના પગથિયાં એકી શ્વાસે ચડી ગયાં… માસી અવાક ફ્‌લેટમાં શેટી પર માસીને બેસાડી એ નીચે ચરણોમાં બેસી ગયાં અને માથું એમના પગો પર મૂકીને ચોધાર આંસૂએ રડી પડ્‌યાં…

બારણે પચ્ચીસેક સ્ત્રી-પુરુષો ઊભા હશે પણ કરીમખાન આ જ ફોજદાર નહીં શીલા માસીનો દીકરો હતો અને એ તમામ લોકો પણ રડતા હતાં… –•–

લેખક- મલીક શાહનવાઝ “શાહભાઈ” દરબાર ગઢ મુ.પો.તા.દસાડા જી.સુરેન્દ્રનગર પીન-૩૬૩૭૫૦ રમઝાન ઈદ જેઠ સુદ ૨


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review