ઓપન સ્પેસ

Published on May 27th, 2018 | by Muhammad Amin Sheth

0

એ સ્ત્રી… જેની ફરિયાદ અલ્લાહે આકાશમાં સાંભળી

હઝરત આયશા રદિ. ફરમાવે છે કે હું ખૌલા બિન્તે શોઅબ્લા રદિ.ની અલ્લાહના રસૂલ સ.અ.વ. સાથે વાતચીત સાંભળી રહી હતી. પરંતુ તેમની વાતચીતનો અમુક ભાગ ન સાંભળી શકી. તેઓ અલ્લાહના રસૂલથી પોતાના પતિની ફરિયાદ કરી રહી હતી કે હે અલ્લાહ રસૂલ! તેમણે મારી સંપૂર્ણ યુવાની ભોગવી અને મારા ગર્ભથી તેમને ઘણા બાળકોમળ્યા અને જ્યારે હું વૃદ્ધ થવા આવી તો તેમણે મારાથી ઝિહાર કરી લીધો. પછી આકાશ તરફ જોઈને બોલી ઃ હે અલ્લાહ હું તારાથી ફરિયાદ કરું છું. હજૂ તો તે ફરિયાદ કરી જ રહી હતી કે ફરિશ્તા જીબ્રીલ અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે આ સંદેશ વહી સ્વરૃપે લઈને આવ્યા.

“અલ્લાહે સાંભળી લીધી તે સ્ત્રીની વાત જે પોતાના પતિના મામલામાં તમારા સાથે તકરાર કરી રહી છે. અને અલ્લાહથી ફરિયાદ કર્યે જાય છે. અલ્લાહ તમારા બંનેની વાતચીત સાંભળી રહ્યો છે, તે બધું જ સાંભળનાર અને જોનાર છે.

તમારામાંથી જે લોકો પોતાની પત્નીઓ સાથે ઝિહાર કરે છે તેમની પત્નીઓ તેમની માતાઓ નથી.”

ઇમરાન બિન અલી અનસનું વર્ણન છે કે અજ્ઞાાનતાના સમયમાં એ કાયદો હતો કે જે વ્યક્તિ પોતાની પત્નીથી ઝિહાર કરી નાંખતો એટલે કે પોતાની પત્નીથી એમ કહી દેતો કે તારી પીઠ મારા માટે મારી મા ની પીઠની જેમ હરામ છે તો તેની પત્ની તેના માટે હરામ થઈ જતી હતી. ઇસ્લામના આગમન પછી સૌ પ્રથમ ઝિહારનું કામ હઝરત ઔસ બિન સામિતે કર્યું. તેમણે પોતાની પત્ની ખૌલા બિન્તે શોબ્અલાથી ઝઘડો કર્યો અને ગુસ્સામાં કહી દીધું કે, હવે તું મારા માટે એ જ રીતે હરામ છે જેવી રીતે મારી માની પીઠ મારા પર હરામ છે… હવે પાછળથી ઘણો પસ્તાવો થયો કે આ શું થઈ ગયું! તેમની પત્નીએ કહ્યું કે, “પણ તમે તલાક શબ્દ બોલ્યા નથી અને આ કાર્ય તો જહાલતના સમયનું છે. તમે અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે જાવ, તેઓ કોઈ રસ્તો કાઢશે.” તેમણે કહ્યું, મને તો જતા શરમ આવે છે તમે જ જાઓ. ચોક્કસ કોઈ માર્ગ નીકળશે.

જેથી ખૌલા તરત જ અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે ગઈ અને પોતાનો મામલો રજૂ કરતા કહ્યું, હે અલ્લાહના રસૂલ સ.અ.વ.ઃ આપ જાણો છો ઔસ, મારા બાળકોના પિતા છે જેઓ મને ખૂબ જ પ્રિય છે હવે વૃદ્ધ થવાના કારણે એકાગ્રતા ગુમાવી દીધી છે શરીર નબળુ પડી ગયું છે જીભ પણ થોથવાય છે. તેમણે ઉશ્કેરાટમાં મારાથી ઝિહાર કરી લીધો પણ તેઓ તલાક શબ્દ બોલ્યા નથી… અલ્લાહના રસૂલ સ.અ.વ.એ કહ્યંુ કે, હું એમ માનું છું કે તમે તેમના માટે હરામ થઈ ગયા છો. આ વાત સાંભળીને ખૌલા અલ્લાહના રસૂલ સ.અ.વ.થી તકરાર કરવા લાગી. ખૂબજ વિચલીત થઈને સીધી અલ્લાહથી ફરિયાદ કરવા લાગી કે, હે અલ્લાહ! મારા ઉપર મારી ભાવનાઓનું ખૂબ જ દબાણ છે હું લાચાર છું અને પતિની જુદાઈના કારણે તારાથી ફરિયાદ કરૃં છું. હઝરત આયશા કહે છે, હું તેની અલ્લાહથી ફરિયાદ સાંભળીને રડવા લાગી. અને તેની આ હાલત પર દયા ખાઈને હાજર તમામ લોકો પણ રડવા લાગ્યા. હજુ આ સ્થિતિ ચાલુ હતી કે અચાનક અલ્લાહના રસૂલ પર વહી નાઝીલ થવા લાગી. જ્યારે આપના ઉપર વહીનું અવતરણ થતું તો આપનું માથુ ઝુકી જતુ, ચહેરાનો રંગ બદલાઈ જતો અને કપાળ ઠંડુ થઈ જતું જેના ઉપર મોતીની જેમ પસીનાના બુંદ ઉભરી આવતા.

વહીનું અવતરણ પુરું થતાં જ આપનો ચહેરો ખીલી ઉઠયો અને હઝરત ખૌલાથી કહ્યું, “અલ્લાહ તઆલાએ તમારી ફરિયાદ સાંભળી લીધી છે અને તમારા સંબંધે આ આયત નાઝીલ થઈ છે. જાવ હવે તમે તમારા પતિને કહી દો કે તે એક ગુલામ આઝાદ કરી દે.” ખૌલાએ કહ્યું, તેમના પાસે તો મારા સિવાય કોઈ ગુલામ જ નથી. ફરમાવ્યું, તો પછી બે મહિનાના સતત રોઝા રાખે. કહ્યું, અરે, તે તો એટલા અશક્ત છે કે તેની હિંમત જ નહીં કરે. ફરમાવ્યું, પછી સાંઇઠ મિસ્કીનોને ખાવાનું ખવડાવે. ખૌલાએ કહ્યુ, હે અલ્લાહના રસૂલ સ.અ.વ. અમારા પાસે તો અનાજ જ નથી. શું કરીશું? છેવટે ફરમાવ્યું, જાવ પોતાના પતિને કહો કે ઉમ્મે મન્ઝર બિન્તે કૈશના પાસે જાય અને તેમના પાસેથી અર્ધો માપ ખજૂર લઈ જઈને ગરીબોમાં સદ્કો કરી દે.

હઝરત ખૌલા પ્રસન્ન થઈને પોતાના પતિ પાસે જાય છે જેઓ ઉત્સુકતાથી તેમની રાહ જ જોતા હોય છે. તમામ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. ખૌલા તેમને અલ્લાહના રસૂલ સ.અ.વ.નો આદેશ સંભળાવે છે કે હવે જાઓ, અને મન્ઝર બિન કૈશ પાસેથી ખજૂર લઈને સાઇઠ ગરીબોમાં વહેંચી આવો…

આ હતો ખૌલા બિન્તે શોઅબલાનો પ્રસંગ – તેમના ઉપર જુલ્મ થાય છે એવો જુલ્મ જે અજ્ઞાાનતા કાળનું બાકી રહી ગયેલુ ચલણ હતું. તે અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે દોડતી પહોંચે છે કે કદાચ કોઈ રસ્તો નીકળી આવે આ મુસીબતમાંથી છૂટવાનો… ત્યાંથી સાંભળવા મળે છે કે, તમે તો હવે તમારા પતિથી જુદા જ થઈ ગયા. ખૌલાના માથે જાણે આકાશ તૂટી પડે છે આ સાંભળીને – પણ તે હતાશ થતી નથી અને સીધી ફરિયાદ કરે છે આકાશ તરફ હાથ ઉઠાવીને સૃષ્ટિના એ સર્જનહારને જે તમામની ફરિયાદ સાંભળનાર છે અને અલ્લાહના અંતિમ પયગંબરનો રબ છે – અને અલ્લાહ આ નિરાધાર સ્ત્રીની ફરિયાદ સાંભળી લે છે એટલું જ નહીં તરત જ પોતાના પ્રિય રસૂલ સ.અ.વ. ઉપર વહી દ્વારા આદેશ મોકલે છે અને આ ફરિયાદનો મામલો ઇતિહાસમાં અમર બની જાય છે. જેના કારણે તે સ્ત્રી  અને તેના પતિને નવજીવન પ્રાપ્ત થાય છે. આ બનાવ આ પ્રકારની પારિવારિક સમસ્યાઓમાં મુસલમાનો માટે સાચો માર્ગ નક્કી કરવામાં સહાયભૂત થાય છે.

સ્ત્રી, જેનું ઉદાહરણ ખૌલા બિન્તે શૌઅબલા એ રજૂ કર્યું છે સમાજની કોઈ નકામી ચીજ કે અંગ નથી બલ્કે સ્ત્રી, એ તો સમાજનું અભિન્ન અને મહત્ત્વનું અંગ છે. તેના ઉપર જ્યારે જુલ્મ થયો અને જીવન છિન્નભિન્ન થવાના આરે આવી ગયું તો તેણે પોતાની ફરિયાદ અલ્લાહના રસૂલ સ.અ.વ. સમક્ષ કરી અને પોતાની વિકટ સમસ્યા રજૂ કરી અને છેવટે અલ્લાહના સામે જરાપણ સંકોચ વગર ફરિયાદ મુકી દીધી. અલ્લાહે આ ફરિયાદ સાંભળી, અલ્લાહે આ સ્ત્રીને ઇઝ્ઝત અર્પણ કરી તેને મુસીબતમાંથી છૂટકારો આપ્યો અને આ સ્ત્રી દ્વારા આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ લાવી દીધું – સમસ્યાનું સમાધાન થઈ ગયું…

હઝરત ઉમર રદિ.ની ખિલાફતનો એક પ્રસંગ છે કે ખલીફા અને અમીરુલ મોઅમેનીન હોવા છતાં રસ્તામાં ઉભા રહીને એકવાર એક સ્ત્રીની વાત ધ્યાનમગ્ન થઈને ઘણીવાર સુધી સાંભળતા રહે છે.

કોઈએ પૂછયું ઃ હે અમીરુલ મોઅમેનીન આપ આટલી વાર સુધી રસ્તામાં જ ઉભા રહીને એક વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળતા રહ્યા…

હઝરત ઉમરે જવાબ આપ્યો ઃ જાણો છો આ સ્ત્રી હોણ હતી? એ ખૌલા બિન્તે શોઅબલા હતી… હું તેની વાત સાંભળવા કેમ ન ઊભો રહું? જેની વાત સમગ્ર સૃષ્ટિના પાલનહારે તરત જ સાંભળી અને સ્વીકારી તો ઉમરની શું વિસાત?! ઉમર કેમ તેની વાત ન સાંભળે? *


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review