સમાચાર

Published on September 17th, 2018 | by Rashid Hussain Shaikh

0

દારૂ-જુગારના અડ્ડાઓ જેવી બદીઓ બંધ કરાવવા રખિયાલ ખાતે ‘મહોલ્લા સફાઈ અભિયાન’નું આયોજન

અહમદાબાદના રખિયાલ વિસ્તારમાં ઘણાં વર્ષોથી દારૂ અને જુગારનો વેપાર ચાલી રહ્યો હતો, જેનાથી વિસ્તારના યુવાનો ખોટા માર્ગે દોરાઈ રહ્યા હતા. અને એવા કાર્યો કરનારા પોતાને બહાદુર સમજીને વિસ્તારના રહેવાસીઓને ધમકીઓ આપતાં હતા. આ ભયના માહોલને દૂર કરવા વિસ્તારના જાગૃત યુવાનોએ ‘માહોલ્લા સફાઈ અભિયાન’નું આયોજન કર્યું કે વિસ્તારમાં ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડાઓને બંધ કરાવવા સહિયારો સંઘર્ષ કરવામાં આવે.

આ અંતર્ગત વિસ્તારના લોકો માટે જન જાગૃતિ સભાનું પણ ગત શનિવારે આયોજન કરવામાં આવ્યું. આ સભામાં મુખ્ય મહેમાન તરીકે ‘’ઝોન-૫’ના ડી.સી.પી. માનનીય હિમકર સિંહ સાહેબને ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ હતું,  સાથે રખિયાલ વિસ્તારના પી.આઈ. બી.વી. જાદવ પણ હાજર હતાં.  ભીખા ભાઈ પટેલની ચાલીમાં યોજાયેલ આ સભામાં  ‘મહોલ્લા સફાઈ અભિયાન’ના કન્વીનર સી.એ. સૈયુમ ખાને કહ્યું હતું કે વિસ્તારમાં ભયના માહોલને ખતમ કરવા માટે આ સભાની ખાસ જરૂર હતી.

રખિયાલ વિસ્તારના પી.આઈ. બી.વી. જાદવે જણાવ્યું કે, રખિયાલ ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે અને મુસ્લિમોની બહુમતી વાળો વિસ્તાર છે. જનતાના સહકાર વિના અમે કોઈ કાર્ય નથી કરી શકતા. હાલમાં વિસ્તારમાં જે ભયનો વાતાવરણ છવાયેલ છે તેને દૂર કરવા જનતાને પોલીસની મદદ કરવી પડશે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે જનતા કોઈ પણ પોલીસ અધિકારીને મળીને પોતાની સમસ્યા શેર કરી શકે છે.

મુખ્ય મહેમાન તરીકે પધારેલા ઝોન-૫ના ડીસીપી સાહેબે જનતા સાથે ખૂબ સારી રીતે સંવાદ કર્યું. તેમણે જનતા દ્વારા પુછાયેલા સરળ અને મુશ્કેલ પ્રશ્નોના ઉત્તર ખૂબ સારી રીતે પ્રસ્તુત કર્યા. તેમણે આ વાત ઉપર પ્રસન્નતા વ્યક્ત કરી કે અહીં લોકો દ્વારા વાસ્તવિક રજૂઆત સાંભળવાનો અવસર મળ્યો.વધુમાં કહ્યું કે પોલીસ ભયના વાતાવરણને સમાપ્ત કરવા માટે હંમેશાં ઉત્સુક અને તત્પર છે. તેમણે ગુનેગારોને જેલમાં ધકેલવાનો વિશ્વાસ અપાવતાં કહ્યું કે ગુનેગારો ફકત ધર્મનો ઉપયોગ કરે છે પરંતુ હકીકતમાં તેનો કોઈ ધર્મ નથી હોતો. તેમણે કબૂલ્યું કે પોલીસ પાસે સ્ટાફની અછત છે તેથી સમાજના જાગૃત લોકોની પણ જવાબદારી છે કે તેમની પાસે જો કોઈ સાચી માહિતી હોય તો તરત જ ઉચ્ચ અધિકારીઓ સુધી એ માહિતી પહોચાડે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારના અમુક જાગૃત યુવાનો દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનથી લોકોમાં  વિશ્વાસ પેદા થયો છે અને તેઓ ભયના વાતાવરણમાંથી નીકળીને એક સહિયારા પ્રયાસ માટે તૈયારી વ્યક્ત કરી છે. સમગ્ર સભાનું  સંચાલન અભિયાનના સહકન્વીનર વાસિફ હુસૈને સારી રીતે કર્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review