Saturday, April 27, 2024
Homeઓપન સ્પેસસંસ્થા પરિચયઅંજુમને ઇમ્દાદે બાહમી મોડાસા

અંજુમને ઇમ્દાદે બાહમી મોડાસા

આ અંકની પ્રસ્તુતીમાં આપણી સાથે સંસ્થાના પ્રમુખ જ. અબૂબકર શેઠે અમારી સાથે વાતચીત કરી જેના કેટલા અંશો અમારા વાંચકો માટે રજૂ કરીએ છીએ.

પ્રશ્ન: આપનો ટૂંક પરિચય?

ઉત્તર: મારૃ નામ અબૂબક્ર છે. છેલ્લા ૩૦ વર્ષથી ઇસ્લામી આંદોલન સાથે સંલગ્ન સંસ્થાઓ સાથે ઇજ્તેમાઇયતમાં કાર્ય કરવાનું અનુભવ છે. આ પહેલાં સ્વરોજગાર માટે ૧૦ વર્ષ રિયાધમાં રહ્યો હતો. અત્યારે મોડાસામાં વાસણનો વેપાર સાથે સંકળાયેલ છું. અને ઇ.સ. ૨૦૦૧થી અંજુમને ઇમ્દાદે બાહમી મોડાસાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું.

પ્રશ્ન: સંસ્થાનો પરિચય?

ઉત્તર: અંજુમને ઇમ્દાદે બાહમી વ્યાજરહિત લોન આપતી સંસ્થાની સ્થાપના ૧૯૮૫માં કરવામાં આવી હતી. જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના ભાઇઓએ સઘન વિચારણા પછી આવી જરૂરતને અનુલક્ષીને તેની શરૃઆત કરી હતી.

પ્રશ્ન: મોડાસા ખાતે આજથી ૩૦ વર્ષ પહેલાં અંજુમનની સ્થાપનાની જરૂરત કેમ અનુભવી?

ઉત્તર: આપણે જાણીએ છીએ અને ઈમાન પણ ધરાવીએ છીએ કે ઇસ્લામમાં વ્યાજની લેવડદેવડને કુઆર્નમાં સ્પષ્ટ રીતે હરામ ઠેરવવામાં આવ્યું છે. “અલ્લાહ વ્યાજને મૂઠ મારે છે અને સદ્કાતને વૃદ્ધિ આપે છે.” (સૂરઃ બકરા)

આ શ્રધ્ધા અને ઇમાન સાથે સમાજના ખૂબ જ જરૂરતમંદ પોતાના નવા રોજગાર વગર વ્યાજે લોન લઇ પગભર થઇ શકે તે હેતુને પૂર્ણ કરવા અમે આ નેક કાર્યની શરૃઆત કરી હતી. આપ જાણો જ છો આવા જરૂરતમંદોને વ્યક્તિગત રીતે પણ અને નાણાકીય સંસ્થાઓ પણ આસાનીથી લોન આપતી નથી. અને કર્ઝે હસનાને તો ઇબાદતમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. વ્યાજની ઘૃણાસ્પદ સિસ્ટમ જેમાં શોષણની નીતિ હોય છે તેમાં આ વર્ગને બચાવીને યોગ્ય મદદ કરવા આવી સંસ્થાની અનિવાર્યતા હતી.

પ્રશ્ન: આ યાત્રા દરમિયાન કેવા પડકારોનો સામનો કરવો પડયો?

ઉત્તર: ખૂબ જ નાના પાયે અમે આની શરૃઆત કરી હતી. કોઇ ખાસ અડચણ અને મુશ્કેલી આવી ન હતી. શરૃઆતમાં રૃા. ૪૦૦૦૦ના  ભંડોળ સાથે અમે શરૃઆત કરી હતી. અને રૃા. ૫૦૦૦ સુધી લોન આપતા હતા. એટલે પંદર વર્ષ સુધી તો અમારૃં કામ બહુ સીમીત હતું અને બચત ખાતા દ્વારા અમને માસિક થાપણ મળતી હતી. પંરતુ ઇ.સ. ૨૦૦૦ પછી અમે સંસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો અને સમાજના સાહેબે ખૈર સદ્ગ્રસ્તોને પોતાનું યોગદાન અને સહકાર આપવા અપીલ કરી. અલ્લાહના ફઝ્લથી અમને સુંદર સહયોગ મળ્યો. અમને લોન થાપણ અને લિલ્લાહ ફંડ દ્વારા સારી એવી રકમ પ્રાપ્ત થઇ  અને અમારા ઉત્સાહમાં વધારો થયો. એ પછી લોનની રકમમાં પણ વૃદ્ધિ કરી અત્યારે રૃા. ૫૦૦૦૦ સુધી અમે લોન આપીએ છીએ.

પ્રશ્ન: અત્યારે સુધી કેટલા ભાઇઓએ આનો લાભ લીધો અને ક્યા પ્રકારના વ્યક્તિઓ આનાથી લાભ લે છે?

ઉત્તર: છેલ્લા ૩૦ વર્ષમાં લગભગ ૯૦૦ વ્યક્તિઓને અમે લોન આપી શક્યા છીએ. અને ૨૦૧૫ના વર્ષમાં ૧૭૨ વ્યક્તિઓને રૃા. ૪,૨૦,૦૦૦/- રૃપિયાની લોન આપી છે.અને અલ્લાહના કરમથી એક પણ વ્યક્તિ ડિફોલ્ડર નથી થયો. લોન લેનાર વ્યક્તિઓ નાના રોજગાર કટલરી, પ્રોવીઝન, કરિયાણા તેમજ લારી-ગલ્લા ધરાવતા ભાઇઓ ગૃહઉદ્યોગમાં મેહનત કરી રોજગાર મેળવતી મહિલાઓ  રિકશા અને લારી દ્વારા મહેનતકશ વ્યક્તિઓ, ઓટો-રિપેરીંગના કારીગરો, શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અજ્યુકેશન લોન, વિદેશ જવા માટે તેમજ વ્યાજમાંથી બચવા અથવા દાગીના છોડાવવા માટે વિવિધ ક્ષેત્રે લોન આપેલ છે.

પ્રશ્ન: સંસ્થાનું ભવિષ્યનું આયોજન?

ઉત્તર: છેલ્લા ૩૦ વર્ષના આ સફરમાં અલહમ્દુલિલ્લાહ આ સંસ્થાએ ઉત્તરોત્તર તબક્કાવાર સંતોષજનક પ્રગતિ કરી છે. એટલે સંસ્થાના હોદ્દેદારો કારોબારી કમીટીએ આ સંસ્થાને શિસ્તપુર્વક, પારદર્શક અને આયોજનપુર્વક વિસ્તાર કરવાનું નક્કી કરેલ છે. સંસ્થાને કો-ઓપરેટીવ સોસાયટીમાં રજિસ્ટર કરી માઇક્રોફાઇનાન્સ સોસાયટીની જેમ કાર્યરત્ કરવાનો નિર્ણય લીધેલ છે. અને ઇન્શાહઅલ્લાહ આ સંસ્થા સહૂલત નોન ઇન્ટરેસ્ટ કો.ઓ.સો. લીમીટેડ તરીકે ટૂંકમાં જ કાર્યરત્ થશે.

પ્રશ્ન: યુવાસાથીના વાંચકો માટે શું સંદેશ છે?

ઉત્તર: મુસ્લિમ સમાજમાં વ્યાજરહિત સંસ્થાઓની જરૂરત માટે પ્રચાર-પ્રસાર અને રચનાત્મક પ્રયત્નો કરવાનું કામ એક ઇબાદત તરીકે કરવું જોઇએ. અને આ કામ ઇન્ફાક ફી સબીલિલ્લાહ સમજી જો નિખાલસ્તાપૂર્વક પ્રયત્નો કરવામાં આવે તો આવી સંસ્થાઓ ગુજરાતમાં બીજા શહેરોમાં શરૃ કરી શકાય છે. યુવાસાથીના વાંચકોથી મારી અપીલ છે કે આ નેક કાર્યને પોતાની ફરજ સમજી અદા કરે. અલ્લાહ આપણી મદદ કરે તેવી દુઆ કરૃં છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments