ઓપન સ્પેસ

Published on June 15th, 2019 | by Masiuzzama Ansari

0

કેમેરા – આપણો નવો શાસક

વર્તમાન યુગમાં સૌથી શક્તિશાળી જો કંઈ છે તો તે “કેમેરા” છે. કેમેરાની તાકાતને જ્યારે તમે મહેસૂસ કરશો તો આ વાતથી ઇન્કાર નહી કરી શકો કે “બુલેટ” અને “બેલેટ”થી વધુ શક્તિશાળી હવે કેમેરા થઈ ચૂક્યો છે. આ કેમેરા કોઈના વશમાં નથી, બલ્કે આપણે બધા કેમેરાના આધીન થઈ ગયા છીએ. તમે કેમેરાના વિભિન્ન સ્વરૂપ જોઈ શકો છો. ક્યારેક કેમેરા ગાંધીવાદી બની જાય છે, તો ક્યારેક હિંસાવાદી.

સત્તા કોઈની પણ હોય, સરકાર કોઈની પણ બને, પરંતુ કેન્દ્રમાં કેમેરા જ રહે છે. રામલીલા મેદાનમાં જ્યારે અન્ના અનશન પર હોય છે અને ડોક્ટર તેમની તબિયત અસ્વસ્થ જણાવે છે, ત્યારે તે જ સમયે ૫૦ કેમેરા અન્નાને લાઈવ દેખાડવાનું શરૂ કરી દે છે. પછી અન્ના અચાનક પોતાની બેઠક પરથી ઉભા થઈને માઇક હાથમાં લે છે અને જોર જોરથી સૂત્રો પોકારવા માંડે છે. ભારત માતાની…

થોડી ક્ષણો પહેલા જે અન્ના અસ્વસ્થ દેખાડવામાં આવી રહ્યા હતા તે જ અન્ના કેમેરાના સામે સ્વસ્થ અને ઉર્જાવાન થઈ જાય છે. જે કાર્ય ડોક્ટર અને તેમની ટીમ ન કરી શકી તે કાર્ય ૫૦ કેમેરાના લાઈવ ટેલિકાસ્ટ એ કરી દેખાડ્યું.

ખૂબ જ તાકાત છે આ કેમેરામાં જનાબ. જ્યારે આ કેમેરા જંતર મંતર પર કોઈ મુદ્દાને લઈને ધરણા પર મુરઝાઈ ગયેલા પ્રદર્શનકારીઓના સામે જાય છે તો અચાનક તેમના અંદર ઊર્જાનું સંચાર થાય છે અને કલાકોથી શાંત બેઠેલા લોકો સૂત્રો પોકારવા લાગે છે. જેવા કેમેરા સામેથી હટી જાય છે, પ્રદર્શનકારીઓ ફરી પૂર્વ સ્થિતિમાં મુરઝાઇ ને બેસી જાય છે. જાણે કેમેરા જ તેમનો ઊર્જાનો સ્ત્રોત હોય.

જ્યારે આ કેમેરા કોઈ સરકારી ભવન કે વિભાગના સામે પોતાની માંગણીઓને લઈને બેઠેલા ગાંધીગીરી કરી રહેલા લોકોના સામે પહોંચે છે તો “સાઈલેન્ટ પ્રોટેસ્ટ” અચાનક “વાયોલેન્સ પ્રોટેસ્ટ” માં પરિવર્તિત થઈ જાય છે. બેરિકેટિંગની એક તરફ શાંતિથી બેસેલા લોકો બીજી બાજુ પોલીસવાળાઓ પર એવી રીતે આક્રોશિત થઈને લપકવા લાગે છે જાણે તેમના અધિકાર પોલીસવાળાઓએ માર્યા હોય. કેમેરાના કમાલથી અહિંસાવાદી વિરોધ પ્રદર્શન હિંસાવાદી પ્રદર્શનમાં પરિવર્તિત થઈ જાય છે. ફરી કેમેરા આગળ થઈ જાય છે અને મુદ્દા છૂટી જાય છે. વિચારો કે કેટલી તાકાત છે આ કેમેરા માં જે એક ગાંધીવાદી આંદોલનના ઉદ્દેશ્યને તેના માર્ગથી ભટકાવી દે છે.

જ્યારે આ કેમેરા કોઈ આગ ઓકવાવાળા નેતાના સામે પહોંચે છે ત્યારે તેમની ભાષા એટલી મધુર થઈ જાય છે કે જાણે તમે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં બેઠ્યા હોય અને અમૃતવર્ષા થઈ રહી હોય.

આ કેમેરા જ્યારે કેદારનાથ યાત્રા પર ગયેલ કોઈ રાજનૈતિક શ્રદ્ધાળુના સામે હોય છે તો તે કેમેરાના સામે એ હદે તપસ્યામાં મગ્ન અને લીન થઈ જાય છે કે તેને બીજું કશું દેખાતું જ નથી. કેમેરા અને આરાધ્ય બધું સમાન દેખાવા લાગ્યું છે. પછી ત્યાં નતમસ્તક થવાનું છે તેનો હોશ જ નથી રહેતો. જાણે કેમેરા જ આરાધ્ય હોય અને તે સાધક. મજબૂરીમાં આંખો ખોલીને જોવું પડે છે કે હું ક્યાં છું અને કેમેરો ક્યાં છે.

“બુધ્ધમ શરણમ ગચ્છામી” તો સાંભળ્યું હતું. પણ “કેમરમ શરણમ ગચ્છામી” પ્રથમ વખત દેશે જોયું છે.

એક વાર મને તીર્થ યાત્રા પર જવાનો અવસર મળ્યો. પરિક્રમા દરમ્યાન એક વ્યક્તિને જોર જોરથી રડતો જોઈ હું ભાવુક થઈ ગયો. હું પણ પરિક્રમામાં તલ્લીન હતો કે અચાનક રડી રહેલો તે વ્યક્તિને જોયો તેની આંખો આંસુઓમાં ડૂબેલી હતી પરંતુ તે પોતાની જમણી તરફ જોઈને હંસી રહ્યો હતો. રડતા અને હંસતા વ્યક્તિનો રહસ્ય જાણવા માટે પરિક્રમા દરમ્યાન મે તેની જમણી તરફ જોયું કે એક જબરદસ્ત કેમેરાથી તે સેલ્ફી લઇ રહ્યો હતો. ઘણા એંગલથી સેલ્ફી લીધા પછી તે કેમેરા ખિસ્સામાં રાખી ફરી જોર જોરથી રડવા લાગ્યો અને પરિક્રમા કરવા લાગ્યો. મે વિચાર્યું કે કેવી આપણી આધ્યાત્મિકતા કેમેરાના આધીન છે.

આપણે સ્વતંત્ર છીએ, પરંતુ કેમેરાના આધીન છીએ. આપણે કંઈપણ કરીએ પરંતુ કેમેરાની કેદથી બચી નહી શકીશું. રાજનેતાથી લઈને આધ્યાત્મિક ગુરુ, આસ્તિકથી લઈને નાસ્તિક સુધી બધા કેમેરાના ગુલામ છે. આ કેમેરા નવા શાસક છે આપણા. ચુંટણી તો પાર્ટીઓએ લડી પરંતુ વિજય કેમેરાના સાધકોની થઈ છે.

ક્યાંક એવું ન થાય કે કેમેરામાં દેખાવાની ઈચ્છામાં આપણે પોતાને પોતાની આંખોથી જોવાનું ભૂલી જઈએ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review