જિંદગી સર્વોત્તમ મૂડી, અમૂલ્ય સામગ્રી અને મહાન ભેટ છે. આ રબ્બાની નેઅમતની અપેક્ષા એ છે કે જિંદગીને મનભરી જીવવી જોઈએ. જિંદગીની ક્ષણો-ક્ષણને સારી રીતે ગુજારીએ. તેનું ટીપે-ટીપુંુ નીચોવી લઈએ. કારણ કે આ જિંદગી એક જ વખત મળી છે. જિંદગીના જટિલ માર્ગો, આનંદપૂર્ણ જીવનયાત્રા, વસંતથી ભરપૂર મંઝીલો એવી છે કે એક માનસશાસ્ત્રીના મત પ્રમાણે “જિંદગી એક વખત સંપૂર્ણપણે જીવવા લાયક છે.”

પરંતુ મોટાભાગના લોકો જિંદગી જીવતા નથી પરંતુ જિંદગી તેમને ઢસડીને લઈ જાય છે. જિંદગી ઉપર તેમનો કંટ્રોલ નથી પરંતુ જિંદગી તેમના ઉપર કંટ્રોલ રાખે છે. તેમની જિંદગીથી ન તો તે પોતે સંતુષ્ટ હોય છે ન તેના ઘરવાળા અને મોહલ્લાવાળા. અને લાગે છે કે ન તેમનો સર્જનહાર તેમનાથી સંતુષ્ટ હોય છે. આ જિંદગીની નાકદરી છે, અને તેનું પરિણામ નિરાશા છે. જિંદગી જીવવાનું એક કૌશલ્ય અને સભ્યતા છે. કોઈપણ કૌશલ્ય અનુભવથી શીખવાથી અને મહાવરાથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે કાર ચલાવવી એક કૌશલ્ય છે તેવી જ રીતે જિંદગી જીવવી એ પણ એક કૌશલ્ય છે જેના નિયમો શીખવાની અને કેળવણી કરવાની જરૂરત છે.

જીવનમાં વ્યાપકતા

આ વિષયમાં સૌથી પહેલી ચીજ જે સમજવાની છે તે એ કે જિંદગીમાં વ્યાપકતા છે. જિંદગીમાં અનેક દિશાઓ હોવી જોઈએ. જિંદગીનો ઘેરાવો, ઊંડાઈ અને લંબાઈ જાણી લેવાથી તેને પ્રાપ્ત કરવાનું કૌશલ્ય સમજવામાં સરળતા રહેશે.

(૧) જિંદગીની લંબાઈ: જિંદગીની પહેલી દિશા તેની લંબાઈ છે. જિંદગીમાં લંબાઈ એક એવું પાસુ છે કે ઇચ્છો કે ન ઇચ્છો, જાણતા હો કે અજાણ હોવ, વધતી જ જાય છે. કોઈક સમયે આપણે બાળક હતા. બાળપણ, જવાની, ખૂબસૂરત મંઝિલોમાંથી પસાર થયા. જુવાન થયા પછી ઘરડા થઈ જઈએ છીએ. આ રીતે ઉંમર એક વર્ષ, બે વર્ષ, ચાર વર્ષ, દસ, પચ્ચીસ, પચાસ થઈ જાય છે. એ જ પ્રમાણે આવક પણ ક્યારેક ૫૦૦ રૃપિયા હતી, પછી હજાર, બે હજાર, પાંચ હજાર અને પચાસ હજાર રૃપિયા માસિક થઈ જાય છે. આ રીતે ક્યારેક પગપાળા ચાલતા હતા, ક્યારેક સાયકલની સવારી કરતા હતા, પછી બાઈક ખરીદી, પછી કારના માલિક બની ગયા. આ રીતે જિંદગીમાં લંબાઈ જોવા મળે છે. આ દીર્ઘતા સામાન્ય રીતે એક કુદરતી ગતિ અને પ્રયત્ન વગર પણ મળી જાય છે.

(૨) જિંદગીમાં ફેલાવો (પહોળાઈ): ઉપર વર્ણિત દિશાની તુલનામાં આ પાસુ સભાનતાપૂર્વકની કોશીશથી પ્રાપ્ત થાય છે. જિંદગીમાં ઇન્સાન વિવિધ અવસ્થાઓ ધારણ કરે છે અને તે બધાનો હક અદા થઈ જાય તો જિંદગીનો ફેલાવો થાય છે. એવી જ રીતે યોગ્યતાઓ અનુદાનમાં મળી હોય તેના કરતા વધારે કોશીશથી મળેલી હોય છે. Adding feathers of your capની ઉક્તિ પ્રમાણે નિરંતર મનુષ્ય નવી નવી યોગ્યતાઓથી પોતાની જાતને આભૂષિત કરે, તો જ તેની જિંદગીમાં ફેલાવો થાય છે. અનેક લોકો એવા હોય છે જે થોડો અભ્યાસ (શિક્ષણ) પ્રાપ્ત કરે છે અને કોઈ ઠેકાણે નોકરી સ્વીકારી લે છે. જિંદગી પર્યંત મશીનની માફત કામ કરે છે. મોટે ભાગે ટેબલ-ખુરશી સુદ્ધાં બદલવાની ફુરસદ નથી મળતી. અકબર ઇલાહાબાદીની રચના છે;

ક્યા કહેં એહબાબ કા કારે નુમાયા કર ગયે
બી.એ. કિયા, નોકર હુવે, પેન્શન મિલી ઔર મર ગયે

નબીએ કરીમ સ.અ.વ.ની જિંદગીમાં આ વિષે આપણને સર્વોત્તમ આદર્શ મળે છે. આપ સ.અ.વ. એક સફળ વેપારી હતા. પછી નબુવ્વત મળી, આપ સ.અ.વ. જ્યાં ભાષણમાં સુંદર અને સરળ ભાષા બોલનાર વકતા હતા, ત્યાં જ ગંભીર પ્રબંધક (વ્યવસ્થાપક), સર્વશ્રેષ્ઠ માનસશાસ્ત્રી, તો બીજી બાજુ આધ્યાત્મિક વડીલ, લશ્કરી વ્યુહરચના પણ હોશિયારી પૂર્વક કરતા હતા. બજારની વ્યવસ્થાના પણ માહિતગાર હતા. મદીના પહોંચીને ટાઉન પ્લાનીંગના નિયમો બનાવ્યા. અને અનેક ધર્મો વચ્ચે સંવાદિતાનો માહોલ બનાવવા. બંધારણની રચના કરી. આપ સ.અ.વ. અજોડ શાસક પણ હતા, અને ઇસ્લામી રાજ્યની અદાલતના ન્યાયધીશ પણ હતા.

નજીકના ભૂતકાળની હસ્તીઓમાં મૌલાના મોદૂદી રહ. અને ખુર્રમ મુરાદ રહ.નું દ્રષ્ટાંત પ્રસ્તુત કરી શકાય છે. મૌલાના મોદૂદી રહ. એક અજોડ લેખક પણ હતા, એક સારા અસરકારક વકતા પણ, જમાઅતના અમીર પણ, પોલીટીક્સ લીડર પણ, માણસ પારખુ, વ્યક્તિઓને તૈયાર કરનાર પણ, રાષ્ટ્રીય અને રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યા હતા. વૈશ્વિક ઇસ્લામી ચળવળનું નેતૃત્વ અને માર્ગદર્શન પણ કરતા રહ્યા. એવી જ રીતે ખુર્રમ મુરાદ રહ. એક લેખક પણ હતા, એક સારા વકતા પણ હતા, આધ્યાત્મિક વિષયોથી લઈને એન્જિનિરીંગના ટેકનીકલ વિષયો પર પુસ્તકો લખ્યા તેઓ એક વિચારક પણ હતા અને કર્મભૂમિના કાર્યકર પણ હતા. સારા ધંધાધારી એન્જિનિયર પણ હતા, સાથેસાથે સફળ અમીરે મુકામી પણ, તર્જુમાનુલ કુઆર્નનું સંપાદન પણ કરતા હતા અને મોહલ્લામાં ફરીફરીને તેના ગ્રાહકો પણ બનાવતા હતા. તહજ્જુદથી લઈ સવારના ૧૦ વાગ્યા સુધી વર્િંકગ ડે પુરા કરતા. જેમાં ઇબાદત, અધ્યયન અને લેખન કાર્ય કરતા, પછી સવારના ૧૦ વાગ્યાથી લઈ સાંજે ૬ વાગ્યા સુધી એક બીજો વર્િંકગ ડે મર્કઝ જમાઅતના નાયબ અમીરની હેસિયતથી પૂરો કરતા. આવા જ લોકો હોય છે જે ૬૦ વર્ષ જીવે છે પરંતું એવા કામો કરી જાય છે જેની અસરો સદીઓ સુધી ચાલુ રહે છે. તેનાથી વિપરીત એવા પણ લોકો હોય છે કે, બાળપણમાં જે સૂરઃ યાદ થઈ તેના ઉપર એક સૂરઃ અથવા એક દુઆનો વધારો નથી કરી શકતા. બોલતા શીખી લીધું તો લખી નથી શકતા. કાર ચલાવી શકે છે તો કોમ્પ્યુટર ઓપરેટ નથી કરી શકતા. ઉદાસ અને ગમગીન જિંદગીના એક માનસશાસ્ત્રીના મત પ્રમાણે તેમની કબરો ઉપર આ શિલાલેખ લગાવવો જોઈએ,

“Died at the age of 30 and buried at the age of 60” (૩૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા અને ૬૦માં વર્ષે દફન થયા)

અર્વાચીન કાળના ઘણા પ્રખ્યાત મહાપુરૃષોની જિંદગીઓમાં વ્યાપકતા ઈર્ષાજનક હદ સુધી દ્રષ્ટિગોચર થાય છે. એક તરફ તેઓ રાજનૈતિક પંડિત છે. તો બીજી તરફ ભાષાઓના પંડિત, નવલકથાઓના રચયિતા અને કવિપણ, ગોલ્ફના ખેલાડી પણ, અને પાયાના વિષયો ઉપર અધ્યયનકર્તા પણ. જિંદગીમાં વ્યાપકતાનું દ્રષ્ટિબિંદુ જ્યારે સ્પષ્ટપણે પ્રગટ થઈ જશે. તો પછી તેને પ્રાપ્ત કરવાના કૌશલ્ય તરફ સભાનતાપૂર્વકના પ્રયત્નો ઉમંગ અને તડપ સાથે થશે.

(૩) જિંદગીમાં ઊંડાઈ: જિંદગીનું ત્રીજું પાસુ છે. ઊંડાઈ જિંદગીમાં લોકો ઘણા કામો કરે છે. હસવુ, સ્મિત કરવું, વાતચીત, મૈત્રીની અભિવ્યક્તિ વગેરે અનુભવી લોકો જાણી લેતા હોય છે કે આ બધુ ઉપરછલ્લુ હોય છે. તેમાં ઊંડાઈનો બિલ્કુલ અભાવ હોય છે. જિંદગીના આ ત્રીજા પાસાનો અર્થ છે કે જિંદગીનું કોઈ પણ કામ હોય, કામ એવું કરવું કે તેનો હક અદા થઈ જાય. નમાઝ એવી પઢવી જોઈએ કે ખુશુઅ, ખુઝુઅ હોય અને તેની અસર નમાઝીના અખ્લાક, સ્વભાવ, આદત, સંબંધો, આચરણ અને જિંદગીમાં જાહેર થાય. દુઆ એવી કરવામાં આવે કે તેના માધુર્યની અનુભૂતિ દિલના ઊંડાણમાં થાય. વાત એવી કરવામાં આવે કે ડહાપણના મોતી વેરાઈ જાય. વિદ્યાભ્યાસ કરીએ તો ફકત પરીક્ષામાં પાસ થવા માટે જ નહીં જ પરંતુ વિષય ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થઈ જાય. આ પાસાને કુઆર્ન “તેઓ પોતાની નમાઝોમાં ખુશૂઅ વનમ્રતા અપનાવે છે” તો વળી “ભલાઈ કરો અલ્લાહ ભલાઈ કરવાવાળાઓને પસંદ કરે છે” થી યાદ કરે છે.

જિંદગી વાસ્તવમાં તે જિંદગી છે જેમાં ઉપરોક્ત ત્રણ પાસા અર્થાત્ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ઉપસ્થિતિ હોય. તેનાથી વંચિત લોકો હકીકતમાં જિંદગીથી માહિતગાર નથી. આ પ્રમાણેની સંતુલિત, સંપૂર્ણ અને શક્તિની અંતિમ હદ સુધીની જિંદગી જીવવા માટે કળા જાણવી જરૂરી છે. જેનું વર્ણન નીચે કરવામાં આવે છે.

(૧)વાસ્તવિક્તા પસંદી:

જિદંગી જીવવા માટેની કળા માટેનો પ્રથમ અને શ્રેષ્ઠ નિયમ એ છે કે વાસ્તવિક પસંદ બનો. અલ્લાહતઆલાએ તેના ભેદના કારણોસર આપણને જેવા બનાવ્યા છે અને જ્યાં રાખ્યા છે અને જે સ્થિતિમાં આપણે છીએ તે સ્થિતીનો સ્વિકાર કરવો જોઇએ જો અને તો (its & buts) એ નિરાશાના શબ્દો છે. બલ્કે લાલસાની અભિવ્યક્તિ છે. અતિલાલસા એ જિંદગીના માર્ગમાં પ્રથમ અવરોધ છે. “જો હું પણ આઇ.ટી. ફિલ્ડમાં ગયો હોત” જો હું પણ શહેરમાં ઉછર્યો હોત. જો મને સડસડાટ ઇંગલીશ બોલતા આવડતું હોત વગેરે માણસને પલાયનવૃત્તિ શીખવાડે છે. રંગ,વંશ,કદ, રૃપ,આર્થિક સ્થિતિ સંતાન વગેરે નસીબમાં લખાયેલું છે. તેનો અર્થ એ નથી કે નસીબના દોષ કાઢીને આપણે સંકોચાઈને બેસી રહીએ, કહેવાનો હેતુ ફકત એ છે કે હર્ષ અને ઉલ્લાસપૂર્ણ અને સફળ જિંદગી માટે પોતાની બુનિયાદ અને વાસ્તવિક્તાનો સ્વીકાર કરવો જોઇએ. પછી યોગ્યાતાઓની પાંખો લગાવીને સ્વપ્નોેની દુનિયામાં વિહરવું શક્ય બને છે.

વાસ્તિવિક્તાને પસંદ કરવામાં આ પણ શામેલ છે કે બીજાઓની વાસ્તવિક્તાને ઓળખીએ આપણી આજુ-બાજુ, ભાઇ,બહેન, પત્નિ બાળકો સંસ્થાના સાથીઓ વગેરે છે, આપણું કાર્ય તેમના ઉપર અવલંબિત છે. તેમની જિંદગી આપણી સાથે જોડાયલી છે. પરંતુ એ બધી એક મર્યાદા છે, તેમનું વ્યક્તિત્વ આપણામાં ખોવાયલું નથી અને આપણે તેમનામાં શામેલ નથી થઇ ગયા. દરેકની એક અલગ ઓળખ અને વ્યક્તિગત પરિચય છે. તેમનો પોતાનો એક અહમ (ઇગો) છે. તેમના તરફથી કોઇની મદદ આપણને મળી ગઇ તો ઠીક છે નહિંતર કોઇને જિંદગીમાં ફરીયાદ અને કોઇનાથી આશા રાખવી ન જોઇએ. આશા જ્યારે તુટી જાય છે ત્યારે સંબંધો બગડી જાય છે. ખંડિત થયેલ આશા સુખી જીવનની દુશ્મન છે.

વાસ્તિવિક્તા પસંદી આ પણ અભિવ્યક્તિ છે કે માણસ કૃત્રિમથી પવિત્ર બને કૃત્રિમતા એ વાસ્તવિક્તાથી બિલકુલ વિરોધી છે. વર્તમાન સમાજની રીત-ભાતની સૌથી મોટી ખરાબી એ છે કે માણસ પોતાનો પોશાક, રહેણી-કરણી,મકાન અને સવારીના સાધનમાં પોતાની આર્થિક હૈસિયતથી વધારેની અભિવ્યક્તિ કરે છે. કાલ્પનિક જીવનધોરણના કારણે જિંદગી ભારરૃપ અને ખિન્ન બની જાય છે. સહાબાએ કિરામ રદી. ના વિશે હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદનું કથન છે કે, “તેઓ અગાધ ઇલ્મવાળા અને બનાવટ (કૃત્રિમતા) થી પાક હતા.”

(૨) સર્વ વિનાશી:

જિંદગી જીવવાની કળાનો બીજો મહત્વનો નિયમ એ છે કે માણસ આ દુનિયામાં, મગ્ન બનીને ન રહે. અહીંની દરેક ચીજ નાશવંત છે કોઇને સ્થાયીત્વ પ્રાપ્ત નથી. દરેક ચીજ નાશવંત છે તેનો પહેલો પાઠ તે સમયે મળ્યો જ્યારે બાળપણમાં આપણું રમકડું ટુટી ગયું. રમકડું તુટીવાનું ભમરડો ફાટી જવાનું, દડો ખોવાઇ જવાનું દુઃખ તો થયું પરંતુ સાથે જ એક પાઠ પણ મળ્યો કે દરેક વસ્તુ તુટવા, ફુટવા અને છુટવાની છે. કુઆર્નની વાણીમાં આ બધો ધોખાની સમાન છે.

“છેવટે દરેક વ્યક્તિને મરવાનું છે અને તમે સૌ પોત-પોતાનું પૂરેપૂરૃં વળતર કયામત (પુનર્જીવન)ના દિવસે પામવાના છો. સફળ ખરેખર તે છે જે ત્યાં દોજખ (નર્ક)ની આગથી બચી જાય અને જન્નત (સ્વર્ગ)માં દાખલ કરી દેવામાં આવે. રહી આ દુનિયા, તો આ માત્ર છેતરામણી વસ્તુ છે.” (સૂરઃ આલે ઇમરાન-૩ઃ૧૮૫)

ઘણાખરા લોકો કોઇને કોઇ નશામાં મસ્ત રહે છે. કોઇ માલના કારણે અકડાઇ બતાવે છે, કોઇને ખ્યાતી (પ્રસિધ્ધ)નો ચસ્કો લાગેલો હોય છે. તો કોઇને પોતાની યોગ્યતાનો ઘમંડ આ બધાના પરીણામે ઉપર એક આવરણ જેવું છવાઇ જાય છે. જેનાથી વ્યક્તિત્વની પ્રગતિ રૃંધાઇ જાય છે અને વ્યક્તિ જિંદગીની અસલ લિજ્જતથી વંચિત રહી જાય છે. એક નશો નફ્સે અમ્મારાએ પૈદા કરેલો પણ છે, મીડીયા, માહોલ, જાહેરખબરો,અર્ધનગ્ન પોશાક, કોલેજનું વાતાવરણ બુદ્ધીને ચારીત્રહીન બનાવી દે છે. આ બધાની પકડમાંથી છુટકારો આ વિચારમાં છે કે “આ પણ વિદાય થઇ જશે” બની ઇસ્રાઇલના ધાર્મિક કથનમાં એક વાર્તા છે જે નીચે પ્રમાણે છે.

કોઇક દેશમાં એક રાજા હતો, તેને હિરા, જ્વેરાત સોનું, ચાંદીનો સંગ્રહ કરવાનો શોખ હતો એક રાત્રે તેણે એવું સ્વપ્ન જોયું કે તેની પાસે એક વીંટી છે તેની વિશેષતા એ છે કે રાજા જ્યારે ચિંતામગ્ન થતો તો તે વીંટી તેને ખુશ કરી દે લાગણીઓથી પરાજીત થઇ જાય તો તેની બુદ્ધી શુધ્ધ કરી દે અને બેકાબુ બનવા ના દે અને જો ખુશ થાય તો કાબુથી બહાર ન થઇ જાય. સવારે તેણે પોતાના દરબારીઓને આ જાદુઇ વીંટીની શોધ માટે દોડાવ્યા, ઘણા દિવસો સુધી તપાસ કરતા આ વીંટી કોઇના હાથમાં ન આવી એક વફાદાર સૈનિક જે સહેલાઇથી હાર માનવાવાળો ન હતો તે એક નિસ્તેજ દુકાન પર ગયો અને પૂછપરછ કરી તો દુકાનદારે ઉપર ચડીને ધુળ જામેલો એક ડબ્બો ઉતાર્યો અને તેને ખોલીને એક વીંટી કાઢીને સૈનિકના હાથમાં આપી અને કહ્યું “આજ તે વીંટી છે જેની શોધ તમારા રાજાને છે”. સૈનિક રાજી રાજી થઇને રાજ દરબારમાં પહોંચ્યો અને રાજાની સેવામાં નાની ડબ્બી હાજર કરી રાજાએ ડબ્બી ઉઘાડીને જોયું તો એક સામાન્ય લોખંડની વીંટી હતી, ગુસ્સે થઇ તે ફેંકવા જતો હતો પરંતુ આડી-અવળી કરીને જોયું તો તેમાં ઇબ્રાની લીપીમાં આ વાક્ય લખેલું હતું “Gam-Zeh-Pa-avor” અર્થાત આ સમય પણ વહી જશે. આ મનપસંદ વાક્યના કારણે વીંટી પહેરી લીધી જ્યારે પણ તે ચિંતામગ્ન બની જતો ત્યારે વીંટીને જોઇ લેતો અને બોધ ગ્રહણ કરતો કે આ પણ વહી જશે જ્યારે લાગણીઓમાં ઘેરાઇ જતો કે વધારે ખુશ થઇ જતો તો જાદુઇ વીંટી યાદ દેવડાવતી કે આ પણ વહી જશે”

આ વાર્તાથી તે નિયમ ફલિત થાય છે કે “માણસ દુનિયાને પોતાની હથેલી ઉપર રાખે નહીં કે દિલમાં.”

(૩) રબ સાથે સંબંધ:

જિંદગીની મજા એ સમયે બગડી જાય છે જ્યારે માણસ આપત્તિ અને આઘાતમાં ડુબી જાય છે ચિન્તાઓનો ખડકલો હોય છે,મુસીબતોના વાદળો છવાયેલા હોય, મુશ્કેલીઓ ઉપર મુશ્કેલીઓ આવતી હોય, બેચેન દિલ કોઇ રીતે ચેન પામતું ન હોય આવી પરિસ્થિતિમાં જીવવા માટે કયો હુનર છે? એક મોમીન વ્યક્તિ માટે રબ સાથે સંબંધ જોડવાનું કામ જીવવા માટેના હુજારનો આ ત્રીજો નિયમ એવો છે કે થાકેલા ખભા વજનથી ખાલી થાય છે અને સઘળુ તેના ઉપર નાંખી દેવામાં આવે છે જે કામોને બનાવવાવાળો છે, જિંદગીની નિરાશાઓ અને દુઃખોનો ઇલાજ પ્યારા નબી સલ્લ. એ આ પ્રમાણે બતાવ્યો છેઃ

“હે અલ્લાહ હું તારી રહેમતનો ઉમેદવાર છું તુ મને એક પળ માટે પણ મારા નફ્સના હવાલે ન કર તુ મારા તમામ મામલાઓને દુરૃસ્ત ફરમાવી દે.”

જિંદગીમાં નિષ્ફળતાઓ પરેશાનીઓ,મુસીબતો અને આઘાત વિવિધ પ્રકારના હોય છે પરંતુ દરેકમાં અલ્લાહતઆલાની આગળ રજુ થવું એ જ સર્વોત્તમ લાભદાયક ઉપાય છે. જુદી-જુદી પરેશાનિઓમાં જુદા જુદા નબીઓના આદર્શ-નમુનાઓ આપણી નજર સામે રહેવા જોઇએ.

(૧) અપમાનિત અને નિરાધાર: તમે એવું અનુભવો છોે કે તમે લોકોની નજરોમાં હલકા અને અપમાનિત થઇ ગયા છો, કોઇ પણ તમારો હાલ પુછનાર કે તમારો હમદર્દ નથી તે સમયે દુખ અને વ્યાકુળતાની જે હાલત થાય છે તેનાથી નિરાશાની સ્થિતિ જન્મે છે. હઝરત નુહ. અલૈ પણ પોતાની જિંદગીમાં પરાજીતના વન-વગડાઓમાંથી પસાર થઇ રહ્યા હતા. પરંતુ રબથી સંબંધના કારણે તેમને મદદ મળી, પછી તેમણે પોતાના રબથી દુઆ કરી કે “હું લાચાર છું તુ મારી મદદ ફરમાવ”.(૪૫ઃ૧) અમે તેની દુઆ કબુલ ફરમાવી અને તેને તથા તેના ઘરવાળાઓને મહાન યાતનાથી બચાવી લીધા” (૧૨ઃ૬૭)

(૨) ક્યારેક ક્યારેક બીમારીઓ ઉપરા-છાપરી હુમલાઓ કરે છે અને એક સ્વસ્થ અને સારો તંદુરસ્ત માણસ જિંદગીથી હતાશ અને ભગ્ન હૃદય થઇને બેસી જાય છે ઘણી વખત “મર્જ બઢતા ગયા જું-જું દવા કી” આ ઉકિતના ચરિતાર્થ પ્રમાણે અમુક અસાધ્ય બિમારીમાં આરામના બદલે રોગમાં વૃધ્ધિ થતી જાય છે. એવા સમયે હઝરત અય્યુબ અલૈ. ની જિંદગી આપણા માટે દૃષ્ટાંત છે. કહેવાય છે કે આપને કોઇ એવી ચામડીની બિમારી લાગુ થઇ ગઇ કે શરીરમાં ખુજલી વ્યાપી ગઇ. અને એક પળ પણ ચેન પડતું નહતું. કસોટીનો સમય ૧૮ વર્ષ સુધી ચાલુ રહ્યો, પરંતુ આશાનું એક જ કિરણ હતું અને તે હતું રબથી સંબંધ. કુઆર્નમાં અલ્લાહતઆલા ફરમાવે છે કે “અય્યુબની તે સ્થિતિને યાદ કરો જ્યારે તેણે પોતાના રબને પોકાર્યો કે મને આ રોગ લાગી ગયો છે અને તુ સૌ દયા કરનારાઓથી વધારે દયા કરવા વાળા છે, તો અમે તેની દુઆ સાંભળી લીધી અને તેને જે દુખ હતું તેને દુર કરી દીધું.”

(૩) ગુનાનો એહસાસ: આપ કોઇ સમયે એ અનુભવો છો કે તમે કોઇ કામના હકની અદાયગીમાં ખામી રાખી છે અને તે માટે આપ પશ્ચાતાપ અને ગુનાહીત લાગણીમાં ગ્રસ્ત છો. દુઃખની લાગણી કોરી ખાય છે તો તેનાથી છુટકારો મેળવવાના ઉપાય પણ રબથી સંબંધ ઉપર અવલંબિત છે. હઝરત યુનુસ અલૈ. વિશે કુઆર્ન કહે છે “માછલીવાળાને (યુનુસ અલૈ.ને) યાદ કરો જ્યારે તે ગુસ્સામાં ચાલી નિકળ્યો અને સમજ્યો કે અમે તેની પકડ નહીં કરી શકીએ અંતે તે અંધારાઓના અંદરથી પોકારી ઉઠયો, ‘ઇલાહી! તારા સિવાય કોઇ મા’બૂદ નથી તુ પવિત્ર (પાક) છે, નિઃશંક હું જાલિમો પૈકીનો થઇ ગયો’ તો અમે તેની પોકાર સાંભળી લીધી અને તેને કષ્ટદાયક સ્થિતિમાંથી ઉગારી દિધો.”

(૪)નિઃસંતાન છોઃ શાદી પછી માણસના દિલમાં સૌથી મોટી તમન્ના સંતાનની હોય છે, બાળકોની પ્યારી પ્યારી અદાઓ નિર્દોષ નટખટ મસ્તિ આપણને જિંદગીનું સુખ આપે છે.પરંતુ સંતાન હોવું એ માણસના હાથમાં નથી. નિઃસંતાન આદમી સમાજમાં લજ્જાશીલ અને દિલમાં ઉદાસીન રહે છે. ક્યારેક વિચારવા લાગે છે કે જિંદગી નિરર્થક છે. આવામાં રબથી સંબંધ કાયમ કરવો આ બેચેનીનો પણ ઇલાજ છે. “અને ઝકરિયાને યાદ કરો, જ્યારે તેણે પોતાના રબથી દુઆ કરી કે, હે મારા પરવરદિગાર! મને એકલો ન છોડ, તૂ સૌથી ઉત્તમ વારસદાર છે. અમે તેની દુઆ કબૂલ ફરમાવીને તેને ‘યહ્યા’ અર્પણ કર્યો.”

૪. બેરોજગાર: માણસ પાસે કોઈ રોજગાર હોય તો જિંદગીની જરૃરિયાતોને પૂરી કરવી સરળ હોય છે. બેકારી એક મોટી બલા છે. દિલ કોઈ પણ રીતે ચેન નથી પકડતું. અને વિચારો વેરવિખેર થઈ જાય છે. રોજીની ચિંતામાં ગ્રસ્ત આદમી સમાજમાં પણ વજન વિનાનો થઈ જાય છે. પરંતુ મુસા અલૈ.નો નમૂનો દર્શાવે છે કે રબ સાથેના સંબંધે તેમને રોજીનો પ્રબંધ કરી દીધો.

૫. આનંદિત જીવન : જિંદગી જીવવાના કૌશલ્યનો ચોથો નિયમ એ છે કે માણસ પોતાની જિંદગીથી આનંદ પ્રાપ્ત કરે અને ચિન્તામુક્ત જીવન વિતાવે. હસમુખ સ્વભાવ અને સસ્મિત ચહેરા સાથે વર્તન કરવું ત્યારે જ શક્ય છે જ્યારે તેની તબિયત ખુશ હોય. ખુશી માટેનાં પ્રેરકબળો બાહ્ય નહીં પરંતુ અંતરમાં હોય છે. અમુક ગમગીન માણસો એવા પણ હોય છે જેને મળીને આનંદિત માણસને એવી લાગણી ઉત્પન્ન થાય છે કે તેનો આનંદ પણ લૂંટાઈ ગયો. નબી સલ્લ.થી વધુ હસમુખ ચહેરો કોઈનો પણ ન હતો. જિંદગીમાં ચોતરફ ખુશીઓ વિખરાયેલી છે. માણસ એ ક્ષણોનો ફાયદો ઉઠાવે. આનંદની શોધખોળ પૈસાઓમાં કરવી એ વ્યર્થ કામ છે. સૂર્યોદયથી લઈને પથારી ઉપર મધુર ઊંઘ આવવા સુધીમાં ખુશીઓ જિંદગીના ધોરીમાર્ગ પર બંને બાજુ મલકાતી ઉભી રહેલી છે. પરંતુ જેને જિંદગી જીવવાની કળા આવડતી નથી, તેમને આ માર્ગ નસીબ નથી થતો. એક ચીની લેખકે પોતાના પુસ્તકમાં ખુશીની ૩૩ પળોનું વર્ણન કર્યું છે. આ દૃષ્ટાંણ સાથે કે એક અમેરિકન લેખકને જિંદગીમાં ફકત ૩ પળો ખુશીની મળી હતી. માણસ જીવવાની કળા જાણતો હોય તો ખુશીને નીચોવવાનું તેને સરળતાથી આવડે છે. દૃષ્ટાંત તરીકે તે લખે છેઃ

૧) એક દિવસે બેગ ખોલીને કાગળો ખાલી કરી રહ્યો હતો. અચાનક એક મિત્રનો જૂનો પત્ર હાથમાં આવી ગયો. વાંચીને જૂની ખુશીઓ તાજી થઈ ગઈ. શું આ ખુશીની પળ નથી?

૨) સાંજે ઘરમાં દાખલ થયો. નાના માસૂમ ભૂલકા પ્રવાહ જેવી સાથે ફન્નીશાહ પારા ગાઈ રહ્યા હતા. જાણે સુરાહીમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. કાનોમાં એમનો રસીલી અવાજ અને મધુર ગાન દિલમાં ખુશીના વાજિંત્રો વગાડે છે. શું આ ખુશીની પળ નથી?

૩) એક સવારે બારી ઉઘાડીને જોઉ છું કે શાંત વાતાવરણમાં પરોઢની હવાની ખણખણાટથી મસ્ત બનીને સૂર્યના કિરણોમાં નહાયેલા વૃશ્રના પાંદડા લહેરાઈ રહ્યો છે. એવું લાગે છે જાણે પવન તેમને ગલ-ગલી કરી રહ્યા છે. શું આ આનંદની પળ નથી?

૪) ઉનાળાની બપોરે એક મોટું રસદાર સુંદર તડબૂચ કાપી રહ્યો છું. શું આ ખુશીની પળ નથી?

ટુંકમાં આવા અને આ પ્રકારે આદમી આંખો ઉઘાડીને જુએ તો જિંદગીમાં અસંખ્ય ખુશીઓ મળશે. પરંતુ એ જ વ્યક્તિને જેને જીવવાની શિષ્ટતાની જાણકારી હશે.

જિંદગી ફકત એક વખત મળી છે. તેની એકએક પળનો ઉપયોગ કરો અને આપણે એવી જિંદગી જીવીએ જેનાથી આપણે પોતે રાજી રહીએ આપણું વાતાવરણ આપણાથી રાજી રહે, આપણો રબ આપણાથી રાજી રહે. મૃત્યુ આવે તો ફરિશ્તાઓ આવીને કહે કે “હે શાંત અને સંતુષ્ટ આત્મા ! ચાલ પોતાના રબ (પ્રભુ) તરફ એ સ્થિતિમાં કે તું (પોતાના ઉત્તમ પરિણામથી) ખુશ અને (પોતાના રબના સમીપ) પ્રિય છે. સામેલ થઈ જા મારા (નેક, સદાચારી) બંદાઓમાં અને દાખલ થઈ જા મારી જન્નતમાં.” (સૂરઃ ફજ્ર-૮૯ઃ ૨૭ થી ૩૦)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here