ઇસ્લામની મૂળભૂત વિચારધારા

Published on January 1st, 2014 | by Muhammad Jamal Patiwala

0

ઇસ્લામ : તમારો જન્મસિદ્ધ અધિકાર

મનુષ્ય, જ્યાં અને જે ધાર્મિક વાતાવરણમાં જન્મ્યો હોય છે તે તેની પસંદગી નથી હોતી. મોટાભાગે લોકો પોતાના ઘરનો ધર્મ ગ્રહણ કરતા હોય છે અથવા પોતાના સમાજની પરંપરાઓ અને રીત-રિવાજોને જ ધર્મ માની લેતા હોય છે. કેટલાક લોકો એવા જરૃર હોય છે, જેઓ શુદ્ધ-બુદ્ધિ અને પરિપક્વતાને આધીન અન્ય આસ્થાઓ, આદર્શો અને ધર્મોના વિષયની ખોજ કરતા હોય છે. અમુક લોકો પોતાની ધાર્મિક પરંપરાઓ, સામાજિક રીત-રિવાજો અને કર્મકાંડો પર પોતાની રીતે પ્રશ્ન-ચિહ્ન મૂકીને સત્ય-ધર્મની શોધ આરંભતા હોય છે. પરંતુ આ સત્ય-શોધકોનું અનુસંધાન અધિકાંશ ત્યારે ચિંતા અને ઉલઝનનું કારણ બની જાય છે, જ્યારે તમામ લોકો એવો દાવો લઈને ઊભા થાય છે કે તેમનો ધર્મ સાચો છે અને તેમના જ આદર્શો સર્વશ્રેષ્ઠ છે, બીજા બધા ખોટા અને અસત્ય. તુલનાત્મક રીતે આ સ્થિતિમાં ત્રણ સંભાવનાઓ હોઈ શકે છે – એક, કાં તો તમામ ધર્મો સત્ય છે. બીજું, તમામ ધર્મો અસત્ય છે, અને ત્રીજું એ કે કોઈ એક સત્ય અને શેષ અસત્ય. સત્ય-ધર્મની ખોજના સંદર્ભમાં એક હકારાત્મક અભિગમ એ હોવો જોઈએ કે આ ખોજ સત્ય-ધર્મની ખોજ છે, અસત્ય ધર્મોની નહીં.

ત્રીજી વાતના સંદર્ભમાં ઇસ્લામનો દાવો એ છે કે તે સત્ય, ઈશ્વરદત્ત અને પ્રાકૃતિક ધર્મ છે. આ અનુસંધાનમાં ઇસ્લામ સૌપ્રથમ વાત એ કહે છે કે સૃષ્ટિના અસ્તિત્વના પ્રથમ દિવસથી જ મનુષ્ય ધર્મના જ્ઞાન સાથે જ જન્મ્યો છે અને તે ધર્મ ઇસ્લામ છે. જેમ કે કુઆર્નમાં છે – ”આરંભમાં સૌ મનુષ્યો એક જ સમુદાય હતા, પાછળથી તેમણે અલગ-અલગ માન્યતાઓ અને પંથ બનાવી લીધા.” (સૂરઃ યૂનુસ, ૧૯) સમયાંતરે અને યુગે-યુગે આ ધર્મના પુનરુત્થાન માટે ઈશ્વર પોતાના સંદેષ્ટાઓ વિભિન્ન પ્રદેશોમાં, જુદી-જુદી જાતિઓમાં મોકલતો રહ્યો છે, જેઓ તત્કાલીન જમાનાની આવશ્યકતાનુસાર લોકોને ઈશ્વરની મરજી અને ઇચ્છા ઈશ્વરીય ગ્રંથના સ્વરૃપે બતાવતા રહ્યા. સૃષ્ટિનો એવો કોઈ પ્રદેશ નથી, જ્યાં ઈશ્વરે પોતાનો સંદેશવાહક ન મોકલ્યો હોય. ઈશ્વર કહે છે – ”દરેક સમુદાય માટે એક ઈશદૂત છે…” (સૂરઃ યૂનુસ, ૪૭) આ સંદેષ્ટાઓ ઈશ્વરીય ગ્રંથ અનુસાર પોતાના જીવનને ઢાળતા રહ્યા અને તેની તાલીમ લોકોને આપતા રહ્યા. અંતે, સૃષ્ટિના અંતિમ કાળમાં ઈશ્વરે આ ધર્મને તેના પૂર્ણરૃપમાં અંતિમ ઈશદૂત હઝરત મુહમ્મદ (સલ્લ.) પર અવતરિત કરી દીધો અને તેમના પર અવતરિત અંતિમ ગ્રંથનું નામ ‘કુઆર્ન’ છે. ઈશ્વર પોતાના ગ્રંથ કુઆર્નમાં ઇસ્લામ વિશે કહે છે – ”આજે મેં તમારા દીન (જીવન-વ્યવસ્થા)ને તમારા માટે સંપૂર્ણ કરી દીધો છે અને પોતાની કૃપા તમારા ઉપર પરિપૂર્ણ કરી દીધી છે અને તમારા માટે ઇસ્લામને તમારા દીન (ધર્મ) તરીકે પસંદ કરી લીધો છે.” (સૂરઃ માઈદા, ૩) એ જ રીતે ઈશ્વર એવું પણ કહે છે કે – ”અલ્લાહના નજીક ધર્મ માત્ર ઇસ્લામ જ છે.” (સૂરઃ આલે ઇમરાન, ૧૯)

સત્ય-ધર્મની ખોજમાં ચાર વાતો મહત્ત્વની છે, જેને ઇસ્લામના દાવાના સંદર્ભમાં ધ્યાનમાં રાખવી આવશ્યક છે. એક – ઈશ્વરે પ્રત્યેક મનુષ્યને એ ક્ષમતા, યોગ્યતા અને બુદ્ધિ પ્રદાન કરી છે કે તે એ વાતનો સટીક નિર્ણય કરી શકે કે સત્ય-ધર્મ કયો છે. બીજી – પરમ્ દયાળુ અને કૃપાળુ ઈશ્વરે કોઈપણ પ્રકારના માર્ગદર્શન વગર મનુષ્યને આમ જ પથભ્રષ્ટ થવા માટે નથી છોડી દીધો, બલ્કે તેણે આ માર્ગદર્શન-હેતુ પોતાના સંદેષ્ટાઓ મોકલ્યા, ધર્મગ્રંથો અવતરિત કર્યા, અને પ્રત્યેક યુગમાં ઈશનિષ્ઠ લોકો કામ કરતા રહ્યા, જે મનુષ્યને સન્માર્ગ બતાવી શકે. ત્રીજી – સત્ય-ધર્મની ખોજ પ્રત્યેક મનુષ્યનો જીવનોદ્દેશ્ય હોવો જોઈએ, એટલા માટે કે સૃષ્ટિના પ્રલય-પશ્ચાત્ પરલોકના જીવનમાં મુક્તિ અને સફળતા તેના પર નિર્ભર છે; જેમ કે ઈશ્વર કહે છે, ”અને જે કોઈ (વ્યક્તિ) ઇસ્લામ સિવાય અન્ય ધર્મ ઇચ્છશે તો તેનાથી કદાપિ તેનો સ્વીકાર કરવામાં નહીં આવે, અને પરલોકમાં તે નિષ્ફળ નીવડશે.” (સૂરઃ આલેઇમરાન, ૮૫) ચોથી – સત્ય-ધર્મની આ ખોજના માર્ગમાં પૂર્વગ્રહ, ભાવુકતા કે પક્ષપાત, જે મોટાભાગના લોકોને આંખોથી નહીં પણ હૃદયથી આંધળા બનાવી દે છે, તેને એક તરફ મૂકી દેવા; જેથી સત્ય-માર્ગ વિના-વિઘ્ને પ્રશસ્ત થઈ શકે.

ઇસ્લામની વિશેષતાઓ:

 1. ઇસ્લામ કહે છે કે આ સૃષ્ટિ નિરર્થક નથી અને અહીં મનુષ્યનો જન્મ નિરુદ્દેશ્ય નથી. કુઆર્નમાં ઈશ્વર કહે છે –
  ”અમે આ આકાશ અને ધરતીને, અને આ દુનિયાને જે તેમના વચ્ચે છે, નિરર્થક પેદા નથી કરી દીધા…” (સૂરઃ સૉદ, ૨૭)
  ”હકીકત એ છે કે આ જે કંઈ સાજ-સામાન પણ ધરતી પર છે તેને અમે ધરતીની શોભા બનાવ્યો છે, જેથી આ લોકોની પરીક્ષા કરીએ કે આ લોકોમાં કોણ સારા કર્મ કરનારો છે.” (સૂરઃ કહ્ફ, ૭)
  ”તે જ છે જેણે તમને (અર્થાત્ મનુષ્યોને) ધરતીના ‘ખલીફા’ (પ્રતિનિધિ, નાયબ) બનાવ્યા અને તમારામાંથી કેટલાકને કેટલાકની સરખામણીમાં વધુ ઉચ્ચ દરજ્જા આપ્યા, જેથી જે કંઈ તમને આપવામાં આવ્યું છે તેમાં તમારી પરીક્ષા કરે.” (સૂરઃ અન્આમ, ૧૬૫)
 2. આ સંદર્ભમાં ઇસ્લામ મનુષ્યને તેના જીવનનો એક ઉચ્ચ ઉદ્દેશ્ય આપે છે. કુઆર્નમાં ઈશ્વર કહે છે –
  ”મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી ઉપાસના કરે.” (સૂરઃ ઝારિયાત, ૫૧)
 3. ઇસ્લામનો સંદેશ સાતત્યપૂર્ણ છે, અને તે આરંભથી અંત સુધી કેવળ એક જ છે. જેમ કે ઈશ્વર કહે છે –
  ”હે ઈશદૂત ! કહો, ”અમે ઈશ્વરને માનીએ છીએ, તે શિક્ષાને માનીએ છીએ જે અમારા પર અવતરિત કરવામાં આવી છે, તે શિક્ષાઓને પણ માનીએ છીએ જે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ અને યાકૂબના સંતાનો પર અવતરિત થઈ હતી, અને તે માર્ગદર્શન પર પણ ઈમાન ધરાવીએ છીએ જે મૂસા અને ઈસા અને બીજા ઈશદૂતોને તેમના રબ તરફથી પ્રદાન કરવામાં આવ્યું. અમે તેમના વચ્ચે ભેદ કરતા નથી અને અમે ઈશ્વરના આજ્ઞાંકિત (મુસ્લિમ) છીએ.” (કુઆર્ન, સૂરઃ આલે ઇમરાન, ૮૪)
  ”અમે દરેક જાતિ (સમુદાય)માં એક ઈશદૂત મોકલી દીધો અને તેના મારફત બધાને ચેતવી દીધા કે – (કેવળ) ઈશ્વરની બંદગી કરો અને તાગૂત (હદ વટાવી ગયેલ, મિથ્યા ઉપાસ્યો)ની બંદગીથી બચો.” (સૂરઃ નહ્લ, ૩૬)
 4. ઇસ્લામી શિક્ષાઓ બૌદ્ધિક અને તાર્કિક છે. મનુષ્યની બુદ્ધિને અપીલ કરે છે. આવી ઘણી આયતો છે કુઆર્નમાં, જેમ કે – ”તમારો ખુદા એક જ ખુદા છે, તે રહમાન (પરમ્ કુપાળુ) અને રહીમ (પરમ્ દયાળુ) સિવાય બીજો કોઈ ખુદા નથી. (આ હકીકતને ઓળખવા માટે જો કોઈ નિશાની અને ઓળખ જોઈતી હોય તો) જે લોકો બુદ્ધિથી કામ લે છે, તેમના માટે આકાશો અને ધરતીની રચનામાં, રાત અને દિવસના નિરંતર એકબીજા પછી આવવામાંં, તે હોડીઓમાં જે મનુષ્યોના લાભની વસ્તુઓ લઈને નદીઓ અને સમુદ્રોમાં ચાલે-ફરે છે, વરસાદના તે પાણીમાં જેને અલ્લાહ ઉપરથી વરસાવે છે, પછી તેના વડે મૃત ધરતીને જીવન પ્રદાન કરે છે અને (પોતાની આ જ વ્યવસ્થાને કારણે) ધરતીમાં દરેક પ્રકારના સજીવોને ફેલાવે છે, હવાઓના પરિભ્રમણમાં, અને તે વાદળોમાં જે આકાશો અને ધરતી વચ્ચે આજ્ઞાને આધીન બનાવીને રાખવામાં આવ્યા છે, અસંખ્ય નિશાનીઓ છે.” (સૂરઃ બકરહ, ૧૬૪-૧૬૫)
  ”ભલે, તો શું આમણે ક્યારેય પોતાના ઉપર આકાશ તરફ જોયું નથી? કેવી રીતે અમે તેને બનાવ્યું અને શણગાર્યું, અને તેમાં કયાંય કોઈ વિઘ્ન કે ત્રુટિ નથી, અને ધરતીને અમે પાથરી અને તેમાં પર્વતો જમાવી દીધા અને તેમાં દરેક પ્રકારની સુંદર વનસ્પતિ ઉગાડી દીધી. આ તમામ વસ્તુઓ આંખો ખોલનારી અને બોધપાઠ આપનારી છે, તે દરેક બંદા માટે જે (સત્ય તરફ) રજૂ થનાર હોય, અને આકાશમાંથી અમે બરકતવાળું પાણી ઉતાર્યું, પછી તેના વડે બાગ અને અનાજના પાક અને ઊંચા-ઊંચા ખજૂરના વૃક્ષો પેદા કરી દીધા જેમના ઉપર ફળોથી લદાયેલા ઝૂમખાં એક-પર-એક લાગે છે. આ વ્યવસ્થા છે બંદાઓને રોજી આપવાની. આ પાણીથી અમે મૃત ભૂમિને જીવન પ્રદાન કરીએ છીએ. (મૃત મનુષ્યોનું જમીનમાંથી) નીકળવું પણ આ જ રીતે હશે.” (સૂરઃ કૉફ, ૬-૧૧)
 5. ઇસ્લામ તદ્દન સરળ, સહજ અને સ્પષ્ટ છે, તેમાં મિથ્યા-કથાવૃત્તાંતો (Mythology) જેવી માયાજાળ નથી, તે અંધશ્રદ્ધાઓ અને અતાર્કિક માન્યતાઓથી પર છે. તેની આસ્થાઓ અને શિક્ષાઓને સમજવું દરેકને માટે, ચાહે શિક્ષિત હોય કે નિરક્ષર સરળ છે. કુઆર્નમાં ઈશ્વર કહે છે ઃ
  ”હકીકત એ છે કે આ કુઆર્ન તે માર્ગ દેખાડે છે જે તદ્દન સીધો છે. જે લોકો આને માનીને સારા કાર્યો કરવા લાગે તેમને એ ખુશખબર આપે છે કે તેમના માટે મોટો બદલો છે.” (સૂરઃ બની ઇસરાઈલ, ૯)
  ”અમે આ ગ્રંથ તમારા પર અવતરિત કર્યો છે જે દરેક વસ્તુની સ્પષ્ટપણે સમજૂતી આપનારો છે અને માર્ગદર્શન અને કૃપા અને ખુશખબર છે તે લોકો માટે જેમણે આજ્ઞાપાલનમાં માથું ઝૂકાવી દીધું છે.” (સૂરઃ નહ્લ, ૮૯)
  પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ.) ફરમાવે છે ઃ ”ઈશ્વરે મને સખ્તાઈ કરવાવાળો અને કષ્ટમાં નાખવાવાળો બનાવીને નથી મોકલ્યો, બલ્કે આસાની કરવાવાળો બનાવીને મોકલ્યો છે.” (સહીહ મુસ્લિમ) એક બીજા પ્રસંગે પોતાના સાથીઓને સંબોધીને કહ્યું ઃ ”શુભસૂચના આપો, નફરત ઊભી ન કરો, આસાની પેદા કરો અને કષ્ટમાં ન નાખો.” (સહીહ મુસ્લિમ)
 6. ઇસ્લામ એક સંતુલિત અને મધ્યમમાર્ગીય જીવનની રીત આપે છે. તેમાં ક્યાંય મનુષ્યના ભૌતિક-દુન્યવી જીવન અને આધ્યાત્મિક જીવન દરમ્યાન કોઈ સંઘર્ષ જોવા નથી મળતો. વધુમાં, માનવ-જીવનના દરેક વિભાગમાં મનુષ્ય અને સમાજની અંગત જરૃરિયાતો અને ઇચ્છાઓમાં સમતોલપણું ઉપલબ્ધ કરે છે. ઈશ્વર તેના ધર્મ – ઇસ્લામને માનનારાઓની ઓળખ આપતાં કુઆર્નમાં કહે છે –
  ”આવી રીતે તો અમે તમને (મુસલમાનોને) એક ‘ઉમ્મતે વસત’ (ઉત્તમ મધ્યમમાર્ગી સમુદાય) બનાવેલ છે, જેથી તમે દુનિયાના લોકો ઉપર સાક્ષી રહો અને પયગંબર તમારા ઉપર સાક્ષી રહે.” (સૂરઃ બકરહ, ૧૪૩)
 7. ઇસ્લામ ધર્મ તમામ ઈશદૂતોનો અને આકાશી ધર્મોનો આદર કરે છે. તે મુસલમાનોને આદેશ કરે છે કે તેઓ એ તમામ ઈશદૂતોનો આદર-સન્માન કરે અને તેમને પ્રેમ કરે, જેમના ઉપર આ ધર્મો અવતરિત થયા છે. જેમ કે કુઆર્નમાં ઉલ્લેખ છે – ”જે લોકો ઈશ્વર અને તેના સંદેશવાહકો સાથે ઇન્કારનું વલણ અપનાવે છે, અને ચાહે છે કે ઈશ્વર અને ઈશદૂતો વચ્ચે ભેદભાવ કરે અને કહે છે કે અમે કોઈને માનીશું અને કોઈને નહીં માનીએ તેમજ કુફ્ર (ઇન્કાર) તથા ઈમાન (વિશ્વાસ) વચ્ચે એક રસ્તો કાઢવાનો ઇરાદો રાખે છે, તે બધા કટ્ટર કાફિરો (૫ાકા અધર્મીઓ) છે અને આવા કાફિરો માટે અમે તે સજા તૈયાર કરી રાખી છે, જે તેમને અપમાનિત અને ફજેત કરનારી છે. તેનાથી વિપરીત જે લોકો ઈશ્વર અને તમામ ઈશદૂતોને માને, અને તેમના વચ્ચે ભેદભાવ ન કરે, તેમને અમે ચોક્કસ તેમના બદલા આપીશું, અને અલ્લાહ ઘણો ક્ષમાશીલ અને દયાળુ છે.” (સૂરઃ નિસા, ૧૫૦-૧૫૨)
  ”અને (હે મુસલમાનો !) આ લોકો ઈશ્વર સિવાય જેમને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો, ક્યાંક એવું ન થાય કે આ લોકો શિર્ક (અનેકેશ્વરવાદ)થી આગળ વધીને અજ્ઞાનતાના કારણે ઈશ્વરને અપશબ્દો કહેવા લાગે. અમે તો આવી જ રીતે દરેક જૂથ માટે તેના કર્મોને મોહક બનાવી દીધા છે, પછી તેમને પોતાના પ્રભુ-પાલનહારના જ તરફ પાછા ફરવાનું છે, તે વખતે તે તેમને બતાવી દેશે કે તેઓ શું કરતા રહ્યા છે.” (સૂરઃ અન્આમ, ૧૦૮)
 8. ઇસ્લામ સંવાદ અને વાર્તાલાપને પસંદ કરે છે તથા સાર્થક અને યથાર્થ તરફ આમંત્રણ આપે છે. જેમ કે ઈશ્વર આદેશ કરે છે –
  ”હે પયગંબર ! પોતાના પ્રભુ-પાલનહારના માર્ગ તરફ બોલાવો વિવેક-બદ્ધિ અને તત્ત્વદર્શિતા તથા ઉત્તમ શિખામણ સાથે અને લોકો સાથે ઉત્તમ રીતે ચર્ચા અને સંવાદ કરો.” (સૂરઃ નહ્લ, ૨૫)
  ”હે પયગંબર ! કહો, ‘હે ગ્રંથવાળાઓ ! આવો એક એવી વાત તરફ જે તમારા અને અમારા વચ્ચે સમાન છે, એ કે આપણે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરીએ, તેના સાથે કોઈને ભાગીદાર ન ઠેરવીએ અને આપણામાંથી કોઈ ઈશ્વર સિવાય કોઈ બીજાને પોતાનો પ્રભુ-પાલનહાર ન બનાવી લે.’ આ આમંત્રણનો સ્વીકાર કરવાથી જો તેઓ મોઢું ફેરવે તો સ્પષ્ટ કહી દો કે – સાક્ષી રહો, અમે તો મુસ્લિમ (માત્ર અલ્લાહની ભક્તિ અને આજ્ઞાપાલન કરનારા) છીએ.” (સૂરઃ આલે ઇમરાન, ૧૨૫)
 9. ઇસ્લામ શાંતિનો ધર્મ છે. તેના નામનો અર્થ પણ ‘શાંતિ’ થાય છે, વ્યાપક શાંતિ – ચાહે તેનો સંબંધ મુસ્લિમ સમાજના ઘરેલુ મામલાઓથી હોય કે અન્ય સમાજના લોકો સાથે. પયગંબર સાહેબ ફરમાવે છે ઃ ”મોમિન (ઈમાનવાળો) એ છે, જેનાથી લોકો પોતાના જાન-માલને સુરક્ષિત સમજે, મુસ્લિમ એ છે જેની જબાન અને હાથથી લોકો સુરક્ષિત હોય, મુજાહિદ (ઈશમાર્ગમાં સંઘર્ષ કરનારા વ્યક્તિ) એ છે જે ઈશ્વરના આજ્ઞાપાલનમાં પોતાના ‘નફ્સ’ (મન)થી જિહાદ કરે, અને મુહાજિર (હિજરત કરનાર વ્યક્તિ) એ છે જે પાપકૃત્યો અને ગુનાઓને છોડી દે.” (સહીહ ઇબ્ને હબ્બાન)
 10. ઇસ્લામ ધર્મમાં ઇસ્લામ સ્વીકાર બાબતે કોઈના ઉપર જોર-જબરજસ્તી નથી, બલ્કે તેનું ઇસ્લામ સ્વીકારવું તેના દૃઢ વિશ્વાસ અને સંતોષ પર આધારિત હોવું જોઈએ. કેમ કે દબાણ કરવું, બળજબરી કરવી ઇસ્લામનો ફેલાવો કરવાની રીત નથી. ઈશ્વરનું ફરમાન છે –
  ”ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી. સાચી વાતને ખોટા વિચારોથી અલગ છાંટીને મૂકી દેવામાં આવી છે.” (સૂરઃ બકરહ, ૨૫૬)
  ”સ્પષ્ટપણે કહી દો કે આ સત્ય છે તમારા પ્રભુ-પાલનહાર તરફથી, હવે જેનું મન ચાહે માની લે અને જેનું મન ચાહે ઇન્કાર કરી દે.” (સૂરઃ કહ્ફ, ૨૯)
 11. ઇસ્લામ ધર્મમાં વ્યાપક રૃપે જીવનના તમામ મામલાઓને સમાવી લેવામાં આવ્યા છે, તેથી તેણે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારો અને વચનો, લગ્ન-વિવાહ અને સામાજિક બાબતો, આજીવિકા અને આર્થિક બાબતો, બંદગી અને ઉપાસના, રાજકારણ અને યુદ્ધ વગેરે અંગે એવા નીતિ-નિયમો પ્રસ્તુત કર્યા છે, જેના આધારે એક ઉત્તમ અને આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે. ઈશ્વર કહે છે –
  ”અમે આ ગ્રંથ તમારા પર અવતરિત કર્યો છે જે દરેક વસ્તુની સ્પષ્ટપણે સમજૂતી આપનારો છે અને માર્ગદર્શન અને કૃપા અને ખુશખબર છે તે લોકો માટે જેમણે આજ્ઞાપાલનમાં માથું ઝૂકાવી દીધું છે.” (સૂરઃ નહ્લ, ૮૯)
 12. ઇસ્લામ ધર્મ એવી દંડસંહિતા આપે છે, જે અપરાધો અને તેના પ્રસારથી સમાજને સુરક્ષા પ્રદાન કરે છે – તેથી ખુનામરકી અને લડાઈ-ઝઘડાને રોકે છે, સતીત્વની રક્ષા કરે છે, લોકોની ધનદોલતની હિફાજત કરે છે, દુષ્ટ લોકોને અંકૂશમાં રાખે છે, લોકોને એ વાતથી રોકે છે કે તેઓ એક-બીજા પર આક્રમણ કરે. આમ, તેણે દરેક અપરાધની, ચોરી, હત્યા, ધાડ, વ્યભિચાર અને બળાત્કાર, ખોટો આરોપ, કોઈને ઈજા પહોંચાડવી વગેરેની સંગીનતાને ધ્યાનમાં રાખીને દંડ અને સજાઓ નિર્ધારિત કરેલ છે. આ દંડ અને સજાનો હેતુ બદલો કે હિંસા નહીં, બલ્કે તેનો ઉદ્દેશ્ય સમાજને અપરાધ-મુક્ત રાખવાનો અને સમાજની શાંતિની સાથે રમત રમતા વિઘ્ન-સંતોષી અને અસામાજિક તત્ત્વોને રોકવાનો છે.
  અહીં ઇસ્લામ ધર્મની વિશેષતાઓની એક ઝલક પ્રસ્તુત કરવામાં આવી છે. ઇસ્લામ વૈશ્વિક ધર્મ છે, તેથી તેની શિક્ષાઓનો વ્યાપ પણ વૈશ્વિક છે. ચર્ચાનું સમાપન એ જ વાતથી કરીએ કે સત્ય-ધર્મની શોધ કરતા વ્યક્તિએ કેટલીક વાતોને ધ્યાનમાં રાખવાની જરૃર છે; જેમ કે – શું તે ધર્મની શિક્ષાઓ માનવીય તર્ક અને બુદ્ધિના માપદંડ પર ખરી ઉતરે છે ? શું તેનો દાવો અને તેની વાતો તર્કસંગત છે ? જેણે એ ધર્મ પ્રસ્તુત કર્યો છે, શું તે પોતાના જ્ઞાન, શક્તિ અને સામર્થ્યમાં પૂર્ણ છે ? શું એ ધર્મની આસ્થાઓ-માન્યતાઓનો આધાર અંધશ્રદ્ધા અને માયથોલૉજી પર તો નથી ને ? શું એ ધર્મ અને તેની શિક્ષાઓ જે તે યુગની આવશ્યકતાઓને પૂરી કરે શકે છે ? શું વિજ્ઞાનની નવા-નવા સંશોધનો તેનાથી ટકરાતા તો નથી ને ? તેણે કરેલાં પૂવાનુમાનો અને ભવિષ્યવાણીઓમાં સચ્ચાઈ કેટલી છે ? તેના ધર્મ-ગ્રંથનું મૂળલખાણ તેની મૂળ લિપિ, ભાષા અને મૂળ રૃપમાં સુરક્ષિત છે ? શું એવું તો નથી કે તેનાથી સામાન્ય લોકો કરતાં કોઈ વિશેષ જૂથ કે ખાસ લોકોને વધારે ફાયદો છે ? તેની શિક્ષાઓ પર અમલ બધા માટે સરળ છે ?

આ એવા પ્રશ્નો છે, જે કોઈપણ સત્ય-શોધકને સન્માર્ગની શોધ કરવામાં મદદરૃપ થઈ શકે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review