ઇસ્લામની સામાજીક વ્યવસ્થા

Published on January 1st, 2014 | by Dr. Hunaina Vohra

0

પેરેન્ટીંગ-સંતાન ઘડતર

પેરન્ટીંગમાં સંતાનની ખૂબ કાળજી લેવાય છે, તેનંુ રક્ષણ થાય છે અને કદાચ વધુ પડતી સંભાળનો પણ સમાવેશ થાય છે. દરેક પેરન્ટસ્ (મા-બાપ) તેના સંતાનની વિશેષ કાળજી લે છે.

પ્રાણીજગતમાં બચ્ચાના ઉછેર સમયે લેવાની કાળજીનાં ઘણા ઉદાહરણો છે.જેમ કે,દરિયાઇ કાચબા. આ બચ્ચા મોટા થઇને પાણીમાં સ્વતંત્ર જીવન જીવી ના શકે ત્યાં સુધી તેની સંભાળ રાખવામાં આવે છે. કાંગારૃની માદા બચ્ચાંની સાથે જેટલી જોડાયેલી રહે છે એટલી તો દુનિયાની કોઇ મા તેના બચ્ચા સાથે જોડાયેલી નથી રહેતી. બચ્ચાને કેટલાક સમય તો તે પોતાના પેટની કોથળી (પાઉચ)માં રાખે છે. બચ્ચાને ખોરાક માટે પણ બહાર આવવાની જરૃર નથી પડતી માતાની કોથળીમાં જ તે મોટુ થાય છે અને કોથળીમાં જ મોં છૂપાવીને સૂઈ જાય છે.જ્યારે તે કોથળીમાં ના સમાય એટલુ મોટુ થઇ જાય પછી જ બહાર નીકળે છે.

ઉપરના ઉદાહરણથી પ્રાણીઓની પ્રકૃતિને સમજી શકાય છે.અલ્લાહે સમગ્ર સૃષ્ટિમાં વિવિધ પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યું છે. અને તેમના વંશજો પછી આગળ તેમનુ કુળ વધે તેવી વ્યવસ્થા ગોઠવેલ છે. મનુષ્ય પણ એક પ્રાણી જ છે.પરંતુ તે બુધ્ધિશાળી છે અને સામાજીક પણ છે. સામાન્ય રીતે મનુષ્ય કરતાં અન્ય પ્રાણીઓ તેમના સંતાનના ઉછેરમાં તેમના ખોરાક અને રક્ષણની કાળજી વધુ લેતા હોય છે. પરંતુ જ્યારે તે મોટુ થાય છે ત્યારે તેમની જવાબદારી પૂરી થાય છે. જ્યારે મનુષ્યમાં બાળકના ઉછેરની પરિસ્થિતિ અલગ છે.મનુષ્યના ઘડતરમાં તેના બાળપણનો ઉછેર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેના થકી તે સારી વ્યક્તિ બની શકે છે. માનવીના ઉછેરમાં અન્ય પ્રાણીની જેમ માત્ર ખોરાક અને રક્ષણની જ જવાબદારી નથી પરંતુ સામાજીક શિસ્ત, ઉચ્ચ શિક્ષણ, ઉત્તમ હુન્નર-કૌશલ્ય અને ઉચ્ચ ઉત્સાહ, બુલંદ હિંમત, કરકસર,આત્મસંતોષ આ તમામ ગુણો પેદા કરવાના હોય છે.આમ, ઘડતર એ કોઇ ટૂંક સમય પૂરતી પ્રક્રિયા નથી પરંતુ પોતાની મૂળ પ્રકૃતિને અનુલક્ષીને ઘડતર એક સતત પ્રક્રિયા છે જે લાંબા સમય સુધી ચાલુ રહે છે.

બાળઘડતરનું મહત્વઃ

ઘડતરમાં સૌથી મહત્વની સમસ્યા બાળકના ઘડતરની છે.આ માનવીની સમગ્ર ફરજોમાંથી છે અને જો ઊંડાણપૂર્વક વિચારો તો અંદાજો થશે કે માનવી માટે સૌથી મોટુ ઇનામ તથા સમ્માન તેમજ તેની દુનિયા અને આખિરત સુધારવાનું માધ્યમ છે.

દુનિયામાં સંતાન આંખોની ઠંડક છે. દુઃખ તકલીફમાં સહારો, માનવીની ઓળખનું માધ્યમ છે. સંતાનને કારણે માણસ શક્તિ અને પ્રગતિ પ્રાપ્ત કરે છે.સંતાનને કારણે દુનિયામાં કંઇક કરવાની ઉમંગ જાગે છે તે ટેકો અને પ્રેરકબળ છે. સંતાનને કારણે માણસે દુનિયામાં સુંદરતા અને ઉત્કૃષ્ટતા પામે છે.

સંતાન અલ્લાહતઆલાની ઉચ્ચ નેઅ્મત છે. કોઇ કુટુંબની આશાઓનંુ કેન્દ્ર અને ધરી, વડીલોની આંખોનું ઓજસ,માતા-પિતાની આકાંક્ષાનું પુષ્પ હોય છે. સંતાનના માધ્યમમથી જ વિવિધ કુટુુંબો એકબીજા સાથે સંબંધોના તાંતણે બંધાય છે. કુઆર્ન અને હદીસમાં પણ સંતાનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. એક હદીસમાં પુત્રને હૃદયનું ફળ અને એક હદીસમાં પુત્રીને ભલાઇ અને બરકત બતાવવામાં આવ્યું છે. સુરઃફુરકાનમાં સંતાન માટેની દુઆ આ રીતે છે;

“હે અમારા રબ, અમને પોતાની પત્નીઓ અને પોતાની ઔલાદથી આંખોની ઠંડક આપ અને અમને સંયમીઓના આગેવાન બનાવ”.
ઇસ્લામમાં સંતાનની ઇચ્છા કરવી, તેનુ સારુ શિક્ષણ-ઘડતર કરવંુ એ પ્રિય બાબત છે. નબીઓએ પોતાની સંતાનો માટે દુઆઓ માંગી છે. જે સૂરઃબકરહમાં આ મુજબ છે;

“હે રબ ! અમને બંનેને પોતાના મુસ્લિમો (આજ્ઞાંકિતો) બનાવ, અમારા વંશમાંથી એક એવી ઉમ્મત ઊભી કર, જે તારી મુસ્લિમ (આજ્ઞાંકિત)હોય, અને અમને તારી ઈબાદતની પદ્ધતિઓ બતાવ, અને અમારી ખામીઓને માફ કર”

સંતાનના આખિરતના ફાયદા કુઆર્ન અને હદીસમાં ઘણી જગ્યાએ મોજૂદ છે. જેનાથી અંદાજો થાય છે કે સંતાન એ જન્નતમાં પ્રવેશ માટેનો સરળ માર્ગ છે. માણસ પોતાના સંતાનને ખવડાવવા-પીવડાવવા તેમજ ભરણ-પોષણ વિગેરે જરૃરિયાતો પાછળ જે પ્રયત્નો કરે છે એ બધા બદલ અલ્લાહતઆલાએ બદલો નિશ્ચિત કર્યો છે. સંતાનના સારા ઘડતર માટે જે પ્રયત્ન કરે છે તે તેના સદ્કર્મોમાં ગણાય છે. જ્યારે માણસ મૃત્યુ પામે છે અને પછી સંતાન તેના માટે ભલાઈની દુઆ કરે છે તેના માટે અલ્લાહ પાસે તેની મગફિરત માંગે છે ત્યારે અલ્લાહ તઆલા તેના હિતમાં તેની સંતાનની દુઆ કબૂલ ફરમાવે છે.એક હદીસમા છે;

“જ્યારે માણસ મૃત્યુ પામે છે,ત્યારે તેના બધા જ કર્મો બંધ થઈ જાય છે, પરંતુ ત્રણ વસ્તુ બાકી રહે છે, બાકી રહેનાર દાન અને જ્ઞાન જેના વડે લોકો લાભાન્વિત થાય અને નેક પુત્ર જે તેના માટે દુઆ કરે” (મુસ્લિમ)

જો કોઇ વ્યક્તિ પોતાની સંતાનો સાથે સમાન વ્યવહાર રાખે અને એકને બીજા ઉપર કારણ વગર અગ્રિમતા ન આપે. દા.ત.પુત્ર અને પુત્રી સાથે સમાન વ્યવહાર કરે તો આ પણ તેના માટે જન્નતમાં જવાનું કારણ છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ
“જે કોઇ પાસે પુત્રી હોય,પછી તે તેણીને જીવતી ન દાટે,ન તો તેને તુચ્છ અને નિંદાપાત્ર સમજે, અને ન તો તેના કરતા પુત્રને અગ્રિમતા આપે તો અલ્લાહ તેને જન્નતમાં દાખલ કરશે”.

જીવનનો દરેક માર્ગ, સંસ્કૃતિના દરેક પાસા તેમજ દીનના દરેક સ્તરે સંતાનના શ્રેષ્ઠ ઘડતરમાં અસંખ્ય લાભો રહેલા છે. સંતાન એવી નેઅમત છે કે જેનો વિકલ્પ અન્ય કોઈ નેઅમત હોઇ શકે નહી જેમનુ ધ્યેય આખિરતની સફળતા હોય છે તેમના માટે તો સંતાન એક શ્રેષ્ઠ અને સરળ માધ્યમ છે. એવુંુ માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ પોતાની તમામ આવડત અને શક્તિનો ઉપયોગ કરી શકે છે.

સંતાનનું વ્યવસ્થિત ઘડતર ન કરવંુ એ અત્યંત ખતરનાક વલણ છે અને તેના વિશે આખિરતમાં સખત પૂછપરછની સંભાવના છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું છે “આ મોટી જવાબદારીની વાત છે કે ; વ્યક્તિ પોતાની ફરજ અદા કરવામાં આળસ ન કરે,નહિંતર પૂછપરછથી પોતાને બચાવી નહિ શકે.”

સંતાનનું ઘડતર શું છે:

સંતાનનું ઘડતર કોઇ ક્ષણિક કે ત્વરિત બાબત નથી,અને ઘડતરને ઓગાળીને પીવડાવી પણ શકાય નહિ પરંતુ તે લાંબા સમય સુધી સતત ઘડનારી પ્રક્રિયા છે.

માં-બાપની સમક્ષ હંમેશા એ વાત રહેવી જોઇએ કે તેઓ પોતાના બાળકના હિતમાં શું ઇચ્છે છે, તેને તેઓ કેવા સ્વરૃપમાં જોવા માંગે છે. શું તેઓની ઇચ્છા છે કે તેમનું બાળક મોટુ થઇ એક સજ્જન બને, તે પોતાના સમાજ,દેશ, પરિવાર તથા જ્ઞાતિ તમામ માટે સારો હોય, કે પછી તે દેશ અને કુટુંબ માટે કલંકરૃપ બને. જો આ બાબત નજર સમક્ષ રહેશે તો બાળકનું સારી રીતે પાલન પોષણ કરવાની ઇચ્છા તેમજ તેના માટે માર્ગ અને પધ્ધતિની શોધ પણ હંમેશા નજર સમક્ષ રહેશે.અને જ્યારે આવુ ધ્યેય લુપ્ત થઇ જશે તો તમામ બુધ્ધિમત્તા અને સમસ્યાના તકાદાઓ અભરાઇએ મૂકી દેવાશે. જેના પરિણામે સંતાન કુદરતી રીતે ક્યાં તો આપમળે ઊગી નીકળનારા છોડોની માફક ઉછેર પામશે, અથવા પથ્થર નીચે ઊગેલી કોઇ ઘાસના તણખલાની જેમ સાવ દૂબળી-પાતળી અને શિસ્ત સભ્યતા-સંસ્કાર વગરની હશે.

હંમેશા યાદ રાખવું જોઈએ કે દુનિયાના તમામ સફળ માણસો પણ માના પેટથી એવી જ રીતે જન્મ પામ્યા અને તેમની પાસે પણ આવા જ હાથ-પગ મગજ અને બુધ્ધિ હતી અને જે લોકો નિષ્ફળ થયા અથવા સંપૂર્ણ રીતે સફળ ન થઈ શક્યા, એમની પાસે પણ અલગથી કોઈ મોટુ વિઘ્ન ન હતું. લોકોની વિવિધ પરિસ્થિતિઓ તેમજ પ્રકૃતિના સંદર્ભમાં જો મા-બાપ વાસ્તવિક રસ-રુચિ, હિકમત, ચિંતન તેમજ ગંભીરતા સાથે સંતાનનું ઘડતર કરે તો ચોક્કસ પણે ઘડતરના શ્રેષ્ઠ પરિણામો દેખાશે.એવું જરૃરી નથી કે સંતાન કોઈનું નામ રોશન જ કરે, દુનિયામાં મોભો અને માન-મરતબો હાંસલ કરે, અઢળક ધન-દોલત પ્રાપ્ત કરે. બલ્કે ઇચ્છનીય બાબત તે છે કે બાળક એક સજ્જન માણસના સ્વરૃપમાં વિકાસ પામે એ એક સારા વ્યક્તિ તરીકે જીવન ગુજારે. તેે શ્રેષ્ઠ સંતાન પુરવાર થાય, અને શ્રેષ્ઠ મા-બાપ બને, શ્રેષ્ઠ ભાઇ બહેન બને અને શ્રેષ્ઠ પાડોશી બને. તે દુનિયામાં એવી રીતે જીવે કે મા-બાપની આંખોની ઠંડક અને તેમના મૃત્યુ પછી તેમના માટે બાકી રહેનાર સત્કર્મ બને , અને જ્યારે દુનિયાથી વિદાય લે ત્યારે કયામતના મેદાનમાં તેના મા-બાપને તેમની સંતાન હોવા પર શરમાવવું ન પડે, બલ્કે ગર્વ થાય.

સંતાન જ્યારે હોંશિયાર થવા લાગે છે અને તેનામાં વ્યક્તિવાદિતાની ભાવના પ્રબળ થવા લાગે છે, ત્યારે તે એક ખાસ અને મહત્વપૂર્ણ સમય હોય છે. એ સમયે સંતાનને સખત ધ્યાનની જરૃર હોય છે બાળકની ૧૩-૧૪ વર્ષની ઉંમર આ બાબતે ખૂબ જ અગત્યની છે કારણ કે આજ સમય દરમિયાન તેના વલણો તેમજ માનસિક આવડતો એક વિશિષ્ટ દિશાએ વળે છે આનો મતલબ એમ નથી કે પછી ઘડતર ન થઈ શકે ઘડતર તો દરેક ઉંમરે શક્ય છે ફક્ત મુરબ્બી જોઇએ.

બાળકના ઘડતર દરમિયાનની સાવચેતીઓ

બાળકોના ઘડતરમાં કેટલીક જરૃરી બાબતે એવી છે કે જે ધ્યાનમાં લેવી આવશ્યક છે. બાળકોનું વિવેચનાત્મક નિરિક્ષણ પણ કરતા રહેવું જોઇએ. એમનામાં પડેલી બદીઓને હિકમતથી દૂર કરવાના પ્રયત્ન કરે અને તેમની ખૂબીઓ કે સદ્દગુણોને પ્રોત્સાહન આપે.
એક વાત તો એ છે કે બાળકોને કારણ વિના ઠપકો આપવો, એમના કામોમાં વગર કારણે ખામી કાઢવી અને તેમની નાલાયકીના રોંદણા રોવા અત્યંત ગેરવ્યાજબી છે. આ બાબતો તેમના ઘડતરના માર્ગમાં એક મોટુ વિઘ્ન છે બાળક હોંશિયાર થતા જ જ્યારે દાટી અને ઠપકો સાંભળવા માટે ટેવાઈ જશે તોપછી પુખ્તવયે પહોંચ્યા પછી બાળપણના આ કડવા સ્મરણો કોઈ સારી અસર નહિં છોડે. એનું મગજ ક્યાં તો વિદ્રોહી બની જશે, અથવા તેની શ્રેષ્ઠ આવડતો કચડાઈ કે દબાઈ જશે. ક્યાં તો ખોટા માર્ગે ચઢી જશે અથવા નિષ્ક્રિય બની જશે. એટલે કે બાળકની સખ્તાઇ અને ઠપકો સારી છાપ નહિં છોડે, અને આ જીવનના કાર્યક્ષેત્રમાં સફળતાના માર્ગમાં એક અડચણરૃપ બનશે.

બાળકની રચનાત્મક શક્તિઓને દબાવવી ન જોઈએ. બલ્કે તેને પ્રોત્સાહિત કરવું જોઈએ.અને જો એવું લાગે કે તેની આવડતો ખોટા માર્ગે જઈ રહી છે તો યુક્તિ-ચાતૂર્યથી એની દિશા સારાં કામો તરફ વાળી દઇએ.

બાળકની અંદર આત્મવિશ્વાસ જગાડવો જોઈએ. એવું ન બને કે બાળક પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે આ તેના જીવનની સૌથી મોટી ઘટના હશે. આત્મવિશ્વાસ એ જીવનમાં માણસનું અત્યંત મોટંુ માધ્યમ અને હથિયાર છે. આત્મવિશ્વાસ ધરાવતો માણસ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે એ અસંખ્ય પ્રશ્નો તે માત્ર પોતાના આત્મવિશ્વાસના પ્રતાપે ઉકેલી શકે છે. જ્યારે હિંમત વિનાનો માણસ નિષ્ફળતા અને નુકસાન વેઠનારો હોય છે. સંતાનમાં નેતૃત્વના ગુણો વિકસાવવાના પ્રયત્નો કરો. તેનામાં નિર્ણય લેવાની યોગ્યતા પેદા થઇ જાય, અને તે સાચો નિર્ણય લઇ શકે, પોતાના મગજ અને બુધ્ધિની ક્ષમતાઓનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે.બાળકોની અંદર સદ્દકર્મોને સ્વીકાર કરવાની તેમજ તેને પોતાની ટેવ અને પ્રકૃતિ બનાવવાની આવડત કેળવાઈ જાય પછી બૂરાઈઓથી અળગા રહેવાની પ્રબળ ઈચ્છા પેદા થઈ જાય છે.

બાળકોમાં સત્ય વાતનો સ્વીકાર કરવા, આત્મવિશ્વાસ,સ્વાભિમાન,ધીરજ અને ધૈર્ય અને સારી ખૂબીઓ પેદા થઈ જાય તો તેનું કોઈપણ પ્રકારનું ઘડતર સરળ બનશે.અસલ કામ માર્ગ સકારાત્મક કરવાનો છે.

સંતાનના ઘડતર વિશે અલ્લાહના રસૂલ સ.અ.વ.નું માર્ગદર્શન છે કે બાળકોનુ ઘડતર કલ્મ-એ-તૈયબહથી શરૃ કરો.એટલે કે બાળકને સૌ પ્રથમ પાયારૃપ ઈમાન વિશેની દા’વત આપવામાં આવે. એક ખુદાની માન્યતા, હઝરત મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના આખરી નબી હોવાની માન્યતા અને કુઆર્ન તેમજ અન્ય આકાશી ગ્રંથો જન્નત અને જહન્નમ, આખિરતમાં પૂછપરછ જેવી બાબતો જો શરૃઆતમાં જ બાળકોને આનાથી પરિચિત કરી દેવામા આવે અને બાળક વ્યવસ્થિત રીતે આવા વિચારોથી વાકેફ થઈ જાય તો પછી તેના જીવનમાં પ્રગતિ કરવાની એક દિશા નક્કી થઈ જશે અને તેની ચિંતનાત્મક પ્રગતિ માટે એક દિશા નિશ્ચિત થઇ જશે.

આમ એક તરફ સારો બાળ ઉછેર તેના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો નિષ્કાળજી અથવા નકારાત્મકતા બાળકને નકારાત્મક, વિદ્રોહી, પ્રમાદી, ગુનેગાર કે કુટુંબ સમાજ ઉપર બોજ બનાવી દે છે.

તો આવો આપણે આજ થી જ સંકલ્પ કરીએ કે બાળકને શરૃઆતથી જ દીનદાર હકારાત્મક બનાવવા કુઆર્ન હદીસના પ્રકાશમાં સતત પ્રયત્નશીલ રહીશું અને માનવસમાજને સારા નાગરિકની ભેટ આપીશું.

આપણા આ પ્રયત્નો જ સમાજને અને દેશ-દુનિયાને સાચી પ્રગતિ તરફ લઇ જશે અને પરલોકમાં પણ સફળતા અપાવશે ઇન્શાઅલ્લાહ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review