ઓપન સ્પેસ

Published on December 24th, 2018 | by Masiuzzama Ansari

1

કેટલું જરૂરી છે, આપણી ઓળખથી જોડાઈને રહેવું

નસીરુદ્દીન શાહના બયાન પર છેડાયેલી ચર્ચાના ઘણા બધા પહેલું એવા છે જે આપણાં બધાને ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. અમુક દીવસો કે અમુક વર્ષો પહેલા સુધી જે વ્યક્તિત્વ અને ચહેરાઓને દેખાડીને તેમને સેક્યુલરીઝમના પ્રતિક તરીકે દર્શાવવામા આવતા હતા, જેને અંકિત કરીને ક્યારેક મુસલમાનોને તો ક્યારેક હિન્દુઓને સેક્યુલરિઝમ નો નમૂનો બતાવવામાં આવતો હતો, આજે ફક્ત એક વિધાન કરવા માત્રથી તેમને પોતાને “નમૂના” બનાવી દીધા છે તથા પોતે નમૂના બનીને રહી ગયા છે. જે ધર્મનિરપેક્ષતાના માર્ગના પથિક હતા, આજે તે માર્ગ પર એકલા પડીને ફૂટબોલના દડા માફક બનીને રહી ગયા છે. જેને કોઈ પણ કીક મારીને રાષ્ટ્રવાદના‌ પલડામાં ગોલ કરવા માટે અધીરા છે. ત્યાં સુધી કે જે જીવનભર ખલનાયક રહેલ એવા અનુપમ ખેર પણ આ તકને છોડવા માંગતા નથી અને દડાને ગોલ કરીને જીવનના અંતિમ પડાવ પર પણ ખલનાયકથી નાયક બનવાનો નિરર્થક પ્રયાસ કરીને તક હાથથી જવા દેવા નથી ઇચ્છતા.

સવાલ કોઈ વિધાનના સાચા કે ખોટા હોવાનો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે ધર્મનિરપેક્ષતાના હજુ કેટલા પ્રકારો છે, જે હજુ જોવાના બાકી છે? પ્રશ્ન એ છે કે સેક્યુલરીઝમના હજુ કેટલા અવતાર છે, જે ઉગ્ર રાષ્ટ્રવાદની બલી ચઢવા બાકી છે. દેશમાં ઘણા લોકોને દેશના માહોલથી ભય લાગે છે અને ઘણાખરાંના વિધાનો પણ આવતા રહે છે, પરંતુ જ્યારે નસીરુદ્દીન શાહને ભય લાગ્યો અને તેમણે તે ભયને પ્રસ્તુત કર્યો તો એમને પાકિસ્તાનની ટિકિટ મોકલી દેવામાં આવી. આનું કારણ ફક્ત નસીરુદ્દીન શાહની મુસ્લિમ ઓળખ નથી તો બીજું શું છે ?

આ બધા મામલામાં એક વાત ખૂલીને સામે આવે છે કે જે વિચારધારા નસીરુદ્દીન શાહ જેવા સેક્યુલર વ્યક્તિ અને નોન પ્રેક્ટિસિંગ મુસ્લિમને એક વિધાન આપવા માત્રથી કટઘરામાં ઊભા કરે છે, તે વિચારધારા પ્રેક્ટિસિંગ મુસ્લિમથી કેટલી નફરત કરતી હશે? તે વિચારધારા મુસ્લીમ ઓળખથી કેટલી નફરત રાખતી હશે? આ વિચારધારાને મુસ્લિમ દાઢીથી કેટલી નફરત હશે? મુસ્લિમ ટોપીથી કેટલો દ્વેશ હશે? સ્કાર્ફ અને નકાબથી કેટલી નફરત હશે? મસ્જિદ અને અલ્લાહુ અકબરના અવાજથી કેટલી નફરત હશે તેનો અંદાજો ખૂબ જ સારી રીતે લગાવી શકાય છે.

જે વ્યક્તિ પોતાના વિધાનમા એ કહે છે કે મે મારા બાળકોને ધાર્મિક શિક્ષણથી દૂર રાખ્યા, જે કહે છે કે હું મુસ્લિમ પરિવારમાંથી છું અને મારી પત્ની હિન્દુ છે, જે ધર્મનિરપેક્ષતાના મંદિરના પૂજારી હતા. આજે તેને જ ઉગ્ર રાષ્ટ્રવાદીઓએ એક બયાન માત્ર આપવાથી તેમને મંદિરથી ઢસડીને બહારનો રસ્તો દેખાડવાની કોશિશ કરી છે.

નસીરુદ્દીન શાહ પર શા માટે મને દયા આવી રહી છે ખબર નથી અને મને કાશીરામજીનું એ કથન યાદ આવી રહ્યું છે જેને તે હંમેશા પોતાના કાર્યકર્તાઓના સંબોધનમાં કહ્યા કરતાં હતાં કે એક દલિત જો કલેક્ટર પણ બની જાય, પરંતુ તેની જાતિ તેનો પીછો નથી છોડતી અને તેના પછી તે પોતાનું ઉદાહરણ આપતાં કહે છે કે ઊંચી જાતિનો નોકર પણ મને પાણી આપવામાં ક્ષોભ અનુભવતો હતો. આગળ કહે છે કે મનુષ્યની ઓળખ ક્યારેય પણ સમાપ્ત નથી થતી, ભલે તે દેશનાં સર્વોચ્ચ પદ પર બિરાજમાન કેમ ન થઈ જાય. એટલા માટે ક્યારેય પણ આપણી ઓળખ છુપાડીને કે આપણને કોઈ અન્ય સાબિત કરીને એ ઓળખાણ થી નથી બચી શકતા જે ઓળખાણ સાથે આપણો જન્મ થયો છે.

હું નસીરૂદ્દીન શાહ વિશે એવું જ કંઈ વિચારું છું કે તે કેટલાયે સેક્યુલર કેમ ન થઈ જાય, પોતાના બાળકને ધાર્મિક શિક્ષણથી કેટલાયે દૂર કેમ ન રાખે, પરંતુ તે પોતાના નામ અને પોતાની ઓળખનું શું કરશે જે તેમના જન્મથી જોડાયેલી છે? તે કેટલા ઈસ્લામિક છે કે નથી તે પ્રશ્ન નથી, બલ્કે પ્રશ્ન તો એ છે કે તેમનું નામ મુસલમાન છે એટલું જ પૂરતું છે કોઈ ઉગ્ર ભીડ માટે.

નસીરુદ્દીન શાહ સાહેબને એ ખબર હોવી જોઇએ કે રમખાણમાં એક દારૂ પીનાર મુસલમાનની પણ હત્યા કરી નાખવામાં આવે છે, ફક્ત પોતાનાં નામના લીધે અને પોતાની ધાર્મિક ઓળખને લીધે. તેને ખબર હોવી જોઇએ કે નઝીર બનારસી જે એક સેક્યુલર શાયર હતાં, જેણે કૃષ્ણની દરેક અદા પર શાયરી કહી હતી, તેમને પણ હુલ્લડ મચાવનારાઓએ ન છોડયા, ફક્ત તેમના નામના લીધે. એવા સેંકડો ઉદાહરણ ઉપસ્થિત છે. શું આ સમજવા માટે નઝીર પૂરતો નથી?

નસીરુદ્દીન શાહ જિંદગીભર પોતાને સેક્યુલર સાબિત કરતાં આવ્યા છે અને એના માટે તેમણે દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું. હિન્દુ મહિલાથી લગ્ન કર્યા, નોન પ્રેક્ટિસિંગ મુસ્લિમ રહ્યા. બાળકોને ધાર્મિક શિક્ષણથી વંચિત રાખ્યા. પરંતુ જ્યારે એમને દેશની પરિસ્થિતીથી ભય લાગ્યો અને તેનો તેમણે ભય પ્રસ્તુત કર્યો તો તેમની જિંદગીભરની ”ધર્મનિરપેક્ષતા”ની તપસ્યા ભંગ થઈ ગઈ અને તેમના ઘરે પાકિસ્તાનની ટિકિટ મોકલી દેવામાં આવી.

દેશના એ તમામ વર્ગોને જેને ધાર્મિક ઓળખના લીધે એક ઉગ્ર ભીડ હંમેશા તેમની ઉપર હુમલો કરવા માટે તૈયાર રહે છે, તેમણે આ સમજવું હશે કે પોતાની જડથી જોડાયેલું રહેવું કેટલું જરૂરી છે. પોતાની ઓળખ ખોઈને કંઈક અન્ય બનવાની ચાહત આપણાને જીવનના કોઈને કોઈ મોડ પર એકલી છોડી દે છે અને વ્યક્તિ બેવજન બનીને રહી જાય છે.

પત્તા શઝર સે તૂટ કર બેવઝન હો ગયા,
ઉડને લગા જીધર ભી ઉડાને લગી હવા.


One Response to કેટલું જરૂરી છે, આપણી ઓળખથી જોડાઈને રહેવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review