અલ્લાહે માનવનું સર્જન કર્યું અને તેને બુદ્ધિ પ્રદાન કરી શ્રેષ્ઠ સર્જનનો દરજ્જો આપ્યો. જીવન જીવવા માટે વિચાર અને આચરણની સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપી . ઇસ્લામી શિક્ષણ મુજબ પૃથ્વી-જીવન એક પરીક્ષા રૂપે છે. વ્યક્તિ જેવા વિચાર રાખશે તેવા કર્મો કરશે. તેના કર્મોનુસાર પરલોકના જીવનમાં સ્વર્ગ કે નર્ક મેળવશે. આ જ તકાદાને અનુરૂપ અલ્લાહે માનવને કર્મની સંપૂર્ણ સ્વતંત્રતા અર્પણ કરી છે. તે પોતાની ઈચ્છાને ઈશ્વરને સમર્પિત કરી જીવનને સાર્થક કરી શકે છે અથવા પોતાને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી પોતાની મરજી મુજબ જીવન જીવી શકે છે. “જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે,” (સૂરઃ મુલ્ક-૨)

તે આસ્તિક બને કે નાસ્તિક, તે મુસ્લિમ બને કે બિનમુસ્લીમ, તે જે ઇચ્છે તે ધર્મને અનુસરી શકે છે. ચાહે તેવા કર્મ કરી શકે છે. તેના ઉપર કોઈ બળજબરી નથી. સાચી વાત આ જ છે કે જાે આ રીતની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે તો જ વ્યક્તિની પરીક્ષા શક્ય છે. માનવ કઠપૂતળી તરીકે કામ કરે અથવા તેના ઉપર બળજબરી કરવામાં આવે તો જીવન પરિક્ષારૂપ હોવાનો કોઈ જ અર્થ રહતો નથી. અને ઇતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ શાસકો અથવા દેશો માં ઓછા વત્તા પ્રમાણમાં આ સ્વતંત્રતા હતી અને આજે પણ બાકી છે.

પરંતુ આ પણ હકીકત છે કે જે દેશોમાં મુસલમાનો લઘુમતીમાં છે ત્યાં તેઓ બહુમતીના અત્યાચારોના શિકાર અને પીડિત છે. ચીન, રૂસ, બર્મા, શ્રીલંકા, યુરેપિયન દેશો વગેરે ઉદાહરણ તરીકે આપી શકાય. જ્યારે કે મુસ્લિમ દેશોમાં રહેતા બિનમુસ્લિમ ભાઈઓ શાંતિથી જીવન પસાર કરી રહ્યા છે. તુર્કી, મલેશિયા, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, વિગેરે દાખલા દુનિયાની સામે છે. આશ્ચર્યની વાત તો આ છે કે પાછો આરોપ પણ મુસલમાનો પર મૂકવામાં આવે છે કે તેઓ ઉપદ્રવી અને આંતકવાદી છે. આજ નીતિના ભાગરૂપ આપણા પ્રિય દેશ ભારતમાં પણ મુસલમાનોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.

ઇસ્લામી શાસનમાં બીનમુસ્લીમ નાગરિકો બે પ્રકારના હોય છે. એક તે જેઓ કોઈ મંત્રણા કે કરાર સાથે ઇસ્લામી શાસન આધીન આવ્યા હોય અને બીજા તે જેઓ યુદ્ધમાં પરાસ્ત થઈને આધીન થયા હોય. બંન્ને પરિસ્થિતિમાં તેમની ધાર્મિક સ્વતંત્રતા સાથે, પૂજા સ્થળો સહિત બધા જ માનવીય અધિકારો આપવામાં આવે છે. વધુમાં જ્યાં કરાર થયેલ છે ત્યાં કરારની સંપૂર્ણ પણે પાબંદી કરવામાં આવશે. બલ્કે ઇસ્લામે તો પૂજા સ્થળોની સુરક્ષાને પણ યુદ્ધની આજ્ઞાના કારણો માં સામેલ કરેલ છે.

“પરવાનગી આપી દેવામાં આવી તે લોકોને જેમના વિરુધ્ધ યુદ્ધ કરવામાં આવી રહ્યું છે, કેમ કે તેઓ મજલૂમ (ઉત્પિડીત) છે અને અલ્લાહ ચોક્કસ તેમની મદદ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ તે લોકો છે જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા, માત્ર એ કસૂર માટે કે તેઓ કહેતા હતા, ‘‘અમારો રબ (પ્રભુ) અલ્લાહ છે.’’ જાે અલ્લાહ લોકોને એકબીજા દ્વારા હટાવતો ન રહે તો ખાનકાહો-મઠો, ગિરજાઘરો અને યહૂદીઓના ઉપાસનાગૃહો અને મસ્જિદો, જેમાં અલ્લાહનું નામ પુષ્કળ લેવામાં આવે છે, તમામ ધ્વસ્ત કરી દેવામાં આવતા. અલ્લાહ અવશ્ય તે લોકોની મદદ કરશે જેઓ તેની મદદ કરશે. અલ્લાહ અત્યંત શક્તિશાળી અને પ્રભુત્વશાળી છે.” (સૂરઃ હજ્જ-૩૯,૪૦)

હઝરત મુહમ્મદ સ.અ.વ.એ નજરાનના જે ખ્રિસ્તીઓ આવ્યા હતા તેમને ધર્મ અને ધન સંચયની સ્વતંત્રતાની ગેરંટી આપી હતી. તેને અલ્લાહ તથા તેના રસૂલની જવાબદારી બતાવેલ. આજ રીતે હઝરત ઉમર રદી.એ એલિયા(કદસ)ના લોકો સાથે જે કરાર કર્યો હતો તેના શબ્દો આ હતા, “ખુદાના બંદા ઉમર, અમિરૂલ મુમિને એલિયા ના નાગરિકોને શરણ આપી – જાન અને માલ ની, તેમના ગીરજા ઘરો , સલીબ અને ધર્મની સુરક્ષાની જામીન.તેમના દેવળોમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં, ન તેમને તોડવામાં આવશે, ન કોઈ નુકસાન પહોંચાડવા માં આવશે. ન તેમની સલિબ લેવામાં આવશે, ન તેમનો કોઈ માલ ઝુંટવામાં આવશે, ન ધર્મના મામલા માં કોઈ જોર જબરદસ્તી કરવામાં આવશે, ન તેમને કોઈ કષ્ટ આપવામાં આવે, ન જ તેમના એલ્યામાં કોઈ યહૂદી રોકાશે.”

ઇસ્લામના ઘણા વિદ્વાનો એ પરવાનગી આપી છે કે જીમ્મી (એ બિનમુસ્લીમ નાગરિક જેમની જવાબદારી ઇસ્લામી રાજય એ લીધી હોય) મુસ્લિમ વિસ્તારો માં પૂજા સ્થળ બનાવી શકે છે.જે દેશોને યુદ્ધ પછી જીતવા માં આવ્યા હોય અને લોકોએ ઘમાસાણ યુદ્ધ પછી હથિયાર હેઠા મુક્યા હોય ત્યાં પણ હાકેમને અધિકાર છે કે તે પૂજા સ્થળ બનાવવાની અનુમતિ આપે.

ઇતિહાસ સાક્ષી છે કે ઈસ્કંદરિયાનું પ્રસિદ્ધ દેવળ , ફિસ્તાતનું પ્રથમ દેવળ અને અબ્દુલ અઝીઝ બિન મરવાનના જમાનામાં હલવાન શહેરની સ્થાપના થઇ તો એક દેવળ બનાવવાની પરવાનગી આપવામાં આવી. આજ ઘણી બધી વાસ્તવિકતાઓને સામે રાખી ઇતિહાસવિદ મુખરજીએ પોતાના પુસ્તક ‘અલ ખત્ત’ માં લખ્યું છે કે ઇજિપ્તના બધા જ દેવળ ઇસ્લામી શાસનમાં બન્યા હતા.

બીજા ધર્મ પ્રત્યે મુસલમાનોની આ સહિષ્ણુતા ઉડી ને આંખે વળગે તેટલી સ્પષ્ટ છે. રોબર્ટસન તેના પુસ્તક ‘તારીખ શારકલન’ માં લખે છે કે મુસલમાન એક માત્ર સમુદાય છે જેમને પોતાનામાં અન્ય ધર્મોના માનનારાઓ સાથે સહિષ્ણુતાનું વલણ અપનાવ્યું.જાે કે તેઓ પોતાના ધર્મના પ્રસારમાં અતિ ઉત્સાહી હતા, છતાં જે લોકો ઇસ્લામમાં રૂચિ નહોતા રાખતા તેમને પણ પોતાના ધર્મ પર કાયમ રહેવાની સ્વતંત્રતા આપી.

મસ્જિદના નિર્માણ માટેની શરતો

સૈયદ સબાહુદ્દીન અબ્દુર્રહમાન તેમની કિતાબ બાબરી મસ્જિદમાં લખે છે કે, “કોઈ અવેધ કબ્જા વાળી જગ્યા પર તો મસ્જિદનું નિર્માણ બિલકુલજ યોગ્ય નથી અને જો બનાવવામાં આવે તો તે તોડી પાડવામાં આવે. મસ્જિદનું નિર્માણ કરવા સારૂ ઇસ્લામના વિદ્વાનોએ કુઆર્ન અને હદીસના આદેશ મુજબ સખત શરતો નિર્ધારિત કરી છે. તેમનો મત છે કે મસ્જિદ દેખાડા ખાતર અથવા પ્રસિદ્ધિ પામવા કે બીજી કોઈ ખોટી નિયતથી બનાવવામાં આવે, જેમાં અલ્લાહની પ્રસન્નતાની નિયત ન હોય, અથવા જે મસ્જિદો અપવિત્ર ધનથી બનાવવામાં આવે, તો તે મસ્જિદ- એ- જીરારની જેમ છે. અર્થાત્‌ તે મુસ્લિમોની નહીં, મુનાફિકો (દંભીઓ)ની મસ્જિદ છે.” (ઇસ્લામ, મુસલમાન અને ગેરમુસ્લીમ પુસ્તક માંથી પૃષ્ઠ ૪૯)

આ જ રીતે અનુચિત રૂપે ખરીદેલી જગ્યા પર મસ્જિદ બનાવવું યોગ્ય નથી (ફતાહુલ કદીર ભાગ ૨, પૃષ્ઠ ૮૭૫), અયોગ્ય રીતે મેળવેલી જગ્યા પર પણ મસ્જિદ બનાવવું યોગ્ય નથી. દાખલા તરીકે, કોઈના ઘરને બળપૂર્વક ઝૂંટવી મસ્જિદ બનાવવામાં આવશે તો તે મસ્જિદમાં નમાજ પઢવી જાઇઝ નથી. મસ્જિદના નિર્માણ માટે જગ્યા હલાલ હોવી અનિવાર્ય છે. અને તેની પરિભાષા આ છે કે તે સ્થાન પર કોઈ વ્યક્તિનો આગવો અધિકાર ન હોવો જોઈએ. (હિદાયા).

આના સિવાય એવી ઘણી બધી શરતોછે, જે અત્યારે લખવી શક્ય પણ નથી. જ્યારે કોઈ સ્થાન ઉપર મસ્જિદ બનાવવા આટલી બધી શરતો હોય તો આ કઇ રીતે શક્ય છે મુસલમાન અથવા તેમના વિજેતા અને શાસકો ધર્મસ્થળો તોડી ને મસ્જિદ બનાવે.

હાજીયા સોફિયાનો મામલો

A symbol of civilizations: Hagia Sophia

કેટલાક દિવસો પહેલા તુર્કીની સર્વોચ્ચ અદાલતે હાજિયા સોફિયાને મસ્જિદમાં પરિવર્તિત કરવાનો ચુકાદો આપ્યો તેને લઈને ખૂબ વાદ વિવાદ અને ચર્ચાઓ થઈ. આ ચુકાદો કોઈ અત્યાચાર નહોતો. આ સમઝવા તેનો ઇતિહાસ નજર સમક્ષ રાખવો જોઈએ.

૧૪૫૩માં સુલતાન ફાતેહ મુહમ્મદએ તલવારના બળે કુસ્તુંતુનીયા કબજે કર્યું હતું અને તે જમાનાના આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ વિજેતાને જે તે નગરમાં કંઈ પણ કરવાનો અધિકાર હતો. જે રીતે ખ્રિસ્તીઓએ સ્પેનને કબજે કર્યું હતું, ત્યારે ત્યાંના શહેરોની મસ્જિદોને બળપૂર્વક ચર્ચમાં પરિવર્તિત કરી દીધેલ. એ જ રીતે સુલ્તાન જો ઈચ્છતો તો ખ્રિસ્તીઓના પ્રખ્યાત ચર્ચને તાકતના બળે કબ્જે કરી મસ્જિદ બનાવી શકતો હતો. પરંતુ તેઓએ આવું ન કરતાં, એક મોટી રકમ ખર્ચ કરી આયા સોફીયા દેવળને વેચાણ લીધું હતું અને પછી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. તેના બધા દસ્તાવેજો અને રેકર્ડ મોજુદ છે. આ હિસાબે અદાલતે જે ચુકાદો આપ્યોછે તે વાજબી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું સ્વાગત થવું જોઈએ.

જે લોકો આ મામલાને બાબરી મસ્જિદ ઘટના સાથે જોડી જોઈ રહ્યા છે તેમનો મત યોગ્ય અને ન્યાયિક નથી. બાબરી મસ્જિદ સ્થળ નો ચુકાદો ટાઇટલ ના આધારે નહિ આસ્થાના આધારે આપવામાં આવ્યો છે.

બીજું, એ લોકો ઉપર સાચેજ આશ્ચર્ય થાય છે જેઓ ભારતમાં બાબરી મસ્જિદ મામલામાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને સહર્ષ સ્વીકાર કરે છે, પરંતુ તેમને તુર્કીની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી તકલીફ છે. અમુક લોકો એવા છે જેઓએ કહ્યું છે કે કોમી સૌહાર્દના કારણે તેને ચર્ચ જ બનાવી દેવું જોઈતું હતું. તેમને ખબર હોવી જોઈએ કે મામલો માલીકીનો હતો આસ્થાનો નહતો. અને અલ્લાહના ઘરને કોઈ ન બીજી વસ્તુમાં પરિવર્તિત કરી શકે છે ન વેચી શકે છે. એ તો મુસ્તફા કમાલે પોતાને સેક્યુલર ઘોષિત કરવા મસ્જિદને મ્યુઝીયમમાં ફેરવી જુલમ કર્યો હતો. તેણે તો ઇસ્લામી ચિહ્નોને પણ મટાડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં સુધી અન્ય ધર્મોના પૂજા સ્થળની વાત છે તો તેમના ધર્મશાસ્ત્રમાં એક પ્રોસેસ પછી તેને વેચવા કે પરિવર્તિત કરવાની પરવાનગી છે. જેમકે આજે પણ ઘણા બધા ચર્ચો વેચાઈ રહ્યા છે.

અમુક લોકોનું કહેવું છે કે વિજેતા કોઈ વસ્તુને ખરીદવા ઇચ્છે તો કોઈ તેને રોકી શકતું નથી. આ વાત સાચી હોઈ શકે પરંતુ મસ્જિદની બાબતમાં તે યોગ્ય નથી. જો વેચાણ આપનાર તૈયાર ન થાય તો તેની સાથે બળજબરી કરી શકાય નહિ. અને જો કોઈ બળજબરી પૂર્વક આવું કરે તો તેનામાં ઓછામાં ઓછી એટલી તો નૈતિક શક્તિ હોવી જોઈએ કે તેઓ સ્પષ્ટ કહે કે તમારે કબ્જો કરવો હોય તો કરી લો પણ અમે વેચીશું તો નહિજ. જેમકે ભારતમાં મુસલમાનોએ કર્યું કે બાબરી મસ્જિદ કયામત સુધી મસ્જિદ જ રહેશે. ભલે દેશની શાંતિ ખાતર મુસલમાનો એ કોર્ટના ચુકાદાને સ્વીકાર્યો હોય.

ઇસ્લામે તેનાં શાસનમાં દરેક ધર્મના પૂજા સ્થળો અને તેમના ધાર્મિક અધિકારો ની સુરક્ષાની ગેરંટી આપી છે. તેમની સાથે કોઈ પણ પ્રકારની બળજબરી ને

અયોગ્ય ઠેરવી છે. અન્ય ધર્મના લોકો તેમની પૂજા પદ્ધતિ સાથે રહી શકે અને પૂજા સ્થળો નું નિર્માણ પણ કરી શકે. તેમના પ્રત્યે ઇસ્લામ ખુબજ સહિષ્ણુ છે.ઇસ્લામ મસ્જિદ માટે કોઇ અવૈધ સ્થાન પર કબ્જા કરવાની કે અયોગ્ય રીતે ખરીદવાની પરવાનગી આપતો નથી. ઇસ્લામી ઇતિહાસના અધ્યયન થી સમાજમાં ફેલાતી ગેરસમજો નું નિવારણ ચોક્કસ જ કરી શકાય. 🔚


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here