ઓપન સ્પેસ

Published on April 9th, 2018 | by Dawood Khandhiya

0

જાગો, ભારતવાસીઓ જાગો

દેશનું વાતાવરણ અત્યંત ઝડપથી ડહોળાઈ રહ્યું છે. આઝાદીની લડતના સમયથી જ રોપવામાં આવેલી નફરત વૈમનસ્યની વિષવેલે આ દેશને ભયંકર નુકશાન પહોંચાડયે રાખ્યું છે. સીત્તેર વરસો વીતી જવા પછી આ વિષવેલ હવે ચારે તરફ ફેલાઈને પથારા પાથરી ચુકી છે. રોજ નવી નવી તોફાની ઘટનાઓ ઉભી થઈ રહી છે જેના કારણે ઉસ્કેરાટ, હિંસા-પ્રતિહિંસા, અરાજકતા અને કાનુન વ્યવસ્થાની ઐસીતૈસી કરી નાંખવાના અનેક દૃશ્યો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ઉભાં થઈ શકનારાં દુરોગામી ખરાબ પરીણામોની દર્શીતાના અભાવ સાથે અથવા તો જાણવા છતાં તેની અવગણના કરીને લેવાતા નિર્ણયોએ તેનો રંગ બરાબર બતાવવા માંડ્યો છે અને ચારેકોર આક્રોશના અવાજો ઉઠતા જાય છે. નોટબંધી અને જી.એસ.ટી.એ ઉભી કરેલી આડઅસરોના કારણે જનજીવનની અર્થવ્યવસ્થા બગડતી જાય છે. નાના વેપારીઓ, કારખાનેદારો, નાના ઉદ્યોગકારો પરેશાન પરેશાન થઈ ગયા છે. મીલો અને કારખાનાંઓ બંધ થવા લાગ્યો છે જેના કારણે લાખો કામદારો બેકાર બનતા જઈ રહ્યા છે. અનેક ઉદ્યોગો કોમા જેવી પોઝીશન તરફ ધકેલાઈ રહ્યા છે અને સહુથી વધુ પરેશાનહાલ ‘જગતના કહેવાતો તાત’ ખેડૂત બની રહ્યો છે. એની પરેશાનીઓનો કોઈ પાર નથી. દેવામાં ડુબી જવાના કારણે, અને ફરીથી ઉભા થવાની કોઈ તકો બાકી ન રહેવાના કારણએ હઝારો ખેડૂતો આત્મહત્યાઓ કરી ચુક્યા છે. લાંચરૃશ્વતને રોકવાના હજારો દાવા છતાં એ વબામાં કોઈ ઓટ આવતી નથી. લાંચરૃશ્વતનો આ દરીયો હંમેશાની જેમ જ ભરતીથી મદમસ્ત બનેલો છે. નજીવા કારણોસર ખુલેઆમ લોકોની હત્યાઓ થઈ જાય છે અને કાનૂન તેને નાથવામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો છે. સ્ત્રીઓ અને બાળકીઓ સુદ્ધાં સાથે આચરવામાં આવતાં દુષ્કર્મોની તો જાણે વણઝાર લાગી ગઈ છે. સ્ત્રી-બાળકીઓ સાથે થતા બળાત્કારોના સમાચારથી કોઈ દીવસનું સમાચારપત્ર ખાલી જતું નથી. ઇલેકટ્રોનિક મીડિયા રોજરોજ આવી ઘૃણિત ઘટનાઓના સમાચાર પ્રસારીત કરવા મજબૂર થઈ ગયું છે. ભારતને ‘સોનેકી ચીડીયા’ કહેવામાં આવે છે. શું ‘સોનાની ચીડીયાં’ આવી હોય છે?

વૈચારિકતા, વાણી, વ્યવહાર, વર્તનો અને ધારાધોરણોમાં અમાનવિયતાનું તત્વ જબરદસ્ત ઘુસપેઠ કરી ગયું છે. આ તમામ કુપરીણામો એનો જ  પરીપાક છે. માણસને ઝહેર પીવડાવવામાં આવે તો ‘અમૃતના આડેકાર’ શી રીતે આવે? ભારતીય પ્રજાની બચતપૂંજી અને બેંકોને સદ્ધર કરવા માટે સરકારે તેમાં ઠાલવેલ લોકનાણાની મોટી ખેપમાંથી પહેલાં વિજય માલ્યા આઠ હઝાર કરોડ  જેટલી રકમ ચાંઉ કરી જઈને વિદેશ ભાગી ગયો. ઇંગ્લેડમાં આજે તે મૌજથી જીવી રહ્યો છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે નીરવમોદી તથા મેહુલ ચોકસી જેવા આધુનિક લુટારૃઓ ૧૪૦૦૦ કરોડ જેટલી પ્રજાપુંજીની લુટ કરીને અમેરિકા પલાયન થઈ ગયા છે. ફેબ્રુઆરી-૨૦૧૮ના બીજા સપ્તાહમાં આ કૌભાંડ બહાર આવ્યું. તે જાણીને આખો દેશ હતપ્રભ બની ગયો છે. પંજાબ નેશનલ બેંકના કરોડો ખાતેદારોની ઉંઘ હરામ થઈ ગઈ છે. લોકો એમ સમજતા હતા કે બેંકોમાં તેમની જમાપૂંજી સલામત છે પણ બેંકીંગ સેવાઓ ઉપરથી પ્રજાને હવે વિશ્વાસ ઉઠતો જાય છે. બેંકીંગ સેવાઓમાં ઘણા એવા ઘાલમેલીયા અધિકારીઓ ઘુસી ગયા છે જે આ લુટારું રીંગ માસ્ટરોને તેમનો ખેલ ખેલવામાં સહાયક બને છે. કેટલાક વિશેષ બેંક ખાતાઓને ફાયદો પહોંચાડવા માટેના આરોપસર પંજાબ નેશનલ બેંકે તેના દસ અધિકારીઓ અને કર્મચારીઓને બરખાસ્ત કરી દીધા છે. (અહેવાલ, ગુજરાત ટુડે ૧૫/૨/૧૮). સી.બી.આઈ.એ પંજાબ નેશનલ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર સહિત ત્રણ લોકોની આ મામલામાં ધરપતડ કરી છે. (ગુજરાત ટુડે ૧૮-૨-૧૮ / પેજ.૨) સમાચાર એજેન્સી રોયટરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશભરમાં ૮૬૭૦ જેટલાં લોન કૌભાંડો થયાં છે જેમાં લોકપૂંજીના ૬૧૨.૬ અબજ રૃપિયા સલવાઈ ગયા છે. (અહેવાલ ગુજરાત ટુડે ૧૮-૨-૨૦૧૮ / પેજ.૩)

ઉશ્કેરાટ અને આક્રોશ ફેલાવનારાં નિવેદનો દેશની શાંતિ અને સલામતીને જોખમાવી રહ્યાં છે. ઘણા બેજવાબદાર રાજકારણીઓ એવાં બેફામ અને તથ્ય રહિત નિવેદનો કરતા થઈ ગયા છે જે પ્રજા માનસને કલુષીત કરે છે, તોફાનજનક ભ્રમ ફેલાવે છે અને રાષ્ટ્રના વાતાવરણને ખરાબ રીતે ડહોળી નાંખે છે. કોઈ કહે છે ‘તાજમહેલ’ તેજોમય મંદિર છે! એની સનદ મેળવવા માટે કોઈ વકીલ મહાશય કોર્ટની દેવડી સુધી પહોંચી જાય છે અને કોર્ટને રાજ્ય સરકાર પાસે જવા માંગવો પડે છે. સદીઓથી જે ભારતનું ગૌરવ છે, દુનિયાંની સાત અજાયબીઓમાંની એક અજાયબી છે, ઇતિહાસ જેના તાજમહેલ હોવાની સાક્ષી આપે છે તેના ઉપર પણ આવાં શાબ્દિક આક્રમણો કરવામાં આવી રહ્યાં છે. ખુદ યુ.પી.ની યોગી સરકારને કોર્ટમાં એફીડેવીટ દાખલ કરીને એ કબુલવું પડે છે કે “તાજમહેલ મકબરો છે તેજોમય મંદિર નથી.” પુરાતત્વ ખાતાના વકીલ અંજની શર્માએ જણાવ્યું કે તાજમહેલના શિવમંદિર ‘તેજોમહાલય’ હોવા અંગે જે દલીલો કરવામાં આવી છે તે તમામ કાલ્પનિક (મનઘડત) છે. (ગુજરાત ટુડે ૨૨/૨/૧૮ – ફ્રંટપેજ અહેવાલ). ભાજપ નેતા વિનય કટિયાર ઐલાન કરે છે કે “જો બાબરી મસ્જિદ ઉપરનો દાવો જતો કરવામાં આહીં આવે તો અમે દેશની બીજી ૬૫૦૦ મસ્જિદો ઉપર દાવો કરીશું.” (ગુજરાત ટુડે/ ૨૭-૨-૧૮/ ફ્રંટપેજ ન્યુઝ).

‘સાવરકર રાષ્ટ્રીય સ્મારક’ નામની સંસ્થા ૨૬ ફેબ્રુઆરીના રોજ સાવરકરના એક પુસ્તક ‘ઇસુ ખ્રિસ્તનો પરીચય’ તે મરાઠીમાં પુનઃપ્રકાશિત કરવા જઈ રહી છે જેમાં લખાયું છે કે “ખ્રિસ્તી ધર્મ હિન્દુ ધર્મનો ભાગ છે – ઇસુ ખ્રિસ્ત તામિલ હિન્દુરૃપે જનમ્યા હતા!” (ગુજરાત ટુડે ૨૭-૨-૧૮ પેજ-૩) જૂઠની પણ આખરે હદ હોય છે! મનઘડત તથ્યો ઉભાં કરીને અને તર્કઆધારિત સંશોધનો રચીને દેશનો ઇતિહાસ ફરીથી લખાઈ રહ્યો છે જેનો સાચા ઐતિહાસિક તથ્યો સાથે કોઈ મેળ બેસતો નથી.. ભારતની નવી પેઢીના માનસમાં સંકુચિત માનસિકતા રચિત સાવ ખોટી અને મનઘડત હકીકતો ઘુસાડવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે. મીડિયા ચેનલો ઉપરની ચર્ચાગોષ્ઠિઓમાં તથ્ય આધારિત અને સચોટ દલીલો તથા સાચા પ્રમાણો રજૂ કરતી શાંતિ અને સૌમ્ય તથા સભ્યતાપૂર્વકની ચર્ચાના બદલે બુમબરાડા, કટુ વાકબાણો, તિરસ્કારભર્યા શબ્દ પ્રયોગોનો મારો ચલાવીને પ્રજામાનસને ભ્રમિત કરવાનું રીતસરનું કારસ્તાન ચાલી રહ્યું છે. સંકુચિત માનસિકતાથી પ્રભાવિત ધંધાદારી ટી.વી. ચેનલો રોજબરોજ આવાં શાબ્દિક તોફાનો ધરાવતી ચર્ચાગોષ્ઠિઓ પ્રદર્શિત કર્યે જાય છે. જેના પાછળનો આશય સહેજે સમજી શકાય એમ છે.

શિક્ષણ વ્યવસ્થા દિવસે દિવસે કથળતી જાય છે. સરકારી દવાખાનાઓમાં ભાગ્યે જ કોઈ સારી સેવાઓ ઉપલબ્ધ છે. અમારા ગામમાં પલ્બીક હેલ્થ સેન્ટર છે જ્યાં ડીગ્રીધારી મેડીકલ ઓફિસરની હાજરી ભાગ્યે જ જોવા મળે છે. આ જ આવશે, કાલ આવશે, ફલાણા દિવસે આવશે એવા જવાબો સાંભળવા મળે છે. દવા આપનાર વિભાગમાં બેઠેલ કર્મચારી દર્દીને પુછપરછ કરી રજીસ્ટર નોંધ કરે છે અને પોતે જ નિર્ણય લઈને બેચાર જાતની ગોળીઓ આપી દર્દીને રવાના કરી દે છે. મને પોતાને બેત્રણ વાર આવો અનુભવ પ્રત્યક્ષ થયો છે. લાખો ઉચ્ચશિક્ષિત યુવાનો રોજી મેળવવા માટે મજબૂરીથી પોસ્ટમેનની નોકરી કરવી પડે છે એ જોઈને તેના પ્રત્યે અનુકંપા જાગે છે. ખાનગી દવાખાનાઓ દર્દીઓની રીતસર લુટ ચલાવી રહ્યા છે. જોકે થોડીક સેવાભાગી સંસ્થાઓ વડે ચાલતી હોસ્પીટલો કીફાયત ભાવે દર્દીઓને સારવારની સેવા જરૃર આપે છે પણ તેમની સંખ્યા આટામાં નમક જેટલી છે. વિદ્યુત પુરવઠા સપ્લાય વ્યવસ્થા પણ કથળેલી હાલતમાં છે. ઉત્તર ભારતના રાજ્યોના ઘણા ગ્રામ વિસ્તારોને ચોવીસ કલાકમાંથી ભાગ્યે જ આઠ-દસ કલાક વિદ્યુત પ્રવાહ મળે છે. એસ્ટેટ વ્યવસાય તો સાવ ખાડે બેસી ગયો છે. થોડા રાજમાર્ગોને છોડી ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. જેને લઈને વારંવાર અકસ્માતો સર્જાય છે. પરિસ્થિતિઓ આટલી ગંભીર અને ઉચાટ પેદા કરનારી છે ત્યારે રાષ્ટ્ર નેતાઓ આપસમાં બાખડતા રહેવાથી અને ભાગ્યે જ પુરા થાય એવા વચનો આપ્યે જવાથી આગળ વધતા નથી. કહેવત છે કે ‘પ્રજા સુખી તો રાજા સુખી’ પણ હાલત એવી થઈ ગઈ છે કે ‘પ્રજા દુઃખી અને રાજા સુખી’! હવે બસ એક જ રસ્તો છે. તમામ મતભેદોને બાજુએ મુકીને પ્રજા એ જ હવે જાગવું પડશે. ફેરફાર તો જ શક્ય બનશે. /


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review