મનોમથંન

Published on August 27th, 2019 | by Dr. Farooque Ahmed

0

અનુચ્છેદ ૩૭૦ના છેદ પાછળના ભેદ બાબતે ખેદ…

નોટબંધી અને જીએસટી જેવા નાટ્યાત્મક અને ક્રાંતિકારી લાગતા પગલાં પાછળ છુપાયેલી આપખુદશાહી અને અવિચારીપણું ધીરે ધીરે ત્યારે સ્પષ્ટ થતું જઈ રહ્યું હતું જ્યારે કે, નોટબંધી માટે જાહેર કરાયેલા ધ્યેય અને તેના ફાયદા આગળ વધતા સતત બદલાવા લાગ્યા અને પૂરી તૈયારી વિના જીએસટીના અમલની  જાહેરાત થઈ અને એનાથી જે અરાજકતા ઊભી થઈ, તેના પછી એક માન્યતા તો દૃઢ થઈ કે ક્રાંતિકારી અને દુરોગામી હોઈ શકતા પગલાંઓ જાહેર કરી લોકોને આશ્ચર્યચકિત કરવામાં વડાપ્રધાન જેટલા માહેર છે તેટલા માહેર તેઓ અસરકારક અમલીકરણ અને તેના માટે જરૂરી ઝીણવટભર્યા – વિચારસજ્જ આયોજનમાં નથી. એટલું જ નહીં પરંતુ જ્યારે નોટબંધી જેવું પગલું સદંતર નિષ્ફળ ગયા પછી, ‘આટલું બધું થયું તો પણ કોણે શું બગાડી લીધું’ એવા વિચારથી વડાપ્રધાનને ‘આપખુદ’ બનવા પાછળનો આત્મવિશ્વાસ દૃઢ થતો ગયો.

આટલી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ કે કાશ્મીરનો વિશેષ દરજ્જો અને તેના રાજ્ય તરીકેનો દરજ્જો નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય ઉપરના બંને પગલાંની યાદ અપાવે એવો જ ક્રાંતિકારી, નાટ્યાત્મક અને દુરોગામી અસરો ધરાવતો લાગે છે. પરંતુ આગળના બંને અનુભવ પરથી એટલો તો બોધ લેવો જ પડે કે આવા નિર્ણયોના પરિણામ સુધી રાહ જોયા વિના પહેલા જ પગલે ફટાકડા ફોડીને ‘આજ મેરે યાર કી શાદી હૈ…’ના તાલમાં પણ આવી જવાની જરૂર નથી. પક્ષના લોકો કે વડાપ્રધાનપ્રેમીઓ આવું કરે તે સ્વાભાવિક છે. પણ, આવું કરે તે જ દેશપ્રેમી કે દેશભક્ત, અને આગામી દિવસોમાં આના આવનારા ગંભીર પરિણામો પર સાવચેતીપૂર્વક વિચાર કરે તે દેશદ્રોહી – એવા પ્રચારમાં દોરવાઈ કે ભેરવાઈ જવાની જરૂર નથી. આના બદલે  આખાય મુદ્દાને તેના ઇતિહાસની અટારીએથી તેમજ આખા ઘટનાક્રમનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા અને સમજવાની જરૂર છે.

છેક ૧૯૪૭થી જ કાશ્મીરી લોકો ઇન્ડો-પાક અને બાંગ્લાદેશના ઉપખંડની સૌથી કમનસીબ જનતા રહી છે. વર્ષોથી તેમની સ્વતંત્રતા નકારાઈ રહી છે, અને તેમના મૂળભૂત અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. કાશ્મીરીઓ પર એક અથવા બીજી રીતે સતત અત્યાચાર સાથે તેમને અપાયેલા વચનોને પૂર્ણ કર્યા વગર મૂળભૂત અધિકારોનો પણ અસ્વીકાર કરવામાં આવતો રહ્યો છે.

કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરનો વિશેષ દરજ્જો રાજ્યની જનતાના પ્રજામત અને તેના પ્રતિનિધિઓની સલાહ વગર એકતરફી રીતે માત્ર રાષ્ટ્રપતિના હુકમનામા દ્વારા નાબૂદ કરવો, એ લોકશહીના પૂર્ણ સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી બે જુદા જુદા ભાગોમાં વહેંચી કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરવાનો, રાજ્યમાં વિવિધ પ્રતિબંધો લાદી ભયનું વાતાવરણ ઊભું કરી એકતરફી લેવાયેલો સંવેદનશીલ અને દુરોગામી નિર્ણય આવનારા દિવસોમાં દેશ માટે ગંભીર પરિણામો સર્જી શકે છે. નિર્ણયો લેવાની આ પ્રકારની ઢબ ભારતીય લોકશાહીની પરંપરાઓની વિરુદ્ધ તેમજ દેશના ફેડરલ માળખાને ગંભીર નુકસાનકર્તા નીવડી શકે છે. રાજ્યમાં જનતાના મૂળભૂત અધિકારોનું સરેઆમ હનન કરીને, લશ્કરી તકેદારી અસાધારણ રીતે વધારીને, રાજકીય નેતાઓની ધરપકડ કરીને, શૈક્ષણિક સંકુલો બંધ કરીને, સંદેશાવ્યવહારના સ્રોતો અવરોધીને, રાજ્યને વિશ્વથી અલિપ્ત કરીને દમનનું વાતાવરણ ઊભું કરી લેવાયેલો આ પ્રકારનો એકતરફી નિર્ણય દેશ માટે ગંભીર ચિંતાનું કારણ છે.

ઘાતકી અને કર્ફ્યુની પરિસ્થિતિમાં હાંસિયામાં ખસેડી ઊંડી ગર્તામાં ધકેલી દેવાયેલા હતાશ કાશ્મીરીઓને હથેળીમાં ચાંદ બતાવવાની આ પરિસ્થિતિઓમાં પણ કોઈ આશાનું કિરણ નજરે પડતું નથી.

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં પણ વર્ષોથી રશિયામાં ચાલી આવતી ‘Oligarchy Governance’ની પ્રથા પ્રમાણે શાસન કરવામાં લીન શાસકો દ્વારા માત્ર આઠ-દસ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને ફાયદો કરાવવા અને એક જ શાસકને વારંવાર શાસન સંભાળી એકતરફી નિર્ણયો લેવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટરૂપે પ્રતીત થતું જોવાઈ રહ્યું છે.

હવે,  આ પરિસ્થિતિમાં આપણે એક અપેક્ષિત આશા સેવી શકીએ છીએ કે સરકારને મસમોટી ખાઈ જેવી ભૂલની હકીકત સમજાય અને તાત્કાલિક ધોરણે સુધારાત્મકતા તરફના પગલાં લઈ એક કરોડથી વધુ કમનસીબ કાશ્મીરીઓના દિલમાં પારસ્પરિક વિશ્વાસનો સેતુ સર્જે, તેમનામાં આત્મવિશ્વાસનું પુનઃસ્થાપન કરે અને તેઓની આશાઓ પુનઃ જીવિત કરી પૂર્ણ કરવામાં આવે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review