ઓપન સ્પેસ

Published on August 2nd, 2018 | by Saeed Shaikh

0

અબ્રે કોહસાર (પર્વતમાળાનું વાદળ)

ડો. ઇકબાલની આ કવિતા કુદરતી દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. અહીં એમણે જે સુંદર પ્રાકૃતિક દૃશ્યનું વર્ણન કર્યું છે એ દાદને કાબેલ છે. આખી કવિતા ઊંચા ઊંચા પહાડો અને ડુંગરો ઉપર છવાયેલા વાદળોના સંવાદ ઉપર આધારિત છે. વાદળો વરસે છે તો ખેતરો લીલાછમ થઈ જાય છે. ખેડૂતો ખેતીમાં આનાથી ઘણો લાભ મેળવે છે. બગીચાઓમાં ફલો અને ફૂલોની ખેતી પણ વાદળો વિના શક્ય નથી.

(૧)

હૈ બુલંદી સે ફલક બોસ નશેમન મેરા
અબ્રે કોહસાર હું ગુલપાશ હૈ દામન મેરા
કભી સેહરા, કભી ગુલઝાર હૈ મસ્કન મેરા
શહેર વ વીરાના મેરા, બહર મેરા, બન મેરા
કિસી વાદીમેં જા મન્ઝૂરહો સોના મુઝકો
સબ્ઝહએ કુહ હૈ મખમલકા બિછોના મુઝકો

પ્રથમ બંદઃ-

શબ્દાર્થ: નશેમન-માળો, અબ્ર-વાદળ, કોહસાર-પર્વતમાળા, ગુલપાશ-ફૂલ વરસાવનાર, ફલકબોસ- આકાશને અડનાર, ઊંચું,

ભાવાર્થ: કવિતાની બધી જ પંક્તિઓમાં પ્રથમ પુરૃષ એકવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં પર્વતમાળાના વાદળ સંવાદ કરીને કહે છે કે મારૃ રહેવાનું સ્થળ ઊંચા ઊંચા પર્વતો ઉપર છે. પરંતુ ધરતી ઉપર ફૂલ વિખેરૃં છું. અર્થાત્ જ્યાં સુધી વરસું નહીં ત્યાં સુધી ફૂલો ઉગે નહીં. ક્યારેક રણમાં વરસું છું તો ક્યારેક ઉદ્યાનોમાં, આમ, શહેરો ઉપરાંત વેરાન પ્રદેશોમાં અને જંગલોમાં પણ હું વરસી પડું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે ધરતી ઉપરના સ્થળોને સંતૃપ્ત કરે છે.

વાદળ કહે છે ક્યારેક પહાડો ઉપર અને ખીણોમાં વરસું છું તો ત્યાં ઉગેલી મખમલ જેવી હરિયાળી જાણે મારી આરામગાહ બની જાય છે.

(૨)

મુઝકો કુદરતને સિખાયા હૈ દૂર્રેઅફશાં હોના
નાકએ શાહિદે રહમત કા હુદી ખ્વાં હોના
ગમઝદએ દિલે અફશુરદા દહેકાં હોના
રોનકે બઝમે જવાનાં ગુલિસ્તાં હોના
બનકે ગેસુ રૂખે હસ્તી પે બિખર જાતા હું
શાના મોજા સરસર સે સંવર જાતા હું

બીજો બંદઃ-

શબ્દાર્થ: દુર્રે અફશાં – મોતી વિખેરનાર, નાકા-ઊંટણી, હુદીખ્વાંં-ઊંટ ચરાવનારનં ગીત

ભાવાર્થ: આ બંદમાં પણ પર્વતમાળાના વાદળ કહે છે કે કુદરતે મને વરસાદના ટીપાના સ્વરૃપમાં ધરતી ઉપર મોતી વિખેરવાનું શીખવાડયું છે. આ ટીપાઓ જાણે કિંમતી મોતીઓ છે. હું જ્યારે વરસું છું એ દરમ્યાન ઉત્પન્ન થતો અવાજ ઊંટ ચરાવનારાઓના ગીતોથી પણ મધુર હોય છે. આખું વાતાવરણ જાણે સંગીતમય બની જાય છે. અને જ્યારે શુષ્ક અને વેરાન ખેતરો ઉપર વરસું છું તો ન જ મૃતઃપાય ધરતી પરંતુ એના માલિકો એવા ખેડૂતોના ઉદાસ હૃદયમાં પણ આનંદ અને ખુશી છવાઈ જાય છે. જ્યારે બગીચાઓ ઉપર વરસું છું ત્યાં ફળો અને ફૂલો ઉપર તાજગી અને સૌંદર્ય છલકાઈ ઉઠે છે.

મારૃં અસ્તિત્વ તો જીવન અને સૃષ્ટિ માટે હૃદયને ખુશ કરવા માટે છે. જ્યારે હવાઓ ચાલે છે ત્યારે હું એકજૂટ થઈ ધરતી ઉપર વરસું અને એને નવપલ્લવિત કરૃ છું. એમાં હવાની મદદ હોય છે. કહેવાનું તાત્પર્ય આ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે માત્ર કૃષિ ઉત્પાદનોમાં વધારો થાય છે, ફલો અને ફૂલોને પણ જીવન મળે છે અને આખી ધરતી લીલા રંગની ચુંદડી ઓઢી પોતાનું સૌંદર્ય વિખેરે છે.

(૩)

દૂર સે દીદએ ઉમ્મીદ કો તરસાતા હું
કિસી બસ્તી સે જા ખામોશ ગુઝર જાતા હું
સૈર કરતા હુઆ જિસ દમ લબે જુ આતા હું
બાલિયાં નહર કો ગરદાબકી પહેનાતા હું
સબ્ઝએ મઝરઆ નવખૈઝ કી ઉમ્મીદ હું મૈં
ઝાદએ બહર હું, પરવરદએ ખુરશીદ હું મૈં

ત્રીજો બંદઃ-

શબ્દાર્થ: મઝરઅ નવખેઝ-નવું ઉગેલું પાક, ઝાદએ બહર- જે સમુદ્રથી જન્મ્યું હોય

ભાવાર્થ:આ બંદમાં પર્વતમાળાનું વાદળ સંવાદ કરે છે કે આગળ કહ્યું એનાથી થોડું અળગું જો હું કોઈ વસ્તી ઉપરથી વરસ્યા વિના પસાર થઈ જાઉં તો જે ખેડૂતો અને માળીઓ મારા વરસવાની પ્રતિજ્ઞાા કરતા હોય તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ ઇશ્વરથી વરસાદ માટે પ્રાર્થના કરવા લાગે છે. અને જ્યારે કોઈ નદી ઉપર જોરથી વરસું છું ત્યાં પાણીમાં ભંવર સર્જાય છે.

વાસ્તવિકતા તો આ છે કે મારા અસ્તિત્વથી જ તાજા ઉગેલા પાક અને ઉદ્યાનોની હરિયાળી છે. હું એમના માટે આશા અને બળ છું. હું સમુદ્રમાં ઉત્પન્ન થયો છું અને સૂર્યએ મારો ઉછેર કર્યો છે. પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક નિયમો મુજબ સૂર્યની ગરમીના કારણએ સમુદ્રનું પાણી વરાળ બની ઉપર ઊડી જાય છે અને પછી અમુક જથ્થામાં ભેગું થતું રહે છે. જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે વાદળનું નિર્માણ થાય છે અને એ પાછુ પાણી સ્વરૃપે ધરતી ઉપરવરસે છે. આ પંક્તિમાં ઇકબાલે આ જ વૈજ્ઞાાનિક નિયમ તરફ ઇશારો કર્યો છે.

(૪)

ચશ્મએ કુહ કો દી શોરીશે કુલ્ઝુમ મૈને
ઔર પરીન્દો કો કિઆ મહુએ તરન્નુમ મૈંને
સર પે સબ્ઝા કે ખડો હો કે કહા કુમ મૈં ને
ગુન્ચએ ગુલકો દીયા ઝૌકે તબસ્સુમ મૈ ને
ફૈઝસે મેરે નમૂને હૈ શબીસ્તાનો કે
ઝોંપડે દામને કોહસાર મેં દેહકાનો કે

ચોથો બંદઃ-

શબ્દાર્થ: ચશ્મએ કૂહ – ઝરણુ, કુમ-ઉઠ, ઊભો થા, શબિસ્તાનોં- અમીરોના ઊંઘવાનું સ્થળ

ભાવાર્થ: આ છેલ્લા બંદમાં પર્વતમાળાનું વાદળ કહે છે કે પર્વતોમાંથી નીકળતા ઝરણાને મે જ જોશ અને મસ્તી આપી છે. મારા કારણે જ ગરમીથી ત્રસ્ત પક્ષીઓ સુખના શ્વાસ લઈ ગીતો ગાય છે. મારા કારણે જ પાયમાલ અને મુરઝાયેલ છોડવાસો ફરીથી નવપલ્લવિત થાય છે. એ હું જ છું કે જ્યારે ઉદ્યાનોમાં વરસું છું તો કળીઓ ખુશ્બુદાર ફૂલોમાં પરિવર્તિત થઈ જાય છે. અર્થાત્ મારા વિના આ બધું શક્ય નથી.

મારી કૃપાઓ અને ઉપકારથી જ પર્વતમાળાઓમાં વસ્તા ખેડૂતોની ઝુંપડપટ્ટીમાં પણ હર્ષોલ્લાસ વ્યાપી જાય છે, એટલા માટે કે મારા કારણે જ એમના ખેતરોમાં પાક લહેરાય છે અને એમને પ્રસન્નચિત રાખે છે. હું ખેડૂતો માટે હર્ષનું કારણ બનું છું.

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review